Categories
વાચન સમૃદ્ધિ

હીરાઘસુ

કુદરતમાં મળી આવતા રુક્ષ હીરાઓને ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓ કરીને – પહેલ પાડીને પાસાંઓવાળાં ચકચકિત સ્ફટિકમય રત્નોનું સ્વરૂપ આપનાર કારીગર. હીરા-ઉદ્યોગમાં ભારત વિશ્વભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. વિશ્વનું ૭૦ % હીરાનું વેચાણ ભારત કરે છે. ભારતમાં હીરાનું ઉત્પાદન તો ન જેવું છે, પરંતુ તે હીરાનો કાચો માલ બહારથી આયાત કરીને તૈયાર માલની નિકાસ કરે છે. આ ઉદ્યોગમાં ૧૦,૦૦૦થી વધુ કારખાનાંઓ અને ૧૦ લાખથી વધુ લોકો રોકાયેલા છે. હીરા કાપવા, ઘસવા અને ચમક આપવા માટેનાં મથકો સૂરત, નવસારી, પાલનપુર, ભાવનગર, મુંબઈ અને જયપુર ખાતે આવેલાં છે. હિન્દુસ્તાન ડાયમંડ કંપની તરફથી ગુજરાતમાં સૂરત નજીક સચિન, તમિળનાડુમાં તિરુચિ, રાજસ્થાનમાં જયપુર, યુ.પી.માં હલધાની અને બિહારમાં ગોવિંદપુર ખાતે ઔદ્યોગિક પાર્ક સ્થપાયા છે. રુક્ષ હીરામાંથી ૯૦ % સફાઈદાર હીરા ગુજરાતમાં તૈયાર થાય છે.

હીરા ઘસતા કારીગરો

ભારતમાં વારસાગત કલા તરીકે હીરાને પહેલ પાડવાની કલા વર્ષોથી ચાલતી આવી છે. પહેલાંના સમયમાં જ્યાં હીરાની ખાણો હતી ત્યાં, આંધ્રપ્રદેશ તથા મધ્યપ્રદેશમાં તે કલા વિકાસ પામી હતી. આઠમી સદીથી ભારતમાં પહેલ પડાયેલા હીરા વેનિસ થઈને વિશ્વમાં બીજે વેચાવા જતા હતા. અઢારમી સદીના મધ્યભાગથી ભારતમાં હીરાના ઉત્પાદનમાં ઘટાડો થતાં આ ક્ષેત્રે મંદી વરતાવા લાગી. હીરાને ઘાટ આપનાર કસબીઓ લગભગ બેકારીની સ્થિતિમાં મુકાઈ ગયા. આવી પરિસ્થિતિમાં આશરે ૧૦૦ વર્ષ પહેલાં સૂરતમાં વિદેશથી રુક્ષ હીરાની આયાત કરી તેમાં પહેલ પડાવી ફરીથી તેની નિકાસ કરવાનો ઉદ્યોગ ચાલુ થયો. શરૂઆતમાં આ કામ નાના પાયે થતું હતું. ૧૯૭૦ પછી, સૌરાષ્ટ્રમાં સતત દુકાળ પડતાં મોટી સંખ્યામાં યુવાનો હીરા-ઉદ્યોગમાં હીરાઘસુઓ તરીકે જોડાયા. આ હુન્નર દ્વારા વિદેશી હૂંડિયામણમાં કમાણીની તક જોઈને ભારત સરકારે આયાત-નિકાસના નિયમો હળવા બનાવ્યા. તેના પરનો જકાતવેરો નાબૂદ થયો. વિશ્વના અન્ય દેશોના મુકાબલે ભારતમાં હીરા ઘડનારા કુશળ કારીગરો સસ્તા દરે કામ કરે છે તેની જાણ થતાં આ ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું. ભારત સામાન્ય રીતે બેલ્જિયમ, ઇંગ્લૅન્ડ, ઇઝરાયલ, સંયુક્ત આરબ પ્રજાસત્તાક, સંયુક્ત આરબ અમીરાત, હૉંગકૉંગ અને અમેરિકાથી રુક્ષ હીરાની આયાત કરે છે; જ્યારે ઘડેલા હીરાની નિકાસ અમેરિકા, બેલ્જિયમ, હૉંગકૉંગ, સિંગાપોર, ઇઝરાયલ, જાપાન, થાઇલૅન્ડ વગેરે દેશોમાં કરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હીરાઘસુ, પૃ. 180)

Categories
વાચન સમૃદ્ધિ

તુલસીશ્યામ

જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું વૈષ્ણવ સંપ્રદાયનું તીર્થધામ. તે ઉનાથી ઉત્તરે 30 કિમી. દૂર ગીરના મધ્યભાગમાં આવેલું છે અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. ભૌગોલિક સ્થાન : અંદાજે 20° 49´ ઉ. અ. અને 71° 02´ પૂ. રે.. અહીં ગરમ પાણીના ઝરા છે. તે કારણે તેનો પુરાણોમાં ‘તપ્તોદક’ તરીકે ઉલ્લેખ છે. દંતકથા પ્રમાણે કૃષ્ણે તુલ નામના દૈત્યને અહીં માર્યો હતો. તેથી સ્થળના નામ સાથે તુલ દૈત્ય અને શ્યામ(કૃષ્ણ)નાં નામો સંકળાયેલાં છે. પૌરાણિક કથા પ્રમાણે જાલંધર મહાબળવાન અસુર હતો. તેની પત્ની વૃંદા મહાસતી. તેના પ્રતાપે તેને ત્રણે લોકમાં કોઈ જીતી શકતું ન હતું. દેવો પણ તેનાથી ત્રાસી ગયા હતા. તેઓ વિષ્ણુને શરણે ગયા. વિષ્ણુએ જાલંધરનું રૂપ લઈને વૃંદાના પતિવ્રતનો ભંગ કર્યો. જાલંધર બહારથી ઘરે આવતાં વિષ્ણુનું છળ પકડાઈ ગયું અને વિષ્ણુને વૃંદાએ પથ્થર થઈ જવાનો શાપ આપ્યો. વૃંદાને પસ્તાવો થયો અને તે ચિતામાં બળી મરી. ચિતાના એ સ્થળે એક છોડ ઊગ્યો, તે તુલસીનો છોડ હતો. વિષ્ણુ ભગવાનને પણ પસ્તાવો થયો અને તે તુલસીના છોડ ઉપર ખૂબ પ્રેમ રાખવા લાગ્યા. તેણે બીજા ભવમાં વૃંદાને પરણવા વચન આપ્યું. ત્યારબાદ વૃંદાનો રુક્મિણી તરીકે જન્મ થયો અને વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણને તે પરણી. આ કારણે તુલસીનો છોડ વિષ્ણુને ખૂબ પ્રિય છે. કાર્તિક શુક્લપક્ષની એકાદશીને દિવસે તુલસીનાં ભગવાન શાલિગ્રામ સાથે લગ્ન થાય છે અને અન્નકૂટ ભરાય છે.

ગીરની ટેકરીઓ અને વનરાજીની મધ્યે તુલસીશ્યામ

તુલસીશ્યામથી 4 કિમીના અંતરે ભીમચાસ નામનું સ્થળ છે. અહીં ઊંડી ખાઈમાં ઝમરી નદી ધોધ રૂપે પડે છે. દંતકથા પ્રમાણે કુંતીને ખૂબ જ તરસ લાગી હતી. નજીકમાં કોઈ જળાશય ન હતું. તેથી ભીમે પૃથ્વી ઉપર લાત મારતાં અહીં ખાડો પડ્યો અને જળાશય બની ગયું ને કુંતીએ તેની તરસ છિપાવી. અહીં કુંતીનું મંદિર છે. તુલસીશ્યામને પ્રવાસધામ તરીકે પ્રવાસનખાતાએ વિકસાવ્યું છે. અહીં છ કુટુંબો રહી શકે એવી સગવડ છે. જિલ્લાપંચાયતના પથિકાશ્રમમાં પણ નિવાસની સગવડ છે. મંદિરની પોતાની આદર્શરૂપ ગૌશાળા છે. તેમાં ચારસોથી વધુ ગીર ઓલાદની ગાયો અને જાફરાબાદી ભેંસો છે. તુલસીશ્યામ નજીક સાત ગરમ પાણીના કુંડો છે. તેનો ચામડીનાં દર્દો મટાડવા ઉપયોગ થાય છે. તુલસીશ્યામ પાકા રસ્તા દ્વારા ધારી અને ઉના સાથે જોડાયેલું છે. અહીં આવાસોની સંખ્યા 17 છે અને વસ્તી 75 (2011, આશરે) છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

હિલસ્ટેશન

સમુદ્રસપાટીથી આશરે ૧૦૦૦ મીટર જેટલી ઊંચાઈ પરનું હવા ખાવાનું મથક.

ગિરિમથક અથવા હિલસ્ટેશન એ એક એવું સ્થળ હોય છે, જે નજીકના મેદાન કે ખીણથી અમુક ઊંચાઈ પર આવેલું હોય. એશિયા, આફ્રિકા અને ભારતમાં આવાં સ્થળોનો વિકાસ ઘણું કરીને અંગ્રેજોએ કર્યો હતો. જ્યાં જ્યાં અંગ્રેજો શાસન કરતા હતા એવા એશિયાઈ દેશોમાં ઉનાળાની ગરમીથી રાહત મેળવવા ઊંચાઈએ આવેલાં ઠંડાં સ્થળોની પસંદગી કરાતી હતી. ભારતમાં તેઓ ખાસ કરીને હિમાલય અને નીલગિરિ ટેકરીઓમાં આવેલાં ગિરિમથકોમાં સમય વિતાવતા. તેઓએ ગિરિમથક સિમલાને ઉનાળુ પાટનગર(‘સમર કૅપિટલ’)નો દરજ્જો આપેલો. ભારતમાં ૧૮૨૦ના સમયમાં આવાં સ્થળો સેનેટોરિયમ તરીકે ઉપયોગમાં લેવાતાં હતાં. બીમાર માણસોને – ઘણું કરીને ટી.બી. જેવા રોગથી પીડાતા લોકોને સ્વચ્છ હવા, ખુશનુમા વાતાવરણ મળી રહે એવાં ગિરિમથકો પર રાખવામાં આવતા. ત્યારબાદ ૧૮૪૦થી ૧૮૫૦ દરમિયાન ઘણાં નવાં ગિરિમથકોની સ્થાપના થઈ.

સિમલા-કુલુ-મનાલીનાં હિલસ્ટેશન

આ પૂર્વે પણ ઊંચાઈ પર આવેલાં અનેક તીર્થધામોનો પણ વિકાસ થયેલો હતો, જ્યાં લોકો જાત્રા કરવા અવારનવાર જતા હતા. ૧૯મી સદીના અંતમાં ગિરિમથકોનો ઉપયોગ સામાન્ય માનવી હરવાફરવા માટે પણ કરતો થયો. ગિરિમથકો પર પ્રવર્તતી આબોહવાકીય પરિસ્થિતિ મુજબ ત્યાંનું વનસ્પતિજીવન પાંગરેલું હોય છે. અહીં વિવિધ પ્રકારનાં વૃક્ષો, ફૂલો વગેરે થાય છે. અનુકૂળ હવામાનને કારણે સફરજન, પ્લમ, લીચી, નારંગી, દ્રાક્ષ જેવાં વિવિધ ફળોનો પાક લેવામાં આવે છે. આવાં સ્થળોએ વન્ય પ્રાણીઓનું જીવન પણ ખૂબ જ સમૃદ્ધ અને વૈવિધ્યસભર હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાનો તેમ જ અભયારણ્યોમાં વિહરતાં વિવિધ જાતનાં પ્રાણીઓ અને પક્ષીઓને રક્ષણ પૂરું પાડવામાં આવે છે. ઊંચાં શિખરો, હરિયાળા ઢોળાવો, ઊંડાં કોતરો અને ખીણપ્રદેશો, સરોવરો, નદીનાળાં, જળધોધ, જંગલો, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે ગિરિમથકોને કુદરતે બક્ષેલી સમૃદ્ધિ છે. ગિરનાર, પાવાગઢ, પાલિતાણા, તારંગા અને સાપુતારા ગુજરાતનાં જાણીતાં ગિરિમથકો છે. ગિરિમથક આબુને જ્યારે રાજસ્થાનમાં સમાવી લેવામાં આવ્યું ત્યારે ગુજરાતમાં સાપુતારાનો ગિરિમથક તરીકે વિકાસ કરવામાં આવ્યો. ભારતનાં જાણીતાં ગિરિમથકોમાં શ્રીનગર, પહેલગામ, ગુલમર્ગ, સોનમર્ગ, કુફરી, સિમલા, ડેલહાઉસી, કુલુ-મનાલી, નૈનિતાલ, રાણીખેત, અલમોડા તથા મસૂરી, ગંગટોક, દાર્જિલિંગ, ક્લિમપૉંગ, ચમ્બા, માથેરાન, મહાબળેશ્વર, આબુ, મુનાર, કોડાઈકેનાલ અને ઉટાકામંડનો સમાવેશ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હિલસ્ટેશન, પૃ. 178)