Categories
વાચન સમૃદ્ધિ

શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ

જ. ૬ ઑગસ્ટ, ૧૯૦૮ અ. ૩ એપ્રિલ, ૨૦૦૦

વાર્તા, નાટક, નિબંધ અને ઇતિહાસના ગ્રંથો લખીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવનાર શંભુપ્રસાદનો જન્મ ચોરવાડ, જૂનાગઢમાં થયો હતો. પિતા હરપ્રસાદ જૂનાગઢ રાજ્યના વહીવટદાર હતા. શંભુપ્રસાદે માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં તથા ઉચ્ચશિક્ષણ અમદાવાદ અને જૂનાગઢમાં લીધું હતું. તેમણે ૧૯૩૦માં ઇતિહાસ વિષય સાથે બી.એ.ની પરીક્ષા પાસ કરી હતી. એલએલ.બી. પાસ થયા બાદ તેમણે વેરાવળમાં વકીલાત શરૂ કરી. ૧૯૩૩માં તેઓ જૂનાગઢ રાજ્યના મહેસૂલ ખાતામાં વહીવટદારના હોદ્દાના પ્રોબેશનર નિમાયા. તે પછી તેમણે વહીવટદાર તથા રાજ્યના સચિવાલયમાં સુપરિન્ટેન્ડેન્ટની ફરજો બજાવી. જૂનાગઢ રાજ્ય ભારત સાથે જોડાયા બાદ તેમને નવી સરકારમાં પાટણ તથા તલાળાના ઍડ્મિનિસ્ટ્રેટર નીમવામાં આવ્યા. ૧૯૫૦માં ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણૂક થવાથી સૌરાષ્ટ્ર રાજ્યની સેવામાં જોડાયા અને ૧૯૬૬માં અમરેલીના કલેક્ટરના હોદ્દા પરથી નિવૃત્ત થયા. તેઓ સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દૂ, અરબી અને ફારસી ભાષાઓના અભ્યાસી હતા. ૧૯૩૩માં તેમણે ‘પ્રભાસના વાજા રાજાઓ’ શીર્ષક હેઠળ મુંબઈના ‘ગુજરાતી’ પત્રમાં લેખ લખીને ઇતિહાસલેખનની શરૂઆત કરી. તેમના પ્રસિદ્ધ ગ્રંથ ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ની ત્રણ આવૃત્તિઓ પ્રગટ થઈ હતી. તેમાં તેમણે પ્રાચીન કાળથી ૧૯૬૫ સુધીનો સૌરાષ્ટ્રનો ઇતિહાસ લખ્યો છે. ‘પ્રભાસ અને સોમનાથ’ ગ્રંથમાં તેમણે પ્રાગ્ ઐતિહાસિક કાળથી શરૂ કરીને ૧૯૫૦ સુધીની બધી માહિતી ભેગી કરીને આપી છે. ૧૯૭૫માં પ્રગટ થયેલા ‘જૂનાગઢ અને ગિરનાર’ ગ્રંથમાં જૂનાગઢ રાજ્યને કેન્દ્રમાં રાખીને ઇતિહાસ લખ્યો છે. આ ઉપરાંત ‘શ્રીકૃષ્ણનું દ્વારકા’, ‘સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ’માં તેમણે ખાસ કરીને નાગર દીવાનો તથા મુત્સદ્દીઓને રસપ્રદ રીતે આલેખ્યા છે. શંભુપ્રસાદ ઇતિહાસ ઉપરાંત સંસ્કૃતિ, સિક્કાઓ, સાહિત્ય, ભાષાઓ અને પુરાતત્ત્વના અભ્યાસી હતા. ઇતિહાસમાં રસ ધરાવતા અનેક સજ્જનો દરરોજ સાંજે તેમના નિવાસસ્થાને ભેગા મળીને ચર્ચા કરતા. તેમણે ‘પ્રભાસ સંશોધનસભા’, ‘સોરઠ સંશોધનસભા’ સ્થાપી હતી જે પછીથી ‘સૌરાષ્ટ્ર કચ્છ ઇતિહાસ પરિષદ’ નામથી જાણીતી થઈ. ૧૯૭૮થી ૮૦ સુધી તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ૧૯૮૮માં તેમને ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’ની માનાર્હ ઉપાધિ એનાયત કરી હતી. તેમના ‘જૂનાગઢ અને ગિરનાર’ નામના ગ્રંથને ૧૯૭૮માં ગુજરાત રાજ્ય તરફથી શ્રેષ્ઠ ગ્રંથનો પુરસ્કાર મળ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

હરિકૃષ્ણ પાઠક

જ. ૫ ઑગસ્ટ, ૧૯૩૮ અ. ૨૮ માર્ચ, ૨૦૨૫

કવિ, વાર્તાકાર, નિબંધકાર અને બાળસાહિત્યકાર હરિકૃષ્ણ પાઠકનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદ ગામે રામચંદ્ર પાઠક અને મોંઘીબહેનને ત્યાં થયો હતો. વતન ભોળાદ. ૧૯૫૬માં મૅટ્રિક થયા. ૧૯૬૧માં બી.એસસી. થયા બાદ ૧૯૬૧-૬૨ દરમિયાન સોનગઢ(સૌરાષ્ટ્ર)ના ગુરુકુળના વિજ્ઞાનશિક્ષક થયા. ૧૯૬૩થી ગાંધીનગર ખાતેના ગુજરાત રાજ્યના સચિવાલયમાં મહેસૂલવિભાગમાં મદદનીશ તરીકે જોડાયા ને ત્યાંથી જ નાયબ સચિવ તરીકે ૧૯૯૬માં સેવાનિવૃત્ત થયા. તેમને નાનપણથી જ ચિત્રકળાનો શોખ હતો. ૧૯૬૬થી કાવ્યલેખન શરૂ થયેલું. ‘સૂરજ કદાચ ઊગે’ (૧૯૭૪) એ એમનો પ્રથમ કાવ્યસંગ્રહ. આ ઉપરાંત ‘અડવા પચીસી’, ‘જળના પડઘા’, ‘રાઈનાં ફૂલ’, ‘ઘટના ઘાટે’ જેવા કાવ્યસંગ્રહો તેમની પાસેથી મળ્યા છે. ‘સાક્ષર બોતેરી’ (૨૦૧૧) જે તે લેખકોની લાક્ષણિકતાઓને હળવી રીતે રજૂ કરતી ૭૨ કડીઓની પુસ્તિકા છે. એમની સમગ્ર કવિતા ‘જળમાં લખવાં નામ’ નામે પ્રસિદ્ધ થઈ છે. ‘મોર બંગલો’(૧૯૮૮)માં ૨૧ વાર્તાઓ છે તો ‘નટુભાઈને તો જલસા છે’(૨૦૦૮)માં ૧૨ વાર્તાઓ છે. તેમની ‘સમળો’ જેવી વાર્તાઓ વિશિષ્ટ છે. ‘અંગત અને સંગત’ (૨૦૦૯) એ લલિતનિબંધનો સંગ્રહ છે. ‘ગુલાબી આરસની લગ્ગી’ (૧૯૭૮) એ કિશોરભોગ્ય કથા છે. તેમણે ‘કોઈનું કંઈ ખોવાય છે’ અને ‘હલ્લો-ફલ્લો’ એ બાળકાવ્યસંગ્રહો આપ્યા છે. આ ઉપરાંતનાં બાળકાવ્યો તથા આ સંગ્રહનાં કાવ્યો ‘ચણ ચણ ચકલી ચણાની દાળ’(૨૦૨૧)માં સંગૃહીત થયાં છે. આમ તેમની પાસેથી શુદ્ધ અને સત્ત્વશીલ બાળસાહિત્ય મળ્યું છે. તેમનું સંપાદનક્ષેત્રે પ્રદાન પણ નોંધપાત્ર છે. બાલમુકુન્દ દવેના સમગ્ર સાહિત્યને ચાર ભાગમાં સંપાદિત કર્યું છે. આ ઉપરાંત અનેક સંપાદનોમાં સહસંપાદક તરીકે ભૂમિકા ભજવી છે. ‘ગલીને નાકેથી’ (૧૯૯૩) તેમનો સાહિત્યવિવેચનનો સંગ્રહ છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમીના પાંચ પુરસ્કારો મળ્યા હતા. આ ઉપરાંત ૧૯૬૭માં ‘કુમારચંદ્રક’, ‘જળના પડઘા’ માટે નર્મદચંદ્રક તથા ‘જયંત પાઠક કવિતા પુરસ્કાર’, ૨૦૧૦માં ધનજી કાનજી ગાંધી ચંદ્રક, ૨૦૧૧માં દલપતરામ ઍવૉર્ડ અને ૨૦૧૩માં નરિંસહ મહેતા ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા. ગાંધીનગરમાં તેમનું અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ચીનુભાઈ ઘેલાભાઈ ખત્રી

જ. ૪ ઑગસ્ટ, ૧૯૩૧ અ. ૩૧ માર્ચ, ૧૯૮૯

ગુજરાતના વિશ્વવિખ્યાત આંકડાશાસ્ત્રી શ્રી ચીનુભાઈ ઘેલાભાઈ ખત્રી ‘સી. જી. ખત્રી’ના નામે ઓળખાય છે. હાથવણાટનો વ્યવસાય કરતા પિતાએ અનેક મુશ્કેલી વેઠીને તેમને ભણાવ્યા. ગુજરાત યુનિવર્સિટીમાં બી.એસસી.માં સૌથી વધુ ગુણ મેળવી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી એમ.એસ. યુનિવર્સિટીમાંથી ૧૯૬૦માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ગુજરાત યુનિવર્સિટીમાં આંકડાશાસ્ત્ર વિભાગના રીડર તરીકે જોડાયા અને પ્રોફેસર થયા. અમેરિકાની નૉર્થ કેરોલિના યુનિવર્સિટીએ બહુચલીય વિશ્લેષણના ક્ષેત્રમાં સંશોધન માટે નિમંત્રણ પાઠવ્યું. તેમની આંકડાશાસ્ત્ર વિષયની સમજ એટલી સંગીન હતી કે સંશોધનના કોઈ પણ પ્રશ્નને તેઓ તેના સમગ્ર પરિપ્રેક્ષ્યમાં નિહાળતા. તેઓ સાચા અર્થમાં ‘આંકડાકીય કોયડાનો ઉકેલ શોધનાર વિદ્વાન’ હતા. દેશ-વિદેશના પ્રતિષ્ઠિત જર્નલ્સમાં તેમના બસોથી વધારે સંશોધનલેખો પ્રકાશિત થયા હતા.  મૌલિકતાની દૃષ્ટિએ મહત્ત્વના ગણાય તેવા ગ્રંથમાં તેમણે ગુજરાતી ભાષામાં ‘શ્રેણિકોનું ગણિત’ લખ્યું હતું જે આ વિષય પર લખાયેલાં વિશ્વનાં ઉચ્ચકોટિનાં પુસ્તકોમાંનું એક ગણી શકાય. બહુચલીય વિશ્લેષણ પર તેમણે પ્રા. એમ. એસ. શ્રીવાસ્તવ સાથે લખેલું ‘એન ઇન્ટ્રોડક્શન ટુ મલ્ટિવેરિએટ સ્ટેટિસ્ટિક્સ’ પુસ્તક આ ક્ષેત્રે એક મૌલિક સંદર્ભગ્રંથ ગણાય છે. તેઓ પેનસ્ટેટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ સ્કૉલર તરીકે જોડાયેલા હતા અને ત્યાંના સેન્ટર ફોર મલ્ટિવેરિએટ ઍનાલિસિસમાં વારંવાર જતા હતા. તેમની સ્મૃતિમાં પેનસ્ટેટ યુનિવર્સિટીમાં સી. જી. ખત્રી વિઝિટિંગ સ્કૉલર પ્રોગ્રામ ચાલે છે અને તે અંતર્ગત સ્મૃતિ વ્યાખ્યાન યોજાય છે. ગુજરાતમાં આંકડાશાસ્ત્રનાં અધ્યયન અને સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે તેમણે ૧૯૬૯માં ગુજરાત સ્ટેટિસ્ટિકલ ઍસોસિયેશનની સ્થાપના કરી અને મંડળના નેજા હેઠળ ૧૯૭૪માં ‘ગુજરાત સ્ટેટિસ્ટિકલ રિવ્યૂ’ (G.S.R.) નામનું સંશોધન-સામયિક શરૂ કર્યું. તેમના તંત્રીપદે  રહી તેમણે GSRને રાષ્ટ્રીય કક્ષાએ માન્યતા પ્રદાન કરાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.