Categories
વાચન સમૃદ્ધિ

ગોપીનાથ મોહંતી

જ. ૨૦ એપ્રિલ, ૧૯૧૪ અ. ૧૮ ઑગસ્ટ, ૧૯૯૧

ઓડિશાના પ્રખ્યાત નવલકથાકાર, જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા. સોનેપુરમાં શાળાશિક્ષણ લીધા પછી ૧૯૩૫માં કટકની યુનિવર્સિટીમાંથી તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કર્યું. તેમની ઇચ્છા પ્રાધ્યાપક અથવા આઈ.સી.એમ. થવાની હતી પણ આર્થિક કારણોસર ઓડિશા સરકારની નોકરી સ્વીકારવી પડી. અહીં જુદા જુદા હોદ્દાઓ પર ફરજ બજાવી ૧૯૬૯માં નિવૃત્તિ લીધી. ત્યારબાદ ૧૯૭૦માં ઉત્કલ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગમાં યુજીસીના વિશિષ્ટ મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા. ૧૯૮૬માં તેમણે અમેરિકાની સાન જૉસ (San Jose) યુનિવર્સિટીમાં સમાજવિજ્ઞાનના મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું અને અંત સમય સુધી સાન જૅસમાં જ રહ્યા. ૧૯૩૬થી તેમણે લેખનકાર્યનો પ્રારંભ કર્યો. ૧૯૩૮માં પ્રગટ થયેલા ‘મન ગહિરર ચાસ’ નામની પ્રથમ નવલકથા પછી કુલ ૨૧ નવલકથાઓ, ૨ ચરિત્રગ્રંથો, ૮ ટૂંકી વાર્તાના સંગ્રહો, ૨ નાટકો, ૨ નિબંધસંગ્રહ ઉપરાંત ઓડિશાના આદિવાસીઓ, દલિત કોમો અને ઉપેક્ષિત જાતિઓની પરિસ્થિતિ પર આધારિત ૩ મુખ્ય નવલકથાઓ ‘પરજા’, ‘અમૃતર સંતાન’ અને ‘માતિમતાલ’ની રચના કરી. તેમના પર ફ્રોઇડના મનોવિશ્લેષણનો, રશિયન ક્રાંતિ અને ગાંધીજીની રાષ્ટ્રીય ચળવળનો પ્રભાવ જોવા મળે છે. તેમણે ટૉલ્સ્ટૉયની ‘વૉર ઍન્ડ પીસ’નો ‘યુદ્ધ અને શાંતિ’ નામે ત્રણ ભાગમાં ૧૯૮૫-૮૬માં અનુવાદ કર્યો છે તથા ૧૯૬૫માં રવીન્દ્રનાથ ટાગોરની ‘જોગાજોગ’નો ઊડિયા ભાષામાં અનુવાદ કર્યો છે. તેમની વિપુલ સાહિત્યસેવા બદલ તેમને ૧૯૫૦માં ‘વિશ્વ મિલન’ પુરસ્કાર, ૧૯૫૫માં ‘અમૃતર સંતાન’ માટે ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૧૯૭૦માં ગૉર્કીની રચનાનો ઊડિયામાં અનુવાદ કરવા બદલ સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર, ‘માટી મતાલ’ (ધ ફરટાઇલ્ડ સોઇલ) માટે ૧૯૭૩નો જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ અને ૧૯૭૬માં ડી.લિટ્.ની પદવી અને ૧૯૮૧માં ‘પદ્મભૂષણ’ પુરસ્કારથી તેમનું બહુમાન થયેલું છે.

Categories
વાચન સમૃદ્ધિ

સનત મહેતા

જ. ૧૯ એપ્રિલ, ૧૯૨૫ અ. ૧૯ ઑગસ્ટ, ૨૦૧૫

ગુજરાત રાજ્યના કૉંગ્રેસ પક્ષના નેતા સનત મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના જેસર ગામમાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી સ્નાતક થયા. કૉલેજકાળ દરમિયાન ૧૯૪૧માં ભાવનગર સ્ટુડન્ટ્સ યુનિયનની આગેવાની કરી હતી. ‘ભારત છોડો’ ચળવળમાં ભાગ લેવા બદલ જેલવાસ પણ ભોગવ્યો હતો. રામમનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓનો તેમના ઉપર ખૂબ પ્રભાવ હતો. ૧૯૫૮માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના કાઉન્સિલર તરીકે ચૂંટાયા. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. ૧૯૭૨થી ૧૯૭૪ સુધી ગુજરાત રાજ્યનો શ્રમમંત્રીનો હોદ્દો સંભાળ્યો. ૧૯૮૦થી ૧૯૮૫ સુધી કૅબિનેટ મંત્રી તરીકે નાણાખાતું સંભાળ્યું. ૧૯૯૦માં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના ચૅરમૅનપદે નિયુક્ત થયા. અલંગ શિપ બ્રેકિંગની સ્થાપના કરવા પાછળ તેમનો મહત્ત્વનો ફાળો હતો. ૧૯૯૬માં તેઓ સુરેન્દ્રનગરમાંથી લોકસભાની બેઠક પર ચૂંટાયા હતા. ૧૯૯૯માં રાજકારણમાંથી નિવૃત્તિ લીધી અને સમાજસેવા સાથે જોડાયા. તેમણે ખેડૂતો, આદિવાસી અને અગરિયા માટે ખૂબ કામ કર્યું હતું. ‘શ્રમિક વિકાસ સંસ્થાન’ અને ‘ભારતીય કિસાન સંઘ’ જેવી સામાજિક સંસ્થાઓ સાથે તેઓ કાર્ય કરતા હતા. બાંગ્લાદેશની ગ્રામીણ બૅન્કના મૉડલ ઉપરથી તેમણે ગુજરાતમાં ગ્રામીણ વિકાસ બૅન્કની રચના કરી હતી. ૨૦૦૧માં નૅશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ ફરી તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો. નિરમા દ્વારા ઊભો કરવામાં આવેલા સિમેન્ટ પ્લાન્ટની સામે કનુ કલસારિયા દ્વારા ચલાવાયેલી ચળવળમાં તેમણે સાથ આપ્યો હતો. તે ઉપરાંત મહુવા નજીક મીઠી વીરડી પાસે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ નાખવા સામે તેમણે વિરોધ નોંધાવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

દુલારી

જ. ૧૮ એપ્રિલ, ૧૯૨૮ અ. ૧૮ જાન્યુઆરી, ૨૦૧૩

હિંદી સિનેમાનાં જાણીતાં ચરિત્ર અભિનેત્રી દુલારીનો જન્મ નાગપુર, મહારાષ્ટ્રમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ અંબિકા ગૌતમ હતું. તેમનું ઉપનામ રાજદુલારી હતું, પરંતુ પાછળથી તેઓ દુલારી નામથી પ્રસિદ્ધિ પામ્યાં. તેમના પિતાને એક સમયે મોટી માંદગી આવી જતાં કુટુંબના ભરણપોષણ માટે દુલારીને નાની વયથી જ કામ કરવું પડ્યું. તેમને સૌપ્રથમ બૉમ્બે ટૉકીઝ દ્વારા નિર્મિત ‘બહન’ (૧૯૪૧) અને ‘હમારી બાત’ (૧૯૪૩) જેવી ફિલ્મોમાં અભિનય કરવાની તક મળી અને તેમની ફિલ્મી કારકિર્દીનો આરંભ થયો. તેમની સૌથી વધુ નોંધપાત્ર ફિલ્મ ‘જીવનજ્યોતિ’ (૧૯૫૩) હતી. તે ઉપરાંત કેટલીક મહત્ત્વપૂર્ણ ફિલ્મો ‘પતિ સેવા’ અને ‘રંગીન કહાની’ ગણાય છે. અન્ય હિંદી ફિલ્મોમાં ‘આંખ કા તારા’, ‘આખિરી ડાકૂ’, ‘દરિંદા’, ‘આહુતિ’, ‘નાસ્તિક’, ‘દિલ્લગી વગેરેનો સમાવેશ થાય છે. તેમણે ગુજરાતી ફિલ્મો ‘ચૂંદડી અને ચોખા’, ‘ગુણસુંદરી’, ‘મંગળફેરા’ વગેરેમાં અભિનયનાં અજવાળાં પાથર્યાં છે. ૧૯૬૦ના દશકથી માંડીને ૧૯૭૦ના દશક સુધી તેમણે રૂઢિવાદી માની ભૂમિકા નિભાવી. ‘જબ પ્યાર કિસીસે હોતા હૈ’ (૧૯૬૧), ‘મુઝે જીને દો’ (૧૯૬૩), ‘જોની મેરા નામ’, ‘દીવાર’ (૧૯૭૫) વગેરે ફિલ્મોમાં તેમનો અભિનય યાદગાર બની રહ્યો. તેમની આખરી ફિલ્મ ગુડ્ડૂ ધનોઆનિર્દેશિત ‘જિદ્દી’ (૧૯૯૭) હતી. તેમણે ૧૯૫૨માં સાઉન્ડ રેકૉર્ડિસ્ટ જે. બી. સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે વ્યવસાય અને સાંસારિક ફરજો પ્રત્યેનું સંતુલન કુશળતાપૂર્વક જાળવી રાખ્યું. તેમણે કુલ મળીને ૧૩૫ ફિલ્મોમાં કામ કર્યું. ત્યાર બાદ અભિનયક્ષેત્રે નિવૃત્તિ લઈ લીધી. બાકીનું જીવન ફિલ્મોથી દૂર શાંતિપૂર્વક વ્યતીત કર્યું. મહારાષ્ટ્રના પુણેમાં એક વૃદ્ધાશ્રમમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.