જ. ૩૦ એપ્રિલ, ૧૯૧૦ અ. ૧૫ જૂન, ૧૯૮૩

તેલુગુ કવિ, ગીતકાર અને ફિલ્મી પટકથાલેખક શ્રીરંગમ્ શ્રીનિવાસ રાવનો જન્મ વિશાખાપટ્ટનમમાં થયો હતો. પિતા પુડીપેદ્દી વેંકટરામનૈયા અને માતા અટપ્પાકોંડા, પરંતુ તેમને શ્રીરંગમ્ સૂર્યનારાયણ દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. તેઓ શ્રી શ્રીના નામે જાણીતા છે. તેમનું શાળેય શિક્ષણ વિશાખાપટ્ટનમમાં થયું. ૧૯૩૧માં મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાંથી બી.એ. ઑનર્સ થયા. પછી વિઝાગની એસ.વી.એસ. કૉલેજમાં ડેમોન્સ્ટ્રેટર તરીકે જોડાયા. ૧૯૩૮માં ‘દૈનિક આંધ્રપ્રભા’માં સબ-એડિટર બન્યા. બાદમાં દિલ્હી આકાશવાણી અને દૈનિક આંધ્રવાણીમાં વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું. તેઓ પેન ઇન્ડિયા, સાહિત્ય અકાદમીના સભ્ય, આંધ્રના ક્રાંતિકારી લેખક સંગઠન, આંધ્રપ્રદેશ નાગરિક સ્વતંત્રતા સમિતિ અને પ્રગતિશીલ લેખક સંગઠનના પ્રમુખ તેમજ દક્ષિણ ભારતીય ફિલ્મ લેખક ઍસોસિયેશનના ઉપપ્રમુખ હતા. તેમણે સાત વર્ષની ઉંમરે લેખનકાર્યનો આરંભ કર્યો હતો. ૧૯૨૮માં ‘પ્રભાવ’ નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો હતો. તેમણે પરંપરાગત શૈલીથી ભિન્ન કાવ્યલેખન કર્યું. તેમણે સામાન્ય માણસના રોજિંદા જીવનને અસર કરતા મુદ્દાઓને કવિતામાં પ્રતિબિંબિત કર્યા. તેમણે જુન્નારકરની ‘નીરા ઔર નંદા’(૧૯૪૬)નું તેલુગુ સંસ્કરણ ‘આહુતિ’ (૧૯૫૦) સાથે તેલુગુ સિનેમામાં પ્રવેશ કર્યો. તેમણે ઘણી તેલુગુ ફિલ્મો માટે પટકથાઓ અને ગીતો લખ્યાં. તેમણે કન્નડ ફિલ્મ ‘કન્યાદાનમ્’ માટે એક જ દિવસમાં ૧૨ ગીતો લખ્યાં હતાં, જે એક રેકૉર્ડ છે. તેમને શ્રેષ્ઠ ગીતકાર માટે ૧૯૭૪નો રાષ્ટ્રી ફિલ્મ પુરસ્કાર, નંદી પુરસ્કાર, સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ, સાહિત્ય અકાદમી પુરસ્કાર અને રાજા-લક્ષ્મી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અનિલ રાવલ