Categories
વાચન સમૃદ્ધિ

શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ

જ. ૨૮ ડિસેમ્બર, ૧૯૨૫ અ. ૧૯ જૂન, ૨૦૧૪

તેઓ જૈન નગરશેઠ કુટુંબમાં જન્મેલા, કુશળ વહીવટકર્તા અને સંવેદનશીલ, મિતભાષી, ધાર્મિક સજ્જન અને બાહોશ ઉદ્યોગપતિ હતા. વિખ્યાત ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈના નાના પુત્ર શ્રેણિકભાઈએ શાળાનો અભ્યાસ તથા કૉલેજનાં બે વર્ષનો અભ્યાસ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં કર્યો હતો. એ પછી અમેરિકાની મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(MIT)માંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય સાથે ૧૯૪૬માં સ્નાતક (B.S.) થયા. ૧૯૪૮માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી માસ્ટર ઑવ્ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન(M.B.A.)ની ડિગ્રી લીધી હતી. સ્વદેશ આવ્યા બાદ લાલભાઈ જૂથના ઉદ્યોગો – રાયપુર, સરસપુર, અશોક, અરિંવદ, અરુણ, નૂતન, ન્યૂ કૉટન, અનિલ સ્ટાર્ચ લિ. અને અતુલ પ્રોડક્ટસ લિમિટેડ વગેરે ઉદ્યોગોનું સંચાલન કરવા લાગ્યા. તેઓ કુશળ વહીવટદાર હતા. ત્યારપછી અમદાવાદ  એજ્યુકેશન સોસાયટીનું ચૅરમૅનપદ લીધા પછી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ કર્યો. તેઓ ઘણી બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જેવી કે CEPT, IIM, PRL, લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડોલૉજીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત અટિરા, પ્લાઝમા રિસર્ચ, ગુજરાત યુનિવર્સિટીમાં સભ્ય તરીકે હતા. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાત વિદ્યાસભા તેમજ ગાંધી આશ્રમ ટ્રસ્ટનું પ્રમુખપદ સંભાળ્યું હતું. તેમના સક્રિય જીવનકાળ દરમિયાન તેમણે અનેક સંસ્થાઓમાં પ્રમુખપદ સંભાળ્યું હતું. તેમને જૈન ધર્મ પ્રત્યે ઊંડી આસ્થા હતી. ઘણાં જૈનતીર્થોના ટ્રસ્ટમાં તેઓ સામેલ હતા અને તીર્થોના જીર્ણોદ્ધાર અને જાળવણીની કાળજી કરતા હતા. પાંજરાપોળનાં પ્રાણીઓ માટે પણ તેઓએ ખૂબ સેવાઓ આપી હતી. તેમનાં પત્ની પન્નાબહેન મોહિનાબા કન્યા વિદ્યાલય, રચના માધ્યમિક શાળા, મધુબની શિશુશાળા જેવાં શૈક્ષણિક કાર્યો કરતાં હતાં. તેમને સંજયભાઈ અને કલ્પનાબહેન બે સંતાનો છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

યશવંત પુરોહિત

જ. ૨૭ ડિસેમ્બર, ૧૯૧૬ અ. ૩ જાન્યુઆરી, ૧૯૬૪

ભારતીય શાસ્ત્રીય સંગીતના ખૂબ જ પ્રતિભાસંપન્ન કલાકાર યશવંત પુરોહિતનો જન્મ ભાવનગર પાસે પરવાળા ગામમાં થયો હતો. પિતા ચિમનલાલ પુરોહિત પણ ભાવનગરના પ્રતિષ્ઠિત સંગીતજ્ઞ હતા. ભાવનગરના દક્ષિણામૂર્તિમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. પ્રસંગોપાત્ત ભાવનગર આવેલા પંડિત નારાયણરાવ વ્યાસના નિમંત્રણથી અમદાવાદમાં તેમની ‘ગુજરાત સંગીત વિદ્યાપીઠ’માં જોડાયા અને સંગીતની પ્રારંભિક તાલીમ શરૂ કરી. પંડિત શંકરરાવ વ્યાસ તથા પંડિત નારાયણ મોરેશ્વર ખરે પાસે સઘન સંગીતતાલીમ મેળવીને ગ્વાલિયર ઘરાનાની ગાયકીનો ગહન અભ્યાસ કર્યો. ત્યારબાદ મુંબઈ વસવાટ દરમિયાન તેમણે પંડિત ઓમકારનાથ ઠાકુર પાસે સંગીતની ઉચ્ચ તાલીમ લીધી. તે પછી કિરાના ઘરાનાના બાલકૃષ્ણ કપિલેશ્વરી બુવા પાસે સંગીતની આરાધના કરી કિરાના ઘરાનાની ગાયકીમાં પ્રાવીણ્ય મેળવ્યું. વચ્ચે પિતાના અવસાનથી સંગીતસાધનામાં રુકાવટ આવી, પરંતુ ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજીએ એમની શક્તિ પિછાની તેમને માસિક રૂ. ૨૫/-ની શિષ્યવૃત્તિ આપી, સાનુકૂળતા કરી આપી. તેમને શંકર અને કેદાર રાગ અતિપ્રિય હતા. ખ્યાલ ગાયકી તેમની ગાયનકલાનું મુખ્ય અંગ હતી. ઠૂમરી ગાયકીમાં પણ તેમનું કૌશલ્ય હતું. તેમનો અવાજ મીઠો હતો અને તેમની  ગાયકીમાં મધુર તાલ, સ્વર, શબ્દ, રસ તથા ભાવની અનેરી મિલાવટ હતી. કિરાના ઘરાનામાં અલ્પ પ્રચલિત એવા છાયાનટ, બિહાગ વગેરે જેવા રાગો ઉપર એમનું પ્રભુત્વ હતું. સંગીતક્ષેત્રમાં ઘણી વાર જોવા મળતી વાડાબંધીથી તેઓ દૂર રહી બીજી સંગીતશૈલીઓ અને ઘરાના પ્રત્યે પણ આદર રાખતા. ‘રસરંગ’ના ઉપનામે એમણે ‘મધુબંસરી માન મનાવત’, ‘આંગનમેં’ વગેરે કેટલીક સુંદર રચનાઓ પણ રચી છે. તેમના સંગીતના કાર્યક્રમો ભારતનાં તમામ આકાશવાણી કેન્દ્રો પરથી પ્રસારિત થયા હતા. ભાવનગરના મહારાજાએ તેમની સ્મૃતિમાં તેમના નામે એક શિષ્યવૃત્તિની શરૂઆત કરી છે. ગુજરાત સરકારે ગુજરાત સંગીત નૃત્ય નાટ્ય અકાદમીના ઉપક્રમે ભાવનગર ખાતે બંધાયેલા નાટ્યગૃહનું ‘યશવંત પુરોહિત નાટ્યગૃહ’ એવું નામાભિધાન કરી તેમની સ્મૃતિને કાયમી અંજલિ આપી છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

બાબા આમટે

જ. ૨૬ ડિસેમ્બર, ૧૯૧૪ અ. ૯ ફેબ્રુઆરી, ૨૦૦૮

ડૉ.  મુરલીધર દેવીદાસ આમટે ભારતના સન્માનિત સમાજસેવક, ચિંતક, કવિ, રક્તપિત્તના રોગીઓની સારવાર માટે આશ્રમો સ્થાપનાર જગતભરમાં વિખ્યાત વ્યક્તિ હતા. મહારાષ્ટ્રમાં વર્ધા  જિલ્લાના હિંગણઘાટ ગામમાં તેઓનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ નાગપુરમાં અભ્યાસ કરી બી.એ. અને એલઅલ.બી.ની ડિગ્રીઓ હાંસલ કરી વકીલ બન્યા હતા. ગાંધીજી અને વિનોબાજીથી પ્રભાવિત થયેલા આમટેએ ગામડાંમાં અભાવમાં રહેતા લોકોની મૂળ સમસ્યા સમજવાનો પ્રયાસ કર્યો. વરોરા ગામના ઉકરડા પાસે પડેલા રક્તપિત્તના રોગીને જોઈ તેમના જીવનમાં પરિવર્તન આવી ગયું. મનુષ્યદેહની આવી દુર્દશા જોઈ તેમનું હૃદય દ્રવી ગયું, તેઓએ તેમની સારવાર કરવાનું નક્કી કર્યું. મહારાષ્ટ્રના વરોરા ગામની  બહાર પત્ની સાધનાતાઈ, બે પુત્રો – પ્રકાશ અને વિકાસ સાથે તેઓએ તે ઉજ્જડ જમીનમાં ખેતી કરવાનું તથા રક્તપિત્તના દર્દીઓની સારવાર કરવાનું નક્કી કર્યું. ૧૯૫૧માં વિનોબા ભાવેના હસ્તે ત્યાં જ આનંદવન નામની સંસ્થાનું વિધિવત્ ઉદ્ઘાટન કર્યું. આનંદવનમાં બે હજારથી વધારે રક્તપિત્તના દર્દીઓ અને અપંગો ખેતી, દુગ્ધવ્યવસાય અને નાનામોટા અનેક ઉદ્યોગો દ્વારા રોજી મેળવી સ્વમાનભેર જીવે છે. ૧૯૭૪માં બાબા આમટેએ ચંદ્રપુરના દંડકારણ્યમાં આદિવાસી લોકોની સેવા માટે ‘લોકબિરાદરી’ નામની સંસ્થા સ્થાપી, નિશાળો, દવાખાનાં અને ઉદ્યોગકેન્દ્રો સ્થાપ્યાં. પંજાબમાં ત્રાસવાદીઓની હિંસક ઘટનાઓથી વ્યથિત થઈ બાબા આમટેએ ૧૯૮૫માં એકતાનો સંદેશો ફેલાવા યુવક-યુવતીઓ સાથે  કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ‘ભારત જોડો’ સાઇકલયાત્રાની રાહબરી લીધી. તેઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે. રાષ્ટ્રભૂષણ, જમનાલાલ બજાજ પુરસ્કાર, ડેનિયન ડટ્ટન પુરસ્કાર, મેગ્સેસે પુરસ્કાર, રાષ્ટ્રસંઘ શાંતિ પુરસ્કાર અને પદ્મવિભૂષણ અલંકરણથી સન્માનવામાં આવ્યા છે. ભારત સરકારે ૨૦૧૪માં બાબા આમટેના સન્માનમાં સ્ટૅમ્પ બહાર પાડી છે.

અંજના ભગવતી