જ. ૭ જુલાઈ, ૧૮૯૭ અ. ૧૪ એપ્રિલ, ૧૯૭૦

‘ચાચાજી’ના નામે જાણીતા સૂફી સંતનો જન્મ ડેરા ઇસ્માઈલખાનમાં થયો હતો. પિતા નારાયણદાસ ક્વેટામાં સરકારી અધિકારી હતા આથી બાળકોએ માતા પાસે જ રહેવાનું થયું. શાળેય શિક્ષણ ડેરા ઇસ્માઈલખાનમાં થયું. કૉલેજનો અભ્યાસ મુંબઈ યુનિવર્સિટીની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં કર્યો. કૉલેજમાં અભ્યાસ દરમિયાન પ્રાર્થનાસમાજમાં દીનબંધુ સી. એફ. એન્ડ્રુઝનું પ્રવચન સાંભળી તેમનામાં પરિવર્તન આવ્યું. તેઓ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, શ્રી અરિંવદ જેવા ચિંતકો અને ધર્મપુરુષોનું સાહિત્ય વાંચવા પ્રેરાયા. એમને કિશોરવયથી આધ્યાત્મિક અનુભવો થતા હતા. તેમના ઉપર ઇશોપનિષદ, બાઇબલ, ગીતાંજલિ, રામાયણ તથા મીરાં, કબીર જેવાં ભક્તકવિઓનાં ભજનોની ઊંડી અસર પડી હતી. તેમણે કેટલોક સમય શાંતિનિકેતનમાં અધ્યાપન કર્યું હતું. તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, પંજાબી, સિંધી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે ચિંતન, અધ્યાત્મ, ચરિત્ર અને બાળકોને ઉપયોગી પ્રસંગકથાઓનાં પુસ્તકો લખ્યાં છે. ‘ધ ડિવાઇન ડ્વેલર્સ ઇન ધ ડેઝર્ટ’, ‘ઇન ધ કંપની ઑવ્ સઇન્ટ્સ’, ‘ગાંધીજી અને ગુરુદેવ’ વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે અંગ્રેજીમાં પણ ભજનો રચ્યાં છે. એ ભજનોમાં આધ્યાત્મિકતા છલોછલ જોવા મળે છે. તેમણે અન્ય લેખકો સાથે પણ પુસ્તકો લખ્યાં છે, એમાં ‘બા અને બાપુ’, ‘રામકૃષ્ણ પરમહંસ સાથે’, ‘મા આનંદમયી સાથે જીવનયાત્રા’, ‘મહર્ષિ અરિંવદ સાથે જીવનયાત્રા’, ‘સ્વામી રામદાસ સાથે જીવનયાત્રા’નો સમાવેશ થાય છે.
અનિલ રાવલ