Categories
વાચન સમૃદ્ધિ

સુભાષચંદ્ર બોઝ

જ. 23 જાન્યુઆરી, 1897 અ. 18 ઑગસ્ટ, 1945

ભારતમાં બ્રિટિશરો સામે સશસ્ત્ર લડાઈ કરનાર અને તે માટે આઝાદ હિંદ ફોજની રચના કરનાર મહાન સ્વાતંત્ર્યસેનાની સુભાષચંદ્ર બોઝનો જન્મ કટક, ઓડિશામાં થયો હતો. બાળપણથી જ તેમને અસામાન્ય બુદ્ધિમત્તા, ધૈર્ય, સંગઠનશક્તિ, અમોઘ વક્તૃત્વ જેવા ગુણોનું વરદાન મળ્યું હતું. કૉલકાતામાં બી.એ.ની પરીક્ષા પાસ કરી લંડનમાં આઈ.સી.એસ.નો અભ્યાસક્રમ પૂરો કર્યો. ત્યારબાદ ભારતમાં તેમના રાજકીય ગુરુ ચિત્તરંજન દાસની પ્રેરણાથી રાજકારણમાં આવ્યા અને બંગાળ કૉંગ્રેસમાં આગવું સ્થાન ઊભું કર્યું. 1938માં 41 વર્ષની વયે કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાયા. સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લઈ 1941 સુધીમાં 11 વાર જેલવાસ ભોગવ્યો. 1939માં ગાંધીવાદી સભ્યો સાથે મતભેદ થતાં કૉંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને કૉંગ્રેસમાં ફૉર્વર્ડ બ્લૉક સ્થાપ્યો. તેઓ માનતા કે બ્રિટિશ સામ્રાજ્યશાહી સામે સશસ્ત્ર સામનાની વધુ આવશ્યકતા છે. આ જ વર્ષ દરમિયાન બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે સમગ્ર દેશનો પ્રવાસ કરી એક હજાર સભાઓ સંબોધી યુદ્ધવિરોધી પ્રચાર કર્યો. 17 જાન્યુઆરી, 1941ની રાત્રે કૉલકાતાના નિવાસસ્થાનેથી સરકારની નજરકેદમાંથી તેઓ નાસી છૂટ્યા. ત્યાંથી બર્લિન જઈ તેઓ હિટલરને મળ્યા. અહીં તેમણે હિંદી લોકોને બ્રિટિશરો વિરુદ્ધ સામનો કરવા પ્રેર્યા. ત્યારબાદ ટોકિયો ગયા અને તે પછી સિંગાપોર ગયા. સિંગાપોરમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું પ્રમુખપદ સોંપવામાં આવ્યું અને તેમને ‘નેતાજી’ તરીકે વધાવી લેવામાં આવ્યા. અહીં તેમણે ‘ચલો દિલ્હી’ અને ‘જય હિંદ’ની ઘોષણા કરી. ‘તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા’ એ આહવાનને બહોળો પ્રતિસાદ મળ્યો. જાન્યુઆરી, 1944માં તેઓ આઝાદ હિંદ ફોજનું મથક રંગૂન લઈ ગયા. તે પછી અંગ્રેજો સામે ભારતની સરહદે મરણિયો જંગ ખેલીને મોડક, કોહિમા, ફલામ, હાકા વગેરે મહત્ત્વનાં થાણાં કબજે કર્યાં, પરંતુ કુદરતી આફતને લીધે તથા વિશ્વયુદ્ધમાં જાપાનની હારને કારણે પીછેહઠ કરવી પડી. એમ કહેવાય છે કે નેતાજી 18 ઑગસ્ટ, 1945ની રાત્રે તાઇપેનથી ટોકિયો જતા હતા ત્યારે વિમાન અકસ્માતમાં તેમનું અવસાન થયું. જોકે તેમના અવસાન અંગે હજી વિવાદ પ્રવર્તે છે. માતૃભૂમિની મુક્તિ માટે અવિરત પ્રયાસ કરનાર નેતાજી આજે પણ ભારતીય જનસમાજમાં જીવંત છે.

Categories
વાચન સમૃદ્ધિ

જયંતીલાલ છોટાલાલ શાહ

જ. 22 જાન્યુઆરી, 1906 અ. 4 જાન્યુઆરી, 1991

ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જયંતીલાલ શાહનો જન્મ અમદાવાદમાં થયો હતો. શાળેય શિક્ષણ અમદાવાદની આર. સી. સ્કૂલમાં પ્રાપ્ત કર્યું હતું. તેમણે અમદાવાદની ગુજરાત કૉલેજ, મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે 1929માં અમદાવાદમાં વકીલાત શરૂ કરી હતી. ગાંધીજીની હત્યા પછી કોર્ટમાં કેસ ચાલ્યો હતો. તેઓ ગાંધી હત્યા કેસમાં નાથુરામ ગોડસે અને બીજા આરોપીઓ સામે કેસ ચલાવતી પબ્લિક પ્રોસિક્યૂશન ટીમનો ભાગ હતા. તેઓ 1949માં બૉમ્બે હાઈકોર્ટમાં ગયા અને દસ વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કાર્ય કર્યું. ઑક્ટોબર, 1959માં ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. 11 વર્ષ પછી 17 ડિસેમ્બર, 1970માં તેઓ સુપ્રીમ કોર્ટના બારમા મુખ્ય ન્યાયાધીશ બન્યા. તેઓ 21 જાન્યુઆરી, 1971ના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા. સુપ્રીમ કોર્ટના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે 728 ચુકાદાઓ આપ્યા હતા અને 2094 બેન્ચ પર બેઠા હતા. કેરળમાં ફૂડ પોઇઝનિંગનાં કારણોની તપાસ માટે ભારત સરકાર દ્વારા એક પંચ નીમવામાં આવ્યું હતું. તેઓ આ ઝેર તપાસ પંચના અધ્યક્ષ હતા. 28 મે, 1977ના રોજ ભારત સરકારના ગૃહમંત્રાલયે કટોકટી દરમિયાન કરવામાં આવેલા અતિરેકની તપાસ કરવા માટે એક પંચની રચના કરી. આ પંચના વડા તરીકે જયંતીલાલ શાહને નિયુક્ત કરવામાં આવ્યા હતા. 31 ઑગસ્ટ, 1978ના રોજ શાહ કમિશનનો અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલનાં 26 પ્રકરણો હતાં. જેમાં શાહ કમિશને તારણ કાઢ્યું હતું કે ઇન્દિરા ગાંધી દ્વારા 21 મહિના દરમિયાન આંતરિક સુરક્ષા જાળવણી અધિનિયમ અને સંરક્ષણ નિયમોની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું ન હતું. રાજકીય વિરોધીઓને નુકસાન પહોંચાડવા માટે કટોકટીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો; એટલું જ નહીં, તેમણે એ પણ નોંધ્યું કે દેશમાં કટોકટી જાહેર કરવી પડે એવી કોઈ આર્થિક કે કાયદો અને વ્યવસ્થાની કટોકટી નહોતી.

Categories
વાચન સમૃદ્ધિ

વિઠ્ઠલ કૃપારામ પંડ્યા

જ. 21 જાન્યુઆરી 1923 અ. 3 જુલાઈ 2008

ગુજરાતી વાર્તાકાર, નવલકથાકાર, દિગ્દર્શક અને અભિનેતા. જન્મ સાબરકાંઠા જિલ્લાનું કાબોદરા ગામ. માતાનું નામ મેનાબા. 1942માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. રાષ્ટ્રભાષા કોવિદની પરીક્ષામાં પાસ થયા. તેઓ નાનપણમાં ખૂબ તોફાની હતા. તેમના મોટા ભાઈ જીવતરામ પાસે મુંબઈ રહેતા હતા. વિઠ્ઠલભાઈ નવ વર્ષના હતા ત્યારે તેમને મોટા ભાઈ પાસે મુંબઈ મોકલી દીધા. વિઠ્ઠલભાઈ અનુગાંધીયુગના સર્જક છે. તેઓ જે શાળામાં ભણ્યા હતા તે સમયના મિત્ર વિઠ્ઠલભાઈને દિગ્દર્શક રામચંદ્ર ઠાકુર પાસે લઈ ગયા. એમની ફિલ્મયાત્રાનો આરંભ થયો. 24 વર્ષ ગુજરાતી અને હિન્દી ફિલ્મક્ષેત્રે દિગ્દર્શન અને અભિનયમાં પસાર કર્યાં. 1960થી 1980 દરમિયાન એમણે જે નવલકથાઓ આપી. એમની નવલકથાઓમાં સામાજિક પ્રશ્નો વિશેષ ધ્યાન ખેંચે એવા છે. તેમણે નવલકથામાં રાજકારણી, પત્રકાર, સંતથી માંડીને મજબૂરીથી દેહવિક્રય કરતી સ્ત્રી, આદિવાસી વિસ્તારમાં ચાલતી વટાળપ્રવૃત્તિ વગેરે વિષયોને તેમણે નવલકથામાં આવરી લીધા છે. તેમની નવલકથાઓ જનસત્તા, લોકસત્તા, પ્રતાપ, ફૂલછાબ, જન્મભૂમિ, જનશક્તિ, અભિયાન, યુવદર્શન વગેરે અખબાર અને સામયિકોમાં ધારાવાહિક રૂપે પ્રગટ થતી રહી છે. તેમની નવલકથાઓ અને વાર્તાઓ સામાન્ય વાચકવર્ગને આકર્ષતી રહી છે. વિઠ્ઠલભાઈની ફિલ્મજગતની સંસ્મરણકથા ‘અસલી નકલી ચહેરા’ વાંચી કવિ સુરેશ દલાલે કહ્યું હતું કે ‘વિઠ્ઠલભાઈની મેં દરેક નવલકથા નથી વાંચી, પણ આ સંસ્મરણકથા માટે લોકો એમને યાદ રાખશે.’ ફિલ્મજગત વિશે સંસ્મરણો લખાયાં હોય એ ગુજરાતી સાહિત્યની પ્રથમ ઘટના હતી. આવા સર્જક વિઠ્ઠલ પંડ્યાએ નવલકથા, વાર્તાસંગ્રહ, આત્મકથા (ભીંત ફાડીને ઊગ્યો પીપળો), સંસ્મરણકથા (અસલી નકલી ચહેરા) તથા અન્ય પુસ્તકો મળી કુલ 68 પુસ્તકો આપ્યાં. તેમનાં ત્રણેક પુસ્તકો હિન્દી ભાષામાં અનૂદિત થયાં છે. તેમની નવલકથા ‘સાત જનમના દરવાજા’ને 1973માં ગુજરાત રાજ્ય દ્વારા પુરસ્કૃત કરવામાં આવી છે. ૧૯૫૫માં સવિતા વાર્તાસ્પર્ધામાં એમને સુવર્ણચંદ્રક મળ્યો હતો.