Categories
વાચન સમૃદ્ધિ

અમૃતલાલ સુંદરજી પઢિયાર

જ. ૩ એપ્રિલ, ૧૮૭૦ અ. ૨ જુલાઈ, ૧૯૧૯

વિચારપ્રધાન ગદ્યના લેખક અને સમાજસુધારક અમૃતલાલનો જન્મ ચોરવાડમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આઠ વર્ષની વયે માતા કસ્તૂરબાઈનું અવસાન થતાં તેઓ પિતા અને ફોઈઓની નજર નીચે ઊછર્યા. માત્ર છ જ ચોપડી ભણ્યા છતાં તેમની જિજ્ઞાસાવૃત્તિ સતેજ હોવાથી લખવાનો શોખ તેમને શાળામાંથી જ લાગ્યો. કામગીરીના પ્રારંભમાં તેમણે કઠિન દિવસો વિતાવવા પડ્યા. ફક્ત ચણા ફાકીને પણ ચલાવવું પડેલું. શેઠ લક્ષ્મીદાસ ખીમજીને ત્યાં છાપાં-માસિકો વાંચી સંભળાવવાની નોકરી કરીને તેમની પાસે પ્રથમ પુસ્તક પ્રગટ કરાવ્યું. વિધવાઓની કરુણ સ્થિતિ વર્ણવતું ‘આર્યવિધવા’ (૧૮૮૧) અને ત્યાર બાદ ‘અમૃતવચનો’ (૧૯૦૦) જેવી પ્રારંભિક કૃતિઓ બાદ ‘સંસારમાં સ્વર્ગ’ (૧૯૦૨) અને ‘સરસ્વતીચંદ્ર’ ભાગ ત્રીજા અને ચોથાને અનુસરતી નવલકથા આપી જેનાથી સાહિત્યકાર તરીકે તેમને પ્રતિષ્ઠા મળી. તેમણે ‘સ્વર્ગ’ નામધારી સંખ્યાબંધ કૃતિઓ રચી જેમાં ધર્મસામાન્યની ભૂમિકા પર રહી નીતિમત્તા વગેરે મૂલ્યપ્રધાન જીવનનો મહિમા સ્થાપિત કર્યો. સ્વામી બ્રહ્માનંદજી પાસે તેમણે વૈદક અને યોગનો અભ્યાસ કર્યો હતો. નિર્ધનો અને અપંગોની શુશ્રૂષા અર્થે તેમણે આજીવન લગ્ન ન કરવાનું પ્રણ લીધું. ૧૯૧૮માંના દુકાળ સમયે સંકટગ્રસ્તોને બહુમૂલ્ય સેવા આપી. ઉત્તરાવસ્થામાં તેઓ ભાગવતભક્તિ તરફ ઢળ્યા હતા. ‘શ્રીમદ્ ભાગવતનો ટૂંકસાર’ તથા ‘પ્રેમ, પ્રેમ અને પ્રેમ’ એમની ભક્તિપ્રધાન બનેલા જીવનની રચનાઓ છે. તેમનું જીવન અને લેખન બંને સાદાં, સાત્ત્વિક ધર્માચરણયુક્ત હતાં. તેમનું લેખન મુખ્યત્વે ધાર્મિક આધાર લઈને જીવનશુદ્ધિ તરફ દોરનારું હતું. અલ્પશિક્ષિતોને ધર્મવિષયક માહિતી પૂરી પાડવામાં તેમનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. કવિ ન્હાનાલાલે આ સૌજન્યશીલ અને સાધુચરિત પુરુષને ‘સૌરાષ્ટ્રના સાધુ’ની ઉપમા આપી છે. કૉલેરાને કારણે મુંબઈમાં તેમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય

જ. ૨ એપ્રિલ, ૧૮૯૮ અ. ૨૩ જૂન, ૧૯૯૦

ભારતીય કલાકાર, નાટ્યકાર, અદાકાર, સંગીતકાર અને અંગ્રજી ભાષામાં કવિતા લખનાર કવિ હતા. તેઓ સરોજિની નાયડુના નાના ભાઈ હતા. તેમના પિતાજીએ હૈદરાબાદ કૉલેજની સ્થાપના કરી, તેમનાં માતાજી કવયિત્રી હતાં અને બંગાળી ભાષામાં કવિતાઓ લખતાં. હરીન્દ્રનાથ ૧૯ વર્ષના હતા ત્યારે ‘ધ ફિસ્ટ ઑફ યૂથ’ નામનું તેમની કવિતાઓનું પ્રથમ પુસ્તક છપાયું હતું. આ પુસ્તક તેઓએ અંગ્રેજી ભાષામાં લખ્યું હતું, પણ તેમાં લખેલ કવિતાઓ ભારતીય સંસ્કૃતિ પર હતી. તેઓનાં લગ્ન કમલાદેવી ચટ્ટોપાધ્યાય જોડે થયાં હતાં, જે એક સમાજવાદી હતાં. તેઓ ઑલ ઇન્ડિયા વુમન્સ કૉન્ફરન્સ અને ઑલ ઇન્ડિયા હૅન્ડિક્રાફ્ટસ બોર્ડનાં અધ્યક્ષ હતાં. હરીન્દ્રનાથ અને કમલાદેવીનું લગ્નજીવન લાંબું ચાલ્યું નહીં અને તેઓ છૂટાં પડી ગયાં. હરીન્દ્રનાથે ‘રેલગાડી’, ‘સૂર્ય અસ્ત હો ગયા’, ‘તરુણ અરુણસે રંજિત ધરણી’ જેવી કવિતાઓ લખી અને સ્વરબદ્ધ કરી. રવીન્દ્રનાથ ટાગોર પણ તેમની કવિતાની પ્રશંસા કરતા હતા. બાળકો માટે તેમણે હિન્દી ભાષામાં ઘણી કવિતાઓ લખી છે. ૧૯૫૧ની ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં વિજયવાડા મતવિસ્તારમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે જીત્યા હતા. તેમણે  સત્યજિત રેની ત્રણ ફિલ્મોમાં, ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ તથા ‘બાવર્ચી’ ફિલ્મમાં અભિનય કર્યો હતો. ૧૯૮૪માં મુંબઈ દૂરદર્શન ‘આડોશ પડોશ’ નામની ટીવી સિરિયલમાં તેઓએ ભાગ લીધો હતો.

૧૯૭૩માં પદ્મભૂષણથી તેમને સન્માનવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

અજિત વાડેકર

જ. ૧ એપ્રિલ, ૧૯૪૧ અ. ૧૫ ઑગસ્ટ, ૨૦૧૮

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન અજિત લક્ષ્મણ વાડેકરનો જન્મ મુંબઈમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતાની ઇચ્છા તેમને એન્જિનિયર બનાવવાની હતી, પરંતુ તેમણે ક્રિકેટની રમત ઉપર પસંદગી ઉતારી. છ ફૂટ ઊંચા અજિત વાડેકર બૅટિંગની વિશિષ્ટ શૈલી ધરાવનાર ડાબોડી બૅટ્સમૅન હતા. ડાબોડી મધ્યમ બૉલિંગ પણ તેઓ કરતા હતા. તેઓ હંમેશાં ત્રીજા ક્રમાંક ઉપર રમવા ઊતરતા.

પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ૧૯૫૮થી ૧૯૭૫ દરમિયાન તેઓ મુંબઈ અને વેસ્ટ ઝોન તરફથી રમ્યા હતા. રણજી ટ્રૉફી સ્પર્ધામાં મુંબઈનું કપ્તાનપદ દીર્ઘકાળ સુધી સંભાળ્યું હતું. તેમની ગણના ‘હાર્ડ હિટર’ તરીકે થતી હતી. તેઓ ‘હાફ વૉલી’ દડાને ફટકારવાનું ભાગ્યે જ ચૂકતા હતા.

૧૯૬૬-૬૭માં રાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની શાનદાર બૅટિંગના પ્રતાપથી તેમણે પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ સામે મુંબઈ ખાતે ૧૩મી ડિસેમ્બર, ૧૯૬૬ના રોજ પ્રથમ ટેસ્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૬૭માં ઇંગ્લૅન્ડ પ્રવાસમાં અને ૧૯૬૭-૬૮માં ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં તેમનો દેખાવ નોંધપાત્ર રહ્યો હતો. ૧૪૩ રન ફટકારી તેમણે ન્યૂઝીલૅન્ડ સામે ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.

૧૯૭૦-૭૧માં વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં અજિત વાડેકર ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન બન્યા હતા. ૧૯૭૧માં કૅંરિબિયન પ્રવાસમાં અને ત્યારબાદ એ જ વર્ષે ઇંગ્લૅન્ડના પ્રવાસમાં તેમણે ભારતને બેવડા ટેસ્ટશ્રેણી વિજયોની ભેટ ધરી હતી. તેમણે ૧૬ ટેસ્ટમૅચોમાં ભારતનું નેતૃત્વ સંભાળ્યું હતું. ભારતની પ્રથમ એકદિવસીય ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમના પણ તેઓ સભ્ય હતા. ૧૯૭૪માં વાડેકરે નિવૃત્તિ જાહેર કરી હતી.

અજિત વાડેકર સ્ટેટ બૅન્ક ઑવ્ ઇન્ડિયામાં જનસંપર્ક વિભાગમાં જનરલ મૅનેજરના હોદ્દા પર હતા. તેઓ જૂજ એવા ભારતીય ક્રિકેટરોમાંના હતા જેમણે ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ ખેલાડી, કપ્તાન, કોચ, મૅનેજર અને પસંદગીકાર (સિલેક્ટર) તરીકે સેવાઓ આપી હતી.

૧૯૬૮માં ભારત સરકાર દ્વારા તેમને અર્જુન ઍવૉર્ડ અને ૧૯૭૨માં પદ્મશ્રીના ઇલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.