Categories
વાચન સમૃદ્ધિ

શ્રીકાંત શાહ

જ. ૨૯ ડિસેમ્બર, ૧૯૩૬ અ. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૦

ગુજરાતી ભાષાના જાણીતા કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યલેખક શ્રીકાંત શાહનો જન્મ  જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે શ્રી વલ્લભદાસ અને શ્રીમતી વસંતબહેનના ઘેર થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ  તેમણે બાંટવામાં જ પૂર્ણ કર્યું હતું. ૧૯૫૯માં બી.એ. અને ૧૯૬૧માં એમ.એ.ની પદવી તેમણે બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાંથી પ્રાપ્ત કરી હતી. શ્રીકાંત શાહે તેમની વ્યાખ્યાતા તરીકેની કારકિર્દી ૧૯૬૨-૬૩માં એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદથી શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે ‘જનસત્તા’ના રોજગાર અધિકારી તરીકે જામનગરમાં અને ‘જનસત્તા’ દૈનિકના મૅનેજર તરીકે રાજકોટ અને જનરલ મૅનેજર તરીકે અમદાવાદમાં કાર્ય કર્યું હતું. અમદાવાદની વિવેકાનંદ કૉલેજમાંથી તેઓ વ્યાખ્યાતા તરીકે નિવૃત્ત થયા હતા. શ્રીકાંત શાહે ‘નિરંજન સરકાર’ એવું ઉપનામ રાખી લેખનકાર્ય શરૂ કર્યું હતું. ૧૯૬૨માં તેમનો કાવ્યસંગ્રહ ‘એક માણસનું નગર’ નામે પ્રગટ થયો હતો. ‘અસ્તી’ નામની એક અસ્તિત્વવાદી નવલકથા તેમણે ૧૯૬૬માં પ્રકાશિત કરી હતી. ‘અસ્તી’ એમની પ્રાયોગિક  નવલકથા છે. આ નવલકથામાં કોઈ કથાવસ્તુ નથી અને તે એક નામ વગરની વ્યક્તિની આસપાસ કેન્દ્રિત છે. જેને ‘તે’ કહેવાયો છે. ત્યારબાદ એક રહસ્ય નવલકથા ‘ત્રીજો માણસ’ પ્રકાશિત થઈ હતી. ‘તિરાડ અને બીજાં નાટકો, ‘નૅગેટિવ’, ‘કૅન્વાસ પરના ચહેરા’, ‘હું’ તેમજ ‘બિલોરી કાચના માણસો’, ‘એકાંતને અડોઅડ’, ‘વેનીશિયન બ્લાઇન્ડ’, ‘કારણ વિનાના લોકો’, ‘એકાંત નંબર ૮૦’ તેમનાં નાટકો છે. ૨૦૦૩માં તેમનો કાવ્યસંગ્રહ ‘એક માણસનું નગર’ શ્રી નિરંજન ભગત દ્વારા લખાયેલ પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ થયો હતો. નાટ્યલેખન ઉપરાંત તેમણે ચલચિત્ર, સાહિત્ય, મનોવિજ્ઞાન અને પ્રાચીન વસ્તુઓ જેવા વિવિધ વિષયો પર આશરે ૨૦૦ જેટલા સ્ફુટ લેખ અને ૫૦ જેટલી કવિતાઓ અને ત્રીસેક વાર્તાઓ લખેલ જે ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘અભિયાન, ‘પરબ’ અને ‘નવનીત સમર્પણ’માં પ્રસિદ્ધ થયાં હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તેમનાં નાટકો  પુરસ્કૃત પણ થયાં છે.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ

જ. ૨૮ ડિસેમ્બર, ૧૯૨૫ અ. ૧૯ જૂન, ૨૦૧૪

તેઓ જૈન નગરશેઠ કુટુંબમાં જન્મેલા, કુશળ વહીવટકર્તા અને સંવેદનશીલ, મિતભાષી, ધાર્મિક સજ્જન અને બાહોશ ઉદ્યોગપતિ હતા. વિખ્યાત ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈના નાના પુત્ર શ્રેણિકભાઈએ શાળાનો અભ્યાસ તથા કૉલેજનાં બે વર્ષનો અભ્યાસ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં કર્યો હતો. એ પછી અમેરિકાની મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(MIT)માંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય સાથે ૧૯૪૬માં સ્નાતક (B.S.) થયા. ૧૯૪૮માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી માસ્ટર ઑવ્ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન(M.B.A.)ની ડિગ્રી લીધી હતી. સ્વદેશ આવ્યા બાદ લાલભાઈ જૂથના ઉદ્યોગો – રાયપુર, સરસપુર, અશોક, અરિંવદ, અરુણ, નૂતન, ન્યૂ કૉટન, અનિલ સ્ટાર્ચ લિ. અને અતુલ પ્રોડક્ટસ લિમિટેડ વગેરે ઉદ્યોગોનું સંચાલન કરવા લાગ્યા. તેઓ કુશળ વહીવટદાર હતા. ત્યારપછી અમદાવાદ  એજ્યુકેશન સોસાયટીનું ચૅરમૅનપદ લીધા પછી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ કર્યો. તેઓ ઘણી બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જેવી કે CEPT, IIM, PRL, લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડોલૉજીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત અટિરા, પ્લાઝમા રિસર્ચ, ગુજરાત યુનિવર્સિટીમાં સભ્ય તરીકે હતા. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાત વિદ્યાસભા તેમજ ગાંધી આશ્રમ ટ્રસ્ટનું પ્રમુખપદ સંભાળ્યું હતું. તેમના સક્રિય જીવનકાળ દરમિયાન તેમણે અનેક સંસ્થાઓમાં પ્રમુખપદ સંભાળ્યું હતું. તેમને જૈન ધર્મ પ્રત્યે ઊંડી આસ્થા હતી. ઘણાં જૈનતીર્થોના ટ્રસ્ટમાં તેઓ સામેલ હતા અને તીર્થોના જીર્ણોદ્ધાર અને જાળવણીની કાળજી કરતા હતા. પાંજરાપોળનાં પ્રાણીઓ માટે પણ તેઓએ ખૂબ સેવાઓ આપી હતી. તેમનાં પત્ની પન્નાબહેન મોહિનાબા કન્યા વિદ્યાલય, રચના માધ્યમિક શાળા, મધુબની શિશુશાળા જેવાં શૈક્ષણિક કાર્યો કરતાં હતાં. તેમને સંજયભાઈ અને કલ્પનાબહેન બે સંતાનો છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

યશવંત પુરોહિત

જ. ૨૭ ડિસેમ્બર, ૧૯૧૬ અ. ૩ જાન્યુઆરી, ૧૯૬૪

ભારતીય શાસ્ત્રીય સંગીતના ખૂબ જ પ્રતિભાસંપન્ન કલાકાર યશવંત પુરોહિતનો જન્મ ભાવનગર પાસે પરવાળા ગામમાં થયો હતો. પિતા ચિમનલાલ પુરોહિત પણ ભાવનગરના પ્રતિષ્ઠિત સંગીતજ્ઞ હતા. ભાવનગરના દક્ષિણામૂર્તિમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. પ્રસંગોપાત્ત ભાવનગર આવેલા પંડિત નારાયણરાવ વ્યાસના નિમંત્રણથી અમદાવાદમાં તેમની ‘ગુજરાત સંગીત વિદ્યાપીઠ’માં જોડાયા અને સંગીતની પ્રારંભિક તાલીમ શરૂ કરી. પંડિત શંકરરાવ વ્યાસ તથા પંડિત નારાયણ મોરેશ્વર ખરે પાસે સઘન સંગીતતાલીમ મેળવીને ગ્વાલિયર ઘરાનાની ગાયકીનો ગહન અભ્યાસ કર્યો. ત્યારબાદ મુંબઈ વસવાટ દરમિયાન તેમણે પંડિત ઓમકારનાથ ઠાકુર પાસે સંગીતની ઉચ્ચ તાલીમ લીધી. તે પછી કિરાના ઘરાનાના બાલકૃષ્ણ કપિલેશ્વરી બુવા પાસે સંગીતની આરાધના કરી કિરાના ઘરાનાની ગાયકીમાં પ્રાવીણ્ય મેળવ્યું. વચ્ચે પિતાના અવસાનથી સંગીતસાધનામાં રુકાવટ આવી, પરંતુ ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજીએ એમની શક્તિ પિછાની તેમને માસિક રૂ. ૨૫/-ની શિષ્યવૃત્તિ આપી, સાનુકૂળતા કરી આપી. તેમને શંકર અને કેદાર રાગ અતિપ્રિય હતા. ખ્યાલ ગાયકી તેમની ગાયનકલાનું મુખ્ય અંગ હતી. ઠૂમરી ગાયકીમાં પણ તેમનું કૌશલ્ય હતું. તેમનો અવાજ મીઠો હતો અને તેમની  ગાયકીમાં મધુર તાલ, સ્વર, શબ્દ, રસ તથા ભાવની અનેરી મિલાવટ હતી. કિરાના ઘરાનામાં અલ્પ પ્રચલિત એવા છાયાનટ, બિહાગ વગેરે જેવા રાગો ઉપર એમનું પ્રભુત્વ હતું. સંગીતક્ષેત્રમાં ઘણી વાર જોવા મળતી વાડાબંધીથી તેઓ દૂર રહી બીજી સંગીતશૈલીઓ અને ઘરાના પ્રત્યે પણ આદર રાખતા. ‘રસરંગ’ના ઉપનામે એમણે ‘મધુબંસરી માન મનાવત’, ‘આંગનમેં’ વગેરે કેટલીક સુંદર રચનાઓ પણ રચી છે. તેમના સંગીતના કાર્યક્રમો ભારતનાં તમામ આકાશવાણી કેન્દ્રો પરથી પ્રસારિત થયા હતા. ભાવનગરના મહારાજાએ તેમની સ્મૃતિમાં તેમના નામે એક શિષ્યવૃત્તિની શરૂઆત કરી છે. ગુજરાત સરકારે ગુજરાત સંગીત નૃત્ય નાટ્ય અકાદમીના ઉપક્રમે ભાવનગર ખાતે બંધાયેલા નાટ્યગૃહનું ‘યશવંત પુરોહિત નાટ્યગૃહ’ એવું નામાભિધાન કરી તેમની સ્મૃતિને કાયમી અંજલિ આપી છે.

અમલા પરીખ