Categories
વાચન સમૃદ્ધિ

કૈલાસનાથ વાંછુ

જ. ૨૫ ફેબ્રુઆરી, ૧૯૦૩ અ. ૧૪ ઑગસ્ટ, ૧૯૮૮

ભારતના દસમા મુખ્ય ન્યાયાધીશપદે રહી ચૂકેલ કૈલાસનાથ વાંછુનો જન્મ અલાહાબાદમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મધ્યપ્રદેશના નૌગોંગમાં અને માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ પંડિત પીર્થીનાથ હાઈસ્કૂલ, કાનપુર, મુઇર સેન્ટ્રલ કૉલેજ, અલાહાબાદ અને વાઘમ કૉલેજ, ઑક્સફર્ડથી પ્રાપ્ત કર્યું હતું. કૈલાસનાથ વાંછુ ૧ ડિસેમ્બર, ૧૯૨૬ના રોજ ઉત્તરપ્રદેશમાં જૉઇન્ટ મૅજિસ્ટ્રેટ તરીકે ભારતીય સિવિલ સર્વિસમાં જોડાયા હતા. અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ફેબ્રુઆરી, ૧૯૪૭થી જાન્યુઆરી ૧૯૫૧ સુધી સેવા આપ્યા બાદ ૧૯૫૧થી ૧૯૫૮ સુધી રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો સૌથી લાંબા સમય સુધી તેમણે હોદ્દો ગ્રહણ કર્યો હતો. સમયાંતરે તેઓ ૧૯૫૦-૫૧માં ઉત્તરપ્રદેશ ન્યાયિક સુધારણા સમિતિના અધ્યક્ષપદે પણ હતા. ૧૯૫૪માં ફાયરિંગ ઇન્ક્વાયરી કમિશનના એકમાત્ર સભ્ય તરીકે સ્થાન શોભાવ્યા બાદ ૧૯૫૫માં તેઓ ધોલપુર ઉત્તરાધિકારી કેસ કમિશનના અધ્યક્ષસ્થાને અને કાયદા પંચના સભ્ય તરીકે પણ ફરજ પર હતા. ૧૨ એપ્રિલ, ૧૯૬૭ના રોજ કૈલાસનાથે ભારતના દસમા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. સુપ્રીમ કોર્ટના કાર્યકાળ દરમિયાન તેમણે ૩૫૫ ચુકાદાઓ લખ્યા હતા.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

શારદા મુખરજી

જ. ૨૪ ફેબ્રુઆરી, ૧૯૧૯ અ. ૬ જુલાઈ, ૨૦૦૭

રાજકીય ક્ષેત્રે સફળ મહિલા અને ગુજરાતનાં પૂર્વરાજ્યપાલ શારદા મુખરજીનો જન્મ મુંબઈમાં મરાઠી પરિવારમાં થયો હતો. તેઓ સામાજિક કાર્યકર અને લોકસભાનાં પૂર્વસદસ્ય હતાં. પિતા પ્રતાપ સીતારામ પંડિત અને માતા સરસ્વતી પંડિત. તેમનો પરિવાર વર્ષો સુધી રાજકોટમાં વસવાટ કરતો.

તેમણે પ્રારંભિક શિક્ષણ રાજકોટમાં લીધું. ત્યારબાદ એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈ અને લૉ કૉલેજ, મુંબઈમાં ઉચ્ચશિક્ષણ લીધું. બીજા વિશ્વયુદ્ધ પહેલાં તેમણે ઍરફોર્સ અધિકારી સુબ્રતો મુખરજી સાથે લગ્ન કર્યાં. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ઍર ચીફ માર્શલ હતા. ૧૯૬૧માં ટોકિયો ખાતે શાહી ભોજનસમારંભ દરમિયાન સુબ્રતો મુખરજીનું અચાનક અવસાન થયું. ત્યારબાદ શારદા મુખરજી કૉંગ્રેસમાં જોડાયાં અને રાજકારણમાં સક્રિય બની ગયાં. મહારાષ્ટ્રના રત્નાગિરિ મતદાર મંડળમાંથી લોકસભા માટે તેઓ ચૂંટાયાં(૧૯૬૨-૬૭). તે જ મતદાર મંડળમાંથી ૧૯૬૭માં ફરી વાર કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભામાં ચૂંટાયાં, પરંતુ ૧૯૭૧ની સામાન્ય ચૂંટણીમાં તેમનો પરાજય થયો. ૧૯૭૭-૭૮ દરમિયાન તેઓ આંધ્રપ્રદેશનાં રાજ્યપાલ બન્યાં. ૧૯૭૮-૮૩ દરમિયાન તેઓએ ગુજરાતનાં રાજ્યપાલ તરીકે સેવાઓ આપી. બંને રાજ્યોમાં પ્રથમ મહિલારાજ્યપાલ અને કુશળ વહીવટકર્તા તરીકે તેમણે ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી. તેઓ યોજના આયોગમાં સંરક્ષણ બાબતોની અધ્યયન ટીમનાં સભ્ય તરીકે પણ રહી ચૂક્યાં હતાં. લોકસભાના સભ્યપદે હતાં ત્યારે તેમણે ઇંગ્લૅન્ડ, પ. જર્મની અને સેનેગલમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળના નેતા તરીકે મુલાકાતો લીધી. તેમણે નૅશનલ શિપિંગ બોર્ડ, નાની બચત યોજનાના સલાહકાર મંડળ તથા ભારતીય હવાઈ દળની કલ્યાણ સમિતિની કારોબારીનાં સદસ્ય તેમજ ‘ચેતના’નાં પ્રમુખ તરીકે સેવાઓ આપી.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ચાંપરાજ શ્રોફ

જ. ૨૩ ફેબ્રુઆરી, ૧૯૦૯ અ. ૩ જાન્યુઆરી, ૧૯૬૮

ગુજરાતના રસાયણઉદ્યોગના પિતા તરીકે ઓળખાતા ચાંપરાજભાઈનો જન્મ કચ્છમાં આવેલ ખ્યાતનામ શ્રોફ પરિવારમાં થયો હતો. કચ્છના માંડવીમાં જન્મેલા ચાંપરાજભાઈના પિતાનું નામ ચતુર્ભુજ શ્રોફ અને માતાનું નામ ગોકીબાઈ હતું. ભારતને રસાયણના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં તેમનો મહત્ત્વનો ફાળો છે. તેમણે મુંબઈની  રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં રસાયણવિજ્ઞાનમાં સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કર્યો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી બ્રિટન જઈને વધુ અભ્યાસ કરવા માટે તેમને કૉલેજ તરફથી સ્કૉલરશિપ આપવામાં આવી, પરંતુ તેમણે તે ન સ્વીકારતાં ભારતમાં જ રહેવાનો નિર્ધાર કર્યો. બી.એસસી.ના અભ્યાસ બાદ તેમણે કારખાનામાં નોકરી શરૂ કરી હતી. ઈ. સ. ૧૯૪૧માં તેમણે મુંબઈના જોગેશ્વરીમાં ‘એક્સલ કંપનીની શરૂઆત કરી હતી. તેમણે પ્રયોગશાળામાં અનેક રસાયણો બનાવ્યાં હતાં. આઝાદીની લડત દરમિયાન તેમણે ૧૯૪૨-૪૩માં ભૂગર્ભવાસીઓને હાથબનાવટના બૉમ્બ પૂરા પાડ્યા હતા. હવાઈ દળને ટિટેનિયમ ટેટ્રા ક્લોરાઇડ સ્મોકસ્ક્રીનની જરૂરિયાત પણ પૂરી પાડી હતી. અનાજને જીવાણુમુક્ત કરવા સરકારને સેલ્ફોસની જરૂરિયાત પૂરી પાડી હતી. કેટલાંક રસાયણોનું ઉત્પાદન ભારતમાં શક્ય બનાવવા માટે ૧૯૭૦ની સાલમાં ‘એક્સલ’ને ‘એક્સપૉર્ટ સબસ્ટિટ્યૂશન’નો સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત ૧૯૮૩માં કેમટેક ફાઉન્ડેશનનો પર્યાવરણવિદનો અને ૧૯૯૬માં એન્વાયરન્મેન્ટ લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પ્લાસ્ટિકનું ફર્નિચર બનાવવાનું શ્રેય પણ ચાંપરાજભાઈને જાય છે.

અંજના ભગવતી