Categories
વાચન સમૃદ્ધિ

એસ. કે. રામચંદ્ર રાવ

જ. ૪ સપ્ટેમ્બર, ૧૯૨૫ અ. ૨ ફેબ્રુઆરી, ૨૦૦૬

શ્રી એસ. કે. રામચંદ્ર રાવનું પૂરું નામ શાલિગ્રામ ક્રિષ્ના રામચંદ્ર રાવ છે. તેઓ ભારતીય લેખક, મનોવિજ્ઞાનના અધ્યાપક અને સંસ્કૃતના વિદ્વાન હતા. તેમનો જન્મ કર્ણાટકના હસ્સન નામે નાનકડા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે તેમનું બાળપણ દાદા-દાદી સાથે બૅંગાલુરુમાં વિતાવ્યું હતું. તેમણે સંસ્કૃતના અભ્યાસની શરૂઆત વિદ્વાન અગ્નિહોત્રી યજ્ઞવિઠ્ઠલાચાર પાસે કરી હતી. સંસ્કૃત શિક્ષણની આ તાલીમ પાછળથી તેમને પુસ્તકોનાં લેખનમાં ખૂબ ઉપયોગી નીવડી હતી. જ્યારે તેમના દાદાનું અવસાન થયું, તેઓ પોતાનાં માતાપિતા સાથે રહેવા નાનકડા ગામમાં ગયા. પછી તરત જ મૈસૂર જઈ શાળાકીય શિક્ષણ પૂરું કર્યું. ઈ. સ. ૧૯૪૯માં તેઓ મૈસૂર યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન વિષય સાથે એમ.એ. થયા. ઈ. સ. ૧૯૫૪થી ૧૯૬૫ સુધી તેઓ ‘ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેન્ટલ હેલ્થ’(હવે NIMHANS)માં અધ્યાપક હતા. ૧૯૬૨માં તેમની પાસેથી ‘ધ ડેવલપમેન્ટ ઑફ સાઇકોલૉજિકલ થૉટ ઇન ઇન્ડિયા’ પુસ્તક મળ્યું. ૧૯૬૫માં NIMHANS છોડ્યા પછી તેમણે બૅંગાલુરુની અનેક સંસ્થાઓમાં સાઇકોલૉજી, ફિલૉસૉફી, ઇન્ડોલૉજી, શિક્ષણ અને સમાજકાર્યવિષયક મુલાકાતી અધ્યાપક તરીકે સેવા બજાવી હતી. તેમનાં મોટા ભાગનાં લખાણો ભારતીય સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાન, કલા, સંગીત અને સાહિત્યવિષયક છે. તેમનાં લખાણોનો આધાર પ્રાચીન ભારતીય ગ્રંથો અને હસ્તપ્રતો છે. તેઓ ચિત્રકલા અને શિલ્પકલાના પણ જાણકાર હતા. બૅંગાલુરુના રવીન્દ્રકલાક્ષેત્રમાં તેમની આ કલાના નમૂનાઓ કાયમી ધોરણે સ્થાન પામ્યા છે. તેમના મૃત્યુ સમયે તેઓ ઋગ્વેદ પરની ૩૨ ગ્રંથોની યોજના માટે લેખનકાર્ય કરતા હતા. તેમના મૃત્યુ પછી ખંડ સોળમો ૨૦૦૭માં પ્રકાશિત થયો હતો. બૅંગાલુરુમાં તેમનું અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

કિશન મહારાજ

જ. ૩ સપ્ટેમ્બર, ૧૯૨૩ અ. ૪ મે, ૨૦૦૮

ભારતના બનારસ ઘરાનાના વિખ્યાત તબલાવાદક. તેમનો જન્મ જન્માષ્ટમીને દિવસે થયો હોવાથી તેમનું નામ કિશન રાખવામાં આવ્યું. તેમના પિતા હરિ મહારાજ સારા તબલાવાદક હતા, પરંતુ પિતાનું નાની વયે અવસાન થતાં કિશન મહારાજના ઉછેર અને સંગીતશિક્ષણની જવાબદારી તેમના કાકા અને વિખ્યાત તબલાવાદક કંઠે મહારાજે લીધી. માત્ર પાંચ વર્ષની વયથી કિશન મહારાજે તબલાવાદનની સાધના શરૂ કરી. તેઓ શરૂઆતથી જ અટપટા તાલ વગાડવામાં વિશેષ રસ ધરાવતા. પરિણામે સરળ માત્રાવાળા તાલ વગાડવાની કળા તેમને સહજ રીતે હસ્તગત બની. તેઓ સ્વતંત્ર એકલ તબલાવાદક તરીકે ખ્યાતિ ધરાવે છે. દેશના વિખ્યાત કંઠ્ય અને વાદ્ય સંગીતકારો સાથે સંગીત સંમેલનો તથા મહેફિલોમાં તેમણે સંગત કરી હતી. શાસ્ત્રીય કંઠ્ય તથા વાદ્યસંગીત, ધ્રુપદ, ધમાર સંગીત, ઉપશાસ્ત્રીય સંગીત ઉપરાંત નૃત્ય જેવાં વિવિધ ક્ષેત્રોના કલાકારો સાથે તેઓ કુશળતાપૂર્વક સંગત કરી શકતા. તેમણે પંડિત ઓમકારનાથ ઠાકુર, ઉસ્તાદ બડે ગુલામ અલીખાં, ઉસ્તાદ ફૈયાઝખાં, પંડિત ભીમસેન જોષી, પંડિત રવિશંકર જેવા મોટા સંગીતકારો સાથે સંગત કરી હતી. વળી તેમણે નૃત્યની દુનિયાના મહાન કલાકાર શંભુ મહારાજ, બિરજુ મહારાજ, સિતારાદેવી વગેરેના કાર્યક્રમોમાં પણ તબલાં પર સંગત કરી હતી. તેમણે ગુરુશિષ્ય પરંપરા પદ્ધતિથી અનેક તાલીમાર્થીઓને તબલાવાદનની તાલીમ આપી છે. તેમના અનેક શિષ્યોએ તબલાવાદનક્ષેત્રે નામના મેળવી છે. તેઓ સંસ્કૃતિ અને ચિત્રકલામાં પણ ઊંડો રસ ધરાવતા હતા. હિંદી ભાષામાં લખેલી તેમની કાવ્યરચનાઓ ઉચ્ચ કક્ષાની ગણાય છે. ભારતના સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે તેમણે ૧૯૫૦-૫૧માં રશિયાનો પ્રવાસ ખેડ્યો હતો. તેમને સંગીતક્ષેત્રે તેમના પ્રદાન બદલ અનેક પુરસ્કારોથી સન્માનવામાં આવ્યા હતા. તેમાં મુખ્યત્વે ૧૯૭૩માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યા અને ૨૦૦૨માં પદ્મવિભૂષણથી સન્માનવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સાધના

જ. ૨ સપ્ટેમ્બર, ૧૯૪૧ અ. ૨૫ ડિસેમ્બર, ૨૦૧૫

ભારતીય સિનેમાની લોકપ્રિય અભિનેત્રી અને ‘ધ મિસ્ટરી ગર્લ’ તરીકે જાણીતી અભિનેત્રી સાધનાનો જન્મ કરાંચી શહેરમાં થયો હતો. પિતા શિવરામ શિવદાસાની અને લાલીદેવીનું એકમાત્ર સંતાન સાધનાનું નામ નગમા હતું, પરંતુ તેના પિતા બંગાળી અભિનેત્રી સાધના બોસના પ્રશંસક હતા તેથી પાંચ વર્ષની નગમાનું નામ સાધના રાખ્યું. ૧૯૪૭ના ભાગલા પછીનાં રમખાણો દરમિયાન સ્થળાંતર કરીને સમગ્ર કુટુંબ મુંબઈમાં સ્થાયી થયું. આઠ વર્ષ સુધી તેની માતાએ તેને ઘરમાં જ અભ્યાસ કરાવ્યો. ત્યારબાદ તેણે ઑક્ઝિલિયમ કૉન્વેન્ટ સ્કૂલ, વડાલામાં અભ્યાસ કર્યો અને પછી જયહિંદ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. સાધના, ૧૯૬૦ના દાયકાની સૌથી વધુ સુંદર, સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરતી ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. બાળપણથી જ અભિનેત્રી બનવાનું સ્વપ્ન જોતી સાધનાને તેના પિતાએ ફિલ્મોમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરી હતી. તેની પંદર વર્ષની વયે કૉલેજમાં નાટકોમાં તેનો અભિનય જોઈને કેટલાક ફિલ્મનિર્માતાઓનું ધ્યાન તેના તરફ ખેંચાયું. તેને ભારતની સર્વપ્રથમ સિંધી ફિલ્મ ‘અબાના’(૧૯૫૮)માં અભિનય કરવાની તક મળી. જાણીતા ફિલ્મનિર્માતા શશધર મુખર્જીએ સાધના અને પોતાના પુત્ર જૉય મુખર્જીને લઈને ૧૯૬૦માં ‘લવ ઇન સિમલા’ બનાવી જે ખૂબ સફળ નીવડી. આ ફિલ્મમાં સાધનાએ કરેલી હેરસ્ટાઇલ પાછળથી દેશભરમાં ‘સાધના કટ તરીકે લોકપ્રિય બની. ત્યારબાદ તેણે એક પછી એક અનેક ફિલ્મોમાં અવનવી ભૂમિકાઓ નિભાવી અને ઝડપથી સફળતાની ટોચ પર પહોંચી. તેની કેટલીક સફળ અને લોકપ્રિય ફિલ્મોમાં ‘હમ દોનો’, ‘અસલી નકલી‘, ‘મેરે મહેબૂબ’, ‘વો કૌન થી’, ‘આરઝૂ’, ‘વક્ત’, ‘મેરા સાયા’, ‘અનિતા’, ‘ઇન્તકામ’, ‘એક ફૂલ દો માલી’  અને ‘ગીતા મેરા નામ’નો સમાવેશ થાય છે. ૨૦૦૨માં તેમને આઇફા દ્વારા લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૭૦ના દાયકાના મધ્યમાં તેણે ફિલ્મઉદ્યોગમાંથી નિવૃત્તિ લઈ લીધી. તેનાં લગ્ન દિગ્દર્શક આર. કે. નય્યર સાથે થયાં હતાં.