Categories
વાચન સમૃદ્ધિ

નિરંજન મનુભાઈ ત્રિવેદી

જ. ૮ જુલાઈ, ૧૯૩૮ અ. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨

ગુજરાતી સાહિત્યના હાસ્યલેખક નિરંજન ત્રિવેદીનો જન્મ સાવરકુંડલામાં થયો હતો. મૂળ વઢવાણના વતની નિરંજનભાઈનો ઉછેર અમદાવાદમાં રાયપુર-ખાડિયામાં થયો હતો. તેમનું શાળેય શિક્ષણ અમદાવાદમાં થયું હતું. તેમણે બી.એ. અને એલએલ.બી.ની પદવી પણ અમદાવાદમાં જ મેળવી હતી. તેમણે પત્રકારત્વમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવી હતી. બાળપણથી જ તેમને વાચન અને સંગીતનો શોખ હતો. ખાડિયામાં પંડિત દામોદર શાસ્ત્રી જુદા જુદા રાગમાં ચોપાઈ સંભળાવતા. આથી એમનામાં શાસ્ત્રીય રાગોની સમજ વિકસી. તેમના પિતાને પણ સંગીતનો શોખ હતો. તેઓ પોતે હાર્મોનિયમ વગાડતા. નિરંજનભાઈ ભાઈશંકર નાનાલાલ લાઇબ્રેરીમાં વાંચવા જતા. સાંજ પડે ત્યાં સુધી વાંચતા. ક્યારેક તો લાઇબ્રેરી બંધ કરવાનો સમય થાય ત્યારે ચોકીદાર તેમને પકડીને ઊભા કરે ત્યારે ત્યાંથી નીકળતા. તેમણે થોડો સમય મિલમાં કામ કર્યું. શરૂઆતમાં મિલમાં મિલમજૂર તરીકે બદલી ભરતા. પછી ઇલેક્ટ્રિક ખાતામાં કૂલી તરીકે કામ કર્યું. એ પછી પશુપાલન ખાતામાં ક્લાર્કની નોકરી મળી. એ પછી સેન્ટ્રલ બૅન્કમાં જોડાયા. બૅન્કના ઇન્ટરવ્યૂ વખતે એમની સેન્સ ઑવ્ હ્યુમર કામ આવી અને નિમણૂક થઈ. બૅન્કમાં ફિલ્ડ ઑફિસરમાંથી મૅનેજર બન્યા. તેમના વિનોદભર્યા અને આત્મીયતાસભર સ્વભાવને કારણે તેઓ બધાંના પ્રિય બની રહ્યા. તેઓ પોતાને એન.આર.કે. એટલે કે નૉન રેસિડન્ટ કાઠિયાવાડી કહેવામાં ગર્વ અનુભવતા. તેઓ કહેતા કે જો હું મારી આત્મકથા લખીશ તો તેનું શીર્ષક ‘મજૂરથી મૅનેજર’ રાખીશ, પરંતુ કમનસીબે તેમની પાસેથી આત્મકથાનું પુસ્તક પ્રાપ્ત થયું નહીં. બાળક જેવા નિર્દોષ, સદાય પ્રસન્ન અને ઓછા શબ્દોમાં કટાક્ષ દ્વારા સર્જન કરનાર નિરંજન ત્રિવેદીએ વર્તમાનપત્રમાં ‘અવળીગંગા’ કટારલેખન કર્યું હતું. ‘વ્યંગાવલોકન યાને…’, ‘પહેલું સુખ તે જાતે હસ્યા’, ‘નીરખ નિરંજન’, ‘સરવાળે ભાગાકાર’, ‘કોના બાપની હોળી’, ‘માર ખાયે સૈયા હમારો’ સહિત દસેક પુસ્તકો તેમણે આપ્યાં છે. ‘સરવાળે ભાગાકાર’ પુસ્તકનો દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના એસ.વાય.બી.એ.માં પાઠ્યપુસ્તક તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. તેમનાં ચાર પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તેમને જ્યોતીન્દ્ર દવે પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ગુરુદયાલ મલ્લિક

જ. ૭ જુલાઈ, ૧૮૯૭ અ. ૧૪ એપ્રિલ, ૧૯૭૦

‘ચાચાજી’ના નામે જાણીતા સૂફી સંતનો જન્મ ડેરા ઇસ્માઈલખાનમાં થયો હતો. પિતા નારાયણદાસ ક્વેટામાં સરકારી અધિકારી હતા આથી બાળકોએ માતા પાસે જ રહેવાનું થયું. શાળેય શિક્ષણ ડેરા ઇસ્માઈલખાનમાં થયું. કૉલેજનો અભ્યાસ મુંબઈ યુનિવર્સિટીની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં કર્યો. કૉલેજમાં અભ્યાસ દરમિયાન પ્રાર્થનાસમાજમાં દીનબંધુ સી. એફ. એન્ડ્રુઝનું પ્રવચન સાંભળી તેમનામાં પરિવર્તન આવ્યું. તેઓ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, શ્રી અરિંવદ જેવા ચિંતકો અને ધર્મપુરુષોનું સાહિત્ય વાંચવા પ્રેરાયા. એમને કિશોરવયથી આધ્યાત્મિક અનુભવો થતા હતા. તેમના ઉપર ઇશોપનિષદ, બાઇબલ, ગીતાંજલિ, રામાયણ તથા મીરાં, કબીર જેવાં ભક્તકવિઓનાં ભજનોની ઊંડી અસર પડી હતી. તેમણે કેટલોક સમય શાંતિનિકેતનમાં અધ્યાપન કર્યું હતું. તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, પંજાબી, સિંધી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે ચિંતન, અધ્યાત્મ, ચરિત્ર અને બાળકોને ઉપયોગી પ્રસંગકથાઓનાં પુસ્તકો લખ્યાં છે. ‘ધ ડિવાઇન ડ્વેલર્સ ઇન ધ ડેઝર્ટ’, ‘ઇન ધ કંપની ઑવ્ સઇન્ટ્સ’, ‘ગાંધીજી અને ગુરુદેવ’ વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે અંગ્રેજીમાં પણ ભજનો રચ્યાં છે. એ ભજનોમાં આધ્યાત્મિકતા છલોછલ જોવા મળે છે. તેમણે અન્ય લેખકો સાથે પણ પુસ્તકો લખ્યાં છે, એમાં ‘બા અને બાપુ’, ‘રામકૃષ્ણ પરમહંસ સાથે’, ‘મા આનંદમયી સાથે જીવનયાત્રા’, ‘મહર્ષિ અરિંવદ સાથે જીવનયાત્રા’, ‘સ્વામી રામદાસ સાથે જીવનયાત્રા’નો સમાવેશ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

મનોજ ખંડેરિયા

જ. ૬ જુલાઈ, ૧૯૪૩ અ. ૨૭ ઑક્ટોબર, ૨૦૦૩

ગુજરાતી સાહિત્યના જાણીતા ગઝલકાર અને કવિ મનોજ ખંડેરિયાનો જન્મ જૂનાગઢમાં થયો હતો. પિતા વ્રજલાલ ખંડેરિયા મહેસૂલી અધિકારી હોવાથી તેમની વારંવાર બદલી થવાને કારણે મનોજ ખંડેરિયાએ ધોરાજી, વેરાવળ, મોરબી, રાજકોટ અને જામનગર જેવાં વિવિધ સ્થળોએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લઈને ૧૯૬૫માં બી.એસસી. અને ૧૯૬૭માં એલએલ.બી. સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ૧૯૬૮થી જૂનાગઢમાં વકીલાત શરૂ કરી હતી. થોડો સમય તેમણે જૂનાગઢની કૉલેજમાં વાણિજ્ય કાયદાના ખંડ સમયના અધ્યાપક તરીકે પણ સેવા આપી હતી. ૧૯૮૪થી પથ્થરની ખાણના ઉદ્યોગ સાથે પણ સંકળાયા હતા. તેમણે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના સ્થાપક પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી હતી. મનોજ ખંડેરિયાનો પ્રથમ સંગ્રહ ‘અચાનક’ અને બીજો સંગ્રહ ‘અટકળ’ નામે પ્રગટ થયો હતો. પરંપરાગત ગઝલને તેમણે આધુનિકતાના સંદર્ભે પ્રયોજી ગુજરાતી ગઝલને એક નવું પરિમાણ પૂરું પાડ્યું છે. તેમના અન્ય બે સંગ્રહો ‘હસ્તપ્રત’ અને ‘અંજની’ ૧૯૯૧માં પ્રગટ થયા હતા. ૧૯૯૪માં પ્રગટ થયેલ ‘કોઈ કહેતું નથી’ સંગ્રહમાં તેમની ગઝલો અને ૨૦૦૪માં તેમની તમામ પ્રકારની રચનાઓમાંથી સવાસો  કાવ્યો ‘એમ પણ બને’ એવા શીર્ષકથી નીતિન વડગામા દ્વારા સંપાદિત થયાં છે. ‘ક્યાંય પણ ગયો નથી’ એ એમનો છેલ્લો ગઝલસંગ્રહ છે.

‘મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,

ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.’ – કવિનો યાદગાર શેર છે.

મનોજ ખંડેરિયાના ‘અચાનક’ કાવ્યસંગ્રહ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા, ‘અટકળ’ સંગ્રહ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અને ‘અંજની’ સંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે તો એમના ‘હસ્તપ્રત’ સંગ્રહને પણ અકાદમી અને પરિષદ બંને દ્વારા પોંખવામાં આવ્યો છે. ૧૯૯૯માં આઈ. એન. ટી. (મુંબઈ) દ્વારા તેમને કલાપી ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઍવૉર્ડની તમામ રકમ એમણે આઈ. એન. ટી.ને પરત કરી અને તેમાંથી વર્ષ દરમિયાન પ્રગટ થયેલ ઉત્તમ ગઝલસંગ્રહને ‘બાલાશંકર કંથારિયા પારિતોષિક’ આપવાનું સૂચન કર્યું હતું. કવિની હયાતીમાં જ જાહેર થયેલો ૨૦૦૨ના વર્ષનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક પણ એમના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો.