Categories
વાચન સમૃદ્ધિ

હિરોશિમા-નાગાસાકીનો અણુબૉમ્બ-વિસ્ફોટ

બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કામાં યુ.એસે. જાપાનનાં આ બે શહેરો પર કરેલો અણુબૉમ્બનો ધડાકો.

હિરોશિમા : ૧૯૪૫માં ઑગસ્ટની છઠ્ઠી તારીખે સવારે ૮-૪૫ વાગ્યે યુ.એસ.ના લશ્કરી વિમાને પ્રથમ અણુબૉમ્બ જાપાનના મહત્ત્વના મથક હિરોશિમાના મધ્ય ભાગ પર નાખ્યો હતો. તે બૉમ્બને ‘લિટલ બૉય’ તરીકે ઓળખાવાયો હતો. એ અણુબૉમ્બ પડવાથી વિસ્ફોટ થયો. ૧૦.૪ ચોકિમી. વિસ્તારમાં આગ ફાટી નીકળી અને તેની અસર હેઠળ ૧૩ ચોકિમી. જેટલો વિસ્તાર નાશ પામ્યો. તે વખતની હિરોશિમાની ૩,૪૩,૦૦૦ વસ્તીમાંથી ૧,૩૭,૦૦૦ લોકોને તાત્કાલિક અસર પહોંચી. તે પૈકી આશરે અડધા લોકો તુરત અને બીજા પાછળથી મોતને ભેટ્યા. ૧૯૪૫ના વર્ષના અંતે મૃત્યુનો આંકડો ૧,૪૦,૦૦૦ સુધી પહોંચી ગયો. આ બધી તારાજી નિર્દોષ નાગરિકોની જ થયેલી. બચેલા માણસોમાંથી કેટલાક દાઝ્યા, કેટલાક અપંગ બન્યા તો કેટલાક વિકિરણને લીધે લ્યુકેમિયાની – કૅન્સરની માંદગીનો ભોગ બનતા ગયા. હિરોશિમામાં આશરે ૯૦,૦૦૦ મકાનો નાશ પામ્યાં, બાકીનાં રહેવા યોગ્ય ન રહ્યાં. આમ ૧૯૯૫ સુધીમાં વિકિરણની અસરથી મૃતકોની સંખ્યા ૧,૯૨૦૦૦ જેટલી થઈ.

શાંતિ-સ્મૃતિ ઉદ્યાન : સંગ્રહાલય અને સ્મારક, હિરોશિમા

હિરોશિમામાં જે સ્થળે બૉમ્બ-વિસ્ફોટ થયેલો છે ત્યાં શાંતિ-સ્મૃતિ ઉદ્યાન નામથી સંગ્રહાલય અને સ્મારકની સ્થાપના કરવામાં આવી છે. મોતને ભેટેલા લોકોની યાદમાં અહીં દર વર્ષે ૬ઠ્ઠી ઑગસ્ટનો દિવસ પુણ્યતિથિ તરીકે ઊજવાય છે.

નાગાસાકી : ૧૯૪૫ની સાલમાં ઑગસ્ટની નવમી તારીખે નાગાસાકી પર જે અણુબૉમ્બ ફેંકવામાં આવ્યો તેને યુ.એસે. ‘ફૅટ મૅન’ એવું નામ આપેલું. આ બૉમ્બના વિસ્ફોટના કારણે ૪.૫ ચોકિમી. વિસ્તારમાં વિનાશક અસર થઈ. ૪૦,૦૦૦ માણસો મૃત્યુ પામ્યા. ૨૫,૦૦૦ માણસો ઈજાગ્રસ્ત થયા, ૪૦% મકાનો ભસ્મીભૂત થયાં. આ ઘટના પછી જન્મેલાં બાળકો પર વિકિરણની અસર જોવા મળી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હિરોશિમા-નાગાસાકીનો અણુબૉમ્બ-વિસ્ફોટ, પૃ. 177)

Categories
વાચન સમૃદ્ધિ

તિરુવનન્તપુરમ્ (ત્રિવેન્દ્રમ્)

કેરળના ચૌદ જિલ્લાઓે પૈકી એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. રાજ્યના છેક દક્ષિણ છેડે આ જિલ્લો આવેલો છે. જિલ્લાનું મૂળ નામ તિરુવનન્તપુરમ્ છે. જે નામથી હવે તે ફરી ઓળખાતું થયું છે. જૂની આખ્યાયિકા પ્રમાણે ત્રિવેન્દ્રમના સ્થળે ગીચ જંગલ હતું. આ જંગલમાંથી વિષ્ણુની મૂર્તિ મળી આવી અને તેની અહીં સ્થાપના કરવામાં આવી. ‘તિરુવનન્તપુરમ્’નો અર્થ ‘અનંતનું પવિત્ર નગર’ થાય છે. જિલ્લાનું ક્ષેત્રફળ 2192 ચોકિમી. છે. જિલ્લાની વસ્તી 35,21,000 (2021, આશરે) છે. વસ્તીની ગીચતા ચોકિમી.દીઠ 1344 છે. જિલ્લાની સાક્ષરતાનું પ્રમાણ 92 ટકા છે. ભારતનાં બધાં રાજ્યો પૈકી સાક્ષરતામાં તેનું બીજું સ્થાન છે. જિલ્લાના ત્રણ તાલુકાઓ છે.

કોવાલમ્ બીચ, તિરુવનન્તપુરમ્

જિલ્લાની ઉત્તરે કેરળનો કોલ્લમ જિલ્લો, દક્ષિણે તમિળનાડુનો કન્યાકુમારી જિલ્લો, પૂર્વ દિશાએ તમિળનાડુનો તિરુનેલવેલી અને કટ્ટાબોમ્મન જિલ્લો અને પશ્ચિમે અરબી સમુદ્ર છે. જિલ્લાના ત્રણ કુદરતી વિભાગો છે. પૂર્વ ભાગમાં પશ્ચિમઘાટનો ડુંગરાળ વિસ્તાર છે. વચ્ચે મધ્યનું મેદાન અને તેની પશ્ચિમે દરિયાકાંઠે આવેલું મેદાન છે. ત્રિવેન્દ્રમ્ દરિયાની સપાટીથી 76 મી. ઊંચું છે. જિલ્લામાં દરિયાકિનારે તાડ, નારિયેળી, કેળ અને સોપારીનાં વૃક્ષો છે. મોસમી પ્રકારની આબોહવાવાળાં જંગલોમાં સાગ, મૅહોગની, સીસમ, વાંસ, રબર વગેરે વૃક્ષો તથા સર્પગંધા જેવી ઔષધિઓ જોવા મળે છે. ડાંગર, શેરડી, મરી, એલચી, ચા, કાજુ, ટોપિઓકા વગેરે મુખ્ય પાક છે. અનાજની ખાધવાળા આ જિલ્લામાં 50 % જમીનમાં રોપણી દ્વારા થતા પાકોનું વાવેતર થાય છે. તેનાં જંગલોમાં વાઘ, હાથી, વાંદરા, હરણ, મગર, ઝેરી અને બિન-ઝેરી સાપો જોવા મળે છે. અહીં કાબર, કબૂતર, પોપટ, મેના, કાગડો ઉપરાંત અનેક રંગબેરંગી પક્ષીઓ હોય છે. અહીં પદ્મનાભનું મંદિર તથા અન્ય મંદિરો, વેધશાળા, વસ્તુ-સંગ્રહાલય, રાજમહેલ વગેરે જોવાલાયક સ્થળો છે. તિરુવનન્તપુરમ્ શહેરની નજીક ‘કોવાલમ્ બીચ’ સહેલાણીઓને આકર્ષે છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તિરુવનન્તપુરમ્, પૃ. 836 અથવા જુઓ https://gujarativishwakosh.org/તિરુવનન્તપુરમ્/)

Categories
વાચન સમૃદ્ધિ

હિમાલય પર્વતમાળા

ભારતની ઉત્તરે આવેલી, વિશ્વમાં સૌથી ઊંચાં હિમાચ્છાદિત શિખરો ધરાવતી પર્વતમાળા. હિમાલય પર્વતોની અનેક હારમાળાઓથી બનેલો છે. આ હારમાળાઓ પશ્ચિમમાં પાકિસ્તાનથી માંડીને પૂર્વમાં તિબેટ સુધી આશરે – ૨૪૦૦ કિમી. લાંબી ભારત તરફ બહિર્ગોળ – એવી ચાપ આકારે આવેલી છે. દુનિયાની આ સૌથી વિશાળ પર્વતશ્રેણી ગણાય છે. આ પર્વતમાળાઓના દક્ષિણ ઢોળાવો સીધા જ્યારે ઉત્તર ઢોળાવો આછા છે. આ પર્વતશ્રેણીનાં ૩૦ શિખરો તો ૭૩૦૦ મીટરથી (૨૪,૦૦૦ ફૂટ) પણ વધુ ઊંચાઈ ધરાવે છે. આ શિખરો બરફથી છવાયેલાં અને ઉગ્ર ઢોળાવવાળાં છે. આ પર્વતશ્રેણીમાંની ખીણો મોટી હિમનદીઓ પણ ધરાવે છે. દક્ષિણ એશિયાની મોટા ભાગની નદીઓનું ઉદ્ગમસ્થાન અહીં રહેલું છે. ભારતની સિંધુથી માંડી બ્રહ્મપુત્રા સુધીની મોટી નદીઓ હિમાલયમાંથી ઉદય પામે છે. આજથી લગભગ ૩ કરોડ ૮૦ લાખ વર્ષ પૂર્વે હિમાલયની પર્વતમાળાનો તબક્કાવાર ઉદ્ભવ થયેલો. હિમાલય એ ગેડવાળા પર્વતની હારમાળા છે, જે બે ભૂતક્તીઓ (ભારતીય અને એશિયાઈ) એકબીજા સાથે અથડાતાં સર્જાઈ છે.

હિમાલય પર્વતમાળા

હિમાલય પર્વતમાળામાં કીમતી પથ્થરો અને ખનિજોના ભંડારો આવેલા છે. વળી ઘણી નદીઓ પર બંધ બાંધી વિદ્યુત પેદા કરવામાં આવે છે. નદીઓના ખીણપ્રદેશમાં તથા પહાડોના ઢોળાવો પર ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, શેરડી જેવા પાકો થાય છે. સિમલા, દાર્જિલિંગ અને આસામમાં ચાના બગીચાઓ પણ આવેલા છે. તે સિવાય ફળાઉ વૃક્ષો, ચીડ, દેવદાર, સાગ, સિડાર, શંકુવૃક્ષો, ચેસ્ટનટ વગેરે થાય છે. આ વિસ્તારોમાં જંગલી કેવડો, કેતકી અને સપુષ્પ વનસ્પતિ જોવા મળે છે. હિમાલયમાં વૈવિધ્યવાળી પ્રાણીસૃષ્ટિ છે. ર્હાઇનૉસિરોસ, યાક, રીંછ, ગૌર (જંગલી ગાય), કસ્તૂરીમૃગ, હંગુલ (કાશ્મીરી સાબર), કાળાં હરણ, દીપડા, લંગૂર વાનરો, બકરાં વગેરે પ્રાણીઓ તથા ૮૦૦થી વધુ જાતિનાં કીટકો તેમ જ પક્ષીઓ પણ અહીં વસે છે. હિન્દુ તથા બૌદ્ધ લોકો જેને ખૂબ પવિત્ર માને છે એ કૈલાસ પર્વત (ઊંચાઈ ૬,૭૪૧ મીટર) તિબેટમાં આવેલો છે. આ સ્થળે ભારત તથા મધ્ય એશિયાના ઘણા યાત્રાળુઓ યાત્રા કરવા આવે છે. કૈલાસ પર્વત પાસે મોટું માનસરોવર આવેલું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હિમાલય પર્વતમાળા, પૃ. 175)