Categories
વાચન સમૃદ્ધિ

હેમુ ગઢવી

જ. ૮ સપ્ટેમ્બર, ૧૯૨૯ અ. ૨૦ ઑગસ્ટ, ૧૯૬૫

ગુજરાતી લોકસંગીતના ગાયક, અભિનેતા અને નાટ્યકાર હેમુ ગઢવીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકણિયા ગામે થયો હતો. તેમના પિતાનું નામ નાનભા, માતાનું નામ બાલુબા અને પત્નીનું નામ હરિબા હતું. લોકગીત અને ભજનનો તેમને બાળપણથી જ શોખ હતો, તેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિપ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાના પગારે જોડાયા હતા. જેમાં તેમણે પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભૂમિકા ભજવીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. તે દરમિયાન તેમણે ‘ગામડું મુજને પ્યારું ગોકુળ’ પ્રથમ ગીત ગાયું હતું. જામનગર શહેરમાં ભજવાયેલ ‘રાણકદેવી’ નાટકમાં તેમની રાણકદેવીની ભૂમિકાથી પ્રભાવિત થઈને ‘રાણકદેવી’ ચલચિત્રના નિર્માતાએ છેક મુંબઈથી આવીને બાળ-કલાકાર હેમુ ગઢવીને નવાજ્યા હતા. આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટક ભજવવામાં ઉપયોગ કરતા હતા. તેમણે છેક ૧૯૫૫ સુધીમાં વાંકાનેરની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યું હતું. હેમુ ગઢવી ૧૯૫૫માં તાનપુરા કલાકાર તરીકે રાજકોટ આકાશવાણીમાં જોડાયા હતા. ૧૯૬૫ સુધીના તેમના દસ વર્ષના આકાશવાણીના કાર્યકાળમાં તેમણે ઝવેરચંદ મેઘાણી અને દુલા ભાયા ‘કાગ’નાં સાહિત્યનો અભ્યાસ કરીને લોકસંગીતને ગુજરાતના ઘર ઘર સુધી ગુંજતું કર્યું હતું. એચ.એમ.વી. કંપનીએ હેમુ ગઢવીની ‘અમે મહિયારા રે, ‘શિવાજીનું હાલરડું’ અને ‘મોરબીની વાણિયણ’ જેવી રેકર્ડ બહાર પાડી હતી. જે આજપર્યંત લોકોનાં માનસપટ ઉપર છવાયેલી રહી છે. આ ઉપરાંત તેમણે ‘સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર’ અને ‘પૃથ્વીરાજ ચૌહાણ’ જેવાં યાદગાર નાટકો કર્યાં હતાં. હેમુ ગઢવીને રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર, ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયકનો ગૌરવ પુરસ્કાર, ‘કસુંબીનો રંગ’ ગુજરાતી ચલચિત્રના શ્રેષ્ઠ પાર્શ્વગાયનના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. રાજકોટ શહેરમાં એક જાહેર માર્ગને હેમુ ગઢવી માર્ગ અને એક ઑડિટોરિયમને હેમુ ગઢવી હૉલ નામ આપવામાં આવ્યું છે. માત્ર ૩૬ વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના પુત્ર બિહારીભાઈએ તેમનો વારસો સુપેરે જાળવ્યો છે.

Categories
વાચન સમૃદ્ધિ

નીરજા ભનોત

જ. ૭ સપ્ટેમ્બર, ૧૯૬૩ અ. ૫ સપ્ટેમ્બર, ૧૯૮૬

નીરજાનો જન્મ મુંબઈમાં થયો. તે હરીશ ભનોત અને રમા ભનોતનું ત્રીજું સંતાન. તે સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી સ્નાતક થઈ. ત્યારબાદ તરત જ મૉડલિંગના કામ માટે તેની પસંદગી થઈ ગઈ. ૧૯૮૫માં તે પાન-અમેરિકન ઍરલાઇન્સમાં પરિચારિકા તરીકે પસંદ થઈ, જેની તાલીમ લેવા માટે તે ફ્લોરિડા ગઈ. તે પછી તેણે પરિચારિકા અને મૉડલિંગ એમ બેવડી જવાબદારી સ્વીકારી હતી. પાંચ સપ્ટેમ્બર, ૧૯૮૬માં પાન એમ લાઇટ ૭૩ની મુંબઈથી યુનાઇટેડ સ્ટેટ જતી વિમાનની સફરમાં જવા માટે નીરજાને તેડું આવ્યું. તે ગોઝારા દિવસે, વહેલી સવારે નીરજા પોતાના કાર્યમાં રોકાયેલી હતી ત્યાં તેની નજર વિમાનમાં બેઠેલા ચાર અપહરણકારો પર પડી. તેઓ રિવૉલ્વર હાથમાં પકડીને બેઠા હતા. આ દૃશ્ય જોઈ ૨૩ વર્ષની, ટૂંકી કારકિર્દી ધરાવતી નીરજા બધી પરિસ્થિતિ પામી ગઈ અને તેણે નીડર નિર્ણયો લેવા માંડ્યા. વિમાન હજી તો કરાંચીના વિમાનમથક પર ઊભેલું હતું. આથી સૌપ્રથમ તો તેણે કૅપ્ટન અને બીજા અધિકારીઓને ચેતવી દીધા. નીરજાએ ધાર્યું હોત તો તે નીકળી શકી હોત. તેને બદલે તેણે ૩૬૦ જેટલા પ્રવાસીઓના જાન બચાવ્યા. તે પ્રવાસીઓને હિંમત આપતી રહી. આતંકવાદીઓની બંદૂક વચ્ચે પણ તે નીડરતાથી પોતાની ફરજ બજાવતી રહી. છેવટે ઘાયલ થઈ પોતાનો જાન ગુમાવ્યો. થોડા જ મુસાફરોની જાનહાનિ થઈ પણ મોટા ભાગના મુસાફરો બચી ગયા. અપહરણકર્તાઓ છેવટે પકડાઈ ગયા. ભારત સરકાર તરફથી સર્વોચ્ચ વીરતા પુરસ્કાર ‘અશોકચક્ર’ ૧૯૮૭ની ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાકદિનની પરેડમાં નીરજાની માતાને તત્કાલીન રાષ્ટ્રપતિ ઝૈલિંસઘના હાથે એનાયત થયો. તેના જીવન પરથી ‘નીરજા’ નામની હિંદી ફિલ્મ બની. તેના સન્માનમાં ટપાલટિકિટ પણ બહાર પડી છે અને ભનોત કુટુંબ તરફથી તેની સ્મૃતિમાં પ્રતિ વર્ષ નીરજા ભનોત ઍવૉર્ડ પણ આપવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

સરતચંદ્ર બોઝ

જ. ૬ સપ્ટેમ્બર, ૧૮૮૯ અ. ૨૦ ફેબ્રુઆરી, ૧૯૫૦

પ્રતિષ્ઠિત વકીલ, સ્વાતંત્ર્યસંગ્રામના સક્રિય કાર્યકર અને રાજકીય નેતા સરતચંદ્ર બોઝનો જન્મ ઓડિશાના સુટ્ટક ગામમાં કુલીન કાયસ્થ કુટુંબમાં થયો હતો. પિતાનું નામ જાનકીનાથ અને માતાનું નામ પ્રભાવતીદેવી. નેતાજી સુભાષચંદ્ર બોઝ તેમના ભાઈ થાય. વીસ વર્ષની વયે તેમનાં લગ્ન બિવાવતી ડે સાથે થયાં હતાં. પ્રેસિડન્સી કૉલેજ, સ્કોટિશ ચર્ચ કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ તેઓ ઇંગ્લૅન્ડ ગયા. ૧૯૧૧માં બૅરિસ્ટર થયા. તેમણે છોટા નાગપુરના આદિવાસી લોકોના અધિકારો માટે કામ કર્યું હતું. ભારતમાં આવ્યા બાદ તેમની વકીલાત ધમધોકાર ચાલતી હતી, પણ પછી તેઓ સ્વાતંત્ર્યચળવળમાં જોડાયા. ૧૯૩૬માં તેઓ બંગાળ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ થયા. ૧૯૩૬થી ૧૯૪૭ સુધી તેમણે અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય તરીકે સેવા આપી. ચળવળ દરમિયાન તેમને પકડવામાં આવ્યા. જેલનિવાસ દરમિયાન તેમની તબિયત બગડી. ચાર વર્ષના જેલવાસ બાદ ૧૯૪૫ના સપ્ટેમ્બરમાં તેમને છોડવામાં આવ્યા. સુભાષચંદ્ર બોઝ દ્વારા ચલાવવામાં આવતા ભારતીય રાષ્ટ્રીય સેનાનું સમર્થન કર્યું અને તેના સૈનિકોના પરિવારોને સહાયતા કરવાના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું. ૧૯૪૬ અને ૧૯૪૭ સુધી અંતરિમ સરકારમાં કેન્દ્રીય વિધાનસભાના સભ્ય તરીકે કામ કર્યું. જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈના નેતૃત્વમાં રાષ્ટ્રીય કાર્યકારી પરિષદમાં પણ ભાગ લીધો હતો. ‘ભારત છોડો’ આંદોલનમાં પણ તેઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો. ૬૦ વર્ષની વયે કૉલકાતામાં તેમનું અવસાન થયું. કૉલકાતા હાઈકોર્ટના પ્રાંગણમાં તેમની પ્રતિમા મૂકવામાં આવી છે.