Categories
વાચન સમૃદ્ધિ

થરનું રણ

વાયવ્ય ભારત તથા પશ્ચિમ પાકિસ્તાનમાં સતલજ અને સિંધની ઘાટીઓની વચ્ચે આવેલો રણપ્રદેશ. 27° ઉ. અ. અને 71° પૂ. રે. આજુબાજુનો વિસ્તાર. તેની પશ્ચિમમાં સિંધુની ખીણ, પૂર્વ બાજુએ અરવલ્લી પર્વતની હારમાળા, નૈઋત્યમાં કચ્છ તથા ઈશાન બાજુએ પંજાબનું મેદાન છે. આ રણપ્રદેશનો વિસ્તાર આશરે 1,92,000 ચોકિમી. છે. આ રણપ્રદેશમાં ભારતમાં દક્ષિણ પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનનો વિસ્તાર તથા પાકિસ્તાનમાં પૂર્વ સિંધ તથા ખેરપુર પ્રદેશ આવેલા છે. આ પ્રદેશમાં રેતીનાં વિશાળ ક્ષેત્રો આવેલાં છે. કોઈ કોઈ જગ્યાએ રણદ્વીપોમાં વનસ્પતિ જોવા મળે છે. આ સમગ્ર પ્રદેશ કર્કવૃત્ત નજીક આવેલો હોઈને અહીંયાં વાર્ષિક વરસાદ 250 મિમી.થી પણ ઓછો પડે છે. અગ્નિમાં આવેલી લૂણી નદી એ એકમાત્ર પાણીનો સ્રોત છે. આ પ્રદેશમાં સિંચાઈ દ્વારા વાયવ્ય ભાગમાં ખેતી કરવામાં આવે છે. ત્યાં વસ્તીનું પ્રમાણ બહુ જ ઓછું છે. અહીંના રહેવાસીઓ ઊંટ, બકરાં, ઘેટાં પાળે છે. લોકો ભટકતું જીવન ગુજારે છે. આ વિચરતી જાતિના લોકો ઊન, મીઠું, ધાબળા વગેરેનો વેપાર કરે છે. આ પ્રદેશમાં ભારતના જોધપુર, બિકાનેર, સરદારનગર, બારમેર, જેસલમેર અને અમરકોટ શહેરો આવેલાં છે.

જોધપુર થરના રણનું પ્રવેશદ્વાર ગણાય છે. બિકાનેર રણપ્રદેશમાં આવેલું એક રમણીય નગર છે. ભાટી રાજપૂતોએ વસાવેલ જેસલમેર પણ આ જ રણવિસ્તારમાં આવેલું છે. 1925થી 1927 વચ્ચે બંધાયેલી ગંગાનહેરથી તથા એના વિસ્તારમાંથી પસાર થતી રાજસ્થાન નહેરથી તથા 1986માં પૂર્ણ કરવામાં આવેલ ઇન્દિરા નહેરથી આ રણપ્રદેશ હરિયાળો થયો છે. આ પ્રદેશમાં કેટલીક સિંચાઈ-યોજનાઓ હાથ ધરવામાં આવી છે. જૂના સમયમાં ભારતીય રણ તરીકે પણ તે ઓળખાતું. રણમાં કીમતી ખનિજો તથા બહુમૂલ્ય રત્નપાષાણોના ભંડાર સાંપડ્યા છે તથા પોખરણ ખાતે ભારતે ભૂતકાળમાં અણુશક્તિપ્રયોગો કર્યા છે, જેને લીધે આ રણના લશ્કરી મહત્ત્વમાં વધારો થયો છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9

Categories
વાચન સમૃદ્ધિ

અમૂલ ડેરી

દૂધ અને અન્ય આનુષંગિક ઉત્પાદનો કરતી આણંદ ખાતે આવેલી ડેરી. તેનું પૂરું નામ છે Anand Milk-Producers’ Union Ltd.. તે ઉપરથી AMUL – ‘અમૂલ’ નામ પડ્યું છે. તે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ડેરી છે. સમગ્ર એશિયામાં તેની નામના છે. આ સહકારી ડેરીની શરૂઆત ૧લી જૂન, ૧૯૪૮થી થઈ. ત્રિભોવનદાસ પટેલની ધગશ અને ડૉ. કુરિયન જેવા આ ક્ષેત્રના બાહોશ નિષ્ણાતની અથાગ મહેનતના ફળ રૂપે અમૂલે ધીમે ધીમે ખૂબ પ્રગતિ કરી છે. આજે તેની દૂધ સંઘરવા ને સાચવવાની તાકાત ૫૦ લાખ લિટર પર પહોંચી છે. અમૂલથી ૮ કિમી.ના અંતરે મોગર ખાતે ચૉકલેટ તથા બાલ-આહાર બનાવવાનું કારખાનું છે. ખાત્રજ ચોકડી પાસે ચીઝ બનાવવાનું અને કણજરી ખાતે અમૂલ દાણ બનાવવાનું કારખાનું છે.

ત્રિભોવનદાસ પટેલ અને ડૉ. કુરિયન જેવા આ ક્ષેત્રના નિષ્ણાતની અથાગ મહેનતના ફળ રૂપે અમૂલ ભારતની સર્વશ્રેષ્ઠ ડેરી બની છે. અમૂલમાંથી પાશ્ચરીકરણ (જીવાણુમુક્ત) થયેલું દૂધ ટૅન્કરો દ્વારા મુંબઈ, દિલ્હી અને કૉલકાતા જેવાં શહેરોને પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત પાઉડર, ઘી, ચીઝ, માખણ, કેસીન જેવી દૂધની પેદાશોનું નિયમિત ઉત્પાદન કરીને ભારતભરમાં ગ્રાહકો સુધી પહોંચાડાય છે. દૂધ ઉપરાંત અમૂલ બ્રાન્ડ હેઠળ બ્રેડ, ચૉકલેટ, મીઠાઈ તથા ફ્રોઝન ફરસાણ પણ મળે છે. વળી સારી જાતનાં દુધાળાં ઢોર તૈયાર કરવા અને તેમનાં ઉછેર, માવજત ને પોષણ માટે વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવા માટેની સેવા પણ અમૂલ બજાવે છે. અમૂલ ડેરીએ આણંદ શહેર તથા ગુજરાતને દુનિયાના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું છે. ભારતનાં બીજાં રાજ્યો તથા પડોશી દેશો પણ અમૂલની જેમ ડેરી ઉદ્યોગ વિકસાવવામાં ઘણો રસ લે છે. ભારતમાં ‘શ્વેત ક્રાંતિ’ લાવવામાં અમૂલનો મોટો ફાળો રહ્યો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

થરાદ

બનાસકાંઠાના તાલુકાઓ પૈકીનો એક તાલુકો અને તાલુકામથક. આ તાલુકો આશરે ૨૪°થી ૨૫° ઉ. અ. અને ૭૧° ૩´થી ૭૧° ૪૦´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તાલુકામથકના નામ ઉપરથી સમગ્ર તાલુકો થરાદ તરીકે ઓળખાય છે. મારવાડમાંથી ઈ. સ. ૪૫માં આવેલ થીરપાલ કે થરપાલ ધ્રુવે ઈ. સ. ૫૫માં થરાદ શહેર વસાવ્યું એવી અનુશ્રુતિ છે. ‘પ્રભાવકચરિત’માં તેનો ‘થારાપદ્ર’ તરીકે ઉલ્લેખ છે. નગર વસાવનાર થીરપાલના નામ ઉપરથી તે થીરપુર, થીરાડી, થીરપદ્ર તરીકે પણ ઓળખાતું હતું. વાવ સહિત આ તાલુકાનો પ્રદેશ નાની મારવાડ તરીકે પણ ઓળખાય છે. તાલુકાની ઉત્તરે રાજસ્થાનના બારમેર અને સાંચોર તાલુકાઓ, દક્ષિણે બનાસકાંઠાનો દિયોદર તાલુકો, પૂર્વ તરફ ડીસા અને ધાનેરા તાલુકાઓ અને પશ્ચિમ તરફ વાવ તાલુકો આવેલા છે. વાવ તાલુકાની પશ્ચિમે કચ્છનું નાનું રણ અને પાકિસ્તાન દેશ આવેલાં છે. થરાદ તાલુકાની સરહદથી રણ નજીક છે. તાલુકામાં થરાદ એક નગર અને બીજાં ૧૩૪ ગામો આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ ૧૩૫૭.૯ ચોકિમી. છે. આ તાલુકાની વસ્તી અંદાજે 4,00,000 (2025, આશરે) જેટલી છે. થરાદની વસ્તી 39,000 (2025, આશરે) જેટલી છે.

થરાદનું માર્કેટ યાર્ડ

સમગ્ર તાલુકો સમતળ છે. સપાટી ઉપર ભાગ્યે જ ખડકો દેખાય છે. જમીન રેતીમિશ્રિત કાંપની છે. તેમાં સેન્દ્રિય તત્ત્વનો અભાવ છે. આ પ્રદેશ એકંદરે સૂકો છે તેથી અહીં બાવળ, કેરડો, ગાંડો બાવળ જેવાં કાંટાવાળાં વૃક્ષો અને ઘાસ થાય છે. આ પ્રદેશમાં ઓછો વરસાદ હોવાથી જમીનનું ધોવાણ ઓછું થાય છે અને જમીનનો કસ સચવાઈ રહે છે તેથી ઘાસ પૌષ્ટિક હોય છે. વાવેતર નીચે ૧,૨૨,૨૫૦ હેક્ટર જમીન છે. અહીંની જમીનમાં બાજરી, જુવાર, ઘઉં, મગ, અડદ વગેરે અનાજ અને રાઈ, જીરું, તલ વગેરે અન્ય પાક થાય છે. શિયાળામાં જ્યાં કૂવાના પાણીની સગવડ હોય છે ત્યાં જ ઘઉં અને જીરું થાય છે. કૂવા અને પાતાળકૂવા દ્વારા ૧૨ %થી ૧૭ % જમીનને સિંચાઈનો લાભ મળે છે. દાંતીવાડા યોજનામાંથી નહેર દ્વારા પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, થરાદ, પૃ. 113 અથવા જુઓ https://gujarativishwakosh.org/થરાદ/)