Categories
વાચન સમૃદ્ધિ

કમાલ અમરોહી

જ. 17 જાન્યુઆરી, 1918 અ. 11 ફેબ્રુઆરી, 1993

હિન્દી ફિલ્મજગતના નિર્માતા, નિર્દેશક, પટકથા લેખક તથા સંવાદલેખક કમાલ અમરોહીનો જન્મ ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેઓ ઉર્દૂ તથા હિન્દી શાયરી-કવિતાના પણ જાણકાર હતા. એમનું મૂળ નામ ‘સૈયદ અમીર હૈદર કમાલ નકવી’ હતું. એમણે શાળાકીય શિક્ષણ લાહોરમાં લીધું હતું. એ માહોલમાં જ લેખનનો શોખ જાગ્યો અને લેખક તરીકે કારકિર્દી શરૂ કરી. ગાયક મિત્ર કે. એલ. સહગલના બોલાવવાથી તેઓ લાહોર છોડીને મુંબઈ સ્થાયી થયા. જ્યાં એમની કલાને કાર્યક્ષેત્ર અને દિશા મળ્યાં. 1938માં ‘જેલર’ તથા ‘છલિયા’ ફિલ્મનાં પટકથા તથા સંવાદનું લેખન કરીને હિન્દી ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. ત્યારબાદ ‘પુકાર’, ‘ફૂલ’, ‘શાહજહાં’ જેવી અનેક ફિલ્મોનું લેખન કર્યું. ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ના સંવાદોના લેખન માટે એમને ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1949માં ફિલ્મ ‘મહલ’ના નિર્દેશન સાથે ફિલ્મ દિગ્દર્શનમાં પણ પદાર્પણ કર્યું. ‘પાકીઝા’, ‘સાકી’, ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’ જેવી અનેક ફિલ્મો આપી. 1983માં આવેલી ‘રઝિયા સુલતાન’ એ એમની અંતિમ ફિલ્મ રહી. લેખન-દિગ્દર્શન દ્વારા કમાલ અમરોહીએ સિનેજગતમાં ગુણવત્તાસભર કલાત્મક યોગદાન કર્યું છે. એમનું વ્યક્તિગત જીવન તથા લગ્નજીવન પણ અનેક ઉતારચડાવવાળાં રહ્યાં. મીનાકુમારી એમનાં ત્રીજાં પત્ની હતાં. જે લગ્નજીવન ખૂબ ચર્ચિત રહ્યું. દુઃખ, યાતના, પ્રેમની અનુભૂતિને પોતાની ફિલ્મોમાં કલાત્મક રીતે વાચા આપવા માટે તેઓ જાણીતા હતા. 1958માં એમણે કમાલ અમરોહી સ્ટુડિયોની સ્થાપના કરી, જ્યાં અનેક ફિલ્મોનાં સર્જન થયાં. એમણે આપેલ યોગદાન માટે 2013માં ભારતીય સિનેમાના શતાબ્દી ઉત્સવ દરમિયાન ભારત સરકાર દ્વારા એમના નામની ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી. કમાલ અમરોહીના પરિવાર દ્વારા ‘કમાલ ઔર મીના’ બાયૉપિક તૈયાર કરવામાં આવી જે કમાલ અમરોહીના જીવન અને કાર્યનો સુંદર માહિતીસભર ચિતાર આપે છે.

Categories
વાચન સમૃદ્ધિ

હુંદરાજ દુઃખાયલ

જ. 16 જાન્યુઆરી, 1910 અ. 21 નવેમ્બર, 2003

સિંધી અને હિન્દી સાહિત્યકાર અને સ્વાતંત્ર્યસેનાની હુંદરાજ દુઃખાયલનો જન્મ સિંધના લાડકાણામાં થયો હતો. પિતા લીલારામ માણેક અને માતા હિરલબાઈ. શાળેય શિક્ષણ અરબી-સિંધી પ્રાથમિક શાળામાં થયું. આઠ-દસ વર્ષની વયે ગીતો લખવાનું શરૂ કર્યું. 11 વર્ષની ઉંમરે ભજનસંગ્રહ ‘કૃષ્ણ ભજનાવલિ’ પ્રગટ થયો. એ પછી ‘આર્ય ભજનાવલિ’ સંગ્રહ પ્રગટ થયો.

1921માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાયા. સરકારી શાળા છોડી લાડકાણાની કોમી શાળામાં દાખલ થયા. ફરી શાળા છોડી અને આઝાદીની લડતમાં જોડાયા. શાળા છોડી દવાઓ બનાવી તેમજ સોના-ચાંદીની દુકાન કરી. પછી સ્ટૅમ્પવેન્ડર બન્યા, પરંતુ આઝાદીની લડતમાં જોડાવાથી સરકારે લાઇસન્સ રદ કર્યું. તેમને છ વખત જેલવાસ થયો હતો. તેઓ ખંજરી લઈને આઝાદીનાં ગીતો ગાતા. તેમણે ‘હનુમાન’ સાપ્તાહિક શરૂ કર્યું. તેમના ‘ફાંસી ગીતમાળા’ અને ‘આલાપ આઝાદી’ પુસ્તકને અંગ્રેજ સરકારે જપ્ત કર્યાં. તેઓ 1949માં ભારત આવ્યા. ભાઈ પ્રતાપ સાથે ગાંધીધામ-આદિપુરની સ્થાપનામાં વ્યસ્ત બન્યા. તેમણે ‘ગાંધીધામ મૈત્રીમંડળ’ની સ્થાપના કરી. વિનોબા ભાવે સાથે 12 વર્ષમાં 30,000 માઈલની પદયાત્રા કરી. તેમણે સિંધી ભાષામાં ‘ધરતીમાતા’ અને હિંદી ભાષામાં ‘ભૂમિદાન’નું સંપાદન કર્યું. 1964માં ‘ગાંધીધામ સમાચાર’ સાપ્તાહિક શરૂ કર્યું. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેમને પદ્મશ્રી, સાધુવાણી ઍવૉર્ડ, સિંધુરતન ઍવૉર્ડ, રામ પંજવાણી ઍવૉર્ડ, સહયોગ ઍવૉર્ડ, સિંધી અકાદમી, દિલ્હી તરફથી મિલેનિયમ ઍવૉર્ડ જેવા અનેક ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મિલેનિયમ ઍવૉર્ડના 11 લાખ રૂપિયાનું આદિપુરમાં બી.એડ્. કૉલેજની સ્થાપના માટે દાન આપ્યું. તેમણે મળેલ ઇનામ-ઍવૉર્ડની રકમ તથા તમામ સંપત્તિ શિક્ષણસંસ્થાઓને દાનમાં આપી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર)

જ. 15 જાન્યુઆરી, 1929 અ. 4 એપ્રિલ, 1968

અમેરિકાના અશ્વેત લોકોના નાગરિક હકો માટેની અહિંસક લડતના નેતા. તેઓનો જન્મ ધાર્મિક પરિવારમાં થયો હતો. પિતા તથા મામાના દાદા ખ્રિસ્તી બૅપ્ટિસ્ટ સંપ્રદાયના ઉપદેશકો હતા. તેઓએ ઈ. સ. 1948માં ગ્રૅજ્યુએટ થયા બાદ 1951માં ‘બેચલર ઑવ્ ડિવિનિટી’ની પદવી મેળવી. 1953માં કોરટ્ટા સ્કૉટ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 1954માં મોન્ટગૉમેરીના બૅપ્ટિસ્ટ દેવળમાં જોડાયા. 1955માં બોસ્ટન યુનિવર્સિટીની થિયૉલૉજીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ગાંધીજીનાં લખાણો અને અહિંસાની વિચારધારાથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે યુ.એસ.માં અશ્વેત લોકોના નાગરિક હકો માટે અહિંસક ચળવળ શરૂ કરી. સૌપ્રથમ તેમણે જાહેર બસમાં રંગભેદની અને અલગતાની નીતિનો વિરોધ કરનાર રોઝાપાર્કની ધરપકડ થતાં, જાહેર બસવ્યવહારનો વરસ સુધી બહિષ્કાર પોકાર્યો. આને કારણે હિંસક બનાવો બન્યા. છેવટે સુપ્રીમ કોર્ટે રંગભેદના અને અલગતાના કાયદાને ગેરકાયદેસર ઠરાવ્યો.  આ બનાવ પછી કિંગ લ્યૂથરને રાષ્ટ્રવ્યાપી નામના મળી અને આ વિજયથી અહિંસક સત્યાગ્રહમાં લોકોનો વિશ્વાસ વધ્યો. 1957માં તેમણે સધર્ન ક્રિશ્ચિયન લીડરશિપ કૉન્ફરન્સની સ્થાપના કરી. તેમણે ઘાના, ભારત વગેરે દેશોમાં અને અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં ફરીને પ્રવચનો કર્યાં. રંગભેદની નીતિ અને અશ્વેત લોકોના નાગરિક હકો માટે લોકમત જાગૃત કર્યો. આ કારણે તેમના પર ખૂની હુમલો થયો, પણ તેઓ બચી ગયા. 1959માં તેઓ ભારતની મુલાકાતે આવેલા અને વડાપ્રધાન નહેરુને મળ્યા હતા. 1960માં તેઓ સહપાદરી થયા. તેમણે અશ્વેત લોકોના હકો માટે અનેક મંડળો સ્થાપ્યાં. રંગભેદના પ્રશ્ને તેમણે ઘણી વખત ધરપકડ વહોરી, હડતાળો અને રેલીઓ યોજી લોકોને  જાગૃત કર્યા, તેને લગતાં પુસ્તકો લખ્યાં. અશ્વેત લોકોના હકો માટે ધર્મગુરુને અપીલ કરી. તેમના પ્રયાસોના ફળ રૂપે જ્હોન કૅનેડીએ અમેરિકાની કૉંગ્રેસમાં ‘નાગરિક હક’ માટેનું બિલ રજૂ કર્યું. 1964માં તેમને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો. 4 એપ્રિલ, 1968ના રોજ તેમની હત્યા થઈ. ભારત સરકારે તેમને આંતરરાષ્ટ્રીય સમજૂતી અને શાંતિ માટે પુરસ્કાર તેમનાં પત્નીને એનાયત કર્યો.