Categories
વાચન સમૃદ્ધિ

અરબી સમુદ્ર

ભારતના પશ્ચિમ ભાગમાં આવેલો સમુદ્ર.

આ સમુદ્ર હિંદ મહાસાગરનો જ એક ભાગ ગણાય છે. તેની સીમા પર ભારત, પાકિસ્તાન, ઈરાન, યુ.એ.ઈ. (યુનાઇટેડ આરબ અમીરાત), ઓમાન, યેમેન અને સોમાલિયા દેશો આવેલા છે. તેમાં આવેલા મુખ્ય ટાપુઓમાં લક્ષદ્વીપ (ભારત), અલ મસિરા તથા ખુરિયાન-મુરિયાન (ઓમાન) અને સોકોત્રા(યેમેન)નો સમાવેશ થાય છે. હાર્મુઝની સામુદ્રધુની તથા બાબ-અલ-માન્ડેબની સામુદ્રધુની આ સમુદ્રના ભાગરૂપ છે. સિંધુ અને નર્મદા-તાપી જેવી મુખ્ય નદીઓનાં જળ આ સમુદ્રમાં ઠલવાય છે. તેનો કુલ વિસ્તાર આશરે ૩૮,૬૨,૦૦૦ ચો.કિમી. જેટલો છે. આ સમુદ્ર આશરે ૧૫ કરોડ વર્ષ પૂર્વે એટલે કે મધ્યજીવયુગના મધ્યકાળ વખતે અસ્તિત્વમાં આવ્યો હોવાનું મનાય છે. આ સમુદ્રની સરેરાશ ઊંડાઈ ૩,૦૦૦ મીટરની છે. તેનું સૌથી વધુ ઊંડાણ ‘વ્હેકલી ઊંડાણ’ (wheakly deep) નામથી ઓળખાય છે, જેની ઊંડાઈ ૫,૮૦૩ મીટર જેટલી છે. અરબ પાળા અને ઓમાનના અખાતને જુદી પાડતી અધોદરિયાઈ મુરે ડુંગરધાર (Murray Ridge) પણ તેના તળ ઉપર આવેલી છે. સમુદ્રની મધ્યમાં એક પણ ટાપુ નથી. સમુદ્રના અગ્નિકોણમાં આવેલા લક્ષદ્વીપ ટાપુઓ પરવાળાના બનેલા છે; જ્યારે પશ્ચિમ તરફનો સોકોત્રાનો ટાપુ દરિયાતળના ઉચ્ચપ્રદેશનો ભાગ છે.

અરબી સમુદ્રનું એક દૃશ્ય

જાન્યુઆરી માસમાં આ સમુદ્રની જળસપાટીનું લઘુતમ તાપમાન આશરે ૨૪°થી ૨૫° સે. તથા જુલાઈ માસ દરમિયાન મહત્તમ તાપમાન આશરે ૨૮° સે. રહે છે. કોઈ વાર હળવા દબાણવાળાં કેન્દ્રો સર્જાતાં ચક્રવાત જેવાં વાતાવરણીય તોફાનો પણ અનુભવાય છે. આ સમુદ્રના જળવિસ્તારમાંથી સારડીન, બિલફિશ, વાહૂ, શાર્ક, લેનસેટફિશ, મુનફીન જેવી માછલીઓ મેળવાય છે. અહીંના જળક્ષેત્રમાં મોટે ભાગે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઈરાન, યેમેન, ફ્રાન્સ, યુનાઇટેડ આરબ અમીરાત, દક્ષિણ કોરિયા અને માલદીવ વગેરે દેશોનાં જહાજો માછલીઓ પકડવા આવે છે. આ સમુદ્રને કિનારે આવેલાં મુખ્ય બંદરોમાં મુહમ્મદ બિન કાસિમ, કરાંચી, કંડલા, મુંબઈ, માર્માગોવા, કોચીન વગેરેનો સમાવેશ થાય છે. આ સમુદ્રના જળવિસ્તારમાં જહાજોની અવરજવર વધુ જોવા મળે છે. આથી વ્યૂહાત્મક અને સંરક્ષણની દૃષ્ટિએ તેનું મહત્ત્વ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

થાઇલૅન્ડનું સ્થાપત્ય

થાઇલૅન્ડના સ્થાપત્યની શરૂઆત ઈસુની છઠ્ઠી સદીથી થઈ હતી. વિશ્વના બૌદ્ધ સ્થાપત્યથી પ્રભાવિત થયેલા થાઇલૅન્ડના ઐતિહાસિક સ્થાપત્યને ચાર તબક્કામાં વર્ગીકૃત કરાય છે. પ્રથમ તબક્કો જેમાં દૃશ્યવર્તી સ્થાપત્યશૈલી પ્રચલિત હતી તે ઈ. સ.ની સાતમીથી દસમી સદીમાં પ્રસરેલો છે. આ તબક્કાનું થાઇલૅન્ડનું સ્થાપત્ય તત્કાલીન મ્યાનમારના સ્થાપત્યથી સંપૂર્ણ પ્રભાવિત હતું અને થાઇલૅન્ડની સ્થાનિક ઓળખ તેમાં નહિવત્ હતી. ઈંટ તથા પથ્થરના ચણતર વડે બનાવાયેલ લામ્પનનું વાટકુકુટ દેવળ આ તબક્કાની નોંધપાત્ર ઇમારત છે. ત્યારબાદ ઈસુની દસમીથી તેરમી સદીના ગાળામાં થાઇલૅન્ડમાં સ્થપાયેલ સ્વતંત્ર ખ્મેરલોપબુરી સામ્રાજ્યમાં સ્થાપત્યની સ્થાનિક પ્રાંતીય શૈલીનો પ્રસાર થયો. સ્થાપત્યની મૂળ ભાષા તથા બાંધકામની તકનીક અને સામગ્રીમાં નોંધપાત્ર ફેરફાર ન થવા છતાં આ ગાળામાં સ્થાપત્યમાં સ્વતંત્ર સામ્રાજ્યની છબી ઉપસાવવાનો પ્રયત્ન જરૂર દેખાઈ આવે છે. બારમી સદીમાં લોપબુરીમાં બનાવાયેલ વાટ મહાધાતુનું દેવળ તથા ચૌદમી સદીમાં સુખોથાઈમાં બનાવાયેલ વાટ મહાથાટનું દેવળ આ તબક્કાની ઇમારતોના ઉલ્લેખનીય નમૂના છે. જ્યારે ચિંગેમાલી નજીક આવેલ વાટ જેટ યોટ દેવળ ત્યારબાદના ઈસુની તેરમીથી સત્તરમી સદીમાં વિકસેલ થાઇલૅન્ડની સ્થાપત્યશૈલીની ઉલ્લેખનીય ઇમારત છે.

લામ્પનનું વાટકુકુટ દેવળ

આ તબક્કામાં થાઇલૅન્ડની અગાઉના તબક્કાની પ્રાંતીય શૈલીનો અન્ય બૌદ્ધ દેશોમાં વિકસેલ સ્થાપત્યશૈલી સાથે સુંદર સમન્વય થયો. ત્યારબાદ થાઇલૅન્ડની પ્રાચીન રાજધાની અયોધ્યાના નાશ પછી નવી રાજધાની બૅંગકૉકની સ્થાપના કરાઈ, જેનાથી પ્રચલિત થયેલ સ્થાપત્યશૈલીને બૅંગકૉક-શૈલી કહેવાય છે. અઢારમી સદીના પૂર્વાર્ધ તથા ઓગણીસમી સદીમાં વિકસેલ આ તબક્કાના સ્થાપત્યમાં ચીનના સ્થાપત્યની અસર સ્પષ્ટ દેખાય છે. આ તબક્કામાં બનાવાયેલ ઇમારતો પરનાં ઢળતાં છાપરાંના છેડા ઉપરની તરફ વળેલા રખાતા, જેનાથી તે હોડી જેવા આકારનાં તથા તરતાં હોય તેવી અનુભૂતિ કરાવતાં. તેના પર વળાંકાકાર નાગાકૃતિ અંકિત કરાતી જે પાછળથી થાઇલૅન્ડના સ્થાપત્યની ઓળખ બની રહી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ભાગ-9, પૃ. 122 અથવા જુઓ https://gujarativishwakosh.org/થાઇલૅન્ડનું સ્થાપત્ય/)

Categories
વાચન સમૃદ્ધિ

અયોધ્યા

ઉત્તરપ્રદેશનું ધાર્મિક મહત્ત્વ ધરાવતું પ્રાચીન શહેર. તે ૨૬° ૪૮´ ઉ. અ. અને ૮૨° ૧૨´ પૂ. રે. પર આવેલું છે. આ શહેર ઘાઘ્રા (સરયૂ) નદીના કિનારે વસેલું છે. આ નદીના ઉત્તર કાંઠે અયોધ્યા અને દક્ષિણ કાંઠે ફૈઝાબાદ વસેલું છે. પ્રાચીન સમયના કોટાલ સામ્રાજ્યની રાજધાની અવધ તરીકે પણ તે જાણીતું છે. ભગવાન શ્રીરામની જન્મભૂમિ હોવાને કારણે આ નગરનો ખૂબ મહિમા છે. દશરથ રાજાના સમયમાં તે સમૃદ્ધ હતું. તે પછી શ્રીરામે ત્યાં રાજ્ય કર્યું હતું. પાછળથી વેરાન બનેલા નગરને ઋષભ રાજાએ ફરી વસાવ્યું. ૭મી સદીમાં અહીં ચીની યાત્રી શ્યેન ચાંગ આવેલો. બૌદ્ધકાળ દરમિયાન બૌદ્ધ સાધુ ફાહિયાને પણ અયોધ્યા મહત્ત્વનું સ્થાન ધરાવતું હોવાનો ઉલ્લેખ કરેલો છે. અહીં સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે સ્તૂપ તૈયાર કરાવ્યો હતો. સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં અયોધ્યા સાહિત્ય અને કલાનું કેન્દ્ર હતું.

રામમંદિર, અયોધ્યા

અહીં રામચંદ્રજીનાં અનેક મંદિરો કે સ્થાનકો છે. તેમાં હનુમાનગઢી, સુવર્ણમંદિર, સ્વર્ગદ્વારનું મંદિર, રામચંદ્રજીનું મંદિર, રામઘાટ, લક્ષ્મણઘાટ, મણિપર્વત વગેરે મુખ્ય છે. ૧૮મી અને ૧૯મી સદીનાં મંદિરોમાં કનકભવન, નાગેશ્વરનાથ અને દર્શનસિંહ જોવાલાયક છે. બાબરે બંધાવેલી મસ્જિદ(બાબરી મસ્જિદ)ના અવશેષ આ વિસ્તારમાં છે. ૧૯૮૦ પછી અયોધ્યા અને ફૈઝાબાદ મળીને જોડિયું નગર અસ્તિત્વમાં આવ્યું. શહેરની વસ્તી આશરે ૮૦ લાખ (૨૦૨૫) છે. એમાં મુખ્યત્વે હિંદુ, મુસ્લિમ અને જૈન લોકોનો સમાવેશ થાય છે. આ સ્થળ પાંચ જૈન તીર્થંકરોની પણ જન્મભૂમિ હોવાથી અઢારમી સદીમાં અહીં પાંચ જૈન મંદિરો પણ બાંધવામાં આવ્યાં છે. અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮૪ સેકન્ડના અભિજિત મુહૂર્તમાં રામલલ્લાની શ્યામવર્ણી પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અયોધ્યા, પૃ. 58)