સાહિત્યકાર પાસે સંવેદનાની મૂડી હોય છે. એ પોતાની સંવેદનાને શબ્દનો આકાર આપતો હોય છે, એણે સંવેદનાને ઉચિત રીતે જાળવવી પડે છે. પરંતુ જો યોગ્ય માવજત કરે નહીં, તો એની સંવેદના કે એનું સત્ય વ્યાપક નહીં બને, પણ અન્યને વાગનારું બનશે. પ્રત્યેક માનવી પાસે સંવેદનાની મૂડી હોય છે, પરંતુ સાહિત્યકાર પાસે એને શબ્દરૂપ આપવાની શક્તિ હોય છે. પણ એ પોતાની સંવેદનાને અંગત સ્વાર્થ સાથે જોડી દેશે તો એ સંવેદના અહંકારવૃત્તિ બની જશે. આથી જ સાહિત્યકારે સમાજ વચ્ચે જીવવાની જરૂર એ માટે છે કે એ અન્યનાં સુખ-દુ:ખ, ઉલ્લાસ અને વિષાદ જેવા ભાવોને પામી શકે અને એ રીતે પોતાની સંવેદનાનો વિસ્તાર સાધી શકે. સંવેદનાની પણ જબરી ચાલબાજી હોય છે. કેટલાક સર્જક આવી સંવેદનાની થોડી મૂડી સાથે આવે છે અને પછી એ ખર્ચાઈ જતાં બેબાકળા બની જાય છે. એની એકાદી કૃતિ વખણાય છે, પછી સંવેદનાનો ખાલીપો અનુભવતા પોતાની સંવેદનાને જુદા જુદા વેશ પહેરાવીને પ્રગટ કરવા કોશિશ કરે છે અથવા તો એને ચબરાકિયાં અજમાવવાં પડે છે. સાચી સંવેદના વિનાના સર્જકો તુક્કાઓની રચના કરતા હોય છે અને એ તુક્કાઓમાં એમની કૃત્રિમતા દેખાયા વિના રહેતી નથી. આજનો સર્જક એની સંવેદનાનો વિસ્તાર સાધશે નહીં, તો એનું સાહિત્ય વધુ ને વધુ સંકુચિત બની જશે. એને સંવેદનાના નવા નવા પ્રદેશો શોધવાના છે. બે દાયકા પહેલાંની સમસ્યાઓ કાળગ્રસ્ત બની ગઈ હોય છે અને તેથી જ નવી નવી સંવેદનાઓ સાથે સર્જકે પનારો પાડવો જોઈએ. આ સંવેદના એ સર્જક-આત્માનો અવાજ છે.
કુમારપાળ દેસાઈ