Categories
વાચન સમૃદ્ધિ

રામાનંદ સાગર

જ. 29 ડિસેમ્બર, 1917 અ. 12 ડિસેમ્બર, 2005

ફિલ્મ અને ટીવી સિરિયલ ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક, પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક રામાનંદ સાગરનું મૂળ નામ તો ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું હતું. પિતા દીનાનાથ ચોપરા સાહિત્યકાર હોવાથી બાળપણથી જ રામાનંદ પર સાહિત્યસર્જનના સંસ્કાર પડેલા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લાહોર ખાતે અને ઉચ્ચશિક્ષણ તેમણે શ્રીનગરની કૉલેજમાંથી પ્રાપ્ત કર્યું હતું. સંસ્કૃત વિષય સાથે પંજાબ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી તેમણે સુવર્ણચંદ્રક સાથે પ્રાપ્ત કરી હતી અને પર્શિયન વિષયમાં સર્વાધિક ગુણ મેળવી ‘મુનશી ફઝલ’ નામની પદવી પણ હાંસલ કરી હતી. દહેજપ્રથાનો વિરોધ કરવાના કારણસર રામાનંદ સાગરને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, તેથી ભરણપોષણના સાધન તરીકે તેમણે પટાવાળા, ટ્રક-ક્લીનર અને સાબુના વિક્રેતા તરીકે પણ કામગીરી કરી હતી. રાત્રિના સમયે ભણવાનું ચાલુ રાખી એ જ સમયમાં ‘ડાયરી ઑવ્ અ ટીબી પેશન્ટ’ નામે એક સર્જનકથા લખી, જે ‘અદલ-એ-મશરિક’ નામના તત્કાલીન જાણીતા સામયિકમાં હપતાવાર પ્રસિદ્ધ થઈ હતી જે તેમની પ્રથમ કૃતિ તરીકે ખૂબ લોકપ્રિય નીવડી. રામાનંદ સાગર શરૂઆતમાં ‘દૈનિક પ્રતાપ’ અને ત્યારબાદ ‘દૈનિક મિલાપ’માં જોડાયા હતા. 1948માં તેમની નવલકથા ‘ઔર ઇન્સાન મર ગયા’ પ્રકાશિત થઈ, જે ખૂબ લોકપ્રિય બનેલી. 1951માં તેમણે સાગર આર્ટસ’ની સ્થાપના કરી અને તેના નેજા હેઠળ 1951થી 1985ના ગાળામાં તેમણે 50 ચલચિત્રોનું નિર્માણ કર્યું. ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડાવાળો’નું નિર્માણ તેમણે કર્યું હતું. દૂરદર્શન પર સળંગ 71 હપતામાં પ્રદર્શિત થયેલી દૃશ્ય-શ્રાવ્ય શ્રેણી ‘રામાયણ’ (1986-88) દેશ-વિદેશના કરોડો લોકોએ નિહાળી અને ખૂબ લોકપ્રિય રહી. ભારત સરકારે 2001માં તેમને પદ્મશ્રીથી નવાજ્યા હતા અને જમ્મુ યુનિવર્સિટીએ તેમને માનદ્ ડૉક્ટરેટની પદવી પણ અર્પણ કરી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

વિજય આનંદ ગજપતિ રાજુ

જ. 28 ડિસેમ્બર, 1905 અ. 2 ડિસેમ્બર, 1965

ભારતીય ક્રિકેટ ખેલાડી અને ‘વિઝી’ના હુલામણા નામથી ઓળખાતા મહારાજકુમાર ઑફ વિજયાનગરમના રાજવીનું પૂરું નામ રસ વિજય આનંદ ગજપતિ રાજુ હતું. તેમણે અજમેરની માયો કૉલેજ અને ઇંગ્લૅન્ડની હેલીબરી ઍન્ડ ઇમ્પીરિયલ સર્વિસ  કૉલેજમાં અભ્યાસ કર્યો. તેઓ ટેનિસ અને ક્રિકેટના ખેલાડી હતા. તેમણે 1926માં તેમની ક્રિકેટટીમ બનાવી તેમાં ભારતીય અને વિદેશી ખેલાડીઓની ભરતી કરી. 1936માં ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટટીમના તેઓ કૅપ્ટન હતા. ત્રણ ટેસ્ટમૅચોમાંથી બે મૅચ હાર્યા અને એક ટેસ્ટમૅચ ડ્રૉ થઈ હતી. તેમણે આ પ્રવાસમાં ક્રિકેટર લાલા અમરનાથને અશિસ્તભર્યા વર્તન માટે ભારત પાછા મોકલ્યા હતા. આથી ક્રિકેટજગતમાં હલચલ મચી ગઈ હતી. તેમણે દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનમાં વાઇસરૉય લૉર્ડ વિલિંગ્ડન નામ પરથી એક પેવેલિયનનું દાન આપ્યું હતું. તેમના  પ્રોત્સાહનથી કાનપુર ટેસ્ટ ક્રિકેટનું કેન્દ્ર બન્યું. તેઓ 1954થી 1957 સુધી BCCIના પ્રમુખ હતા અને વર્ષો સુધી ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તેમના આમંત્રણને માન આપી સી. કે. નાયડુએ 1956-57માં ઉત્તરપ્રદેશની ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમણે 1948-49માં વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીથી રેડિયો કૉમેન્ટરી આપવાનું શરૂ કર્યું હતું. 1959માં તેઓ ભારતના ઇંગ્લૅન્ડપ્રવાસ વખતે બીબીસી માટે મહેમાન કૉમેન્ટેટર હતા. તેઓ મૅચનું જીવંત વર્ણન કરવા કરતાં મૅચની આલોચના કરવા માટે વધુ પ્રસિદ્ધ હતા. તેઓ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 1944માં બનારસ યુનિવર્સિટીએ તેમને માનદ ડૉક્ટર ઑફ લૉની ડિગ્રી આપી હતી. તેમની યાદમાં એક આંતર ઝોનલ યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિઝી ટ્રૉફી આપવામાં આવે છે. 1958માં ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

લાન્સ નાયક આલ્બર્ટ એક્કા

જ. 27 ડિસેમ્બર, 1942 અ. 3 ડિસેમ્બર, 1971

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અદ્વિતીય પરાક્રમ કરી શહીદ થનાર આલ્બર્ટ એક્કાનો જન્મ બિહારના ગુમલા જિલ્લાના જરી ગામમાં થયો હતો. પિતા જુલિયસ અને માતા મરિયમ. પ્રાથમિક શિક્ષણ સી. સી. સ્કૂલ, પટરાટોલીમાં અને માધ્યમિક શિક્ષણ મિડલ સ્કૂલ, ભીખાપુરમાં મેળવ્યું. બાળપણથી સેનામાં જોડાવાની ઇચ્છા હતી. તેઓ સારા હૉકી ખેલાડી હતા. 1962માં ભારતીય સેનામાં જોડાયા. 3 ડિસેમ્બર, 1971ની રાત્રે 14મી ગાર્ડ્ઝની કંપનીના 120 જવાનો સાથે લાન્સનાયક આલ્બર્ટ એક્કા અગરતલાથી ચારેક કિમી.ના અંતરે આવેલા ગંગાસાગર તરફ નીકળ્યા. રસ્તામાં પાકિસ્તાની સૈનિકોએ ઍન્ટિટૅન્ક અને ઍન્ટિપર્સોનેલ સુરંગો પાથરી હતી. રેલવે ટ્રૅકના માટીના પાળા પર ચાલતા એક સૈનિકનો પગ તારમાં આવતાં પ્રકાશ  થયો. થોડે દૂર બંકરની બહાર ઊભેલા પાકિસ્તાની સૈનિકે આ જોયું. આબ્લર્ટે દોડીને તેની છાતીમાં બૅયોનેટ મારી. બીજા સૈનિકો આવી પહોંચતાં બંકરમાંના સૈનિકોને મારી નાખ્યા. ગોળીબારમાં આપણા કેટલાક સૈનિકો શહીદ થયા. આલ્બર્ટને પણ ગોળી વાગી. તેમ છતાં તેઓ ગોળીબાર કરતા દુશ્મનના બંકર તરફ ગયા. આ દરમિયાન તેમને હાથમાં અને ગરદનમાં ગોળી વાગી તોપણ દુશ્મનોને માર્યા. પાકિસ્તાની સૈનિકો રેલવેની ઊંચી કૅબિનમાં હતા. આલ્બર્ટ ઘાયલ થયા હતા તોપણ તેઓ ઘસડાઈને કૅબિન સુધી પહોંચ્યા અને ગ્રેનેડનો મારો કર્યો. ગોળીબાર વચ્ચે તેઓ કૅબિનની સીડી ચડી ઉપર ગયા અને દુશ્મનોનો સફાયો કર્યો. લોહી વહી જવાથી અશક્તિ આવી હતી તોપણ કૅબિનની બહાર નીકળ્યા. સીડીના પગથિયે પડી જતાં તેમનો નિષ્પ્રાણ દેહ ગબડીને જમીન પર નીચે આવ્યો. બહાદુરી અને હિંમતપૂર્વક દુશ્મનોનો સફાયો કરી સાથી સૈનિકોના જીવ બચાવી શહાદત વહોરનાર આલ્બર્ટ એક્કાને પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો છે. ઝારખંડના રાંચીમાં ‘આલ્બર્ટ એક્કા ચૉક’માં તેમનું પૂતળું મૂકવામાં આવ્યું છે.