Categories
વાચન સમૃદ્ધિ

પંડિત જસરાજ

જ. 28 જાન્યુઆરી, 1930 અ. 17 ઑગસ્ટ, 2020

હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના યુગપુરુષ, મેવાતી ઘરાનાના મહાન અને પ્રતિભાશાળી કલાકાર પંડિત જસરાજનો જન્મ હરિયાણાના સંગીતપ્રેમી કુટુંબમાં થયો હતો. જસરાજજી માત્ર ચાર વર્ષના હતા ત્યારે જ તેમના પિતા અને ગુરુશ્રી મોતીરામજી અવસાન પામ્યા હતા. સતત અને સખત સંઘર્ષ, ગરીબી અને વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ જસરાજજીનો સંગીત પ્રત્યેનો પ્રેમ અવિરત વહ્યો. સાત વર્ષની ઉંમરે તેમણે મોટા ભાઈ પંડિત પ્રતાપનારાયણ પાસેથી તબલાં શીખવાનું શરૂ કર્યું અને 14 વર્ષની ઉંમરથી તેમણે માત્ર ગાવા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું, જેમાં બેગમ અખ્તર તેમનો પ્રેરણાસ્રોત રહ્યાં. તેઓ અવારનવાર ગુજરાતના સાણંદમાં, મેવાતી ઘરાનાના ગુરુ ઠાકુરસાહેબ જયવંતસિંહજી વાઘેલા પાસે સંગીત શીખવા આવતા. 1946માં તેમણે કલકત્તા રેડિયો પર શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરવાનું શરૂ કર્યું. તેઓ દિવસના 14 કલાક રિયાઝ કરતા. 1952માં માત્ર 22 વર્ષની ઉંમરે કાઠમંડુમાં નેપાળનરેશ ત્રિભુવનજી સમક્ષ તેમણે ગાયન પ્રસ્તુત કર્યું. પરંપરાગત રીતે ગવાતા ખયાલ, ઠૂમરી વગેરે ગાનપ્રકારોને તેમણે એવી હળવી શૈલીમાં રજૂ કર્યા કે ભારતીય શાસ્ત્રીય સંગીત વૈશ્વિક સ્તરે પહોંચી ગયું. નિયમોને આધીન રહીને તેમણે પરંપરાગત બંદીશોને નવું સ્વરૂપ આપ્યું. હવેલીસંગીત અને કૃષ્ણભક્તિથી ભરપૂર પદોમાં છલકતી તેમની આધ્યાત્મિકતા શ્રોતાઓને આકર્ષતી. પ્રાચીન ગાનપ્રકાર મૂર્છનાને તેમણે નવા સ્વરૂપે જુગલબંદીમાં રજૂ કરી. જે હવે ‘જસરંગી શૈલી’ તરીકે ઓળખાય છે. ભારત ઉપરાંત વિદેશમાં તેમણે શાસ્ત્રીય સંગીત માટેની શાળાઓ શરૂ કરી. સંગીત માત્ર કારકિર્દી જ નહીં, પણ જીવનપદ્ધતિ છે, એમ માનનાર જસરાજજીએ અનેક શિષ્યો તૈયાર કર્યા. તેમની ગુરુ-શિષ્ય પરંપરા આજે પણ જીવંત છે. સંગીતમાર્તંડ જસરાજજીના અભૂતપૂર્વ યોગદાન બદલ ભારત સરકારે તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવા અનેક પુરસ્કારો એનાયત કર્યા. 2023માં તેમની ટપાલટિકિટ પણ બહાર પડી છે. 1972થી તેમણે શરૂ કરેલ પંડિત મોતીલાલ મણિરામ સંગીત સમારોહ દર વર્ષે હૈદરાબાદમાં યોજાય છે. સ્વરને ઈશ્વર સાથે જોડીને સંગીતને આત્મિક અનુભૂતિ અપાવનાર જસરાજજીનું જીવન સંઘર્ષ, સાધના અને સફળતાનો પર્યાય અને પ્રેરણાસ્રોત હતું.

Categories
વાચન સમૃદ્ધિ

જનરલ અરુણ વૈદ્ય

જ. 27 જાન્યુઆરી, 1926 અ. 10 ઑગસ્ટ, 1986

ભારતીય સેનાના જનરલ અરુણ વૈદ્યનો જન્મ મુંબઈમાં થયો હતો. પિતા શ્રીધર અને માતા ઇન્દિરા. તેમનું પ્રારંભિક શિક્ષણ પુણેમાં અને પછી મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં થયું હતું. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજ અને પછી સૂરતની એમટીબી આર્ટસ કૉલેજમાં અભ્યાસ કર્યો. એલ્ફિન્સ્ટન કૉલેજમાં યુનિવર્સિટી ટ્રેનિંગ કોર્પ્સની 1લી બૉમ્બે બટાલિયનમાં જોડાયા. 1945માં રોયલ ડેક્કન હોર્સમાં સેવા આપી. તેમણે બીજા વિશ્વયુદ્ધ વખતે બર્મામાં પ્રવેશવા માટે બ્રિટિશ લશ્કરની ટુકડીને નેતૃત્વ પૂરું પાડ્યું હતું. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ખેમકરણ સેક્ટરમાં 70 જેટલી દુશ્મન ટૅન્કોનો નાશ થયો એ માટે એમણે અપૂર્વ શૌર્ય બતાવ્યું હતું. આ માટે તેમને મહાવીરચક્ર એનાયત થયો હતો. ભારતના ઉત્તર-પૂર્વમાં ચીન દ્વારા પ્રશિક્ષિત નાગા બળવાખોરોને ખાળવા માટે તેમને અતિવિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવ્યો હતો. 1971માં પાકિસ્તાન સાથે યુ્દ્ધમાં શકરગઢ સેક્ટરમાં યુદ્ધ દરમિયાન ટૅન્કોને બહાર કાઢવા માટે મહાવીરચક્ર તથા 1983માં પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે ભારતીય સેનામાં વિવિધ પદો પર કામ કર્યું હતું. તેઓ 1983થી 1986 સુધી બારમા ચીફ ઑફ ધ આર્મીસ્ટાફ હતા. તેમણે સેના જનરલ તરીકે પણ કાર્ય કર્યું હતું. પંજાબમાં આતંકવાદ ખાળવા ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ તેમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. નિવૃત્તિ પછી પંજાબના ખાલિસ્તાન તરફી બે આતંકવાદીઓએ એમના પર ગોળીઓ છોડી હત્યા કરી હતી. આ ઉપરાંત તેમને બહાદુરીભર્યા કાર્ય બદલ બર્મા સ્ટાર વૉર ચંદ્રક, ઇન્ડિયા સર્વિસ મેડલ, સૈન્ય સેવા મેડલ, રક્ષા મેડલ, મરણોત્તર પદ્મવિભૂષણ વગેરેથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

કે. એસ. નરસિમ્હાસ્વામી

જ. 26 જાન્યુઆરી, 1915 અ. 27 ડિસેમ્બર, 2003

કન્નડ કવિ કિક્કેરી સુબ્બારાવ નરસિમ્હાસ્વામી(કે. એસ. નરસિમ્હાસ્વામી)નો જન્મ કિક્કેરી, મડિયા જિલ્લો, કર્ણાટકમાં થયો હતો. પિતાના મૃત્યુ બાદ અભ્યાસ છોડી દઈ મ્યુનિસિપાલિટીની ઑફિસમાં ક્લાર્ક તરીકે જોડાઈ ગયા. પિતા તેમને એન્જિનિયર બનાવવા માગતા હતા તેથી 1934માં બૅંગાલુરુની સેન્ટ્રલ કૉલેજમાં દાખલ થયા, પરંતુ આર્ટસની ડિગ્રી મેળવી. 1954માં બૅંગાલુરુ બદલી થઈ અને 1970માં કર્ણાટક હાઉસિંગ બોર્ડના સુપરિન્ટેન્ડેટ તરીકે નિવૃત્ત થયા. તેમની કવિતાઓ મોટા ભાગે લગ્નજીવનમાં પાંગરતા પ્રણયને અનુલક્ષીને હતી. તેના માટે તેઓ પોતાની પત્ની વેન્કમ્માને પ્રેરણાસ્રોત માનતા. જોકે તેમની પ્રણય કવિતાઓ રોબર્ટ બર્ન્સની કવિતાઓથી પ્રેરિત હતી. તે સમયમાં કન્નડ કવિતાઓ મોટા ભાગે કુદરત અને કુદરતી સૌંદર્ય ઉપર આધારિત રહેતી તેથી નરસિમ્હાસ્વામીની કવિતાઓ જુદી તરી આવતી. લગ્નપ્રસંગમાં યુગલને તેમની કવિતાનું પુસ્તક ભેટ આપવામાં આવતું. ‘માયસૂરુ મલિગે’ (Mysooru Mallige) તેમનો ખૂબ પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ છે, જેનું 32 વખત પુનઃમુદ્રણ થયું હતું. તેમણે લગભગ 20 કાવ્યસંગ્રહો લખ્યા છે, ત્રણ અનુવાદો કર્યા છે તથા ચાર ગદ્યસંગ્રહો આપ્યા છે.

તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર, કન્નડા સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા સાહિત્ય માટેના એશિયન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.