Categories
વાચન સમૃદ્ધિ

તિરાને

યુરોપના અગ્નિખૂણામાં આવેલ આલ્બેનિયા પ્રજાસત્તાક દેશની રાજધાની. એડ્રીઆટિક સમુદ્રથી પૂર્વમાં 32 કિમી. દૂર કિનારાના મેદાનમાં તે પથરાયેલ છે. મૂળ તે ફળદ્રૂપ મેદાનની દક્ષિણે ચૂનાના ખડકોની હારમાળાની તળેટીમાંનો જંગલવિસ્તાર હતો. વસ્તી આશરે 6,21,000 (2020, આશરે) છે. ઓટોમન સેનાપતિ બર્કીન્ઝાદેશ સુલેમાન પાશાએ 1600માં તેની સ્થાપના કરી હતી. 1946માં રશિયાની અસર હેઠળ સામ્યવાદીઓએ તેનો હવાલો સંભાળ્યો ત્યારબાદ ત્યાં વિવિધ વસ્તુઓ બનાવતી વીસ જેટલી નવી ફૅક્ટરીઓ સ્થપાઈ તથા સરકારી કચેરીઓ, શાળાઓ અને દવાખાનાનાં નવાં મકાનો બંધાયાં. ઉપરાંત ત્યાં જળવિદ્યુત-ઊર્જામથક પણ બાંધવામાં આવ્યું અને પાણીપુરવઠાની સગવડ આધુનિક બનાવાઈ. અહીં શહેરની આસપાસના વિસ્તારમાં ઑલિવ અને બદામની ખેતી મોટા પાયે થાય છે.

તિરાને શહેરની આસપાસમાં થતી (1) ઑલિવ અને (2) બદામની ખેતી

તે આલ્બેનિયાનું મહત્ત્વનું ઔદ્યોગિક કેન્દ્ર હોઈ અહીં મિકૅનિકલ એન્જિનિયરિંગને લગતા ઉદ્યોગ ઉપરાંત છાપકામનાં યંત્રો, મકાન-બાંધકામનાં જરૂરી સાધનો, કાચ, સિરામિક, લાકડાની બનાવટો અને અનેક લઘુઉદ્યોગોનો વિકાસ થયો છે. આલ્બેનિયાનાં અન્ય શહેરો સાથે તે રસ્તા, રેલ અને હવાઈ માર્ગે સંકળાયેલ છે. અહીંની વસ્તીનો મોટો ભાગ ઇસ્લામ ધર્મ પાળે છે. 1920માં જ્યારે તે દેશનું મુખ્ય વહીવટી મથક બન્યું, ત્યારે તેની વસ્તી માત્ર 10,000ની હતી. ત્યારબાદ રાજા ઝૉગ જે સ્વતંત્ર આલ્બેનિયાનો પ્રથમ અને એકમાત્ર રાજવી રહ્યો છે, તેણે ઇટાલિયન સ્થપતિઓને રોકીને શહેરનો નવો કેન્દ્રીય વિસ્તાર અને સ્કેન્ડરબર્ગ ચોકની આસપાસ સરકારી કચેરીઓનાં ભવ્ય મકાનો બંધાવ્યાં. શહેરનો વિસ્તાર વધતાં તેને આધુનિક સ્વરૂપ મળ્યું. 1939થી 44ના સમય દરમિયાન ઇટાલિયન અને જર્મન લશ્કરોએ અહીં થાણાં સ્થાપ્યાં હતાં, અને તેના પર પોતાનો કબજો જમાવ્યો હતો.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

હાથી

જમીન પર વસતું સૌથી મહાકાય, સૂંઢવાળું સસ્તન પ્રાણી.

હાથીની બે જાતિઓ છે : ૧. એશિયન હાથી, ૨. આફ્રિકન હાથી. એશિયન હાથી તે ભારત, શ્રીલંકા, મ્યાનમાર, સિયામ, મલાયા અને સુમાત્રામાં વસતા હાથી. ભારતમાં ઉત્તરાખંડ, આસામ, ઝારખંડ, ઓડિશા, કર્ણાટક, કેરળ વગેરે રાજ્યોમાં હાથી વસે છે. ભારતીય હાથીની ઊંચાઈ ૨.૫થી ૩ મીટર, લંબાઈ ૮ મીટર (સૂંઢથી પૂંછડી સુધીની) અને વજન ૩૦૦૦થી ૩૬૦૦ કિગ્રા. જેટલું હોય છે. આફ્રિકન હાથી આ હાથી કરતાં વધારે મોટા અને વધારે વજન ધરાવે છે. ભારતીય હાથીની જાતિમાં નર અને માદા દેખાવે સરખાં લાગે છે. ફેર માત્ર એટલો કે નર હાથીને મોટા હાથીદાંત હોય છે જ્યારે માદાને સાવ નાના. આફ્રિકન હાથીમાં નર તથા માદા બંનેને મોટા હાથીદાંત હોય છે. હાથીદાંતનો ઉપયોગ કરી તે ખોરાક મેળવે છે અને પોતાનું રક્ષણ કરે છે. તેની લંબાઈ પરથી હાથીની ઉંમર જાણી શકાય છે. હાથીની સૂંઘવાની શક્તિ જોવાની અને સાંભળવાની શક્તિ કરતાં વધારે તીવ્ર હોય છે. હાથીને થાંભલા જેવા ચાર પગ અને પગના તળિયે માંસલ ગાદી હોય છે. તે ૪થી ૫ આંગળીઓ ધરાવે છે.

આફ્રિકન હાથી

સસ્તન પ્રાણીઓમાં હાથીની વિશેષતા તે તેની સૂંઢ છે. સૂંઢ એનું નાક છે. તેના આગળના ભાગમાં બે નસકોરાંનાં છિદ્રો અને બે ઓષ્ઠ આવેલાં હોય છે. સૂંઢના છેડે આંગળી જેવો લંબગોલક હોય છે. આફ્રિકન હાથીમાં સૂંઢના છેડે બે ગોલક હોય છે. આ ગોલકની મદદથી તે સોય જેવી ઝીણી વસ્તુ પકડી શકે છે. સૂંઢમાં હાડકાં હોતાં નથી. તે મજબૂત સ્નાયુઓની બનેલી હોય છે. તેના વડે હાથી ખોરાક પકડીને પોતાના મોંમાં મૂકી શકે છે. તેનાથી હાથી મોટાં ઝાડ ઉખેડી શકે છે અને ભારે વજન ઊંચકી શકે છે. વળી તે સૂંઢથી પોતાનાં બચ્ચાંને પંપાળીને વહાલ પણ કરી શકે છે. હાથી શાકાહારી પ્રાણી છે અને પોતાના મોટા શરીરને ટકાવવા ખૂબ માત્રામાં (રોજનો લગભગ ૧૫૦ કિગ્રા. જેટલો) ખોરાક લે છે. ખોરાકમાં તે ડાળીડાળખાં, કૂંપળો, પાંદડાં તથા ફળો લે છે. શેરડી તેનો પ્રિય ખોરાક છે. ખોરાકને ચાવવા માટે તેના મોંમાં મોટી મોટી ૬ જોડ દાઢો હોય છે. એ દાઢો ઘસાઈ જાય તો ત્યાં નવી દાઢો ફૂટે છે. હાથી ખૂબ જોરાવર પ્રાણી છે. હાથીનું સરેરાશ આયુષ્ય ૪૦ વર્ષનું હોય છે; પરંતુ ક્યારેક તેઓ આશરે ૭૦ વર્ષ સુધી પણ જીવે છે. ગણપતિના મસ્તકની જગાએ હાથીનું માથું મુકાયેલ છે. તે અંગેની પૌરાણિક કથા પણ છે. હાથી બુદ્ધિશાળી અને સારી યાદશક્તિ ધરાવતું ચતુર પ્રાણી ગણાય છે. તેથી કદાચ હાથીનું મસ્તક ગણપતિ માટે પસંદ કરાયું હોય એવું અનુમાન પણ થઈ શકે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હાથી, પૃ. 154)

Categories
વાચન સમૃદ્ધિ

હંગેરી

મધ્ય યુરોપમાં આવેલો નાનો દેશ. તે ૪૭° ૦૦´ ઉ. અ. અને ૨૦° ૦૦´ પૂ. રે. પર વિસ્તરેલો છે. તે લગભગ ૯૩,૦૩૨ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સ્લોવાકિયા, ઈશાને યુક્રેન, પૂર્વમાં રુમાનિયા, દક્ષિણે ક્રોએશિયા અને સર્બિયા, નૈર્ઋત્યમાં સ્લોવેનિયા તથા પશ્ચિમે ઑસ્ટ્રિયા જેવા દેશો આવેલા છે. હંગેરીનું પાટનગર બુડાપેસ્ટ છે. હંગેરીની વસ્તી ૯૬,૩૦,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે.

પ્રાકૃતિક દૃષ્ટિએ દેશના ભૂપૃષ્ઠને ચાર વિભાગોમાં વહેંચી શકાય : (૧) વિશાળ મેદાન, (૨) ટ્રાન્સડેન્યૂબિયા, (૩) નાનું મેદાન, (૪) ઉત્તરનો ઉચ્ચપ્રદેશ. ડેન્યૂબ અહીંની મુખ્ય નદી છે. ડેન્યૂબ નદી પડોશી દેશો સાથેના જળવ્યવહારમાં ખૂબ ઉપયોગી બની રહે છે. હંગેરીના પશ્ચિમ ભાગમાં મધ્ય યુરોપનું સૌથી મોટું સરોવર બાલાટોન (૫૯૬ ચોકિમી.) આવેલું છે. તેનું કદ એટલું વિશાળ છે કે તે ‘હંગેરિયન સી’ (sea) તરીકે ઓળખાય છે ! પ્રવાસીઓ માટેનું કુદરતી સૌંદર્યથી ભરપૂર એ પ્રિય સ્થળ છે. વેલેન્સી અહીં આવેલું અન્ય જાણીતું સરોવર છે. અહીં પક્ષીઓની અનેક જાતિઓ જોવા મળે છે. અહીં ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા રહે છે. અહીં સરેરાશ વરસાદ ૬૦૦ મિમી. જેટલો પડે છે.

બુડાપેસ્ટની યુનિવર્સિટી ઑવ્ ટૅક્નૉલૉજી ઍન્ડ ઇકૉનૉમિક્સ, હંગેરીનો રાષ્ટ્રીય પોશાક અને નૃત્ય

દેશમાં ખનિજસંપત્તિ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. અહીંથી લોહઅયસ્ક, બૉક્સાઇટ અને મૅંગેનીઝનાં ખનિજો, ખનિજતેલ અને કુદરતી વાયુ મળી રહે છે. હંગેરીના મુખ્ય કૃષિપાકોમાં મકાઈ, ઘઉં, જવ, સૂરજમુખીનાં ફૂલ, સફરજન, બટાકા અને શર્કરા-કંદનો સમાવેશ થાય છે. હંગેરીમાં સડકમાર્ગો તથા રેલમાર્ગની સુવિધા સારી છે. નદીઓ દ્વારા જળવ્યવહાર ચાલે છે. બુડાપેસ્ટ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. ૧૭૮૨માં સ્થપાયેલી યુનિવર્સિટી ઑવ્ ટૅક્નૉલૉજી દુનિયાની જૂનામાં જૂની યુનિવર્સિટી છે. દેશમાં લગભગ ૭૭૬ જેટલાં મ્યુઝિયમ અને કલાદીર્ઘાઓ આવેલાં છે. ‘રેડ પેપરિકા’(red paparika) ખાસ હંગેરીમાં જ ઉગાડેલાં મરચાંમાંથી બનાવવામાં આવે છે. તે હંગેરીનો રાષ્ટ્રીય તેજાનો ગણાય છે. સૉકર, સ્વિમિંગ જેવી રમતો અહીં પ્રિય છે. અહીં વારતહેવારે સંગીતના જલસાઓ યોજાય છે. પાટનગર બુડાપેસ્ટ હંગેરીનું સૌથી મોટું શહેર છે. આખું શહેર ભવ્ય ઐતિહાસિક સ્થાપત્યોથી ભરેલું છે. અહીં ગૉથિક શૈલી, બરોક શૈલી અને નિયો-રોમન તથા નિયો-ક્લાસિકલ શૈલીનાં કલાત્મક સ્થાપત્યો તથા ઇમારતો આવેલાં છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં અનોખું સ્થાપત્ય ધરાવતું ફિશરમૅન્સ બાસ્ટિયન મુખ્ય છે. આ ટાવર પરથી ડેન્યૂબ નદી, માર્ગરેટ આઇલૅન્ડ, પાર્લમેન્ટ હાઉસનું વિહંગમ દૃશ્ય નજરે પડે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હંગેરી, પૃ. 145)