દ્વિદળી વર્ગમાં આવેલી ઔષધીય ગુણ ધરાવતી એક વનસ્પતિ.
હરડે દેશી ઔષધિઓમાં સૌથી વધુ જાણીતી છે. તેને હિન્દીમાં ‘હરડ’, ‘હડ’ કે ‘હર્રે’ કહે છે. સંસ્કૃતમાં ‘હરીતકી’ કહે છે. હરડેનાં વૃક્ષો ભારતમાં સર્વત્ર થાય છે. ખાસ કરીને હિમાલયના નીચેના વિસ્તારોમાં રાવીથી પૂર્વ-પશ્ચિમ બંગાળ તેમ જ આસામમાં પંદરસો ચોવીસ મીટરની ઊંચાઈ સુધીમાં તે થાય છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતની ટેકરીઓ પર તે નાના વૃક્ષ સ્વરૂપે મળે છે. પંજાબના કાંગડા અને અમૃતસર વિસ્તારમાં સારી હરડે થાય છે. હરડેનાં વૃક્ષો આશરે ૧૫થી ૨૪ મીટરની ઊંચાઈનાં જોવા મળે છે. તેનાં વૃક્ષો ભરાવદાર હોય છે. હરડેનાં પાન સાદાં, એકાંતરિક, ૭થી ૨૦ સેમી. લાંબાં, ૫-૧૦ સેમી. પહોળાં અને અંડાકાર હોય છે. પર્ણદંડની ટોચ ઉપર મોટી ગ્રંથિઓની એક જોડ આવેલી હોય છે. પુષ્પો નાનાં, આછાં પીળાં, સફેદ ધાવડીના પુષ્પના આકારનાં હોય છે. ફળ ૨.૫૪ સેમી.થી ૫ સેમી. લાંબું અને ખૂબ જ મજબૂત હોય છે; જેના ઉપર પાંચ ઊપસેલી ધાર હોય છે. કાચાં ફળો લીલા રંગનાં હોય છે અને પાકી ગયા પછી પીળાં સોનેરી રંગનાં થઈ જાય છે. ફળો વિવિધ આકારનાં જોવા મળે છે. ઔષધોમાં હરડેની છાલનો ઉપયોગ થાય છે. છાલ કાઢતાં તેમાંથી ઠળિયો નીકળે છે. તે ઠળિયામાં પણ નાનું લાંબું મીંજ હોય છે. હરડેનાં નાનાં નાનાં ખરી ગયેલાં ફળો કાળા રંગનાં અને લાંબી ગોળ ધારોવાળાં હોય છે, જે હીમજ તરીકે ઓળખાય છે. એપ્રિલ-મે મહિનામાં નવાં પાન અને પુષ્પો આવે છે. ઠંડીની ઋતુમાં ફળો લાગે છે. જાન્યુઆરીથી એપ્રિલ મહિનામાં ફળોનો સંગ્રહ કરી લેવામાં આવે છે. ખરી ગયેલાં નાનાં ફળો – હીમજ ખૂબ જ રેચક અને તીક્ષ્ણ હોય છે. ભારતીય ઔષધકોશમાં છ પ્રકારની હરડે છે, પણ વ્યાવહારિક દૃષ્ટિએ હરડેની ત્રણ જાત મળે છે : ૧. નાની હરડે કે હીમજ, ૨. પીળી હરડે અને ૩. મોટી હરડે કે કાબુલી હરડે.

હરડે
આયુર્વેદની દૃષ્ટિએ હરડે અત્યંત ઉપયોગી હોવાથી તેને સંસ્કૃતમાં ‘नास्ति यस्य गृहे माता तस्य माता हरीतकी ।’ (‘જેના ઘરે નથી માતા, તેની માતા હરીતકી.’) – એ રીતે વર્ણવાય છે. હરડેમાં ખારા રસ સિવાય બાકીના પાંચેય રસ હોય છે. ગુણમાં તે હળવી, રુક્ષ, વિપાકે મધુર અને પ્રભાવથી ત્રિદોષહર છે. જોકે વિશેષભાવે તે કફદોષ દૂર કરનાર છે. તેનો લેપ સોજા, પીડા અને ઘા મટાડી તેને રૂઝવે છે. તે રક્તસ્રાવ પણ બંધ કરે છે. આ ઉપરાંત તે ખોરાકને પચાવવામાં, બુદ્ધિ વધારવામાં તથા આંખના રોગ મટાડવામાં મદદ કરે છે. હરડેના વૃક્ષનું લાકડું ખાસ મૂલ્યવાન નથી, પણ તેનો ઉપયોગ બાંધકામ માટે અને સ્તંભ તથા પાટડા તરીકે થાય છે. તે ગાડાંમાં મુખ્યત્વે માળખાં, ધરીઓ કે દંડ બનાવવામાં ઉપયોગી થાય છે. કેટલીક વાર તેનો ઉપયોગ હોડીઓ અને રેલવેના વૅગનનું તળિયું બનાવવા માટે પણ થતો હોય છે. આયુર્વેદમાં સૌથી જાણીતી ત્રિફળાની ઔષધિમાં હરડે, બહેડાં અને આંબળાંનું મિશ્રિત ચૂર્ણ હોય છે.
રાજશ્રી મહાદેવિયા
ગુજરાત બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી


