Categories
વાચન સમૃદ્ધિ

ઉદયપ્રભા મહેતા

જ. ૨૬ જૂન, ૧૯૧૪ અ. ૧૫  એપ્રિલ, ૧૯૮૬

રૂઢિચુસ્ત સમાજમાં નારી જાગૃતિની શક્તિ દેખાડી અને ગુજરાતની એક ગૌરવવંતી અને ક્રાંતિકારી નારી તરીકે નામના પામનાર ઉદયપ્રભાબહેનનો જન્મ અમદાવાદની માંડવીની પોળમાં એક ચુસ્ત વૈષ્ણવ કુટુંબમાં થયેલો. માત્ર ચાર વર્ષની વયે તેમના પિતાનું  અવસાન થયું હતું. માતાનાં સંસ્કાર, જતન અને વહાલને કારણે એમને સામાજિક જીવનમાં વિકસવાની સુવિધા મળી હતી. મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી એસ. એલ. યુ. આર્ટ્સ કૉલેજમાંથી ૧૯૩૪માં ગ્રૅજ્યુએટ થયાં. ભણતર પૂરું થયા પછી એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરી, પરંતુ તેમાં ખાસ  રસ ન પડ્યો. ૧૯૩૨માં સ્થપાયેલ જ્યોતિસંઘમાં તેમણે ખંડ સમય માટે કામ કર્યું. પાછળથી તેનાં પ્રમુખ પણ બન્યાં અને સંઘ સાથે કાયમ જોડાયેલાં રહ્યાં. ગાંધીજીની પ્રેરણાથી તેમણે આજીવન ખાદી અપનાવી હતી. તેમનું જીવન સાદગીપૂર્ણ હતું. ૧૯૩૦થી ૧૯૪૨ની લડતમાં તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રોજ સવાર પડે પ્રભાતફેરીમાં જવું, દેશભક્તિનાં ગીતો ગાવાં, આઝાદીના નારા લગાવવા, સરઘસો કાઢવાં, પત્રિકાઓ લખવી-વહેંચવી, વિદેશી કાપડનો બહિષ્કાર કરવો, ઘેર ઘેર ખાદી વેચવી, દારૂનાં પીઠાં પર પિકેટિંગ કરવું વગેરે પ્રવૃત્તિઓમાં તેઓ નીડરપણે ભાગ લેતાં. તેઓ સ્ત્રીઓની સ્વતંત્રતા, સમાનતા જેવા મૂળભૂત અધિકારોમાં માનતાં. તે સમયે તેમણે ભાઈદાસભાઈ મહેતા સાથે સ્નેહલગ્ન કરેલાં અને આઝાદીની લડત સાથે સાથે એક પત્ની, માતા તથા ગૃહિણીની ફરજ પણ નિભાવતાં રહ્યાં. તેઓ આજીવન સમાજસેવાના કાર્ય સાથે જોડાયેલાં રહ્યાં હતાં. અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડમાં ૧૯૪૬થી સ્ત્રીઓનાં પ્રતિનિધિ ચૂંટાયાં. ૧૯૫૪માં ચૅરમૅન થયાં. ૧૯૫૬માં અખિલ હિંદ મહિલા પરિષદ, એલિસબ્રિજ શાખામાં ઉપપ્રમુખ અને પછી પ્રમુખ બન્યાં. ૧૯૬૯માં ગુજરાત સ્ત્રી કેળવણી મંડળમાં પ્રમુખ થયાં. કેટલીક બૅંક તથા સંસ્થાઓ સાથે એમણે સક્રિય કામગીરી કરી. તેઓ આકાશવાણી, મહીપતરામ રૂપરામ આશ્રમ અને વિકાસગૃહ સાથે પણ ગાઢ રીતે સંકળાયેલાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

મૂળશંકર મોહનલાલ ભટ્ટ

જ. ૨૫ જૂન, ૧૯૦૭ અ. ૩૧ ઑક્ટોબર, ૧૯૮૪

તેઓ ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી, બાળસાહિત્યકાર, અનુવાદક અને જીવનચરિત્રકાર હતા. તેમણે બાળસાહિત્ય અને સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેઓ ગુજરાતીમાં જૂલે વર્નની કૃતિઓનું ભાષાંતર કરવા માટે જાણીતા છે. ભાવનગરમાં મોહનલાલ અને રેવાબહેનને ત્યાં જન્મેલા મૂળશંકરભાઈએ ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિમાંથી શાળાકીય શિક્ષણ (વિનીત) પૂર્ણ કર્યું હતું. તેમણે ૧૯૨૧માં મૅટ્રિક પાસ કરીને ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૯૨૭માં મુખ્ય વિષય તરીકે સંગીત અને દ્વિતીય વિષય તરીકે હિન્દી-ગુજરાતી સાથે સ્નાતક(સંગીતવિશારદ)ની પદવી પ્રાપ્ત કરી હતી. મૂળશંકર ભટ્ટે તેમના શિક્ષણકાર્યની શરૂઆત ૧૯૨૯માં મુંબઈના વિલેપાર્લે સ્થિત બૉમ્બે નૅશનલ સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે કરી હતી. ત્યારબાદ તેઓએ ભાવનગરમાં આવેલી દક્ષિણામૂર્તિ સંસ્થામાં ૧૯૩૦થી ૧૯૩૯ સુધી શિક્ષક અને રેક્ટર તરીકે, ઘરશાળામાં ૧૯૩૯થી ૧૯૪૫ સુધી શિક્ષક તરીકે, ૧૯૪૫થી ૧૯૫૩ સુધી ગ્રામદક્ષિણામૂર્તિ આંબલામાં આચાર્ય તરીકે અને ત્યારબાદ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં શિક્ષક અને રેક્ટર તરીકે સેવા આપી અને એ જ સમયગાળા દરમિયાન તેમણે લોકસેવા મહાવિદ્યાલયના આચાર્ય તરીકે પણ સેવા આપી. ૧૯૬૫માં નિવૃત્ત થયા પછી પણ અનેક સંસ્થાઓમાં તેમણે માનદ સેવા આપવાનું ચાલુ રાખ્યું. જૂલે વર્ન(ફ્રેન્ચ નવલકથાકાર, કવિ અને નાટ્યકાર)ની વિજ્ઞાન-સાહસકથાઓ જેમાં ‘સાગરસમ્રાટ’, ‘ગગનરાજ’, ‘પાતાળપ્રવેશ’, ‘સાહસિકોની સૃષ્ટિ’, ‘૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા’, ‘બલૂન પ્રવાસ’ વગેરે તેમની મુખ્ય અનુવાદની કૃતિઓ છે. આ ઉપરાંત વિક્ટર હ્યુગોની વિશ્વવિખ્યાત નવલકથા ‘લા-મિઝરેબલ’નો ‘દુ:ખિયારાં’ નામે તેમનો અનુવાદ જાણીતો છે. આવા મહાન ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી મૂળશંકર મોહનલાલ ભટ્ટે ભાવનગરમાં અંતિમ શ્વાસ લીધો. મૂળશંકર ભટ્ટને નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદોની પરંપરામાં અંતિમ કડી માનવામાં આવે છે. તેમની શિક્ષણપદ્ધતિઓ અને સાહિત્યિક યોગદાન આજે પણ પ્રેરણારૂપ છે.

Categories
વાચન સમૃદ્ધિ

પંડિત ઓમકારનાથ ઠાકુર

જ. ૨૪ જૂન, ૧૮૭૯ અ. ૨૯ ડિસેમ્બર, ૧૯૬૭

ભારતના શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાનાના મહાન ગાયક, સંગીતજ્ઞ. પંડિતજીનો જન્મ શિવઉપાસક દંપતી ગૌરીશંકર તથા ઝવેરબાને ત્યાં થયો હતો. પિતાનું અકાળે અવસાન અને વિકટ આર્થિક પરિસ્થિતિને કારણે બાળપણમાં રામલીલામાં કલાપ્રસ્તુતિની નોકરી સ્વીકારી. ત્યાં શ્રેષ્ઠી શાપુરજીની નજરમાં આવતાં એમને પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરજી પાસે સંગીતની તાલીમ અપાવવાની સગવડ કરી આપવામાં આવી. ઓમકારનાથજીની સંગીત પ્રત્યેની નિષ્ઠા, ખંત અને નિપુણતા જોતાં તાલીમને અંતે પલુસ્કરજીએ પંડિતજીના લાહોર ગાંધર્વ સંગીત મહાવિદ્યાલયમાં આચાર્યપદે નિમણૂક કરી, સાથે ભારત તથા યુરોપમાં પંડિતજીએ અનેક કાર્યક્રમો આપ્યા. પંડિતજીએ ગાયનમાં પલુસ્કરજીની સાથે ઉસ્તાદ રહેમત ખાનની ગાયનશૈલી પણ અપનાવી હતી. પંડિતજી ખયાલશૈલીની સાથે ધ્રુપદ-ધમાર તેમ જ ઠૂમરી પણ અદભુત રીતે પ્રસ્તુત કરતા. શાસ્ત્રીય સંગીતની શુદ્ધતા જાળવીને હૃદયને સ્પર્શે એવી પોતાની આગવી શૈલીમાં ભજન ગાયન એ પંડિતજીની ઓળખ બની હતી. પંડિતજીનો ગાયેલો રાગ નીલાંબરી, માલકોશમાં ‘પગ ઘૂંઘર બાંધ’, ભૈરવીમાં ‘જોગી મત જા’ તેમ જ કવિ શ્રી ન્હાનાલાલની રચના ‘વિરાટનો હિંડોળો’ સંગીતના ભાવકો માટે સાંગીતિક તૃપ્તિની સાથે એક તરસ છોડી જનાર કલાકૃતિ સમાન હતાં. તેઓ કુશળ તરવૈયા પણ હતા. પંડિતજીનાં પત્ની ઇંદિરા દેવી તેમજ નવજાત સંતાનના અવસાન બાદ પંડિતજીએ તોડી રાગને સદાને માટે તિલાંજલિ આપી. પંડિતજી સંગીતના મર્મજ્ઞ, પ્રકાંડ પંડિત હતા. સંસ્કૃત, હિન્દી, વેદો, શાસ્ત્રોના જ્ઞાતા અને અભ્યાસી હતા. ‘પ્રણવ રંગ’ તખલ્લુસથી એમણે અનેક શાસ્ત્રીય બંદિશોની રચના કરી. ‘રાગ અને રસ’, ‘સંગીતાંજલિ’ છ ભાગમાં તેમજ ‘પ્રણવભારતી પંડિતજીરચિત પુસ્તકો છે. પદ્મશ્રી અને અનેક સન્માનોથી તેમને નવાજવામાં આવ્યા હતા. પંડિતજીની જન્મશતાબ્દીએ ભારત સરકાર દ્વરા એમની સ્ટૅમ્પ પ્રકાશિત કરવામાં આવી હતી. બુલંદ છતાં મીઠા સુરીલા અવાજ, સંગીતના જ્ઞાન અને સેવા માટે પંડિત ઓમકારનાથ ઠાકુર સદાય યાદ રહેશે.