Categories
વાચન સમૃદ્ધિ

તુંગભદ્રા

દક્ષિણ ભારતની એક મુખ્ય નદી. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી વહેતી 640 કિમી. લાંબી કૃષ્ણા નદીની તે મુખ્ય ઉપનદી છે. કર્ણાટકના ચિકમંગલૂર જિલ્લામાં આવેલ શૃંગેરીની નૈઋત્યમાં આશરે 2.5 કિમી. દૂર પશ્ચિમઘાટમાં આવેલ પુરાણ પ્રસિદ્ધ વરાહુ શિખર (ઊંચાઈ 1400 મી.) પરથી તુંગા અને ભદ્રા એમ બે નદીઓ નીકળે છે. શિમોગા જિલ્લાની ઉત્તરે કુડલી પાસે 14° ઉ. અ. અને 75° પૂ. રે. પર આ બે નદીઓ મળે છે અને ત્યાંથી તે તુંગભદ્રા તરીકે ઓળખાય છે. તુંગાના કાંઠે શૃંગેરી અને શિમોગા જેવાં ગામો વસ્યાં છે. ભદ્રા બાબાબુદાન ડુંગર તરફ વહી ઉત્તરમાં બેંકીપુર પાસેથી પસાર થઈ આગળ વધે છે.  તેના કાંઠે ભદ્રાવતી, બેંકીપુર, હરિહર, હોસ્પેટ અને હમ્પી નગરો આવેલાં છે.

તુગંભદ્રા બંધ

ઈશાન તરફ આગળ વધી આંધ્રપ્રદેશ અને કર્ણાટકની સરહદ પર 50 કિમી. સુધી વહ્યા બાદ આંધ્રપ્રદેશમાં કર્નુલ જિલ્લામાં સંગમેશ્વર પાસે તે કૃષ્ણાને મળે છે. કુમુદવતી, વરદા, હરિદ્રા, ચીના હગારી, વેદવતી વગેરે નદીઓ તુંગભદ્રાની ઉપનદીઓ છે.

ભારતમાં પ્રાચીન કાળથી નદીઓ પર બંધ બાંધી સિંચાઈ કરવાની પ્રથા પ્રચલિત હતી. 20મી સદીની શરૂઆતથી તુંગા અને ભદ્રા પર 38 જેટલા નાનામોટા બંધો બાંધવામાં આવ્યા હતા. આ બધા બંધો જૂના મૈસૂર રાજ્યમાં હતા. વિજયનગરના પ્રાચીન વંશના રાજવીઓએ 1336–1565 દરમિયાન તુંગભદ્રા પર અનેક બંધો બંધાવેલા, તે પૈકી દસ આજે પણ અસ્તિત્વમાં છે. બેલ્લારી જિલ્લાના હમ્પી પાસે આ નદીને કિનારે વિજયનગર સામ્રાજ્યના પ્રાચીન અવશેષો આજે પણ સચવાયેલા છે. બ્રિટિશ અમલ દરમિયાન 1903માં આ નદી પર એક સંયુક્ત બહુહેતુક યોજના અમલમાં મૂકવાનો ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો. તે યોજના છેક 1956માં સાકાર થઈ. કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં હોસ્પેટથી 8 કિમી. દૂર આ નદી નાનીમોટી ટેકરીઓ વચ્ચેથી પસાર થાય છે, ત્યાં મલ્લાપુર પાસે 2441 મી. લાંબો અને 49.33 મી. ઊંચો બંધ બાંધવામાં  આવ્યો છે. તેનાથી 1973-74માં 3.32 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળ્યો હતો. અને 1 લાખ કિલોવૉટ વીજળીનું ઉત્પાદન થયું હતું. આ જળાશયને પંપા સરોવર નામ અપાયું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તુંગભદ્રા, પૃ. 881 અથવા જુઓ https://gujarativishwakosh.org/તુંગભદ્રા/)

Categories
વાચન સમૃદ્ધિ

હૃષીકેશ (ઋષિકેશ)

ઉત્તરાખંડ રાજ્યમાં ગંગાકાંઠે આવેલું પવિત્ર યાત્રાધામ.

તે ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં ૩૦° ૦૭´ ઉ. અ. અને ૭૮° ૧૮´ પૂ. રે. પર આવેલું છે. હરિદ્વારથી ઉત્તર તરફ તે ૨૪ કિમી.ને અંતરે સ્થિત છે. હૃષીકેશ સમુદ્રસપાટીથી ૩૯૨ મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનો કુલ વિસ્તાર ૧૧.૫ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી ૧,૪૮,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે. હરિદ્વાર અને હૃષીકેશ જોડિયાં રાષ્ટ્રીય વારસાઈ શહેરો તરીકે જાણીતાં છે. પવિત્ર ગંગા નદી સાથે તેનું ધાર્મિક મહત્ત્વ જોડાયેલું છે. આ બંને શહેરો સડક અને રેલમાર્ગે નજીકનાં શહેરો સાથે જોડાયેલાં છે. અહીં ગંગા નદીના કિનારે આશરે ૧૦૦થી પણ વધુ આશ્રમો આવેલા છે. તેમાં મહર્ષિ મહેશ યોગીએ સ્થાપેલો ધ્યાનયોગ કેન્દ્રનો આશ્રમ, શિવાનંદનો દિવ્યજીવન સોસાયટી આશ્રમ તથા યોગસાધના આશ્રમનો સમાવેશ થાય છે. કૈલાસ આશ્રમ – બ્રહ્મવિદ્યાપીઠ વેદના અભ્યાસ માટેનું મુખ્ય કેન્દ્ર બની રહેલો છે. હિમાલયની તળેટીમાં વસેલું હૃષીકેશ તેના પવિત્ર, શુદ્ધ ધાર્મિક વાતાવરણને લીધે આત્મોન્નતિની ઉપાસના કરનારાઓ માટે જાણીતું સ્થળ બની રહ્યું છે.

હૃષીકેશ

વિશાળ પટ ધરાવતો અહીંનો ગંગાનો ત્રિવેણી ઘાટ શ્રદ્ધાળુઓ દ્વારા મુખ્ય સ્નાનઘાટ તરીકે ઉપયોગમાં લેવાય છે. ગંગા નદીમાં ડૂબકી લગાવીને નિષ્પાપ બન્યાની ભાવનાથી લોકો કૃતજ્ઞતા અને પ્રસન્નતા અનુભવે છે. રોજ સંધ્યાટાણે અહીં હૃષીકેશના આશ્રમોના સ્વામીઓ અને મહાત્માઓ ધાર્મિક પ્રવચનો આપે છે, પ્રવચનો પછી આરતી થાય છે. તે સમયે અહીંનું વાતાવરણ અલૌકિક શાંતિથી સભર બની રહે છે. ગંગા નદીના પ્રવાહમાંનાં મત્સ્યોને પવિત્ર ગણીને યાત્રીઓ તેમને વિવિધ ખાદ્યસામગ્રી અર્પે છે. અહીં ગંગાકાંઠે દર વર્ષે જાન્યુઆરી માસમાં એક સપ્તાહ માટે યોગ-ઉત્સવ ઊજવાય છે. તે દરમિયાન ધર્મગુરુઓ દ્વારા વ્યાખ્યાનો તેમ જ યોગાસનોનાં નિદર્શનો પણ યોજાય છે. ભાવિકો અને મુલાકાતીઓને હૃષીકેશમાં પ્રવેશ કરાવતો ‘લક્ષ્મણઝૂલા’ સેતુ હૃષીકેશની ઓળખ સમાન છે. લોકકથા અનુસાર રામની રક્ષા અર્થે મદદમાં રહેલા લક્ષ્મણે પોતાના ગુરુની હત્યા બદલ પ્રાયશ્ચિત્ત રૂપે અહીં ગંગા મધ્યે એક પગે ઊભા રહીને વર્ષો સુધી તપ કરેલું, તેની યાદગીરીમાં આ સેતુ નિર્માણ કરાયેલો છે. ભરતે પણ લક્ષ્મણની સાથે પોતાની માનસિક શુદ્ધિ માટે એટલા જ સમય માટે તપ કર્યું હતું, તેથી ભરતની યાદમાં અહીં ભરતમંદિર પણ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હૃષીકેશ (ઋષિકેશ), પૃ. 187)

Categories
વાચન સમૃદ્ધિ

તુવાલુ

પશ્ચિમ-મધ્ય પૅસિફિક મહાસાગરમાં આવેલું પરવાળાના નાના નાના ટાપુઓનું જૂથ. તે આશરે 8° 0´ દ. અ. અને 178° 0´ પૂ. રે. પર તેમજ ઑસ્ટ્રેલિયાથી ઈશાનમાં લગભગ 4000 કિમી.ના અંતરે છે જે આજે ‘તુવાલુ’ નામે એક સ્વતંત્ર દેશ તરીકેનો રાજકીય દરજ્જો ધરાવે છે. ફુનાફુટી તેનું પાટનગર છે. પહેલાં તે એલિસ ટાપુઓ નામથી ઓળખાતું હતું. આ ટાપુઓની શોધ 1764માં બ્રિટિશ નૌકાસૈન્યના કપ્તાન જ્હોન બાયરને કરી હતી. 1892માં આ ટાપુઓને બ્રિટન સાથે જોડવામાં આવ્યા અને 1915માં તે ‘ગિલ્બર્ટ અને એલિસ ટાપુઓ’ની બનેલી બ્રિટનની ક્રાઉન કૉલોનીના ભાગરૂપ બન્યા. 1974માં પોલિનેશિયન ટાપુઓના મૂળવતનીઓએ આ કૉલોનીમાંથી ગિલ્બર્ટ ટાપુને અલગ કરવાની માંગણી કરી, કારણ કે ગિલ્બર્ટ ટાપુમાં માઇક્રોનેશિયન પ્રજા વસવાટ કરતી હતી. 1976માં એલિસ ટાપુઓથી ગિલ્બર્ટ ટાપુને અલગ કરવામાં આવ્યો. 1975માં એલિસ ટાપુઓના જૂથને સ્વાતંત્ર્ય બક્ષવામાં આવ્યું અને તેનું નામ બદલીને ‘તુવાલુ’ રાખવામાં આવ્યું.

તુવાલુનું પાટનગર ફુનાફુટી

આજે તે દુનિયાના સૌથી નાના દેશો પૈકીનો એક દેશ બન્યો છે. પૅસિફિક મહાસાગરનાં જળ ઉપર લગભગ 640 કિમી.ની લંબાઈમાં પથરાયેલા અને કુલ 26 ચોકિમી. ભૂમિવિસ્તારને આવરી લેતા નવ જેટલા પરવાળાના નાના નાના ટાપુઓ પૈકી ફુનાફુટી ટાપુ મુખ્ય છે. તેના પર આવેલા બંદર મારફત ત્યાંનો જળવ્યવહાર ચાલે છે. તે ગરમ અને ભેજવાળી વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે. આમ છતાં દરિયાઈ અસરોને લીધે તેની આબોહવા થોડીક નરમ બનેલી છે. ટાપુઓ પરની રેતાળ અને ક્ષારવાળી જમીનો નારિયેળીનાં વૃક્ષોના ઉછેર માટે વધુ માફક આવે છે, જેથી તેમના પર નારિયેળીનાં વૃક્ષોનાં ઝુંડ છવાયેલાં જોવા મળે છે. આ ઉપરાંત અહીં પૅન્ડાનસ નામનાં વૃક્ષો ઊગે છે. આ વૃક્ષનાં પાંદડાં લાંબાં અને કાંટાળાં હોય છે, તેમ જ તેને અનેનાસ જેવાં ફળ આવે છે. માત્ર 11,900(2021)ની વસ્તી ધરાવતા તુવાલુમાં સાક્ષરતાનું પ્રમાણ 96% જેટલું છે. અહીંના લોકો મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ પાળે છે, તેમ જ તુવાલુયન અને અંગ્રેજી ભાષામાં વ્યવહાર કરે છે. આ દેશ કોપરાં અને પૅન્ડાનસની નિકાસ દ્વારા વિદેશી હૂંડિયામણ મેળવે છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8