Categories
વાચન સમૃદ્ધિ

શ્રીમદભગવદગીતા

મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પૂર્વે શ્રીકૃષ્ણાર્જુનસંવાદ રૂપે શ્લોકબદ્ધ રીતે બ્રહ્મવિદ્યાનું સારતત્ત્વ રજૂ કરતો હિન્દુઓનો મુખ્ય ધર્મગ્રંથ. આમ ભવસાગરને તરી જવાની કળા –જીવનકળા શીખવતો સર્વ ઉપનિષદોના દોહનરૂપ આ આધ્યાત્મિક – ધાર્મિક ગ્રંથ છે. મહાભારતના તે અંગરૂપ છે. મહાભારતનું યુદ્ધ શરૂ થયું તે પહેલાં કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર જ્યારે પાંડવો અને કૌરવોનાં સૈન્યો સામસામે ગોઠવાઈ ગયાં અને યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં હતું ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પાંડવપક્ષના સેનાની અર્જુનને તે જ્યારે સ્વજનોને હણવા માટેની અનિચ્છા વ્યક્ત કરીને વિષાદમાં ઊતરી ગયો ત્યારે મહાભારતનું ધર્મયુદ્ધ લડવા માટે ઉપદેશ આપે છે. આ ઉપદેશ અઢાર અધ્યાયના સાતસો શ્લોકો દ્વારા પ્રશ્નોત્તર સ્વરૂપે –શ્રીકૃષ્ણાર્જુનસંવાદ રૂપે રજૂઆત પામ્યો છે. એમાં વિશેષ વક્તવ્ય તો શ્રીકૃષ્ણનું જ છે. ગીતામાં જીવ, જગત અને બ્રહ્મના સંદર્ભમાં મનુષ્યના સ્વધર્મની ચર્ચા કરવામાં આવી છે. દેશ, કાળ કે સંપ્રદાયની મર્યાદાથી બંધાયા વિના એમાં વ્યાપક દૃષ્ટિથી અંતરાત્મા અને પરમાત્માના સંબંધ-સંવાદની, જીવ-શિવના આધ્યાત્મિક યોગસંબંધની વિચારણા કરવામાં આવી છે.

શ્રીકૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ કરે છે

ૠષિમુનિઓએ જેટલું પણ તત્ત્વજ્ઞાન આપ્યું છે એ બધું જ વનોમાં, ડુંગરાઓની ગુફાઓ કે કંદરાઓમાં રહીને આપ્યું છે; પરંતુ ગીતાનું જ્ઞાન તો યુદ્ધના મેદાનમાં બંને સેનાઓ વચ્ચે ઊભા રહીને સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જ આપવામાં આવ્યું છે ! ગીતામાં મહાભારતના અઢાર પર્વની જેમ અઢાર અધ્યાયો છે. છ છ અધ્યાયના ત્રણ ખંડમાં તેને વહેંચી શકાય. આ ગ્રંથમાં યુગધર્મનું મહત્ત્વ સમજાવતા છ છ અધ્યાયોની એક એવી કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિ-વેણી ગૂંથાયેલી જોઈ શકાય છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો સુંદર સમન્વય સધાયેલો છે. ગીતા ગાઈ શકાય તેવું સુંદર કાવ્ય છે. તેનું પઠન અને મનન જ્યારે જ્યારે કરવામાં આવે ત્યારે એક નવું સાર્થક જીવન જીવવાની ચાવી તેના પઠનકર્તાને મળી રહે છે. આ ગ્રંથમાંથી યોગેશ્વર શ્રીકૃષ્ણનો મહિમા પણ પામી શકાય છે. વિનોબાજી ગીતાને ‘ગીતા આઇ(મા)’ કહેતા હતા. ‘દરેક દુ:ખ, દરેક પીડા માટે ગીતા આઇના શરણમાં જાઓ’ તેવું તેઓ કહેતા હતા. ગાંધીજી પણ કહેતા હતા કે, ‘ગીતા મારી માતા સમાન છે. મને જ્યારે મુશ્કેલીઓ સતાવે ત્યારે હું મારી માતાના ખોળામાં ચાલ્યો જાઉં છું, મને મારા તમામ પ્રશ્નોના હલ મળી જાય છે.’ ગીતાને હિન્દુ ધર્મનો પ્રતિનિધિ ગ્રંથ માનવામાં આવે છે. જૂના વખતમાં તો ઉપનિષદ, બ્રહ્મસૂત્ર સાથે ગીતાનો આધાર લઈ જીવ, જગત અને બ્રહ્મના સ્વરૂપ-સંબંધ વિશે પોતાની આગવી તત્ત્વવિચારણા રજૂ કરવી એ આચાર્યપદની માન્યતા માટે જરૂરી લેખાતું હતું. તે ભારતીય અધ્યાત્મના આધારભૂત ગ્રંથોમાંનો એક છે. આ કારણે જ કોર્ટમાં ગીતાના સોગંદ લેવડાવવામાં આવે છે. લોકમાન્ય ટિળકની દૃષ્ટિએ ગીતામાં કર્મયોગની, ગાંધીજીની દૃષ્ટિએ અનાસક્તિયોગની અને વિનોબાની દૃષ્ટિએ સામ્યયોગની ભૂમિકા મહત્ત્વની છે. ભગવદગીતાનો વ્યાપક પ્રભાવ ભારતની સર્વ ભાષાઓના આધ્યાત્મિક સાહિત્ય પર પડેલો જોઈ શકાય છે. વળી તેના અનેક અનુવાદો તેમ જ ટીકાભાષ્યો વગેરે મળતાં રહ્યાં છે. ભગવદગીતાના આધારે ગુજરાતી તેમ જ અન્ય પ્રાદેશિક ભાષાઓમાં ગીતાસ્વરૂપનો એક કાવ્યપ્રકાર પ્રચલિત થયેલો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જાલોન (Jalaun)

ઉત્તર પ્રદેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન તે ૨૬ ૦૯´ ઉત્તર અક્ષાંશ અને ૭૯ ૨૧´ પૂર્વ રેખાંશની આજુબાજુનો ૪૫૬૫ ચોકિમી. જેટલો (પૂર્વ પશ્ચિમ ૯૩ કિમી. લંબાઈ અને ઉત્તર-દક્ષિણ ૬૮ કિમી. પહોળાઈ) વિસ્તાર આવરી લે છે. જિલ્લાનું નામ જિલ્લામથક જાલોન પરથી પડેલું છે. જિલ્લામથક જાલોન હોવા છતાં ઓરાઈ વહીવટી મથક તરીકે ઉપયોગમાં લેવાય છે. તે ઝાંસી વિભાગનો જિલ્લો ગણાય છે. તેની ઉત્તરે ઓરૈયા, પૂર્વમાં કાનપુર, અગ્નિ અને દક્ષિણ તરફ હમીરપુર, દક્ષિણ તરફ ઝાંસી જિલ્લા તથા પશ્ચિમ તરફ રાજસ્થાનની સીમા આવેલાં છે.

ભૂપૃષ્ઠ-આબોહવા : બુંદેલખંડ પ્રદેશના સમતળ મેદાનમાં આ જિલ્લો પથરાયેલો છે. તેની ઉત્તર અને પૂર્વ સીમા પરથી યમુના નદી વહે છે. ઉત્તર તરફ યમુના નદી આ જિલ્લાને ઓરૈયા અને કાનપુર જિલ્લાઓથી અલગ પાડે છે; તેમજ બેતવા (સહાયક) નદી તેની દક્ષિણ સીમા અને પાહુજ નદી તેની પશ્ચિમ સીમા રચે છે. જ્યારે નોન (Non) અને મેલુંજા નદીઓ તેના મધ્ય ભાગમાંથી પસાર થતી હોવાથી ત્યાં ઊંડાં કોતરો રચાયાં છે. અહીંનું ઉનાળાનું સરેરાશ તાપમાન ૪૦ સે. જ્યારે શિયાળાનું સરેરાશ તાપમાન ૧૦ સે. રહે છે. આ જિલ્લો સમુદ્રથી દૂર અંતરિયાળ ભાગમાં આવેલો હોવાથી અહીં દુષ્કાળની પરિસ્થિતિ અવારનવાર સર્જાય છે. અહીં વાર્ષિક સરેરાશ વરસાદ ૮૦૦ મિલી. જેટલો પડે છે.

વનસ્પતિ : અહીં વૃક્ષો અને વનસ્પતિનું પ્રમાણ ઓછું (૬%) છે; તેમ છતાં બાવળનાં વૃક્ષોનું પ્રમાણ અધિક છે. ઉત્તરના ભાગોમાં આંબા અને મહુડાનાં વૃક્ષો વધુ છે.

‘લંકા’ નામે જાણીતી ઊંચી ઇમારત

ખેતી-પશુપાલન : આ જિલ્લામાં મુખ્યત્વે જુવાર, બાજરી, ડાંગર, જવ, તેલીબિયાં, ઘઉં, કઠોળ, શેરડી વગેરે જેવા કૃષિ પાકો લેવાય છે. બાગાયતી ખેતીમાં ડેરીની સ્થાનિક જાતની વાડીઓ આવેલી છે. અહીં ગાય, ભેંસ, ઘેટાં-બકરાં, મરઘાં-બતકાં વગેરેનો ઉછેર થાય છે. અહીંની ગાયની અજયગઢ ઓલાદ વધુ જાણીતી છે. ગૃહઉદ્યોગ-વેપાર : અહીં ખેતી અને પશુપાલન પર આધારિત ગૃહઉદ્યોગો વિકસેલા છે; જેમાં ખાસ કરીને ચર્મઉદ્યોગ, હાથસાળ, ખાદ્યપ્રક્રમણ વગેરેનો સમાવેશ થાય છે. નિકાસ થતી વસ્તુઓ પૈકી  ઘઉં, બટાટા અને શેતરંજી તથા આયાતી વસ્તુઓ પૈકી ગંધક, સૂતર, કાપડ અને ઘી મુખ્ય છે.

પરિવહન-પ્રવાસન : આ જિલ્લામાંથી કાનુપર-લખનૌ અને ઝાંસીને જોડતો રેલમાર્ગ ઓરાઈ પાસેથી પસાર થાય છે. કાનપુરથી ઝાંસી જતો મધ્ય રેલમાર્ગ આ જિલ્લાના મોટા ભાગને આવરી લે છે. એ જ રીતે ઉપર્યુક્ત મથકોને સાંકળતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૨૫ રેલમાર્ગને સમાંતર પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગ નં. ૨૧ જાલોન નગરને ઓરાઈ સાથે તેમજ ઇટાવાહ જિલ્લાના ઓરૈયા મથકને સાંકળે છે. સડક માર્ગોની કુલ લંબાઈ આશરે ૮૦૦ કિમી. જેટલી છે. આ જિલ્લામાં મંદર સાહિબ, ગફૂર ઝંઝાની, ચૌલ બીબી, બહાદૂર શહીદ, ચૌરસી ગુંબજ (લોદી શાહ બાદશાહની કબર અથવા સિકંદર લોદીની કબર), સીરી દરવાજા જોવાલાયક સ્થળો ગણાય છે. અહીં કેટલાક સ્વાતંત્ર્ય-સેનાનીઓ થઈ ગયા છે, તેમની યાદમાં ૨૫મી ડિસેમ્બરે મેળો ભરાય છે. આ ઉપરાંત જિલ્લામાં ‘કલ્પી’ કિલ્લો આવેલો છે, તે યમુના નદી પર છે તેમજ તેનું ઐતિહાસિક મહત્ત્વ વધુ છે. ‘લંકા’ નામે જાણીતી ઊંચી ઇમારત અહીંના બાબુ મથુરાપ્રસાદે બંધાવેલી, તેમાં દશ મસ્તકવાળું રાવણનું પૂતળું મૂકેલું છે. લોકો-વસ્તી : ૨૦૧૧ મુજબ આ જિલ્લાની વસ્તી ૧૬,૭૦,૭૧૮ જેટલી છે. અહીં ૧૦ શહેરો અને ૧૧૫૧ (૨૦૯ વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. અહીં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, શીખ લોકોની વસ્તી છે. તેઓ મોટે ભાગે હિંદી અને ઉર્દૂ ભાષાઓનો ઉપયોગ કરે છે. આ જિલ્લામાં શિક્ષણ અને આરોગ્યકેન્દ્રોની સુવિધા ઉપલબ્ધ છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ગિરીશભાઈ પંડ્યા, નીતિન કોઠારી

Categories
વાચન સમૃદ્ધિ

શ્રવણ

પુરાણોમાં આવતું અંધ માતા-પિતાની સેવા કરનાર આદર્શ પુત્રનું પાત્ર.

બ્રહ્મપુરાણ પ્રમાણે શ્રવણના પિતા એક તપસ્વી બ્રાહ્મણ હતા. તેમનું નામ શાંતનુ. તેમનાં બીજાં નામ કંદર્પ, અંધક, ગ્રહભાનુ, શાંતવન વગેરે હતાં. તેમની માતાનું નામ જ્ઞાનવતી. વાલ્મીકિરામાયણ પ્રમાણે તેના પિતા વૈશ્ય અને માતા શૂદ્ર હતાં. શ્રવણ મોટો થતાં વૃદ્ધ બનેલાં અંધ માતા-પિતાએ તીર્થયાત્રા કરવાની ઇચ્છા દર્શાવી. માતૃભક્ત અને પિતૃભક્ત શ્રવણે તેમની ઇચ્છા પૂરી કરવા કમર કસી. તેણે કાવડ બનાવી. તેમાં માતા-પિતાને બેસાડી પગપાળા ચાર ધામ, બાર જ્યોતિર્લિંગ તથા ૬૮ તીર્થોની યાત્રા  કરાવી.

માતા-પિતાને કાવડમાં બેસાડી જાત્રા કરાવતો શ્રવણ

ઘેર પાછા ફરતી વખતે તેઓ માર્ગમાં સરયૂ નદીને કાંઠે પાણી પીવા રોકાયાં. તે સમયે અયોધ્યાના યુવરાજ દશરથ સરયૂ નદીને કાંઠે મૃગયા ખેલવા આવ્યા હતા. રાત્રિના સમયે નદીમાં અનેક પ્રાણીઓ પાણી પીવા આવતાં. તેમનો શિકાર કરવાની ઇચ્છાથી દશરથ રાજા સરયૂતટે ગયા અને એક વૃક્ષ પાછળ છુપાઈને શિકારની રાહ જોવા લાગ્યા. દરમિયાન શ્રવણ માતા-પિતાની તરસ છિપાવવા ઘડો લઈને આવ્યો. તેના ઘડામાં પાણી ભરાતાં બુડ…બુડ અવાજ થયો. એ અવાજ કોઈ પ્રાણીનો હોવાનું માની દશરથે રાત્રિના અંધારામાં શબ્દવેધી બાણ છોડ્યું. શ્રવણને તે વાગતાં તેનો આર્તનાદ દશરથને સંભળાયો. દશરથ રાજા સ્તબ્ધ થઈ ગયા. શ્રવણના શબ્દો દશરથના કાને પડ્યા, ‘અરેરે, રાત્રિના સમયે હું જળ લેવા આવ્યો છું ત્યારે મને કોણે બાણ માર્યું ? મેં કોનો અપરાધ કર્યો છે ? મારા મરણ પછી મારાં વૃદ્ધ અંધ માતા-પિતાનું શું થશે ? એ કેવી રીતે જીવી શકશે ?’ શ્રવણે દશરથને જોઈને કહ્યું, ‘રાજન્ ! હું મારાં માતા-પિતા માટે જળ લેવા અહીં આવ્યો હતો. તેઓ ખૂબ તરસ્યાં છે અને બહુ આતુરતાથી મારી વાટ જોતાં હશે. કૃપા કરી તમે આ ઘડામાં પાણી લઈ જઈને તેમને પિવડાવો.’ શ્રવણ દશરથના બાણથી વીંધાઈને ધરતી પર પડ્યો હતો. તેણે દશરથને પોતાનાં માતા-પિતા માટેનું સેવાકામ સોંપીને પ્રાણ છોડ્યા. શ્રવણનાં માતા-પિતાએ પછી પુત્રવિયોગમાં દશરથ રાજાને પણ પોતાના જેવું પુત્રવિયોગનું દુ:ખ ભોગવવું પડશે એવો શાપ આપતાં પ્રાણ છોડ્યા. અન્ય પુરાણો અનુસાર, શ્રવણને દેહાવસાન બાદ આકાશમાં ભગવાને તેજસ્વી તારા રૂપે સ્થાન આપી અમર કર્યો.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

શુભ્રા દેસાઈ