Categories
વાચન સમૃદ્ધિ

અજમેર

ભારતના રાજસ્થાન રાજ્યના અજમેર જિલ્લામાં આવેલું જિલ્લામથક તેમ જ શહેર. ભૌગોલિક સ્થાન : ૨૬° ૨૭´ ઉ. અ. અને ૭૮° ૩૮´ પૂ. રે. આ શહેર અરવલ્લી પર્વતમાળાના તારાગઢ પહાડના ઢોળાવ ઉપર વસેલું છે. અમદાવાદ-દિલ્હી રેલમાર્ગ પરનું તે મહત્ત્વનું મથક છે. લૂણી નદી અજમેરની નજીકથી પસાર થાય છે અને કચ્છના રણમાં સમાઈ જાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.૮ અજમેરમાં થઈને જાય છે, તેથી તે નજીકનાં ઘણાં શહેરો સાથે સંકળાયેલું છે. રાજપૂત શાસક અજયદેવે અગિયારમી સદીમાં તેની સ્થાપના કરી હતી. ભારતના છેલ્લા રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણ પાસેથી મહમ્મદ ઘોરીએ એ જીતી લીધું. ૧૧૯૩માં તે દિલ્હીના ગુલામ વંશના રાજ્ય સાથે જોડાયું. તેરમી સદીમાં રણથંભોરના હમીરદેવ અને ત્યારબાદ મેવાડના રાણા કુંભાએ તે જીતી લીધું. ૧૫૫૬માં અકબરે તેને જીતી લીધું. ૧૭૭૦માં તે મરાઠાઓએ જીતી લીધું. રાજપૂતો સામેની લડાઈમાં અજમેર શહેરનો ઉપયોગ મુસ્લિમ શાસકોએ લશ્કરી થાણા તરીકે કર્યો હતો. ૧૮૧૮માં ત્યાં અંગ્રેજી શાસન આવ્યું.

પુષ્કર તીર્થક્ષેત્ર             ખ્વાજા મોહિયુદ્દીન ચિશ્તીનો મકબરો

પ્રસિદ્ધ મુસ્લિમ સંત ખ્વાજા મોહિયુદ્દીન ચિશ્તીનો વિશાળ પરિસર ધરાવતો મકબરો (અજમેર-શરીફ) અહીં આવેલો છે. દરગાહની મુલાકાત લેવા હજારો શ્રદ્ધાળુઓ આવે છે. અકબરે ચિશ્તીની માનતા માનેલી અને તે ફળેલી, એટલે અકબરે દિલ્હીથી અજમેરની પદયાત્રા કરેલી. ત્યારથી દરેક વર્ષે અહીં ઉર્સ (મેળો) ભરાય છે. તેમાં ભાગ લેવા વિશ્વભરમાંથી મુસ્લિમ યાત્રિકો આવે છે. તે સિવાય અકબરનો મહેલ જે હાલ સંગ્રહાલયમાં ફેરવાયેલો છે તે જોવાલાયક છે. અજમેર-જયપુર-નાગોર જિલ્લાઓની સીમાને ત્રિભેટે ખારા પાણીનું સાંભર સરોવર આવેલું છે. અજમેરની નજીક આવેલા પુષ્કર તીર્થક્ષેત્રમાં બ્રહ્માજીનું મંદિર આવેલું છે. ત્યાં હિન્દુ યાત્રિકોની અવરજવર રહે છે. કૃષિ અહીંની મુખ્ય પ્રવૃત્તિ છે. અજમેર હસ્તકલા, રંગકામ તથા હાથવણાટ માટે પણ જાણીતું છે. જિલ્લાનો વિસ્તાર ૮૪૮૧ ચોકિમી. જેટલો અને વસ્તી ૨૯,૯૫,૮૨૪ (૨૦૨૫) જેટલી છે. શહેરની વસ્તી અંદાજે ૬,૬૫,૦૦૦ (૨૦૨૫) જેટલી છે અને મેટ્રો પોલિટનની વસ્તી ૭,૯૨,૦૦૦ (૨૦૨૫) જેટલી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

તોરીનો (તુરિન)

ઇટાલીનો પ્રાન્ત તથા તેનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 45° 08´ ઉ. અ. અને 7° 22´ પૂ. રે.. આ ઔદ્યોગિક શહેર આલ્પ્સ પર્વતની પૂર્વ બાજુએ આવેલાં પહોળાં અને ફળદ્રૂપ મેદાનોની વચ્ચે પાયમોન્ટ પ્રદેશમાં ‘પો’ નદીના કિનારે વસેલું છે. વિસ્તાર 130 ચોકિમી. મૂળ વસાહત તુરિનીએ વસાવી હતી. ઈ. સ. પૂ. 218માં કાર્થેનિયન આક્રમણકાર કૅનિબાલે તેનો નાશ કરેલો. ત્યાર પછી રોમન સમ્રાટ ઑગસ્ટસે 24 ખંડમાં લંબચોરસ ખૂણે ફરી બંધાવેલી. નગરની વસ્તી આશરે 8,47,287, જ્યારે મેટ્રો શહેરની વસ્તી 22 લાખ (2022, આશરે) છે. 1950 અને 1960ની વચ્ચે દક્ષિણ ઇટાલીમાંથી સ્થળાંતર કરીને આવેલી વસ્તીને કારણે શહેરની વસ્તીનું પ્રમાણ વધ્યું છે. નગરમાં ઑટોમોબાઇલ, ઍરોપ્લેન, બૉલ-બેરિંગ, રબર, કાગળ, ધાતુ, રાસાયણિક, પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોટૅકનિકલને લગતા ઉદ્યોગો ઉપરાંત ચૉકલેટ તથા દારૂ બનાવવાના ઉદ્યોગો પણ વિકસ્યા છે.

તુરિન શહેર

આ નગરની ગણતરી દેશનાં સૌન્દર્યધામોમાં થાય છે. નગરમાં પો નદીના જમણા કિનારા પર ઉદ્યાનો તથા બગીચાઓ છે. નગરની જોડેની ટેકરી પર દેવળ છે. ઉપરાંત નગરમાં ઠેરઠેર સુંદર ઇમારતો અને ચોક છે. ‘તુરિનનું કફન’ એક દેવળમાં મૂકેલું છે. આ કફનમાં જિસસ ક્રાઇસ્ટનું શબ વીંટાળેલું હતું એવી લોકોની માન્યતા છે. ચોથી શતાબ્દીમાં રોમન સામ્રાજ્યની પડતી પછી આ શહેર લૉમ્બાર્ડ સામ્રાજ્યનું અંગ બનેલું. 1536થી 1567 સુધી ફ્રેન્ચોના કબજા દરમિયાન તુરિન ‘કૅપિટલ ઑવ્ ડચી ઑવ્ સેવોય’ બન્યું. આ શહેર 1720માં સારડેનિયન સામ્રાજ્યનું બન્યું અને ઓગણીસમી સદીમાં ઇટાલીનું રાજકીય અને બૌદ્ધિક કેન્દ્ર બન્યું. 1861થી 1865 સુધી યુનાઇટેડ ઇટાલીનું પાટનગર રહ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે ભારે હવાઈ હુમલાનું નિશાન બનેલું. 1405માં લૂઈસ ઑવ્ સેવોય અકેઇઆએ યુનિવર્સિટી ઑવ્ તુરિનની સ્થાપના કરેલી. આ સિવાય અહીં તુરિન પૉલિટૅકનિક (1859), ધ ગેલેરિયા ડેલ એકૅડેમિયા આલ્બર્ટિના (1652), ધ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બિઝનેસ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગેનાઇઝેશન સ્ટડીઝ (1935) વગેરે શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. નગરમાં ઘણાં સમૃદ્ધ ગ્રંથાલયો પણ છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9

Categories
વાચન સમૃદ્ધિ

અજંતાની ગુફાઓ

ભારતીય ભિત્તિચિત્રોની કલાશૈલી ધરાવતી પ્રખ્યાત બૌદ્ધ ગુફાઓ.

ભારતીય ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત અજંતાની ગુફાઓમાં મળી આવેલાં ચિત્રોથી થાય છે એમ કહી શકાય. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગાબાદથી ૧૦૩ કિમી. અને જલગાંવ રેલવે-સ્ટેશનથી ૫૫ કિમી.ના અંતરે આ ગુફાઓ આવેલી છે. અજંતાની ગુફાઓ બૌદ્ધોને લગતી છે. ‘અજંઠા’ નામના ગામ પાસે આ ગુફાઓ હોઈ એ નામે તે જાણીતી થઈ છે. બાઘોરા નદીના વહેળાની સામે પર્વતને કંડારીને અર્ધચંદ્રાકારે ૨૯ જેટલી ગુફાઓને કોતરી કાઢવામાં આવી છે. આ ગુફાઓ વર્ષો સુધી ઝાડીઝાંખરાંને કારણે ઢંકાયેલી અને અવાવરું રહી; પરંતુ આ ગુફાઓ શોધવાનું શ્રેય ઈ. સ. ૧૮૧૯માં મદ્રાસ સેનાના જનરલ જેમ્સને ફાળે જાય છે. તેમને અને તેમના સાથી સૈનિકોને આ ગુફાઓ અકસ્માતે જ મળી ગઈ હતી. આ ગુફાઓમાંથી ૧થી ૧૮ નંબરની ગુફાઓ દક્ષિણાભિમુખી અને બાકીની પૂર્વાભિમુખી છે. તેમાં ૯, ૧૦, ૧૯ અને ૨૬ નંબરની ગુફાઓ ચૈત્ય મંદિરરૂપ છે. અજંતાની બધી જ ગુફાઓમાં બૌદ્ધ પરંપરાની કળા જોવા મળે છે. તે ઈ. સ. પૂ. ૨૦૦થી ઈ. સ. ૬૫૦ દરમિયાન ત્રણ તબક્કે કંડારાયેલી છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી અજંતાની ગુફાઓ

ભારતીય ભિત્તિચિત્રોની કલાશૈલીનો અહીં ૮૦૦ વર્ષનો ઇતિહાસ રજૂ થયો છે. દૃશ્યકલાનાં ત્રણ સ્વરૂપ – સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલાનો અહીં ત્રિવેણીસંગમ થયો છે. આ ગુફાઓમાંથી નં. ૧, ૨, ૧૬ અને ૧૭મી ગુફામાંનાં ચિત્રો ઉત્તમ ગણાય છે, જેમાંનાં ઘણાં જળવાઈ રહ્યાં છે. આ ગુફાઓમાં ભગવાન બુદ્ધના વિવિધ જીવન-પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે. ગુફા નં. ૧નું બોધિસત્ત્વ(પદ્મપાણિ)નું ચિત્ર સર્વોત્તમ છે. હાથમાં નીલકમલ ધારણ કરીને ત્રિભંગમાં ઊભેલા બોધિસત્ત્વના મુખારવિંદ પર ચિંતન, મનોમંથન અને કરુણાના ભાવો અદ્ભુત રીતે અભિવ્યક્ત થયા છે. અજંતાની ગુફાનાં ચિત્રોની વિશેષતા એ છે કે ૮૦૦ વર્ષ સુધી આ ચિત્રકામ થયું હોવા છતાં તેના આલેખનમાં એકસૂત્રતા સચવાઈ છે. ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળે આ ચિત્રોની પ્રતિકૃતિ કરીને તેનો ‘અજંતાના કલામંડપો’ નામે સંગ્રહ આપ્યો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અજંતાની ગુફાઓ, પૃ. 14)