જ. 12 નવેમ્બર, 1879 અ. 26 સપ્ટેમ્બર, 1966

વિદ્વાન કાયદાશાસ્ત્રી અને ત્રાવણકોરના દીવાન ચેતપુટ પટ્ટાભિરામન રામાસ્વામી ઐયરનો જન્મ તમિળનાડુના વાંડીવાશમાં થયો હતો. શાળેય શિક્ષણ વેસ્લી કૉલેજ હાઈસ્કૂલમાં લીધું. પછી પ્રેસિડેન્સી કૉલેજ, ચેન્નાઈમાં અભ્યાસ કર્યો. આ દરમિયાન અંગ્રેજી, સંસ્કૃત અને ગણિતમાં ઇનામો મેળવ્યાં. નેબ્યુલર થિયરી અંગે પેપર લખીને એલ્ફિન્સ્ટન પુરસ્કાર મેળવ્યો. મદ્રાસ લૉ કૉલેજમાંથી ગોલ્ડમેડલ મેળવી ડિગ્રી મેળવી અને ચેન્નાઈમાં વકીલાત શરૂ કરી. 1920માં મદ્રાસ પ્રેસિડેન્સીના ઍડ્વોકેટ જનરલ બન્યા. તેઓ કેન્દ્રીય વિધાનસભામાં પણ ચૂંટાયા હતા. 1923માં ચેન્નાઈના ગવર્નરની અને 1931માં ભારતના વાઇસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના કાયદાસભ્ય તરીકે નિમાયા. તેઓ લીગ ઑફ નૅશન્સમાં ભારતીય પ્રતિનિધિ હતા. 1936થી 1947 સુધી ત્રાવણકોરના દીવાનપદે રહ્યા. તેમણે ત્રીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સચિવ હતા અને એની બેસન્ટને જેલ થતાં તેમના અખબાર ‘ન્યૂ ઇન્ડિયા’નું સંપાદન કર્યું હતું. તેમણે લોકોપયોગી અનેક કાર્યો કર્યાં. પાયકાર ડૅમ અને મેટ્ટુર ડૅમના બાંધકામ તેમજ કોચીન, વિશાખાપટ્ટનમ્ અને તુતીકોરીન બંદરોનો વિકાસ કર્યો. તેમણે કાશ્મીર રાજ્ય માટે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો. તેમણે 1937માં મહારાજાને ચાન્સેલર રાખીને ત્રાવણકોર યુનિવર્સિટીની સ્થાપના કરી. તેમના દીવાનપણા હેઠળ ત્રાવણકોર ભારતમાં માર્ગ પરિવહનનું રાષ્ટ્રીયકરણ કરનાર પ્રથમ રાજ્ય બન્યું. તેમણે પહેલી વાર મધ્યાહન ભોજન યોજના શરૂ કરી. 1947માં તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રાવણકોરના દીવાનપદેથી રાજીનામું આપી લંડન ગયા. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટી અને અન્નામલાઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. એકસાથે બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનનાર પ્રથમ ભારતીય હતા. 1926માં તેમને નાઇટ કમાન્ડર ઑફ ધ ઑર્ડર ઑફ ધ ઇન્ડિયન એમ્પાયર (KCJE) અને 1941માં નાઇટ કમાન્ડર ઑફ ધ ઑર્ડર ઑફ ધ સ્ટાર ઑફ ઇન્ડિયા(KCSI)નો ખિતાબ આપવામાં આવ્યો હતો. 1939માં ત્રાવણકોર યુનિવર્સિટી દ્વારા માનદ એલ.એલ.ડી.ની પદવી આપવામાં આવી હતી.
અનિલ રાવલ


