જ. ૭ નવેમ્બર, ૧૮૮૮ અ. ૨૧ નવેમ્બર, ૧૯૭૦
‘રામન પ્રભાવ’ના શોધક અને ભારતીય ભૌતિકવિજ્ઞાની ચંદ્રશેખર વેંકટ રામનનો જન્મ થીરુવનૈક્કવલમાં થયો હતો. પિતા ચંદ્રશેખર અને માતા પાર્વતીદેવી. બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હતા. માત્ર ૧૧ વર્ષની ઉંમરે હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૮મા વર્ષે રાજ્યમાં પ્રથમ નંબર સાથે અનુસ્નાતક થયા અને ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીમાં સુવર્ણચંદ્રક મેળવ્યો. ૧૯૦૬માં ‘લાઇટ સ્પેક્ટ્રમ’ પરનો લેખ લંડનથી પ્રકાશિત પત્રિકા ‘ફિલૉસૉફિકલ’માં અને બીજો લેખ ‘સરફેસ ટેન્શન’ પરનો લેખ લંડનની ‘નેચર’ પત્રિકામાં પ્રસિદ્ધ થયો હતો. ૧૯૦૭માં સિવિલ સર્વિસની પરીક્ષા પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ કરતાં અંગ્રેજ સરકારે નાણાખાતામાં કૉલકાતામાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલના હોદ્દા પર નિમણૂક કરી. ૧૯૧૧માં એકાઉન્ટન્ટ જનરલ બન્યા. તેમણે નોકરીની સાથે સાથે ૨૭ સંશોધન લેખો લખ્યા. એ બદલ ‘કર્ઝન રિસર્ચ ઍવૉર્ડ’ અને ‘તુડબર્ન રિસર્ચ મેડલ’થી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ૧૯૧૭માં કૉલકાતા યુનિવર્સિટીની વિજ્ઞાન કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના અધ્યાપક તરીકે જોડાયા. તેમણે શોધેલ ‘રામન પ્રભાવ’ પર હજારો સંશોધનપત્રો પ્રસિદ્ધ થયાં છે.
તેમણે ૧૯૪૮માં બૅંગાલુરુમાં રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. તેમને મળેલા નોબેલ પ્રાઇઝ અને લેનિન પીસ પ્રાઇઝની રકમ તેમણે આ ઇન્સ્ટિટ્યૂટને ચલાવવા આપી હતી. તેમણે ‘સાયન્સ’, ‘કરન્ટ સાયન્સ’, ‘ઇન્ડિયન જર્નલ ઑવ્ ફિઝિક્સ’ જેવાં સામયિકો અને જર્નલો શરૂ કર્યાં. તેમણે ‘ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીસ’ની સ્થાપના કરી. તેઓ સંગીતનાં અનેક વાદ્યોના નિષ્ણાત હતા. અમેરિકાની સંગીતની સંસ્થા ‘કેટગટ એકોસ્ટિકલ સોસાયટી’એ તેમની માનદ સભ્યપદે નિયુક્તિ કરેલી. તેઓ બૅંગાલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સના પ્રથમ ભારતીય ડાયરેક્ટર હતા.
૧૮થી વધુ યુનિવર્સિટીઓએ તેઓને માનદ ડૉક્ટરેટની પદવી આપી હતી. ૧૯૨૯માં નાઇટહુડ ‘સર’, ૧૯૩૦માં હ્યુજ ચંદ્રક અને નોબેલ પારિતોષિક, ૧૯૪૧માં ફ્રેંકલીન ચંદ્રક, ૧૯૫૪માં ભારતરત્ન, ૧૯૫૭માં લેનિન પીસ પ્રાઇઝ જેવાં અનેક સન્માનો મળ્યાં હતાં. પોતાને મળેલું નોબેલ પારિતોષિક તેમણે સ્વાતંત્ર્યસંગ્રામના ક્રાંતિકારીઓને અર્પણ કર્યું હતું.
અનિલ રાવલ