Categories
વાચન સમૃદ્ધિ

માઇકલ મધુસૂદન દત્ત

જ. 25 જાન્યુઆરી, 1824 અ. 29 જૂન, 1873

ઓગણીસમી સદીના બંગાળી સાહિત્યના કવિ અને નાટ્યકાર માઇકલ મધુસૂદન દત્તનો જન્મ સાગરદરી, બંગાળ(હાલ બાંગ્લાદેશ)માં થયો હતો. શિક્ષણ ગામની જ શાળામાં લીધું, પછી પરિવાર કૉલકાતા સ્થાયી થયો. તેથી પ્રેસિડન્સી કૉલેજ(તે સમયે હિન્દુ કૉલેજ)માં પણ થોડા સમય પછી બિશપ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. જ્યાં ગ્રીક, લૅટિન અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. અંગ્રેજી સાહિત્ય તથા સંસ્કારિતાનું ઘેલું લાગવાથી લેખનની શરૂઆત અંગ્રેજી કાવ્યથી કરી. ઇંગ્લૅન્ડ તેમના માટે આધ્યાત્મિક વતન બનવાથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાથી પરિવાર નારાજ થયો, આથી મદ્રાસ (ચેન્નાઈ) ગયા. ત્યાં 1848થી 1852 દરમિયાન ‘મદ્રાસ મેઇલ (પુરુષ) ઓર્ફન એસાઇલમ્ સ્કૂલ’માં શિક્ષક બન્યા. ત્યારબાદ 1852થી 1856 સુધી ‘મદ્રાસ યુનિવર્સિટી હાઈસ્કૂલ’માં અધ્યાપક રહ્યા અને આ દરમિયાન લેખનકાર્ય પણ ચાલુ રાખ્યું. ‘ટિમોધી પેન પોએમ’ તખલ્લુસથી ‘ધ કેપ્ટિવ લેડીઝ’ અને ‘વિઝન ઑફ ધ પાસ્ટ’ નામથી અંગ્રેજી કાવ્યો રચ્યાં.

1848માં તેમને બંગાળી નાટકોનો અંગ્રેજી અનુવાદ કરવાનું કામ સોંપાયું ત્યારે તેમને બંગાળી મૌલિક નાટક લખવાનો વિચાર સ્ફુર્યો. તેમનું પ્રથમ નાટક ‘શર્મિષ્ઠા’ (1858) રંગભૂમિ પર સફળ થયું. આ સાથે જ આધુનિક બંગાળી નાટકનો પ્રારંભ થયો. તેમનાં બે પ્રહસનો – ‘એકેઇ કી બાલે સભ્યતા’ અને ‘બડો સાલિકેર ઘેર રોન’ તથા સોનેરી સફરજનની ગ્રીક પુરાણકથાના રૂપાંતર રૂપે ‘પદ્માવતી’ નાટક લખ્યું. આ ત્રણે 1860માં પ્રગટ થયાં. 1861માં ‘કૃષ્ણાકુમારી’ લખી ટ્રૅજેડીના સ્વરૂપનો પ્રયોગ કર્યો. તેમનું પ્રથમ મહાકાવ્ય ‘તિલોત્તમા સંભવ કાવ્ય’ (1860) બ્લૅન્ક વર્સના પ્રયોગ રૂપે હતું. આથી બંગાળી કવિતામાં છંદ અને કાવ્યબંધનની દૃષ્ટિએ એક નવો તબક્કો આરંભાયો. તેમની શ્રેષ્ઠ કાવ્યરચનાની શરૂઆત ‘મેઘનાદવધ કાવ્ય’(1861)ના પ્રકાશન દ્વારા થઈ. તે પછી ‘વ્રજાંગના’ અને ‘વીરાંગના’માં પણ અનેકવિધ નવા છંદપ્રયોગો કર્યા. ઇંગ્લૅન્ડ ગયા પછી લખેલાં સૉનેટ ‘ચતુર્દશદી કવિતાવલિ’ નામે 1866માં ગ્રંથસ્થ થયાં. તેમણે ફ્રેન્ચમાંથી લા ફૉન્તેનની કેટલીક બોધકથાઓ તથા મૂળ ગ્રીક પરથી ‘ઇલિયડ’ના કેટલાક સર્ગોનો અનુવાદ કર્યો. 1871માં ‘હેક્ટર બદ્ધ’ નામનો અનુવાદ તેમની છેલ્લી ગણનાપાત્ર કૃતિ હતી. તેમના વિશિષ્ટ પ્રદાન માટે ભારત સરકારે તેમના નામની ટપાલટિકિટ પણ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

કર્પૂરી ઠાકુર

જ. 24 જાન્યુઆરી, 1921 અ. 17 ફેબ્રુઆરી, 1988

સ્વાતંત્ર્યસેનાની અને રાજકારણી નેતા કર્પૂરી ઠાકુરનો જન્મ બિહારના સમસ્તીપુર જિલ્લાના પિતૈંઝિયા ગામમાં થયો હતો. આ ગામ હવે ‘કર્પૂરીગ્રામ’ કહેવાય છે. પિતા ગોકુલ ઠાકુર અને માતા રાજદુલારી દેવી. તેમણે 1940માં મૅટ્રિકની પરીક્ષા પટના વિશ્વવિદ્યાલયમાંથી પાસ કરી. 1942માં ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાયા. 26 મહિનાની જેલ ભોગવી 1945માં મુક્ત થયા. 1948માં સમાજવાદી પક્ષના પ્રાદેશિક મંત્રી બન્યા. 1952માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી. એ પછી મૃત્યુપર્યંત એમણે સતત વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. 1967માં તેમના નેતૃત્વમાં સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી મોટી પાર્ટી બની. તેઓ 1970માં બિહારના મુખ્યમંત્રી બન્યા. 1973માં જયપ્રકાશ નારાયણના આંદોલનમાં સક્રિય બન્યા. 1977માં લોકસભાની ચૂંટણીમાં વિજેતા થયા. તેઓ બે વખત બિહારના મુખ્યમંત્રી બન્યા. તેમણે દલિત અને વંચિત વર્ગને આગળ લાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે પછાત જાતિઓને 12% અનામત આપી. તેમણે મૅટ્રિકની પરીક્ષા માટે અંગ્રેજીની અનિવાર્યતા રદ કરી હતી. તેમણે રાજ્યના બધા જ વિભાગોમાં હિન્દી ભાષામાં કામ કરવાનું ફરજિયાત કર્યું હતું. તેઓ લોકહૈયામાં ‘જનનાયક’ તરીકે પ્રતિષ્ઠિત થયા હતા. તેમના જીવનમાં સાદગી અને પ્રામાણિકતા હતી. પટનામાં સરકાર ધારાસભ્યોને સસ્તા દરે જમીન આપવાની હતી ત્યારે તેમણે જમીન લેવાની ના પાડી હતી. લાંબી રાજકીય કારકિર્દી પછી જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેમની પાસે પોતાનું પાકું મકાન કે મોટું બૅન્ક બૅલેન્સ નહોતું. 23 જાન્યુઆરી, 2024ના રોજ ભારત સરકારે તેમને મરણોત્તર ભારતરત્નથી સન્માનિત કર્યા હતા. તેમની સ્મૃતિમાં ટપાલ ખાતાએ 1991માં એક રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

સુભાષચંદ્ર બોઝ

જ. 23 જાન્યુઆરી, 1897 અ. 18 ઑગસ્ટ, 1945

ભારતમાં બ્રિટિશરો સામે સશસ્ત્ર લડાઈ કરનાર અને તે માટે આઝાદ હિંદ ફોજની રચના કરનાર મહાન સ્વાતંત્ર્યસેનાની સુભાષચંદ્ર બોઝનો જન્મ કટક, ઓડિશામાં થયો હતો. બાળપણથી જ તેમને અસામાન્ય બુદ્ધિમત્તા, ધૈર્ય, સંગઠનશક્તિ, અમોઘ વક્તૃત્વ જેવા ગુણોનું વરદાન મળ્યું હતું. કૉલકાતામાં બી.એ.ની પરીક્ષા પાસ કરી લંડનમાં આઈ.સી.એસ.નો અભ્યાસક્રમ પૂરો કર્યો. ત્યારબાદ ભારતમાં તેમના રાજકીય ગુરુ ચિત્તરંજન દાસની પ્રેરણાથી રાજકારણમાં આવ્યા અને બંગાળ કૉંગ્રેસમાં આગવું સ્થાન ઊભું કર્યું. 1938માં 41 વર્ષની વયે કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાયા. સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લઈ 1941 સુધીમાં 11 વાર જેલવાસ ભોગવ્યો. 1939માં ગાંધીવાદી સભ્યો સાથે મતભેદ થતાં કૉંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને કૉંગ્રેસમાં ફૉર્વર્ડ બ્લૉક સ્થાપ્યો. તેઓ માનતા કે બ્રિટિશ સામ્રાજ્યશાહી સામે સશસ્ત્ર સામનાની વધુ આવશ્યકતા છે. આ જ વર્ષ દરમિયાન બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે સમગ્ર દેશનો પ્રવાસ કરી એક હજાર સભાઓ સંબોધી યુદ્ધવિરોધી પ્રચાર કર્યો. 17 જાન્યુઆરી, 1941ની રાત્રે કૉલકાતાના નિવાસસ્થાનેથી સરકારની નજરકેદમાંથી તેઓ નાસી છૂટ્યા. ત્યાંથી બર્લિન જઈ તેઓ હિટલરને મળ્યા. અહીં તેમણે હિંદી લોકોને બ્રિટિશરો વિરુદ્ધ સામનો કરવા પ્રેર્યા. ત્યારબાદ ટોકિયો ગયા અને તે પછી સિંગાપોર ગયા. સિંગાપોરમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું પ્રમુખપદ સોંપવામાં આવ્યું અને તેમને ‘નેતાજી’ તરીકે વધાવી લેવામાં આવ્યા. અહીં તેમણે ‘ચલો દિલ્હી’ અને ‘જય હિંદ’ની ઘોષણા કરી. ‘તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા’ એ આહવાનને બહોળો પ્રતિસાદ મળ્યો. જાન્યુઆરી, 1944માં તેઓ આઝાદ હિંદ ફોજનું મથક રંગૂન લઈ ગયા. તે પછી અંગ્રેજો સામે ભારતની સરહદે મરણિયો જંગ ખેલીને મોડક, કોહિમા, ફલામ, હાકા વગેરે મહત્ત્વનાં થાણાં કબજે કર્યાં, પરંતુ કુદરતી આફતને લીધે તથા વિશ્વયુદ્ધમાં જાપાનની હારને કારણે પીછેહઠ કરવી પડી. એમ કહેવાય છે કે નેતાજી 18 ઑગસ્ટ, 1945ની રાત્રે તાઇપેનથી ટોકિયો જતા હતા ત્યારે વિમાન અકસ્માતમાં તેમનું અવસાન થયું. જોકે તેમના અવસાન અંગે હજી વિવાદ પ્રવર્તે છે. માતૃભૂમિની મુક્તિ માટે અવિરત પ્રયાસ કરનાર નેતાજી આજે પણ ભારતીય જનસમાજમાં જીવંત છે.