Categories
વાચન સમૃદ્ધિ

એ. એમ. અહમદી

જ. 25 માર્ચ, 1932 અ. 2 માર્ચ, 2023

ભારતની સર્વોચ્ચ અદાલતના 26મા પૂર્વમુખ્યન્યાયમૂર્તિ એ. એમ. અહમદીનો જન્મ સૂરતમાં થયો હતો. પિતા અવિભક્ત મુંબઈ રાજ્યમાં સિનિયર ડિવિઝનમાં સિવિલ જજ હોવાથી તેમની અવારનવાર બદલીઓ થતી. આથી અહમદીએ મુંબઈ રાજ્યનાં જુદાં જુદાં શહેરોમાંથી શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યું. ગુજરાત કૉલેજમાંથી ઇન્ટર આર્ટસની પરીક્ષા પસાર કર્યા બાદ અમદાવાદની સર એલ. એ. શાહ લૉ કૉલેજમાંથી અને સૂરતની સાર્વજનિક લૉ કૉલેજમાંથી એલએલ.બી.ની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા. જૂન, 1954માં અમદાવાદની જિલ્લા અદાલતમાં વકીલાત શરૂ કરી. 1961માં અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટની સ્થાપના થતાં તે કોર્ટમાં સરકારી વકીલ નિમાયા. 1964માં ન્યાયાધીશ તરીકે નિમાયા. જૂન 1974થી ડિસેમ્બર 1975 સુધી કાયદા વિભાગના સચિવ તરીકે કાર્ય કર્યું. 1976માં ગુજરાતની વડી અદાલતના ન્યાયમૂર્તિ નિમાયા. તેઓ કાયદાના ઊંડા અભ્યાસી હતા. બંધારણ, કરવેરા, આબકારી અને કસ્ટમ, ઉદ્યોગો અને નોકરી અંગેના કેસોમાં તેમના કેટલાક શકવર્તી ચુકાદા જાણીતા થયા છે. વિદેશી મુદ્રા સંરક્ષણ તેમજ તસ્કરી નિવારણ અધિનિયમ અને ગુજરાત રાજ્ય તૃતીય વેતન આયોગ જેવા અનેક સલાહકાર બોર્ડના તેઓ સદસ્ય હતા. તેમણે દાણચોરો તથા કાળાબજાર કરનારાની અટકાયત અંગેના સલાહકાર મંડળોમાં અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. તેમણે રાવી-બિયાસ જલવિવાદ પંચના સભ્ય તરીકે પણ કામ કર્યું. 14 ડિસેમ્બર, 1988ના રોજ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ નિમાયા. 1989માં સુપ્રીમ કોર્ટ લીગલ એઇડ કમિટીના અધ્યક્ષ બન્યા. 25 ઑક્ટોબર, 1994ના રોજ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ પામ્યા. ભારતમાં કાનૂની સહાયતા યોજનાઓના તેઓ પ્રમુખ સંરક્ષક હતા. અદાલતોમાં ઝડપી ન્યાયવિતરણ માટે કમ્પ્યૂટરયુગ લાવનાર ન્યાયમૂર્તિ તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા. તેમને દેશ-વિદેશમાંથી અનેક સન્માનો પ્રાપ્ત થયાં. જેમાં મુખ્યત્વે કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલય, મહર્ષિ દયાનંદ વિશ્વવિદ્યાલય, રોહતક, કાનપુર વિશ્વવિદ્યાલય વગેરે દ્વારા માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી.

Categories
વાચન સમૃદ્ધિ

પી. વી. નરસિંહ ભારતી

જ. 24 માર્ચ, 1924 અ. 11 મે, 1978

તમિળ સિનેમાના જાણીતા અભિનેતા અને ગાયક પી. વી. નરસિંહ ભારતીનો જન્મ મદુરાઈના સૌરાષ્ટ્ર વણકર સમાજમાં થયેલો. તેમના પૂર્વજોએ સદીઓ પહેલાં ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાંથી સ્થાળાંતર કરેલું. વણાટકામ સાથે સંકળાયેલા કુટુંબમાં નરસિંહ ભારતીનો ઉછેર થયો. 11 વર્ષની ઉંમરે તેઓ ‘boys’ company માટે મંચ પર સ્ત્રીપાત્રો ભજવી જાણતા. તે સમયે નાટકોમાં મંચ પર અભિનય સાથે જાતે જ ગાવું પડતું. તેઓ મધુર અવાજના કારણે ખૂબ લોકપ્રિય થયા. દેવી સરસ્વતી(વિદ્યાની દેવી)ના અદ્ભુત અભિનય માટે તેઓ ‘ભારતી’ કહેવાયા. (‘ભારતી’ શબ્દ સંસ્કૃત ભાષામાંથી લેવાયો છે, મા સરસ્વતી દેવીની કૃપા જેના પર ઊતરી છે તે). શાસ્ત્રીય ગાયક અને સારા અભિનેતા તરીકે સિનેમા ક્ષેત્રે તેમણે પદાર્પણ કર્યું અને પૌરાણિક ફિલ્મો માટે તેઓ ફિલ્મ નિર્માતાઓની પ્રથમ પસંદગી રહ્યા. કૃષ્ણ ભગવાનના પાત્રમાં તેઓ ‘કુરુક્ષેત્ર’ (1945), ‘અભિમન્યુ’ (1948)  અને લક્ષ્મણના પાત્રમાં ‘સંપૂર્ણ રામાયણ’(1958)માં ખૂબ લોકચાહના પામ્યા. શિવાજી ગણેશન અને એમ. જી. રામચંદ્રન જેવા સમકાલીન કલાકારોના પ્રભુત્વ વચ્ચે પણ તેમણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું. તેમણે જ ફિલ્મ ‘કૃષ્ણ વિજયમ’ (1950) માટે જાણીતા ગાયક ટી. એમ. સૌદરારાજનની ભલામણ કરી હતી. 1940થી કારકિર્દીની શરૂઆત કરનાર ભારતીએ લગભગ 50 ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું. તેમાંની મહત્ત્વની ફિલ્મો ‘પોન્મુડી’ (1949), ‘મદનમોહિની’ (1953), ‘થીરુમ્બી પાર’ (1953) વગેરે છે.

Categories
વાચન સમૃદ્ધિ

હેમુ કાલાણી

જ. 23 માર્ચ, 1923 અ. 21 જાન્યુઆરી, 1943

ક્રાંતિકારી અને સ્વરાજસેનાના નેતા હેમુ કાલાણીનો જન્મ સિંધના સખ્ખર ખાતે સિંધી પરિવારમાં થયો હતો. પિતા પેસુમલ અને માતા જેઠીબાઈ. તેમનું મૂળ નામ હેમનદાસ હતું. તેમણે સખ્ખરની તિલક હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમનામાં બાળપણથી દેશદાઝની ભાવના હતી. તેમણે મિત્રો સાથે મળીને વિદેશી માલનો બહિષ્કાર કરવા માટે ઝુંબેશ ચલાવી હતી. તેઓ ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન સંલગ્ન સ્વરાજ સેનાના નેતા હતા. તેમને રમતગમતમાં રસ હતો. તેમને કુસ્તીનો શોખ હતો આથી કૃષ્ણ મંડળ અખાડામાં જોડાયા હતા. તેઓ સખ્ખરના લૅન્સડાઉનમાં પુલ પરથી સિંધુ નદીમાં કૂદી પડી સામે કિનારે નીકળી જતા. સિંધમાં સ્વતંત્રતાપ્રાપ્તિ માટે આંદોલને વેગ પકડ્યો હતો. હેમુએ મુખ્ય કલેક્ટરની ઑફિસ પર યુનિયન જેક ઉતારીને તિરંગો લહેરાવ્યો હતો. તેઓ દૃઢપણે માનતા કે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા હોય તો માત્ર વિરોધપ્રદર્શન પૂરતું નથી. અંગ્રેજોને પાઠ ભણાવવો જોઈએ. હેમુ અને સાથીદારોને ખબર મળી કે 22 ઑક્ટોબરની રાત્રે સૈનિકો, દારૂગોળો અને પુરવઠાની ટ્રેન આવવાની છે. આ જાણી યુવાનોએ ટ્રેન ઉથલાવવાનો નિર્ણય કર્યો. બિસ્કિટ બનાવતી કંપની પાસેથી પસાર થતી રેલવેલાઇનની ફિશપ્લેટો કાઢવાનું નક્કી કર્યું. હેમુ અને સાથીદારો ફિશપ્લેટો કાઢવા ગયા, પરંતુ પોલીસ તેમને જોઈ ગઈ. હેમુના સાથીદારો પોલીસને જોઈ નાસી ગયા, પરંતુ હેમુ ત્યાં જ ઊભા રહ્યા. નાસીને કાયરતા બતાવવા કરતાં પકડાઈ જવાનું વધુ યોગ્ય લાગ્યું. અદાલતમાં કેસ ચાલ્યો. હેમુને ફાંસીની સજા કરવામાં આવી. સિંધના લોકોએ દયા માટે અરજી કરી, પણ અધિકારીઓએ શરત મૂકી કે હેમુની સાથેના કાવતરાખોરોનાં નામ હેમુ આપે, પરંતુ હેમુએ માહિતી આપવાની ના પાડી. ફાંસી આપવાના દિવસે તેમણે ભગવદ્ગીતાનો પાઠ કર્યો. ભગવદ્ગીતા અને માતૃભૂમિને નમન કર્યાં. ફાંસીના માંચડે ચડતાં પહેલાં એમના અંતિમ શબ્દો હતા, ‘અંગ્રેજો ભારત છોડો, ભારત માતા કી જય.’ તેમની સ્મૃતિમાં ભારતભરમાં વિદ્યાલયો, સોસાયટીઓ, હૉલ, વિસ્તાર, સર્કલ, માર્ગ, ચોક વગેરે સાથે હેમુ કાલાણીનું નામ જોડવામાં આવ્યું છે. 18 ઑક્ટોબર, 1983ના રોજ ભારત સરકારે તેમની ટપાલટિકિટ બહાર પાડી હતી. કમનસીબી એ છે કે પાકિસ્તાનમાં સખ્ખરમાં આવેલા હેમુ કાલાણી પાર્કનું નામ બદલીને કાસિમ પાર્ક રાખવામાં આવ્યું છે.