Categories
વાચન સમૃદ્ધિ

મૈત્રેયીદેવી

જ. ૧ સપ્ટેમ્બર, ૧૯૧૪ અ. ૨ ફેબ્રુઆરી, ૧૯૯૦

નાનપણથી જ કુશાગ્ર બુદ્ધિ ધરાવતાં મૈત્રેયીદેવીએ યુનિવર્સિટી ઑફ કલકત્તાની જોગમાયા દેવી કૉલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી હતી. સોળ વર્ષની વયે તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉદિતા’ (૧૯૨૯) પ્રગટ થયો. ત્યારપછી તેમના અન્ય ચાર કાવ્યસંગ્રહો ‘ચિત્તછાયા’ (૧૯૩૮), ‘સ્તબક’ (૧૯૬૩), ‘હિરણ્ય પાખી’ (૧૯૭૧) અને ‘આદિત્ય મરીચિ’ (૧૯૭૩) પ્રગટ થયા. તેમને સૌથી વધુ ખ્યાતિ આત્મકથાનક નવલકથા ‘ન હન્યતે’ દ્વારા મળી. તેમને ૧૯૭૬નો ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. તેમના પિતાજી પાસે ભારતીય દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવા આવેલા ગ્રીક યુવક સાથેનાં પ્રણયસ્મરણોને વાચા આપતી આ નવલકથાનો ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે. રવીન્દ્રનાથ ટાગોર તેમના પિતાજીના મિત્ર હોવાથી મૈત્રેયીદેવીના ઘેર રહેલા તે દિવસોની રોજ-બ-રોજની ઘટનાઓ અને વાર્તાલાપોનું એક સંસ્મરણાત્મક પુસ્તક ‘મંગપૂતે રવીન્દ્રનાથ’ ૧૯૪૩માં પ્રકાશિત થયું. રમણીક મેઘાણીએ તેનો ગુજરાતી અનુવાદ ‘ગુરુદેવ અમારે આંગણે’ શીર્ષકથી કર્યો છે, જે ઘણો લોકપ્રિય બન્યો છે. આ ઉપરાંત ‘કવિ સાર્વભૌમ’, ‘રવીન્દ્રનાથ: ગૃહે ઓ વિશ્વે’ તથા ‘સ્વર્ગેર કાછાકાછિ જેમાં ટાગોરે લખેલા પત્રો અને સ્મરણોને ગૂંથવામાં આવ્યાં છે. નગીનદાસ પારેખે તેનો ગુજરાતી અનુવાદ ‘સ્વર્ગની લગોલગ’ શીર્ષકથી કર્યો છે. મૈત્રેયીદેવીનો રશિયા અને ચીનના ભ્રમણ વખતે કરેલાં પ્રવચનોને સંકલિત કરી ‘ઋગ્વેદેર દેવતા ઓ માનુષ’ નામે અભ્યાસગ્રંથ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત પ્રવાસગ્રંથો ‘આચેના ચીન’ (અજાણ્યું ચીન) અને ‘ચીન ઓ જાપાને’ પણ લખ્યાં છે. સમાજકલ્યાણના ક્ષેત્રે પણ તેમનું ઘણું પ્રદાન છે. ૧૯૭૨ના સ્વાતંત્ર્યસંગ્રામ વખતે બાંગ્લાદેશનાં અનાથ શિશુઓ માટે કૉલકાતા પાસે ‘ખેલાઘર’ નામે સંસ્થાની શરૂઆત કરી હતી. ૧૯૬૪માં તેઓ ‘ધ કાઉન્સિલ ફોર ધ પ્રમોશન ઑફ કૉમ્યુનલ હાર્મની’નાં સ્થાપક બન્યાં હતાં. ‘ધ ઑલ ઇન્ડિયા વિમેન્સ કો-ઑર્ડિનેટિંગ કાઉન્સિલ’નાં ઉપપ્રમુખ પણ બન્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

ધીરુ પરીખ

જ. ૩૧ ઑગસ્ટ, ૧૯૩૩ અ. ૯ મે, ૨૦૨૧

ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ, વાર્તાકાર અને વિવેચક તરીકે જાણીતા ધીરુ પરીખનો જન્મ વિસનગરમાં થયો હતો. પિતા ઈશ્વરલાલ પરીખ ડૉક્ટરનો વ્યવસાય કરતા હતા અને ગાંધીજીની વિચારસરણીને વરેલા હતા. તેમનાં  માતાનું નામ ડાહીબહેન હતું. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિરમગામમાં જ થયું હતું. ભણવામાં તેઓ ખૂબ જ તેજસ્વી હતા. અભ્યાસકાળથી જ ટૂંકી વાર્તાઓ અને નિબંધો લખવાની શરૂઆત કરેલી અને આઝાદીની લડતમાં પણ સક્રિય રહ્યા હતા. ૧૯૫૫માં બી.એ., ૧૯૮૫માં એમ.એ. અને ૧૯૬૬માં ‘રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ’ વિષય પર મહાનિબંધ લખીને તેઓ પીએચ.ડી. થયા હતા. પ્રારંભમાં થોડો સમય મૉડર્ન હાઈસ્કૂલ, અમદાવાદમાં શિક્ષક તરીકે સેવા આપ્યા બાદ ૧૯૫૯થી અમદાવાદાની સી. યુ. શાહ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. ૧૯૬૭થી ૧૯૬૯ સુધી તેઓ વઢવાણની મહિલા કૉલેજમાં આચાર્યપદે રહ્યા હતા. ૧૯૬૯થી ૧૯૭૭ દરમિયાન ફરી સી. યુ. શાહ કૉલેજમાં જોડાયા અને ત્યારબાદ ૧૯૭૭થી ૧૯૯૩ સેવાનિવૃત્તિ સુધી ભાષા-સાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રોફેસર અને અધ્યક્ષપદે સેવાઓ આપી હતી. ગુજરાતી ભાષા-સાહિત્યના સંનિષ્ઠ પ્રાધ્યાપકોમાં તેમનું સ્થાન નોંધપાત્ર છે. ધીરુ પરીખ પાસેથી આઠ કાવ્યસંગ્રહો, બે વાર્તાસંગ્રહો, બે જીવનચરિત્રો, તેર વિવેચનસંગ્રહો, તેર સંપાદનો, બે અનુવાદ અને એક એકાંકીસંગ્રહ એમ વૈવિધ્યપૂર્ણ સાહિત્ય પ્રાપ્ત થયું છે. ‘ઉઘાડ’, ‘આગિયા’ અને ‘અંગપચીસી’ તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. તેઓ ‘વિશ્વકવિતા કેન્દ્ર’ના સહઆયોજક તરીકે અને ગુજરાતીનો અધ્યાપક  સંઘ તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહી ચૂકેલા છે. જાણીતા સામયિક ‘કવિલોક’ અને ‘કુમાર’ના તંત્રી તરીકે અને ‘બુધ-કવિસભા’ના સંચાલક તરીકે તેઓ જીવનપર્યંત સક્રિય રહ્યા હતા. ધીરુ પરીખને ૧૯૭૧માં કુમારચંદ્રક, ૧૯૮૨માં જયંત પાઠક પારિતોષિક, સચ્ચિદાનંદ સન્માન, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક અને ૨૦૦૮માં ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

જહાંગીર બાદશાહ

જ. ૩૦ ઑગસ્ટ, ૧૫૬૯ અ. ૨૮ ઑક્ટોબર, ૧૬૨૭

મૂળ નામ સલીમ પણ ઈ. સ. ૧૬૦૫ના ઑક્ટોબરની ૨૪મી તારીખે નૂરુદ્દીન મુહમ્મદ જહાંગીરનું બિરુદ ધારણ કરી આગ્રાના રાજતખ્તા ઉપર તેઓ બેઠા. બાબરના વંશમાં ચોથા બાદશાહ અને મુઘલ બાદશાહ અકબરના તેઓ પુત્ર હતા. તેઓ અરબી, ફારસી, સંસ્કૃત અને તુર્કી ભાષાઓ શીખ્યા હતા. તેમણે લશ્કરી અને વહીવટી તાલીમ લીધી હતી.  તેમણે તખ્તા પર બેઠા પછી પોતાની રાજનીતિને સ્પષ્ટ કરતાં બાર ફરમાનો બહાર પાડ્યાં હતાં. જહાંગીર કોઈ કુશળ સેનાનાયક નહોતા છતાં તેમણે પિતાના વિશાળ સામ્રાજ્યમાં પોતે પણ વૃદ્ધિ કરી હતી. ૧૬૧૨માં અફઘાનોને પૂર્ણપણે વશ કરી લીધા. બંગાળમાં બર્દવાનના જાગીરદાર શેર અફઘાનને હરાવવા કુત્બુદ્દીન ખાનને મોકલવામાં આવ્યા અને બર્દવાનની લડાઈમાં બંનેના પ્રાણ ગયા. શેર અફઘાનની વિધવા મહેરુન્નિસાને શાહી દરબારમાં મોકલી અપાઈ, જ્યાં જહાંગીર મહેરુના પ્રેમમાં પડ્યા અને ચાર વર્ષ બાદ તેની સાથે લગ્ન કર્યાં, તેનું નામ નૂરજહાં (જગતની રોશની) રખાયું. નૂરજહાંએ જહાંગીર વતી કુશળ વહીવટ ચલાવ્યો, એના નામના સિક્કા પણ પડ્યા. ૧૬૧૪માં મેવાડના રાણા પ્રતાપના પુત્ર અમરિંસહને પરાજિત કરી સુલેહ કરવાની ફરજ પડાઈ. જહાંગીરના સમયમાં અંગ્રેજો સાથેના ગાઢ સંબંધોની શરૂઆત થઈ. જૉન હૉકિન્સ આગ્રામાં બે વર્ષ (૧૬૦૯-૧૬૧૧) રહ્યા. બાદશાહે તેને ખૂબ મદદ કરી. સર ટૉમસ રૉ ઈ. સ. ૧૬૧૫માં હિંદ આવ્યા. તે બાદશાહને અજમેરમાં મળ્યા અને બાદશાહ સાથે માંડૂ અને અમદાવાદની મુલાકાત વખતે સાથે રહ્યા. ત્યારબાદ અંગ્રેજોને હિંદમાં વેપાર કરવાની યોગ્ય સગવડ મળી. જહાંગીર કલાના કદરદાતા હતા. બગીચા કરાવવાના ખૂબ શોખીન, કાશ્મીરના બગીચા એના દાખલા રૂપે છે. કપડાંલત્તાં તથા મિજબાનીના શોખીન હતા. લાહોરમાં બાદશાહે દેહ છોડ્યો, નૂરજહાંએ ત્યાં ભવ્ય મકબરો બંધાવ્યો હતો.