Categories
વાચન સમૃદ્ધિ

અરવિંદ રાઠોડ

જ. 14 ફેબ્રુઆરી, 1941 અ. 1 જુલાઈ, 2021

ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અભિનેતા અને અખબારી છબીકાર અરવિંદ રાઠોડનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમના પિતા અમદાવાદમાં દરજીકામ કરતા હતા. શાળામાં ભણતા હતા ત્યારથી સંગીત અને નાટકમાં રસ હતો. શાળામાં પ્રાર્થના ગવડાવતા. દસેક વર્ષની ઉંમરે ‘નટુ-ગટુ’ નાટકમાં નટુનું પાત્ર ભજવનાર છોકરો બરાબર નહોતો તેથી તેનું પાત્ર તેમણે ભજવ્યું. આ રીતે અભિનયની શરૂઆત થઈ. શાળા-કૉલેજમાં અભિનય માટે ઇનામો મળ્યાં હતાં. તેઓ મિત્રના સ્ટુડિયોમાં જતા અને ફોટોગ્રાફીની બધી જ ટૅકનિક શીખ્યા. તેમને અભિનય અને સારામાં સારાં કપડાં પહેરવાનો શોખ હતા. તેમણે ‘ગુજરાત સમાચાર’માં ફોટોજર્નાલિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેઓ મુંબઈ ગયા. ફિલ્મજગતમાં તસવીરકાર તરીકે ઘૂમતા હતા. એમણે અરુણા ઈરાનીના પિતા ફરદૂન ઈરાનીના નાટક ‘મોટા ઘરની વહુ’માં ભૂમિકા કરી. એ ભૂમિકાને કારણે તેમણે પત્રકાર તરીકેની નોકરી છોડવી પડી. તેમણે રાજેશકુમાર નામે બાર વર્ષ સુધી નાટકો કર્યાં. તેમણે દિલીપકુમાર અને સાયરાબાનુના નિકાહ વખતે ફોટા પાડ્યા અને બદરી કાચવાલાના સામયિકના છેલ્લા પાને એ ફોટા છપાયા. બીજા દિવસે દિલીપકુમારે કહ્યું કે એ ફોટોગ્રાફરને મારા તરફથી એક હજાર રૂપિયાનું ઇનામ ! 1967-68માં ‘પ્રીત પિયુ ને પાનેતર’ નાટક માટે મુંબઈ ગયા. રાજ કપૂરે તેમને ‘મેરા નામ જોકર’માં નાનકડો રોલ આપ્યો અને ત્યારથી ફિલ્મો સાથે જોડાયા. 1967માં તેમની પહેલી ફિલ્મ ‘ગુજરાતણ’ આવી. એ પછી ‘કંકુ’, ‘સંસારલીલા’, ‘જનનીની જોડ’, ‘જનમટીપ’, ‘ભાદર તારાં વહેતાં પાણી’, ‘જેસલ તોરલ’ જેવી ઘણી ફિલ્મોમાં તેમણે કામ કર્યું. ‘ભાદર તારાં વહેતાં પાણી’માં ‘જેઠા’ની ભૂમિકાથી તેઓ ખલનાયક તરીકે લોકપ્રિય બન્યા. તેમણે 250 જેટલી ફિલ્મો, ધારાવાહિકો અને 70થી વધુ નાટકોમાં કામ કર્યું. તેમણે ‘કોરાકાગઝ’, ‘અગ્નિપથ’, ‘ખુદાગવાહ’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું. તેમણે ‘મને અજવાળાં બોલાવે’ નાટકનું દિગ્દર્શન પણ કર્યું હતું. તેમને અનેક ઍવૉર્ડઝ મળ્યા હતા. 2006માં ‘થોડી ખુશી થોડે ગમ’ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતા તરીકે ભારતીય ટેલિ ઍવૉર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

મોહમ્મદ માંકડ

જ. 13 ફેબ્રુઆરી, 1928 અ. 5 નવેમ્બર, 2022

ગુજરાતી સાહિત્યના જાણીતા નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર, કટારલેખક અને અનુવાદક મોહમ્મદભાઈનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં વલીભાઈ માંકડને ત્યાં થયો હતો. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કરેલો. દસેક વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપેલી. ત્યારબાદ લેખન માટે સુરેન્દ્રનગર ખાતે કાયમી વસવાટ. 1982થી 1992 સુધી તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ તરીકે સેવાઓ આપેલી. 1984થી 1990 સુધી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્યપદે હતા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ હતા. મોહમ્મદ માંકડે ‘સંદેશ’માં વર્ષો સુધી ‘કેલિડોસ્કોપ’ નામની કટાર લખેલી. તેમની પાસેથી ‘કાયર’, ધુમ્મસ’, ‘અજાણ્યા બે જણ’, ‘વંચિતા’, ‘બંધનગર’ (1-2), ‘અશ્વદોડ’ વગેરે સત્તરેક નવલકથાઓ મળી છે. ‘માટીની મૂર્તિઓ’, ‘વાત વાતમાં’, ‘ઝાકળનાં મોતી’ વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. ‘આજની ક્ષણ’, ‘કેલિડોસ્કોપ’ (ભાગ 1-4), ‘સુખ એટલે’, ‘ઉજાસ’ વગેરે નિબંધસંગ્રહો છે. ‘ચંપૂકથાઓ’ (1-2) બાળભોગ્ય વાર્તાઓનો સંગ્રહ છે. ‘મહાનગર’ એ તેમનું અનૂદિત પુસ્તક છે. તેમને 1987માં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તરફથી શ્રી ક. મા. મુનશી સુવર્ણચંદ્રક મળેલો. તેમની ‘વેળાનાં વછૂટ્યાં’, ‘ઉજાસ’, ‘અશ્વદોડ’, ‘ના’, ‘ક્યારે આવશો ?’ વગેરે કૃતિઓને પુરસ્કારો મળ્યા છે. 2007નો રણજિતરામ ચંદ્રક મળેલો અને 2018માં તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

રવિ કોંડોલા રાવ

જ. 11 ફેબ્રુઆરી 1932 અ. 28 જુલાઈ 2020

ભારતીય અભિનેતા, પટકથાલેખક, નાટ્યકાર, પત્રકાર અને લેખક રવિ કોંડોલા રાવનો જન્મ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં થયો હતો. પિતા પોસ્ટમાસ્તર હતા. રવિ કોંડોલા રાવનું પ્રાથમિક શિક્ષણ શ્રીકાકુલમમાં થયું હતું. 1948માં રાજમુન્દ્રીમાં આરએસએસ અને હિન્દુ મહાસંમેલન ઉપર પ્રતિબંધ મુકાયો હતો. એની સામે જે સત્યાગ્રહ થયો તેમાં રવિ કોંડોલા રાવે ભાગ લીધો હતો પરિણામે જેલવાસ ભોગવવો પડ્યો હતો. ત્રણ મહિનાના જેલવાસ દરમિયાન તેમણે સાહિત્યનાં પુસ્તકોનું વાચન કર્યું. રાવ એક કુશળ પત્રકાર હતા. તેમણે તેલુગુ અખબારો અને સામયિકોમાં લેખનકાર્ય કર્યું હતું. રવિ કોંડોલા રાવ ‘મહોદય’ સાપ્તાહિક અખબાર માટે લેખ લખતા હતા. તેમણે ‘આનંદવાણી’ સાપ્તાહિક મૅગેઝિનમાં સહતંત્રી તરીકે કામ કર્યું હતું. આ ઉપરાંત ‘વિજયા ચિત્રા’, ‘સિતારા’, ‘આંધ્ર જ્યોતિ’ અને અન્ય પ્રકાશનો સાથે પણ સંકળાયેલા હતા. તેમને લેખનની પ્રેરણા કોડાવતિગંતી કુટુમ્બા રાવ પાસેથી મળેલી. ‘મન ઓહાલુ’ એ ઉપનામથી તેઓએ વાર્તા લખવાનું શરૂ કરેલું. શ્રેષ્ઠ વાર્તાલેખન માટે નંદી પુરસ્કાર મળેલો. રવિ કોંડોલા રાવે તેલુગુ સિનેમા અને તેલુગુ થિયેટરમાં પણ કાર્ય કરેલું. તેમને ફિલ્મોમાં અભિનય કરવા માટેનું પ્રોત્સાહન મુલ્લાપુડી વેંકટા રમના, ગુથા રામીનેડુએ આપ્યું હતું. ફિલ્મમાં પ્રવેશ 1958માં શોભા સાથે અભિનેતા તરીકે કર્યો હતો. તેઓએ ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે પણ કાર્ય કર્યું હતું. 400થી વધુ ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. તેમને ‘પ્રેમિંચી ચૂડુ’(1964)એ અભિનેતા તરીકે ઓળખ અપાવી હતી. ‘બ્લૅક ઍન્ડ વ્હાઇટ’ તેલુગુ સિનેમા પરના શ્રેષ્ઠ પુસ્તક માટે નંદી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. પીઢ અભિનેત્રી રાધા કુમારી તેમનાં પત્ની હતાં. તેઓની સાથે લગભગ 100 ફિલ્મોમાં તેમણે સહ-અભિનેતા તરીકે કાર્ય કરેલું. તેમના ભાઈ આર. કામેશ્વર રાવ એક અગ્રણી ડબિંગ કલાકાર હતા. આવી બહુમુખી પ્રતિભા ધરાવનાર રવિ કોંડોલા રાવનું 88 વર્ષની વયે હૈદરાબાદમાં નિધન થયું હતું.