Categories
વાચન સમૃદ્ધિ

ઝુરિક (Zurich)

સ્વિટ્ઝર્લૅન્ડનું મોટામાં મોટું નગર, પરગણાનું પાટનગર તથા દેશનું પ્રમુખ ઔદ્યોગિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : ૪૭° ૨૫´ ઉ. અ. અને ૮° ૪૦´ પૂ. રે.. દેશમાં ઉત્તરે ઝુરિક સરોવરના વાયવ્ય છેડા પર તે આવેલું છે. દેશના પાટનગર બર્નથી ૯૬ કિમી. અંતરે છે. પડખેની આલ્પ્સ પર્વતમાળાને લીધે તેના પ્રાકૃતિક સૌંદર્યમાં સવિશેષ વધારો થાય છે. નગરની વસ્તી ૪,૪૮,૬૬૪ (૨૦૨૪, આશરે) છે. નગરનો વાર્ષિક સરેરાશ વરસાદ ૧૨૭૦ મિમી. તથા તાપમાન જાન્યુઆરીમાં ૦° સે. તથા જુલાઈમાં ૧૮° સે. વચ્ચે બદલાયા કરે છે. મોટા ભાગના લોકો જર્મનભાષી છે. ઇટાલિયન અને ફ્રેન્ચભાષી લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે.

ઝુરિક શહેર

અઢારમી સદીના અંતિમ દાયકામાં નગરની તે વખતની વસ્તીના એક ચતુર્થાંશ જેટલા લોકો કાપડ-ઉદ્યોગમાં રોકાયેલા હતા. ૧૮૩૦ તથા ૧૮૬૯માં દેશના બંધારણમાં આર્થિક ઉદારીકરણની નીતિને પોષક એવા જે ફેરફારો કરવામાં આવ્યા તેને લીધે નગરના આર્થિક વિસ્તરણને  ઉત્તેજન મળ્યું. હાલ નગરમાં યંત્રો, યંત્રોનાં ઓજારો, ધાતુની ચીજવસ્તુઓ કાપડ તથા તૈયાર પોશાક, રેશમની બનાવટો, છાપકામ વગેરેનો વેપાર ચાલે છે. આધુનિક વિશ્વની નાણાવ્યવસ્થામાં આ નગરે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યાંનું નાણાબજાર ખૂબ સંવેદનશીલ અને સક્રિય છે. પ્રથમ કક્ષાની ૮૦ જેટલી અગ્રણી બૅંકો ત્યાં આવેલી છે. ત્યાંનું શૅરબજાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. બૅન્કિંગ ઉપરાંત વાણિજ્ય અને વીમા-વ્યવસાયનું પણ તે અગત્યનું કેન્દ્ર છે. બીજા વિશ્વયુદ્ધ પછી નગરના કાપડ-વ્યવસાયનું અગ્રિમ સ્થાન યંત્ર-ઉદ્યોગે લીધું છે. ઔદ્યોગિક ક્ષેત્રે નગરે ઝડપભેર પ્રગતિ કરેલી હોવા છતાં ઔદ્યોગિક પ્રદૂષણથી તે મુક્ત રહ્યું છે. નગરમાં નાટ્યગૃહો, ઑપેરા, સ્વિસ નૅશનલ સંગ્રહાલય (૧૮૯૮), યુનિવર્સિટી (૧૮૩૩) પૉલિટૅકનિક (૧૮૮૫), કાર્લ ગુસ્તાફ યુંગ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍનાલિટિકલ સાઇકોલૉજી (૧૯૪૮) તથા જિલ્લાનું મુખ્ય દેવળ (cathedral) આવેલાં છે. દર વર્ષે એપ્રિલ અને સપ્ટેમ્બરમાં બે મોટા મહોત્સવો અહીં યોજવામાં આવે છે. પડખે જ આલ્પ્સ પર્વત આવેલો હોવાથી નગરજનો દ્વારા પર્વતારોહણની પ્રવૃત્તિ વ્યાપક પ્રમાણમાં ચાલતી હોય છે. પર્યટકો માટે આ નગર મોટું આકર્ષણ છે. ઘણી આંતરરાષ્ટ્રીય પરિષદો માટે ભૂતકાળમાં આ નગરની પસંદગી થયેલી છે. સ્વિટ્ઝર્લૅન્ડ તથા યુરોપનાં મહત્ત્વનાં શહેરો સાથે આ નગર રેલમાર્ગ દ્વારા જોડાયેલું છે. નગરથી ૧૦ કિમી. અંતરે આવેલું ઝુરિક ક્લોટેન આંતરરાષ્ટ્રીય વિમાનમથક વિશ્વના અત્યંત કાર્યરત એવાં વિમાનમથકોમાંનું એક છે. આ સ્થળે પ્રાગૈતિહાસિક કાળમાં સર્વપ્રથમ વસવાટ થયો હતો એવા પુરાવા સાંપડ્યા છે. ઈ. સ. પૂ. ૫૮માં રોમન શાસકોએ નગર પર આધિપત્ય જમાવ્યું. ત્યારે નગરનું નામ ટુરિકમ હતું. લિમ્માટ નદીના જમણા કિનારા પર વસેલા લોકોએ યુરોપના અન્ય વ્યાપારી માર્ગોનો ઉપયોગ કરી વ્યાપારમાં ખૂબ વિકાસ સાધ્યો. ૧૨૧૮માં સામ્રાજ્યના મુક્ત નગર (Imperial Free City) તરીકે તે સ્વીકારાયું. ૧૩૫૧માં સ્વિસ પ્રજાસત્તાક સાથે તેનું જોડાણ થયું. ૧૪૦૦માં આ નગર સામ્રાજ્યમાંથી અલગ થયું. ઓગણીસમી સદીના ચોથા દાયકામાં ત્યાં  ઉદારમતવાદ પર આધારિત લોકશાહી વ્યવસ્થા આવી અને તે દ્વારા ધારાસભા તથા કારોબારી પાંખ પર નાગરિકોએ ચૂંટેલા પ્રતિનિધિઓનો અંકુશ દાખલ થયો. આ પગલાંને લીધે ઝુરિક નગરમાં ઔદ્યોગિકીકરણ આધારિત નવા યુગની શરૂઆત થઈ અને ત્યારથી આ નગરે ઝડપી આર્થિક પ્રગતિ સાધી.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સારસ

ભારતનું સૌથી મોટું પક્ષી. સારસ, માણસના ખભા સુધી આવે તેટલું ઊંચું, દેખાવે ગંભીર અને શાંત હોય છે. તેની ચાલ ધીમી અને પ્રભાવશાળી હોય છે. સારસનું માથું રાખોડી અને પીંછાં વિનાનું હોય છે. સારસના પગ ગુલાબી, ચાંચ લાલાશ પડતી હોય છે. તેના પગ અને ચાંચ લાંબાં હોય છે. તેની પાંખો બંધ હોય છે ત્યારે તેમનાં પીંછાં પૂંછડી ઉપર ઢળકતાં રહે છે. સારસની ઊંચાઈ આશરે ૧.૫ મીટર અને પાંખોનો વિસ્તાર ૨ મીટર જેટલો હોય છે. નર અને માદા દેખાવમાં સરખાં લાગે છે.

સારસ પક્ષી

સામાન્ય રીતે નર-માદા જોડીમાં ફરે છે. આ પક્ષીઓ મૂંગાં મૂંગાં ચરતાં હોય છે પણ જો એક પક્ષી બોલે તો બીજું તેમાં સાદ પુરાવે છે. સારસબેલડીનો રણશિંગા જેવો કર્ણપ્રિય અવાજ વાતાવરણને પ્રફુલ્લિત બનાવે છે. સારસ માણસથી ભડકતાં કે શરમાતાં નથી. નર તથા માદાને એકબીજા માટે ખૂબ ભાવ હોય છે. તેમની જોડી જીવનભર ટકી રહે છે. એવું મનાય છે કે સારસબેલડીમાંથી એકનું મૃત્યુ થાય તો બીજું પણ તેની પાછળ ઝૂરી ઝૂરીને મરી જાય છે.  સારસ પાંખ વીંઝીને ઊડે છે. ઉડાન વખતે તે ડોક આગળ અને પગ પાછળ લંબાવેલા રાખે છે. તે જમીનથી બહુ ઊંચું ઊડતું નથી. સારસ જમીન પર જ વસે છે, ત્યાંથી વનસ્પતિ, જીવડાં, દેડકાં અને ધાન્ય મેળવી લે છે. માળો જમીન પર જ બાંધે છે. સારસ પક્ષી ગ્રામજનોને પરિચિત અને શહેરી જનોને અપરિચિત લાગે છે. ગ્રામજનો આ પક્ષીને હેરાન કરતા નથી અને તેને અવધ્ય ગણે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ઝુનઝુનુ

રાજસ્થાન રાજ્યનો જિલ્લો અને જિલ્લાનું વડું મથક. ભૌગોલિક સ્થાન : ૨૮° ૦૮´ ઉ. અ. અને ૭૫° ૨૪´ પૂ. રે.. પૂર્વ દિશાએ હરિયાણા, વાયવ્ય ખૂણે ચુરુ, પશ્ચિમ અને દક્ષિણે સીકર જિલ્લાઓ આવેલા છે. જિલ્લાના ઉદેપુર, ખેતરી અને ચીરવા ત્રણ તાલુકાઓ છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૫૯.૨૮ કિમી. અને વસ્તી ૨૪,૦૦,૦૦૦ (૨૦૨૪, આશરે) છે. જિલ્લામાં દર ચોકિમી.દીઠ ૮૦૦ માણસોની વસ્તી છે. મોટા ભાગની વસ્તી ગ્રામવિસ્તારમાં રહે છે. આ પ્રદેશ અર્ધસૂકો છે. સરેરાશ તાપમાન ૪૨° સે. રહે છે. પણ સૌથી વધુ તાપમાન ક્યારેક ૪૯° સે. થઈ જાય છે. સૌથી ઓછું રાત્રિનું તાપમાન ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ૧૨° સે. રહે છે. જિલ્લાનો મોટો ભાગ ડુંગરાળ છે. ડુંગરો અરવલ્લીના ફાંટા છે. ડુંગરોની સામાન્ય ઊંચાઈ ૩૦૦થી ૪૫૦ મી. છે. ઊંચામાં ઊંચો ડુંગર લોહગામ પાસે આવેલો છે, જેની ઊંચાઈ ૧૦૫૧ મી. છે. અગ્નિખૂણાનો ભાગ રેતાળ છે. કેટલાક વિસ્તારમાં રેતીના ઢૂવા આવેલા છે, જે ખસતા રહે છે અને તેથી ખેતીને નુકસાન થાય છે. જિલ્લામાં સૌથી લાંબી કાંતલી નદી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. દોહન, ચન્દ્રાવતી, સુખનદી તથા લોહગામ પાસેની નદીઓ વહેળા જેવી છે, ચોમાસા સિવાય આ નદીઓમાં પાણી હોતું નથી. ખેતરીથી ૧૧ કિમી. દૂર આવેલ અજિતસાગર બંધના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. આ સિવાય સીકરી, કાળા તળાવ અને પોંખ તળાવ નાનાં તળાવો છે.

બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી, પિલાની

જિલ્લામાં બાવળ અને બોરડી જેવાં કાંટાવાળાં વૃક્ષો અને ઘાસનાં બીડો આવેલાં છે. ખીજડો, રોહિડો, લીમડો, પીપળો, વડ ઉપરાંત થોડાં આંબાનાં વૃક્ષો જોવા મળે છે. જિલ્લામાં બાજરી, જુવાર, મગ, મઠ, એરંડા મુખ્ય પાક છે. જ્યાં સિંચાઈની સગવડો છે ત્યાં ઘઉં થાય છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. જંગલી પશુઓમાં ભુંડ, વાંદરાં, લોંકડી, શિયાળ, જરખ વગેરે છે. પાળેલાં પશુઓમાં ગાય, બળદ, ઘેટાં, બકરાં, ઘોડાં, ઊંટ, ગધેડાં વગેરે છે. મારવાડી ઓલાદનાં ઘેટાંનું ઊન ગાલીચા બનાવવા વપરાય છે. અહીંની જમીન જોધપુર જેવી રેતાળ છે. કેટલેક સ્થળે રેતીનું પ્રમાણ ૬૦%થી વધુ છે. ડુંગરાળ પ્રદેશની જમીન ઓછી ઉપજાઉ ને હલકી હોય છે. ક્યાંક લોહયુક્ત લાલ માટી પણ જોવા મળે છે. ક્વાર્ટ્ઝાઇટ, આરસ, શિસ્ટ, ગ્રૅનાઇટ, ફિલાઇટ, કૅલ્સાઇટ અને તાંબું નીકળે છે. ખેતરીની તાંબાની ખાણ જાણીતી છે. આ ઉપરાંત ફ્લોરાઇટ, નિકલ અને ચૂનાના પથ્થરો થોડા પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત ખનન પ્રવૃત્તિ થોડા પ્રમાણમાં છે. ઝુનઝુનુ, ચિડાવા, નવલગઢ, સૂરજગઢ, ખેતરી, પિલાની, બિસાઉ વગેરે વેપારી કેન્દ્રો છે. જિલ્લામથક નજીકના ચુરુ, જયપુર, સીકર વગેરે સાથે રાજ્ય અને જિલ્લા માર્ગ દ્વારા જોડાયેલું છે. પાકા રસ્તાઓનું તથા રેલવેનું પ્રમાણ ઓછું છે. પિલાનીમાં બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી છે. તે સિવાય અન્ય ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ પણ આવેલી છે. નવલગઢમાં પણ કૉલેજ છે. રાણી સતી, રામદેવજી, નોહાપીર વગેરેના મેળા ભરાય છે. ખેતરીમાં જૂનો કિલ્લો અને મહેલ જોવાલાયક છે. આઝાદી પછી ખેતરી, બીસો, નવલગઢ, મંડાવા અને ઉદયપુરવટીની જાગીરો મળીને આ જિલ્લો બન્યો. તે પૂર્વે આ સમગ્ર પ્રદેશ જયપુર રાજ્યનો ભાગ હતો.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી