Categories
વાચન સમૃદ્ધિ

અમૃતલાલ નાગર

જ. ૧૭ ઑગસ્ટ, ૧૯૧૬ અ. ૨૩ ફેબ્રુઆરી, ૧૯૯૦

હિંદી સાહિત્યકાર અમૃતલાલ નાગરનો જન્મ રાજારામ નાગર અને વિદ્યાવતી નાગરને ત્યાં આગ્રામાં થયો હતો. તેઓ પોતે લખનઉ રહેતા. તેઓ ૧૯ વર્ષના હતા ત્યારે પિતા ગુમાવેલા. આથી અર્થોપાર્જનની જવાબદારી તેમના પર આવી પડેલી. જવાબદારી સાથે તેમણે સતત અભ્યાસ કર્યો અને સાહિત્ય, ઇતિહાસ, પુરાણ, સમાજશાસ્ત્ર વગેરે અનેક ક્ષેત્રોનું જ્ઞાન મેળવ્યું. તેઓ હિંદી, ગુજરાતી, મરાઠી, બંગાળી અને અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ ધરાવતા હતા. થોડો સમય સામાન્ય નોકરી કરી. પછી હાસ્યરસની પત્રિકા ‘ચકલ્લસ’ના સંપાદક તરીકે કાર્ય કર્યું. ઘણાં વર્ષ સુધી મુંબઈ અને ચેન્નાઈનાં ચલચિત્રો માટે લેખનકાર્ય કર્યું. ૧૯૫૩થી ૧૯૫૬ દરમિયાન આકાશવાણી, લખનઉમાં સેવા આપી. ત્યારબાદ સ્વતંત્ર રીતે લેખનકાર્ય શરૂ કર્યું. તેમણે ‘મેઘરાજ ઇન્દ્ર તખલ્લુસથી કાવ્યો અને ‘તસ્લીમ લખનવી’ ઉપનામથી વ્યંગાત્મક રેખાચિત્રો અને નિબંધો લખ્યાં હતાં. પણ તેમને વધુ પ્રસિદ્ધિ મળી વાર્તાકાર-નવલકથાકાર તરીકે. તેમની પ્રથમ નવલકથા હતી ‘બૂંદ ઔર સમુદ્ર’. તેમની પાસેથી અનેક નવલકથાઓ મળી છે. નાટક, રેડિયો નાટક, નિબંધ, સંસ્મરણ તથા બાલસાહિત્યક્ષેત્રે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. ‘અમૃત નાગર રચનાવલી’માં તેમની બધી મૌલિક કૃતિઓ સંગૃહીત થઈ છે. તેમણે ફ્રેન્ચ લેખક મોપાસાં તથા રશિયન લેખક ચેખૉવની વાર્તાઓના સુંદર અનુવાદો કર્યા છે. એ જ રીતે તેમણે ગુજરાતી, મરાઠી નાટકોના પણ અનુવાદો કર્યા છે. તેમને ‘બૂંદ અને સમુદ્ર’ માટે બટુકપ્રસાદ પુરસ્કાર તથા સુધાકર રજતપદક; ‘સુહાગ નૂપુર’ માટે પ્રેમચંદ પુરસ્કાર; ‘અમૃત ઔર વિષ’ માટે સાહિત્ય અકાદેમીનો તથા સોવિયેટ લૅન્ડ નહેરુ પુરસ્કાર તથા સમગ્ર પ્રદાન માટે ‘યુગાન્તર’ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. ૧૯૮૧માં ‘પદ્મભૂષણ’થી, ૧૯૮૮માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ શિખર સન્માનથી તથા ૧૯૮૫માં ભારત ભારતી પુરસ્કારથી તેઓ સન્માનિત થયા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સવિતાબહેન મહેતા

જ. ૧૬ ઑગસ્ટ, ૧૯૨૧ અ. ૧૨ ઑગસ્ટ, ૨૦૦૬

પૂર્વ ભારતની મણિપુરી નૃત્યશૈલીને ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી વિસ્તારનાર નૃત્યાંગના સવિતાબહેનનો જન્મ પોરબંદરના સાહસિક ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ તથા સંતોકબાના કુટુંબમાં થયો હતો. વડોદરાની આર્યકન્યા વિદ્યાલયમાં શિક્ષણ લીધું ત્યારબાદ લંડન યુનિવર્સિટીમાંથી શિક્ષણનો ડિપ્લોમા મેળવી ૧૯૫૦માં પિતાએ પોરબંદરમાં સ્થાપેલ આર્યકન્યા શાળાના આચાર્યાની પદવી સંભાળી. નૃત્યશૈલીમાં વિશેષ રસ જાગ્રત થતાં પિતાની નામરજી છતાં મણિપુરી નૃત્યશૈલી અપનાવવા મણિપુરનો અઘરો પ્રવાસ ખેડ્યો. ત્યાંના રાજવી કુટુંબના નૃત્યગુરુ પંડિતરાજ આતોમ્બાબુની સલાહથી તબેતસંગબન અમુદનજી શર્મા પાસે નૃત્યશિક્ષણ મેળવ્યું. ૩૦૦૦ વર્ષ પૂર્વેનાં ગુહ્યાર્થવાળાં નૃત્યો શીખ્યાં. સાથે સાથે તેના સાંકેતિક તાલ, અંગસંચાલન, લાસ્ય-તાંડવ પ્રકાર, કરતાલ, મૃદંગ અને ડફ વગાડવાની પદ્ધતિ, સંગીતના રાગો, મૈતેયી સાહિત્ય, મણિપુરી સંસ્કૃતિ, યોગ અને ત્યાંની ગૂઢ વિદ્યાનો પણ ઊંડો અભ્યાસ કર્યો. ૧૯૫૫માં મણિપુરી નૃત્યની સાધનાને અપનાવી બિરદાવવા બદલ ત્યાંના રાજવી પરિવાર, ગુરુજનો અને સંસ્થાઓએ સવિતાબહેનને ‘મૈતેયી જગોઈ હંજબી’, ‘દ્વિતીય ઉષ્મ’, ‘સંગીતરત્નાકર’ અને ‘ચંદ્રપ્રભા’ જેવા માનાર્હ પુરસ્કારોથી નવાજ્યાં. હોળીના મુખ્ય ઉત્સવ નિમિત્તે શ્રી ગોવિંદજીના મંદિરમાં નૃત્ય સાથે મૃદંગ, ડફ અને કંજરી વાદન કરવાનો એક બિન-મણિપુરી ઉપરાંત મહિલા તરીકેનો વિરલ અવસર પ્રાપ્ત થયો. ૧૯૭૨માં ‘જયપત્ર’ એનાયત થયું. તેમણે મણિપુરી નૃત્યશૈલીના અટપટા તાલ અને રાગપદ્ધતિ વિશે ગુરુઓ પાસેથી માર્ગદર્શન મેળવી, સંશોધન કરી ‘દશકોશ’ નામે ગ્રંથ તૈયાર કર્યો જેનું ૧૯૮૨માં વિમોચન કર્યું. ગુજરાત રાજ્યે ૧૯૩૭માં તેમને તામ્રપત્ર અર્પિત કર્યું. મણિપુરી સાહિત્ય પરિષદે ૧૯૭૬માં ‘નૃત્યરત્ન’થી તેમને પુરસ્કૃત કર્યાં અને મણિપુરી રાજ્યકલા અકાદમીએ ‘ફેલોશિપની પદવી આપી. તેમને ‘વિશ્વગુર્જરી’નો ઍવૉર્ડ પણ અર્પણ થયેલો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેમને ડી.લિટ.ની પદવી એનાયત કરી હતી. આ ઉપરાંત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલિંસઘે ‘યોગશિરોમણિ’ના ઇલકાબથી સવિતાબહેનને નવાજ્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

પુરુષોત્તમ ઉપાધ્યાય

જ. ૧૫ ઑગસ્ટ, ૧૯૩૪ અ. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪

ગુજરાતના ગાયક, સંગીતનિર્દેશક પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ ખેડા જિલ્લાના ધૂલિયા ગામે થયો હતો. ગૌરીશંકર તથા વિદ્યાગૌરી ઉપાધ્યાયના પુત્ર પુરુષોત્તમ બાળપણથી જ સંગીતમાં રુચિ ધરાવતા હતા. ગુજરાતી રંગભૂમિમાં નાનાં નાનાં પાત્રો દ્વારા અભિનય તેમજ ગાયનની પ્રસ્તુતિ દરમિયાન અભિનેતા અશરફખાનના ધ્યાનમાં આવ્યા અને અશરફખાને કિશોર પુરુષોત્તમ ઉપાધ્યાયને મુંબઈ મોકલ્યા, તેમની ભલામણ સાથે આકાશવાણી મુંબઈમાં ગાયન પ્રસ્તુતિ માટે કરાર કરી આપ્યો. કવિ, સંગીતનિર્દેશક શ્રી અવિનાશ વ્યાસે પુરુષોત્તમ ઉપાધ્યાયની ક્ષમતાથી અભિભૂત થઈને તેને પોતાના માનસપુત્ર બનાવ્યા. ગાયન અને સંગીતનિર્દેશનમાં પુરુષોત્તમ ઉપાધ્યાયે પોતાની સર્જનાત્મકતા તેમજ પ્રયોગશીલતા દ્વારા ખૂબ નાની વયે સંગીતના ભાવકોના હૃદયમાં ખાસ સ્થાન મેળવ્યું. સાથે નવરંગ નાગપુરકર પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી. ગુજરાતી સુગમ સંગીતમાં પોતાની આગવી શૈલીથી શાસ્ત્રીય સંગીતને વણી લીધું. ગુજરાતી માતૃભાષા પ્રત્યેના પ્રેમને કારણે ગુજરાતી કવિઓની ઉત્તમ રચનાઓ સ્વરબદ્ધ કરી. ગીત, ગઝલ, ઉપશાસ્ત્રીય ગાયન, ગરબા એમ વિવિધ પ્રકારોને એમણે પોતાના સંગીત અને કંઠ દ્વારા જનહૈયે અને કંઠે રમતા કર્યા. બેગમ અખ્તર, મહોમ્મદ રફી, સુમન કલ્યાણપુર, લતા મંગેશકર, સરોજ ગુંદાણી, હંસા દેવે જેવાં અનેક પ્રખ્યાત ગાયકોએ પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા સ્વરબદ્ધ થયેલાં ગીતોને પોતાનો કંઠ આપ્યો છે. ‘દિવસો જુદાઈના’, ‘રંગલો જામ્યો કાલિંદડીને ઘાટ’, ‘તારો છેડલો’ જેવાં અનેક ગીતો ગુજરાતી સંગીતની ઓળખ સમા બની ગયાં. તેમણે વીસથી વધુ ગુજરાતી  ફિલ્મો તથા  ત્રીસથી વધુ નાટકોમાં સંગીતનિર્દેશન કર્યું છે. એમને ‘વિશ્વગુજરાતી’, ઉર્દૂ ગાયકી માટે ‘એશિયન ઍવૉર્ડ’, સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ, ‘ગૌરવ પુરસ્કાર’ તથા ભારત સરકાર દ્વારા ૨૦૧૭માં પદ્મશ્રીના સન્માનથી બિરદાવવામાં આવ્યા હતા. ‘તમે આવો તો વાત’, ‘ચંદરવો’, ‘વૈષ્ણવજન’, ‘કાંઠે ગુલમહોરનો ઠાઠ’ જેવાં એમનાં અનેક સંગીત આલબમ ભાવકો માટે મોટી ભેટ સમાં છે. તેથી જ શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયને પુરુષોત્તમ-સ્વરોત્તમ કહેવામાં આવે છે. ગુણવત્તાસભર તેમ જ લોકભોગ્ય સંગીત માટે શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું યોગદાન ખૂબ મોટું છે. અત્યંત સુરીલું ગાયન તેમજ ધારદાર રજૂઆત એ એમની ઓળખ છે.