જ. 17 નવેમ્બર, 1916 અ. 9 ફેબ્રુઆરી, 2000

ત્રીસના દાયકાની સ્વરૂપવાન અને સફળ અભિનેત્રી શોભના સમર્થનો જન્મ મુંબઈમાં થયો હતો. મૂળ નામ સરોજ શિલોત્રી હતું. પિતા પી. એસ. શિલોત્રી અને માતા રતનબાઈ. પિતાનું અવસાન થતાં મામા જયંતે તેમના પરિવારને ટેકો આપ્યો. સરોજે ‘શોભના સમર્થ’ નામે 1934માં ‘વિલાસી ઈશ્વર’ ચિત્રથી અભિનયક્ષેત્રે પ્રવેશ કર્યો. ગુજરાતી તથા હિંદી બે ભાષામાં બનેલા ‘દો દીવાને’ ચિત્રમાં શોભનાએ મોતીલાલ સાથે કામ કર્યું અને એ વખતે બંને વચ્ચે બંધાયેલી ગાઢ મિત્રતા અંત સુધી રહી. કુમારસેન સમર્થ સાથેના લગ્ન પછી પ્રથમ પુત્રી નૂતનના જન્મ સમયે શોભનાએ બે વર્ષ ચિત્રોમાં કોઈ કામ ન કર્યું, પણ પછી જે ચિત્ર આવ્યું તે ‘કોકિલા’ સફળ રહ્યું. એ દિવસોમાં વાડિયા બ્રધર્સ માત્ર મારધાડનાં ચિત્રો બનાવતા હતા, પણ શોભનાને લઈને તેમણે સામાજિક ચિત્ર ‘શોભા’ બનાવ્યું હતું. 1941માં દિગ્દર્શક વિજય ભટ્ટ ‘ભરત મિલાપ’નું સર્જન કરી રહ્યા હતા. સીતાની ભૂમિકા તેમણે શોભનાને સોંપી. ભૂમિકા ટૂંકી હતી પણ શોભનાના દમદાર અભિનયને કારણે 1943માં વિજય ભટ્ટે ‘રામરાજ્ય’માં સીતાની ભૂમિકા માટે તેમને જ પસંદ કર્યાં. આ ચિત્રને ખૂબ સફળતા મળી. તે પછી શોભનાએ ઘણાં ધાર્મિક ચિત્રોમાં કામ કર્યું. ‘રામબાણ’ અને ‘રામવિવાહ’માં પણ તેમણે સીતાની ભૂમિકા ભજવી. આ ઉપરાંત પૃથ્વીરાજ કપૂર સાથે ‘નલ દમયંતી’ પણ સફળ રહ્યું. કિશોર સાહુનિર્મિત ‘વીર કુણાલ’માં તેમનો અભિનય ખૂબ પ્રશંસા પામ્યો. 1950 પછી ધાર્મિક ચિત્રોનું નિર્માણ ઓછું થતાં શોભના પણ વ્યક્તિગત જીવનમાં પરોવાઈ ગયાં. છૂટાંછવાયાં ચિત્રોમાં ચરિત્ર ભૂમિકાઓ ભજવતાં રહ્યાં. નૂતનને અભિનયક્ષેત્રે લાવવા તેમણે ‘હમારી બેટી’ અને તનુજા માટે ‘છબીલી’ ચિત્રનું નિર્માણ કર્યું હતું. તેમને ત્રીજી દીકરી ચતુરા અને પુત્ર જયદીપ હતાં. તેમની નોંધપાત્ર ફિલ્મોમાં ‘વિલાસી ઈશ્વર’, ‘દો દીવાને’, ‘સવેરા’, ‘રામરાજ્ય’, ‘નૌકર’, ‘મહાસતી અનસૂયા’, ‘તારામતી’, ‘હમારી બેટી’, ‘રામજન્મ’, ‘ઇન્સાનિયત’, ‘લવ ઇન સિમલા’, ‘છલિયા’, ચિત્રલેખા’, ‘એક બાર મુસ્કુરા દો’, ‘દો ચોર’ ‘ઘરદ્વાર’ વગેરેને ગણાવી શકાય.
અમલા પરીખ


