દ્વિદળી વર્ગમાં આવેલો દિવસભર સૂર્યની સન્મુખ રહેતો પીળાં પુષ્પો ધરાવતો ઊંચો છોડ. સૂરજમુખી(સૂર્યમુખી)ની ૬૦થી વધારે જાતો થાય છે. કેટલીક એકવર્ષીય તો કેટલીક બહુવર્ષીય જાતો હોય છે. સૂર્યમુખીનો ઉદભવ ઉત્તર અમેરિકામાં થયો હતો. ત્યારબાદ તેના છોડને યુરોપમાં અને અન્ય દેશોમાં પણ લઈ જવામાં આવ્યો. રશિયામાં સૂર્યમુખીની ખેતી સૌથી મોટા પ્રમાણમાં થાય છે. સૂર્યમુખીનો છોડ ૧થી ૩ મીટર ઊંચો હોય છે. તેનું પ્રકાંડ રુવાંટીવાળું અને બરછટ હોય છે. તેનાં પાન સાદાં, એકાંતરિત, લાંબા દંડવાળાં અને અંડાકાર હોય છે. પાનની બંને બાજુએ રુવાંટી હોય છે. મુખ્ય પ્રકાંડ કે શાખાઓની ટોચ પર દેખાતું એક પીળા રંગનું પુષ્પ વાસ્તવમાં અનેક પુષ્પોનો સમૂહ હોય છે. તેને સ્તબક (પુષ્પનો ગુચ્છ) કહે છે. આ પુષ્પગુચ્છ ચપટો રકાબી આકારનો હોય છે. તેની બહારની સપાટીએ મોટાં, પીળાં, જીભ આકારનાં અને મધ્યમાં બદામી-જાંબલી નળી આકારનાં પુષ્પો હોય છે. બહારની સપાટીએ આવેલાં પુષ્પો કિરણપુષ્પકો અને મધ્યમાં આવેલાં પુષ્પોને બિંબપુષ્પકો કહે છે. દરેક પુષ્પકમાં એક બીજ અને દરેક સ્તબકમાં આશરે ૧૦૦૦ જેટલાં બીજ ઉત્પન્ન થાય છે. બીજ નળાકાર કે ઊંધું– અંડાકાર, દબાયેલું, સફેદ, કાળું કે ભૂખરી પટ્ટીવાળું હોય છે.

સૂર્યમુખીના સ્તબકની એક ખાસિયત છે. તે હંમેશાં સૂર્યની સન્મુખ રહે છે. દિવસભર સૂર્ય આકાશમાં પૂર્વથી પશ્ચિમ ગતિ કરે છે. તો તે પણ તે પ્રમાણે પોતાની સ્થિતિ બદલી હંમેશાં સૂર્યની સામે જ રહે છે. આ ખાસિયતને લીધે તેનું નામ ‘સૂર્યમુખી’ પડ્યું છે. તે ઘણો મધુર રસ (nectar) ધરાવે છે. તેમાંથી મધમાખી મધ બનાવે છે. સૂર્યમુખી પુષ્પો મધનો સારો સ્રોત ગણાય છે. સૂર્યમુખીનાં બીજમાં ૨૨-૩૬% જેટલું તેલ હોય છે. તેલ આછા બદામી રંગનું અને આનંદદાયી સુગંધવાળું હોય છે. શુદ્ધ કરેલું તેલ આછા પીળા રંગનું હોય છે, તેનું પોષણ-મૂલ્ય ઓલિવ તેલ જેટલું હોય છે. તેથી તેલ માટે સૂર્યમુખીની મોટા પાયે ખેતી થાય છે. તેનાં બીજને શેકી થોડુંક મીઠું નાખી મુખવાસની જેમ ખવાય છે. આ ઉપરાંત બીજનો પાંજરામાં રહેતાં પક્ષીઓના ખોરાક માટે ઉપયોગ થાય છે. તેના છોડ ઢોરને ખાવામાં ઉપયોગી છે. આથી ઢોરના ચારા માટે પણ સૂર્યમુખીની ખેતી થાય છે. સૂર્યમુખી જમીનમાંથી વિવિધ ખનિજદ્રવ્યો શોષી લે છે. આથી જમીનની ફળદ્રૂપતા જાળવવા માટે તેની સાથે ગવાર, ચણા કે તુવેર જેવા પાક લેવાય છે. સૂર્યમુખીના તેલનો ઉપયોગ રાંધવામાં, માર્ગરિન બનાવવામાં અને બેકરી-ઉદ્યોગમાં થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ ઊંજણ તરીકે, દીવો સળગાવવા તથા કાપડની બનાવટમાં થાય છે. તેનાં બીજ તથા પર્ણનો આયુર્વેદિક ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. સૂર્યમુખી અવાજ સુધારનાર; કફ, દમ, ઉધરસ, તાવ, ફોલ્લા, કોઢ અને પથરી જેવા રોગોમાં ઉપયોગી છે. તેના મૂળનો ઉકાળો દાંતને મજબૂત કરે છે અને દાંતનો દુખાવો મટાડે છે. તેનાં પાન ઊલટી કરાવનાર છે અને કમરની પીડાનો નાશ કરે છે. ભારતમાં સૂર્યમુખીનું વાવેતર મુંબઈ, મૈસૂર, પશ્ચિમ બંગાળ, ચેન્નાઈ તથા પંજાબના વિસ્તારોમાં થાય છે. ઉદ્યાનમાં શોભાના છોડ તરીકે પણ સૂર્યમુખીને ઉગાડવામાં આવે છે.
અંજના ભગવતી
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી