Categories
વાચન સમૃદ્ધિ

ખ્વાજા અહમદ અબ્બાસ

જ. ૭ જૂન ૧૯૧૪, પાનીપત, હરિયાણા અ. ૧ જૂન ૧૯૮૭, મુંબઈ, મહારાષ્ટ્ર

પત્રકાર અને ચિત્રપટકથાલેખક. પ્રાથમિક શિક્ષણ પાણીપતમાં, ઉચ્ચશિક્ષણ અલીગઢ વિશ્વવિદ્યાલયમાં. વિદ્યાર્થીકાળ દરમિયાન ‘અલીગઢ ઓપિનિયન’ નામનું તે સંસ્થાનું મુખપત્ર શરૂ કરેલું. કારકિર્દીના આરંભમાં કેટલોક સમય ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં કામ કર્યું. ૧૯૩૫માં તેઓ ‘બૉમ્બે ક્રોનિકલ’માં જોડાયા. તેમાં ચિત્રપટના સમીક્ષક તરીકે મોટા નિર્માતાઓની કડક ટીકા કરતાં અચકાતા નહિ. સ્વતંત્ર પત્રકાર તરીકેનું તેમનું સાચું સ્વરૂપ ‘બ્લિટ્ઝ’માં પ્રગટ્યું. એ પત્રની ખ્યાતિ પામેલું કૉલમ ‘લાસ્ટ પેજ’ તેમની બાહોશ કલમનું સાહસ હતું, જે તેમણે જીવનની અંતિમ ઘડી સુધી ચાલુ રાખેલું. ‘બ્લિટ્ઝ’ હિન્દી અને ઉર્દૂમાં પણ પ્રસિદ્ધ થવા માંડ્યું ત્યારે તેમાં પણ ‘આઝાદ કલમ’ના નામથી છેલ્લું પાનું અબ્બાસ લખતા. આ રીતે ભારતમાં પત્રકારત્વની દુનિયામાં નિર્ભય વાતાવરણ ઊભું કરવામાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો. ડાબેરી વિચારસરણી તેમને કોઠે ઊતરી ચૂકી હતી, તેથી સામાન્ય જનતાના પ્રશ્નો માટે સંઘર્ષ કર્યા વગર રહી શકતા નહિ, પછી તે પત્રકારત્વ, સાહિત્ય કે ચિત્રપટ કોઈ પણ માધ્યમ હોય ! ‘નીચાનગર’ (૧૯૪૬), ‘જાગતે રહો’ (૧૯૫૬), ‘સાત હિન્દુસ્તાની’ (૧૯૬૯), અને રાજ કપૂરની ‘આવારા’ (૧૯૫૧), ‘શ્રી ૪૨૦’ (૧૯૫૫), ‘મેરા નામ જોકર’ (૧૯૭૦), ‘બોબી’ (૧૯૭૩), ‘હીના’ (૧૯૯૧)ના પટકથા-લેખક તરીકે જાણીતા હતા. ૧૯૬૯માં તેમને પદ્મશ્રી એનાયત થયેલો. ૧૯૪૬માં ‘નીચાનગર’ માટે ગોલ્ડન પામ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં, ૧૯૫૭માં ‘જાગતે રહો’ માટે ક્રિસ્ટલ ગ્લોબ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત અનેક રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. તેમની ફિલ્મોમાં ‘ધરતી કા લાલ’ અને ‘શહેર ઔર સપના’ પ્રસિદ્ધ છે. બીજી ફિલ્મને રાષ્ટ્રીય સહિત અનેક પારિતોષિકો પ્રાપ્ત થયેલાં છે. સાહિત્યકાર તરીકે ‘એક લડકી’, ‘ઝાફરાન કે ફૂલ’, ‘ગેહૂં ઔર ગુલાબ’, ‘કહેતે હૈં જિસ કો ઇશ્ક’ અને ‘નઈ ધરતી, નયે ઇન્સાન’ તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. ‘ઇન્કિલાબ’ નામે એક નવલકથા પણ તેમણે લખી છે.

Categories
વાચન સમૃદ્ધિ

ગોપીનાથ બારદોલાઈ

જ. ૬ જૂન, ૧૮૯૦ અ. ૫ ઑગસ્ટ, ૧૯૫૦

આસામના પ્રથમ મુખ્યમંત્રી, ભારતીય રાજનેતા અને સ્વાતંત્ર્યસેનાની ગોપીનાથ બારદોલાઈનો જન્મ રાહા, ગુવાહાટી, આસામમાં થયો હતો. પિતાનું નામ બુદ્ધેશ્વર અને માતાનું નામ પરમેશ્વરી હતું. ગોપીનાથ જ્યારે ૧૨ વર્ષના હતા ત્યારે જ એમનાં માતાનું અવસાન થયું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ રાહા અને માધ્યમિક શિક્ષણ ગુવાહાટીમાં લીધુ. કૉલેજશિક્ષણ કૉલકાતામાં લઈ ૧૯૧૨માં સ્નાતક થયા. અનુસ્નાતકની પદવી હાંસલ કરી કાયદાની વિદ્યાશાખાના સ્નાતક બન્યા. ૧૯૧૭માં ગુવાહાટી બારમાં જોડાયા. ગોપાલપારા જિલ્લામાં ચારિયાણ જમીન ઉપર સરકારે વેરો નાંખતાં ખેડૂતોએ તેનો વિરોધ કર્યો ત્યારે તેમને પક્ષે રહી સરકાર વિરુદ્ધ તેઓ કેસ લડ્યા અને એ રીતે જાહેરજીવનના શ્રીગણેશ કર્યા. આ સમયગાળા દરમિયાન આસામ ઍસોસિયેશન આસામનું એકમાત્ર રાજકીય સંગઠન હતું. ૧૯૨૧માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની શાખા તરીકે આસામ કૉંગ્રેસની રચના કરવામાં આવી હતી. ગોપીનાથ તેમાં સ્વયંસેવક તરીકે જોડાયા અને તેમનું રાજકીય જીવન શરૂ થયું. ગાંધીજીના પ્રભાવ હેઠળ અસહકાર ચળવળમાં સક્રિયપણે ભાગ લેવા બદલ કારાવાસ પણ ભોગવ્યો. ૧૯૩૭થી આસામ વિધાનસભાના સભ્ય અને કૉંગ્રેસ પક્ષના નેતા રહ્યા. સપ્ટેમ્બર, ૧૯૩૮થી નવેમ્બર ૧૯૩૯ સુધી તેઓ આસામની મિશ્ર સરકારના મુખ્યપ્રધાન રહ્યા અને બીજા વિશ્વયુદ્ધને કારણે પદત્યાગ કર્યો. ‘હિંદ છોડો’ લડતમાં ભાગ લેવાને કારણે ફરી જેલવાસ ભોગવ્યો. સફળ વહીવટદાર તરીકે યશસ્વી કામગીરી બજાવી પ્રજાલક્ષી કામો કર્યાં અને ચાહના પામ્યા. આઝાદ ભારતની બંધારણસભાના સભ્ય તરીકે તેમણે કામગીરી બજાવી. આદિવાસીઓના ઉત્કર્ષ માટે પણ ખૂબ કામ કર્યાં. ખાદીના પ્રચારાર્થે સાઇકલ પર ગામેગામ પ્રવાસ કરી તેની ઉપયોગિતા સમજાવી. અફીણ-બંધીના કાર્યક્રમનો અમલ કરાવ્યો. આઝાદી બાદ ગુવાહાટીમાં વડી અદાલતની રચના કરી. યુનિવર્સિટીની સ્થાપના કરી. તે ઉપરાંત ઇજનેરી કૉલેજ, સંગ્રહાલય, પોલીસ ટ્રેનિંગ કૉલેજ, ફૉરેસ્ટ ટ્રેનિંગ કૉલેજ, સહકારી સંસ્થાઓ માટેની ટ્રેનિંગ કૉલેજ સ્થાપી આસામના સર્વાંગી વિકાસ માટેનું વાતાવરણ રચ્યું જે બદલ પ્રજાએ તેમને ‘લોકપ્રિય’ના બિરુદથી સન્માન્યા. ૧૯૯૯માં મરણોત્તર ‘ભારતરત્ન’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

નારાયણ મલ્હાર જોશી

જ. ૫ જૂન, ૧૮૭૯ અ. ૩૦ મે, ૧૯૫૫

ભારતના મહાન શ્રમિક નેતા, સમાજસુધારક અને સ્વતંત્રતાસંગ્રામના સૈનિક નારાયણ મલ્હાર જોશી કે જે નાનાસાહેબ જોશી તરીકે પણ ઓળખાય છે. તેમણે શ્રમિક આંદોલન અને સામાજિક સેવાઓના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના કોલાબા (હાલનું રાયગઢ) જિલ્લાના ગોરેગાંવ ખાતે બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પુણેની ડેક્કન કૉલેજમાંથી શિક્ષણ લીધું અને ૧૯૦૧માં બી.એ.ની ડિગ્રી મેળવી હતી. શરૂમાં તેઓ શિક્ષક તરીકે કામ કરતા હતા, પરંતુ પછી તેઓ ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત ‘સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી’માં ૧૯૦૯માં જોડાયા. ૧૯૧૧માં જોશીએ મુંબઈમાં ‘સોશિયલ સર્વિસ લીગ’ની સ્થાપના કરી. આ સંસ્થા ભૂકંપ, પૂર, રોગચાળો જેવી વિપદાઓમાં રાહત કામગીરી તેમજ ગરીબો માટે કલ્યાણકારી કામગીરી કરતી હતી. તેમણે શ્રમિક કલ્યાણ માટે અનેક કાયદાકીય સુધારાઓમાં ભાગ લીધો જેમાં ફૅક્ટરી ઍક્ટમાં સુધારાઓ, વર્કમૅન કૉમ્પેન્સેશન ઍક્ટ, ઇન્ડિયન ટ્રેડ યુનિયન ઍક્ટ, પેમેન્ટ ઑફ વેજેસ ઍક્ટ સામેલ છે. આ ઉપરાંત તેમણે ૧૯૧૯માં વિદેશમાં યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે ૧૯૨૦માં લાલા લાજપતરાય સાથે મળીને ‘ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ’(AITUC)ની સ્થાપના કરી હતી અને તેઓ ૧૯૨૫થી ૧૯૨૯ દરમિયાન સંગઠનના મહાસચિવ રહ્યા. આ ઉપરાંત તેઓ બૉમ્બે પ્રાંતીય કૉંગ્રેસ સમિતિના અને પીપલ્સ વૉલન્ટિયર બ્રિગેડના અગ્રણી સભ્ય પણ હતા. ૧૯૩૧માં તેમણે ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ છોડીને ‘ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન ફેડરેશન’ની સ્થાપના કરી. તેઓ એક સક્રિય લેખક અને પત્રકાર પણ હતા. તેમણે ‘જ્ઞાનપ્રકાશ’ અને ‘કામગાર સમાચાર’ નામનાં સાહિત્યિક અને શ્રમિક પત્રોનું સંપાદન કર્યું. તેમણે ૨૦ સપ્ટેમ્બર, ૧૯૨૨ના રોજ મજૂરો માટે ‘સહકારી મનોરંજન મંડળ’ની સ્થાપના કરી. ૧૯૩૦ અને ૧૯૩૨માં ગોળમેજી પરિષદમાં પણ તેમણે હાજરી આપી હતી. તેમના મહત્ત્વપૂર્ણ યોગદાનને લીધે ૧૯૮૦માં તેમના સન્માનમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા એક સ્મારક ટપાલટિકિટ બહાર પાડવામાં આવી છે.