Categories
વાચન સમૃદ્ધિ

તેહરી ગઢવાલ

ભારતના ઉત્તરાખંડ રાજ્યના 13 જિલ્લા પૈકીનો જિલ્લો તથા ન્યૂ તહેરી નામ ધરાવતું જિલ્લામથક. તે 30° 38´ ઉ. અ. અને 78° 48´ પૂ. રે.ની  આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની પૂર્વે રુદ્રપ્રયાગ જિલ્લો, પશ્ચિમે દેહરાદૂન જિલ્લો, ઉત્તરે ઉત્તરકાશી જિલ્લો અને દક્ષિણે પૌરી ગઢવાલ જિલ્લા સીમા રૂપે આવેલા છે. હિમાલય ગિરિમાળાના દક્ષિણ ઢોળાવ પર આ જિલ્લો આવેલો છે. જેનો દક્ષિણનો ઢોળાવ પ્રમાણમાં તીવ્ર છે. આશરે 600 મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતી ખીણો જે અહીંની લાક્ષણિકતા છે. જેને પશ્ચિમમાં ‘દૂન’ અને પૂર્વમાં ‘દ્વાર’ કહે છે. અહીં આવેલી ટેકરીઓ સ્થાનિક નામથી ઓળખાય છે. જેમ કે ઉત્તરાખંડમાં આવેલી શ્રેણી ‘ડુંડવા શ્રેણી’ તરીકે ઓળખાય છે. ઉત્તરે આવેલી હિમાલય પર્વતશ્રેણીથી હેઠવાસ તરફ જતી મોટા ભાગની નદીઓએ આ શ્રેણીને કાપકૂપ કરીને પહોળી તથા તીવ્ર ઢાળ ધરાવતી ખીણોનું નિર્માણ કર્યું છે. ભાગીરથી અને અલકનંદા નદીઓ આ જિલ્લામાંથી વહે છે. ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં 6600 મીટરની ઊંચાઈએ આવેલી ગંગોત્રી હિમનદી છે. જ્યાંથી ઉદ્ગમ પામતી નદી તે ભાગીરથી તરીકે ઓળખાય છે. દેવપ્રયાગ પાસે અલકનંદાનો સંગમ થાય છે. જ્યાં સૂરકન્ડા દેવીનું મંદિર આવેલું છે. અહીં ઘનાઉલ્ટી (Dhanaulti) પર્વત આવેલો છે. નાગ ટીબ્બા અને તેહરી બંધ પાસેથી હિમાલયનાં દર્શન થાય છે.

તેહરી બંધ

અહીં ભેજવાળાં પાનખર જંગલો આવેલાં છે. મોટે ભાગે અહીં આર્દ્રતાનું પ્રમાણ 60%થી 80% ટકા જોવા મળે છે. આ જંગલોમાં પાઇન, ઓક, ફર, દેવદાર, પોપ્લર, ચેસ્ટનટ, ચીડ, બર્ચ વગેરે વૃક્ષો જોવા મળે છે. આ જિલ્લાના 68% ભૂમિવિસ્તારમાં જંગલો, ઘાસ અને ઝાડીઝાંખરાં છવાયેલાં છે. આ જંગલોમાં ઘાસ વધુ હોવાથી ઘાસ ઉપર નભનારાં પ્રાણીઓ જેમાં સાબર, ચિત્તલ, હરણ, ઘેટાં, બકરાં જ્યારે માંસાહારી પ્રાણીઓ વાઘ, દીપડા, જંગલી બિલાડી વગેરે છે. અહીં જમીનમાં કાંકરા, પથ્થર વધુ હોય છે તેથી એની ફળદ્રુપતા ઓછી હોય છે. જમીનનો રંગ પ્રમાણમાં કથ્થઈ હોય છે. જિલ્લાના નદીકિનારાના વિસ્તારમાં પગથિયાંવાળાં ખેતરોમાં ખેતી થાય છે. મોટે ભાગે ડાંગર, જવ, ઘઉં, તેલીબિયાં, ફળફળાદિ અને શાકભાજી જ્યારે કઠોળમાં ચણા, મસૂર, સોયાબીન, રાઈ અને આદું-મરચા, વટાણાની ખેતી લેવાય છે. આ જિલ્લાનો વિસ્તાર 4,080 ચો.કિમી. છે, વસ્તી આશરે 6,35,000 (2025 મુજબ) છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, તેહરી ગઢવાલ, પૃ. 17 અથવા જુઓ https://gujarativishwakosh.org/તેહરી ગઢવાલ/)

Categories
વાચન સમૃદ્ધિ

અગિયારી

પારસી લોકોનું પવિત્ર ધર્મસ્થાન. અગિયારીમાંના તેમના પવિત્ર અગ્નિ(આતશ)ના પ્રકારો મુજબ ત્રણ દરજ્જા છે : ‘આતશે દાદગાહ’, ‘આતશે આદરાન’ અને ‘આતશે બહેરામ’. આતશની સેવા માટે નિયુક્ત થયેલા દસ્તૂર (ધર્મગુરુ) સિવાય કોઈ ગર્ભગૃહમાં જઈ શકતું નથી. અગિયારીની અંદર દર્શન કરવા માટે અન્ય ધર્મીઓને છૂટ હોતી નથી. સોની, લુહાર અને કુંભારની ભઠ્ઠીઓનો અગ્નિ એકત્ર કરીને તેના ઉપર જરથુષ્ટ્ર સંપ્રદાય મુજબનો વિધિ કરીને એક પ્યાલાના આકારના મૂલ્યવાન ધાતુપાત્રમાં આ સિદ્ધાગ્નિની સ્થાપના કરવામાં આવે છે. ખાસ કરીને ‘આતશે બહેરામ’ની અંદર વિદ્યુતાગ્નિ રહેલો છે; તેથી તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. અગિયારીની અંદરનો અગ્નિ સદા જલતો રહે છે. જો તે બુઝાઈ જાય તો તેને અનિષ્ટ સૂચક માનવામાં આવે છે.

પારસી અગિયારી સંજાણ

અગિયારીની ઇમારત મોટે ભાગે વિશાળ ચોગાનમાં, માળ વિનાની, બેઠી બાંધણીની હોય છે. એમાં પ્રવેશતાં વરંડો હોય છે, જ્યાં અગિયારીને લગતો શિલાલેખ ચોડેલો હોય છે. અંદરની રચનામાં એક બાજુ કેબલો (મુખ્ય અગ્નિખંડ) હોય છે, જેમાં ઊંચા તખ્ત પર મુખ્યત્વે આરસના આફ્રિન્ગાન્યા ઉપર પવિત્ર અગ્નિ પાંચે પ્રહર સત્કાર પામતો હોય છે. કેબલોની બાજુનો ખંડ મુક્તાદ એટલે કે શ્રાદ્ધ માટે ઉપયોગમાં લેવાય છે. ત્યાં ફરોહરની આરાધના કરવામાં આવે છે. કેબલોની સામે વિશાળ પ્રાર્થનાખંડ હોય છે, જ્યાં હોમહવન કરવામાં આવે છે. કોઈ શોભા કે સજાવટથી ચિત્તભ્રમ ન થાય તે માટે અગિયારીમાં સાદાઈ રખાય છે. અગિયારીના ચોગાનમાં કસીગાહ (જનોઈ) માટેની જગ્યા, કાઠીભંડાર, દસ્તૂર, પંથકી કે મોબેદને રહેવાનું મકાન અને ક્યારેક પારસી પંચાયતનું મકાન પણ રખાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અગિયારી, પૃ. 10)

Categories
વાચન સમૃદ્ધિ

તેહરાન

ઈરાનનું પાટનગર અને દેશના મધ્ય પ્રાંતનું વહીવટી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 35° 40´ ઉ. અ. અને 51° 26´ પૂ. રે.. અલ્બુર્ઝ પર્વતમાળાના દક્ષિણ ઢોળાવ પર તે આવેલું છે, જે તેને કાસ્પિયન સમુદ્રથી જુદું પાડે છે. તે સમુદ્રસપાટીથી આશરે 1200 મી. ઊંચાઈ પર જારુદ અને કરાજ નદીની વચ્ચે આવેલું છે. તેની દક્ષિણે ઈરાનનું મધ્યવર્તી મેદાન વિસ્તરેલું છે. તેનું નામ જૂના ફારસી શબ્દ ‘તેહ’ એટલે કે ‘ગરમ જગ્યા’ (સ્થળ) પરથી પડેલું છે. આ પ્રદેશની અસહ્ય ગરમીથી બચવા ઘણા લોકો ઉનાળામાં હવા ખાવાના સ્થળ શેમીરાન (ઉત્તરે આશરે 17 કિમી. દૂર) જતા હોય છે. તહેરાનથી ઈશાનમાં આશરે 70 કિમી.ના અંતરે બરફથી આચ્છાદિત માઉન્ટ ‘દામવંદ’ આવેલ છે, જે મૃત જ્વાળામુખી છે. આ નગર 262 ચોકિમી.ના વિસ્તારમાં પથરાયેલું છે. નગરની વસ્તી આશરે 86.9 લાખ (2016) છે. ઈરાનના પદભ્રષ્ટ શાહ મહંમદ રઝા પહેલવી(1919–80)નું રહેઠાણ આ નગરમાં હતું.

તેહરાન શહેર

તેહરાનના ઉનાળા સખત ગરમ અને શિયાળા અતિ ઠંડા હોય છે. ઉનાળાનું સરાસરી તાપમાન જુલાઈમાં 29° સે. અને જાન્યુઆરીનું તાપમાન 4° સે. હોય છે. આખા વર્ષનો સરાસરી વરસાદ 200 મિમી. જેટલો પડે છે. વરસાદ સામાન્ય રીતે નવેમ્બરથી મેના અંત સુધી પડે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં હિમવર્ષા પણ થાય છે. આ નગર દેશનું મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર ગણાય છે. ત્યાંના નજીકના વિસ્તારમાં ખાંડ તથા સિમેન્ટનાં કારખાનાં છે. ઉપરાંત આ નગર તેના કાપડઉદ્યોગ માટે જાણીતું છે. ત્યાં ઘણી સ્પિનિંગ તથા જિનિંગ મિલો આવેલી છે. ત્યાંથી મોટા પાયા પર ગરમ ધાબળાની નિકાસ થાય છે. આ નગર સડક, રેલવે અને હવાઈ માર્ગથી સમગ્ર દેશ સાથે જોડાયેલું છે. દેશના રેલમાર્ગો ઉત્તર, વાયવ્ય, દક્ષિણ અને પૂર્વ દિશા તરફ ફેલાયેલા છે. સાથોસાથ આ નગર તુર્કસ્તાન મારફત ટ્રાન્સયુરોપીય રેલવે સાથે પણ જોડાયેલું છે. હવાઈ માર્ગ દ્વારા તેહરાન યુરોપ-એશિયા અને ઈરાનના અખાતી દેશો જોડે જોડાયેલું છે. નગરની મુખ્ય વસ્તી મુસ્લિમ છે. એ ઉપરાંત લઘુમતીમાં અમેરિકન, આસિરિયન અને બહુ થોડા યહૂદી લોકો પણ ત્યાં વસે છે. પર્શિયન એ ત્યાંની મુખ્ય ભાષા છે. શહેરમાં સિપેહસાલાર મસ્જિદ, બહારસ્તાન પૅલેસ, શાહ-અલ-અમારેહ પૅલેસ, આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ વગેરે જોવાલાયક સ્થળો આવેલાં છે. આજનું તેહરાન એ જૂના ઈરાનના પાટનગર રે’નું વારસદાર શહેર છે. ઈ. સ. 1200માં મોંગોલ લોકોએ તેનો વિધ્વંસ કરેલો. આજે પણ તેહરાનથી આશરે 6 કિમી. દક્ષિણે જૂના પાટનગર રે’ના અવશેષો જોવા મળે છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9