Categories
વાચન સમૃદ્ધિ

અબ્બાસ તૈયબજી

જ. ૧ ફેબ્રુઆરી, ૧૮૫૪ અ. ૯ મે, ૧૯૩૬

ભારતીય સ્વાતંત્ર્યસેનાની અને મહાત્મા ગાંધીજીના નિકટના સાથી તથા વડોદરા રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ. તેમનો જન્મ ખંભાત, ગુજરાતના એક સમૃદ્ધ સુલેમાની વહોરા મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમણે ઘેર રહીને ઉર્દૂ, ફારસી અને કુરાનનો અભ્યાસ કર્યો. ઉપરાંત મિશન સ્કૂલમાં અંગ્રેજીનો અભ્યાસ કર્યો. અગિયાર વર્ષની વયે ઇંગ્લૅન્ડ ગયા અને ૧૮૭૨માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ૧૮૭૫માં બૅરિસ્ટર થયા. ઇંગ્લૅન્ડના રહેવાસ દરમિયાન પાશ્ચાત્ય જીવનપદ્ધતિ અને વિચારોથી પ્રભાવિત થવાથી ભારત પરત આવ્યા બાદ પણ બ્રિટિશ રાજ પ્રત્યે વફાદાર રહ્યા. ૧૮૭૯માં વડોદરા રાજ્યની અદાલતમાં ન્યાયાધીશ તરીકે નોકરી સ્વીકારી. મુસ્લિમ સમાજમાં કેળવણીનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી તેમણે તેના ફેલાવા માટે પ્રયાસ કર્યો. વડોદરાની અંજુમન-એ-ઇસ્લામ સંસ્થા તથા સુરમાયા-જમાતે સુલેમાની બોર્ડિંગ સ્કૂલનાં ઘણાં વર્ષો સુધી પ્રમુખ રહ્યા. તેઓ સ્ત્રીશિક્ષણ અને સમાજસુધારાને સમર્થન કરતા. પડદાપ્રથાનો અસ્વીકાર કરવાની સાથે પોતાની પુત્રીઓને શાળામાં મોકલી તત્કાલીન રૂઢિગત રિવાજોને પણ પડકાર્યા હતા. ૧૮૮૫માં હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપનાના સમયથી જ તેના સભ્ય હતા. ૧૯૧૭માં ગોધરા ખાતે આયોજિત એક સામાજિક સંમેલનમાં ભાગ લીધો અને ૧૯૧૯ પછી બ્રિટિશ શાસનના વિરોધી બન્યા. જલિયાંવાલા બાગ હત્યાકાંડના બનાવ અંગે રચાયેલી કૉંગ્રેસ તપાસ સમિતિમાં પણ જોડાયા. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમની જીવનદૃષ્ટિમાં પરિવર્તન આવ્યું. ૧૯૨૦માં ગુજરાત રાજકીય પરિષદ(અમદાવાદ)ના પ્રમુખ બન્યા. તેઓ બારડોલી સત્યાગ્રહમાં પણ જોડાયા અને ૧૯૩૦ની દાંડીકૂચ વખતે ગાંધીજીની ધરપકડ પછી તેઓ આંદોલનના મુખ્ય નેતા બન્યા. તેથી ૭૮ વર્ષની વયે જેલમાં જવું પડ્યું. ૧૯૩૨માં પણ ફરી જેલવાસ થયો. તૈયબજીની ધરપકડ અને જેલની સજાના સંદર્ભે ગાંધીજીએ તેમને ‘ગ્રાન્ડ ઓલ્ડ મૅન ઑફ ગુજરાત’ તરીકે નવાજ્યા હતા. ૧૯૩૩ અને ૧૯૩૫માં તે વડોદરા પ્રજામંડળના પ્રમુખ રહ્યા હતા.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

અતુલ દેસાઈ

જ. ૩૧ જાન્યુઆરી, ૧૯૩૪ અ. ૨૦ જાન્યુઆરી, ૨૦૧૩

શાસ્ત્રીય કંઠ્યસંગીતમાં ગુજરાતના સુવિખ્યાત કલાકાર અતુલ દેસાઈનો જન્મ અમદાવાદમાં થયો હતો. પિતા ગિરીશચંદ્ર અને માતા સુલભાબહેન. સંગીતનો વારસો માતાપિતા તરફથી મળ્યો હતો. અમદાવાદની ચી. ન. વિદ્યાલયમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. વડોદરાના કલાભવનમાંથી આર્કિટૅક્ચરનો અભ્યાસ કર્યો. ૧૯૫૫માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સંગીતની વધુ તાલીમ માટે જોડાયા. તેમણે પં. ઓમકારનાથ ઠાકુર પાસેથી સંગીતની તાલીમ મેળવી હતી. ૧૯૫૬થી ૧૯૬૫ દરમિયાન તેઓ ભારતનાં અનેક આકાશવાણી-કેન્દ્રો સાથે પ્રથમ કક્ષાના કલાકાર તરીકે કાર્યરત હતા. ૧૯૬૫થી ૧૯૭૨ દરમિયાન આકાશવાણી અમદાવાદ કેન્દ્રના શાસ્ત્રીય સંગીત વિભાગના નિર્માતા તરીકે તેઓને પસંદ કરવામાં આવ્યા હતા. ૧૯૭૦થી તેઓ અમદાવાદની જાણીતી નૃત્યસંસ્થા ‘કદમ્બ’માં સંગીતવિભાગના નિયામક તરીકે જોડાયા હતા. તે જ વર્ષે અમદાવાદની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇનમાં અમેરિકાના જાણીતા સંગીતકાર ડેવિડ ટ્યૂડર પાસેથી ઇલેક્ટ્રૉનિક મ્યુઝિકનો અભ્યાસ કર્યો હતો. જાપાનના ઓસાકા શહેરમાં યોજાયેલ ‘એક્સ્પો-૭૦’ પ્રદર્શનમાં ભારત તરફથી ઇલેક્ટ્રૉનિક સંગીતનું નિર્દેશન તેમણે કર્યું હતું. ૧૯૭૫માં તેઓ ઇસરોના સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એેક્સ્પેરિમેન્ટના સંગીત-નિર્દેશક બન્યા. તેમણે અનેક દેશોનો સાંસ્કૃતિક પ્રવાસ કર્યો હતો. અનેક નાટકો, નૃત્યનાટિકાઓ, રેડિયોરૂપકો, દૂરદર્શન પરની શ્રેણીઓ તથા બાળ-કાર્યક્રમોનું સંગીત-નિર્દેશન કર્યું હતું. ૧૯૮૬માં દિલ્હીમાં ઊજવાયેલા ‘અપના ઉત્સવ’માં ‘ગુંજે પથ્થર’ કાર્યક્રમના મ્યુઝિક ટ્રૅકનું સ્વરનિયોજન તેમણે કર્યું હતું. અતુલ દેસાઈને વડોદરાની ત્રિવેણી સંસ્થા દ્વારા શ્રેષ્ઠ કલાકાર ઍવૉર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા ગૌરવ પુરસ્કાર અને ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિશિષ્ટ ફેલોશિપ આપવામાં આવ્યાં હતાં. તદ્ઉપરાંત તેમણે પ્રાયોગિક સંગીતના ક્ષેત્રે કરેલાં કાર્યો બદલ રાષ્ટ્રપતિના હસ્તે ૧૯૯૫-૯૬ના વર્ષનો સંગીત-નૃત્ય અકાદમી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અતુલ દેસાઈનાં પત્ની સંધ્યાબહેન કથક નૃત્યનાં જાણીતાં કલાકાર હતાં.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સત્યનારાયણ ગોયન્કા

જ. ૩૦ જાન્યુઆરી, ૧૯૨૪ અ. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૩

વિપશ્યના ધ્યાન માટે પ્રસિદ્ધ ગુરુ સત્યનારાયણનો જન્મ બર્મામાં થયો હતો. તેમનો ઉછેર હિન્દુ સનાતની મારવાડી કુટુંબમાં થયો હતો. ૧૯૫૫ સુધી તેઓ સફળ વ્યવસાયી હતા. ૩૧ વર્ષની વયે તેઓને આધાશીશી નામનો શિરદર્દનો વ્યાધિ થયો હતો. એનાથી છુટકારો મેળવવા તેઓએ જાતભાતના પ્રયાસો કર્યા પણ તેઓને ઉચિત રાહત મળી નહીં. ત્યારબાદ એક મિત્રના કહેવાથી તેઓ વિપશ્યનાના શિક્ષણ સયાગ્ગી યુ બા ખીનને મળ્યા. જેણે વિપશ્યનાથી તેમનું દર્દ મટાડ્યું. ત્યારબાદ સત્યનારાયણને વિપશ્યના શીખવાનું મન થયું. તેઓને વિદ્યાર્થી તરીકે સ્વીકારી ૧૪ વર્ષ સુધી તાલીમ આપી. ૧૯૬૯માં ગોયન્કા વિપશ્યનાની તાલીમ લઈ કાબેલ થઈ ગયા. તેમને શિક્ષક તરીકે તે વિદ્યા બીજાને શીખવવાની રજા મળી. હવે ગોયન્કા પોતાનો ધંધો તેમના કુટુંબને સોંપી ભારત આવ્યા. ભારતમાં હૈદરાબાદમાં આવેલ કુસુમનગરમાં પ્રથમ વિપશ્યના સેન્ટર ખોલ્યું, તેનાં સાત વર્ષ પછી ૧૯૭૬માં નાશિક પાસે આવેલ ઇગતપુરીમાં પ્રથમ મેડિટેશન સેન્ટર ખોલ્યું જેમાં ગોયન્કાએ લોકોને મેડિટેશન શીખવ્યું. આ રીતે પોતાના ગુરુના આગ્રહને લીધે વિપશ્યનાને તેના મૂળ સ્થાન ભારતમાં ફરીથી લાવ્યા. વિપશ્યના એક પ્રકારની સાધના છે જેને ભગવાન બુદ્ધે અઢી હજાર વર્ષ પહેલાં શોધી હતી અને તે માણસોનાં દુ:ખોનું નિવારણ કરવાની એક પ્રક્રિયા છે. ગોયન્કાજી પોતાનાં પ્રવચનો દ્વારા સમજાવે છે કે આ શિક્ષા વડે માણસ પોતે પોતાનાં દુ:ખોનું નિયંત્રણ કરી શકે છે. આજે વિશ્વમાં આ શિક્ષાનો અભ્યાસ વીડિયોના માધ્યમથી કરાવી શકાય છે. ૨૦૧૨માં તેઓને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંજના ભગવતી