Categories
વાચન સમૃદ્ધિ

આપણી પીડાનો આપણને સંદેશ

તમે માનસિક રીતે હતાશા અનુભવો છો ? શરીરનો મેદ એટલો બધો વધી ગયો છે કે સાંધામાં પારાવાર દુઃખાવો થાય છે ? કુટુંબજીવનમાં ચાલતા ક્લેશથી વારંવાર લાગણીમય આઘાતો અનુભવવા પડે છે ? જીવનમાં વ્યક્તિ માનસિક, શારીરિક કે લાગણીમય પીડા અનુભવે છે, ત્યારે એ પોતાની પીડાને માથે લઈને ફર્યા કરે છે અને સતત એનાં જ ગીત ગાયા કરે છે. બીજી બધી બાબતો ભૂલીને પોતાની પીડાના વિચારને સતત ખંજવાળ્યા કરે છે. પરિણામે જીવનની પ્રત્યેક પીડામાં રહેલો સંદેશ એ પામી શકતો નથી. એ પીડા એને સાચી સલાહનો જે પુરસ્કાર આપે છે, તે પ્રાપ્ત કરી શકતો નથી. દરેક પીડા વખતે મન એમ વિચારે છે કે ‘આમ કર્યું હોત, તો આ ન થયું હોત. જીવનમાં સાચી સમજણ કેળવી હોત, તો હતાશા આવી ન હોત. ગુટકાના વ્યસનીઓ સમય જતાં થતી પીડાથી જ્યારે પરેશાન થાય, ત્યારે ગુટકાને દોષ આપે છે. શરીરની નબળાઈની ફરિયાદ કરે છે. ભૂખ લાગતી નથી, કહી વસવસો કરે છે, પણ વ્યસનના પ્રારંભકાળે જાગ્યો નહીં, તે એને યાદ આવતું નથી. નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક ખોરાક પર લક્ષ કેન્દ્રિત કરીને આરોગ્યનું ધ્યાન રાખ્યું હોત, તો સ્થૂળ કાયાને પરિણામે થયેલો સાંધાનો દુઃખાવો ન થયો હોત. નાની નાની તુચ્છ બાબતોને ભૂલીને સહુની સાથે પ્રેમથી વ્યવહાર કર્યો હોત તો આટલો મોટો કુટુંબક્લેશ થયો ન હોત. પ્રત્યેક પીડા મનને સતત એની ભૂલ બતાવે છે. પોતાની ભૂલનો એ વસવસો કરે છે અને પીડામાં જ પોતાનું જીવન વ્યતીત કરે છે, પરંતુ દરેક પીડાનો એક બીજો સંદેશ છે અને તે છે પીડામુક્ત બનવાનો. પીડાનો એ સંદેશ કાન દઈને સાંભળવો જોઈએ. તમારી પીડા કહે છે કે મનની હતાશા ખંખેરી નાખો, શરીરના આરોગ્યને પ્રાથમિકતા આપો અને કુટુંબમાં સ્નેહનું વાતાવરણ સર્જો.

Categories
વાચન સમૃદ્ધિ

સંસ્થાને દાન

વર્ષોનાં સંશોધન બાદ વિજ્ઞાની ડૉ. રુને જ્વલંત સફળતા મળી. ફ્રાન્સની પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સંસ્થા ‘પેસ્ટો’માં અનેક પ્રયોગો કરીને ડૉ. રુએ બાળકોના ગળાના રોગ સામે પ્રતિકારક દવા શોધી કાઢી. અનેક બાળકો આ રોગને પરિણામે મૃત્યુ પામતાં હતાં. આથી એની રોગપ્રતિકારક રસી શોધવાનો આ વિજ્ઞાનીએ સંકલ્પ કર્યો હતો અને તે સિદ્ધ કર્યો. પોતાની આ શોધને પેટન્ટ બનાવીને ડૉ. રુ અઢળક કમાણી કરી શકે તેમ હતા. જાણીતી કંપનીઓએ પણ આ શોધની પેટન્ટ પોતાને આપવા માટે ડૉ. રુને મોટી રકમની ઑફર કરી, પરંતુ બાળકલ્યાણની ભાવના ધરાવતા માનવતાવાદી ડૉ. રુ એ વાતથી પૂરા વાકેફ હતા કે આવી ‘પેટન્ટ’ને કારણે દવા મોંઘી કિંમતે બજારમાં મળશે અને ગરીબ લોકોને એ ઉપલબ્ધ થશે નહીં. આથી એમણે મોટી કમાણી છોડીને પોતાની શોધનો લાભ સહુ કોઈને મળે તેવું કર્યું. ડૉ. રુને એમના આ સંશોધનને પરિણામે સમગ્ર ફ્રાન્સમાં અને ધીરે ધીરે વિશ્વમાં બહોળી ખ્યાતિ મળી. આવી શોધ માટે એમને અભિનંદન પાઠવવામાં આવ્યા અને એથીય વિશેષ એમની ઉન્નત ભાવના અંગે સહુ કોઈએ પ્રસન્નતા વ્યક્ત કરી.  એક વાર એમને મળવા માટે આવેલા મહાનુભાવે ડૉ. રુને કહ્યું, ‘આપે મહાન સંશોધન કર્યું છે, અનેક બાળકોને જીવન બક્ષ્યું છે, આથી ખુશ થઈને હું તમને મોટી રકમ ભેટ રૂપે આપવા લાવ્યો છું. આ રકમ એટલી મોટી છે કે તમારે જિંદગીમાં ક્યારેય નાણાભીડ અનુભવવી નહીં પડે. આપ એનો સ્વીકાર કરો.’ ડૉ. રુએ એનો સ્વીકાર કર્યો, પણ સાથે સાથે કહ્યું, ‘જુઓ, આ સંશોધન હું કરી શક્યો, કારણ કે ‘પેસ્ટો’ સંસ્થાએ મને સઘળી સગવડ કરી આપી. બીજા વિજ્ઞાનીઓને પણ આવી અનુકૂળતા સાંપડે, તે માટે આ સઘળી રકમ હું ‘પેસ્ટો’ને આપી દઈશ.’

ડૉ. રુએ બધી જ રકમ ‘પેસ્ટો’ને આપી દીધી અને નિસ્પૃહતાનું દૃષ્ટાંત પૂરું પાડ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

આ તો ‘ઇઝી લાઇફ’ કે ડેડ લાઇફ !

આધુનિક માનવી ‘ઇઝી લાઇફ’ની શોધમાં નીકળ્યો છે. એ વારંવાર ‘ઇઝી લાઇફ’ માટે પ્રયત્ન કરતો જોવા મળે છે, પણ હકીકતમાં તો જેણે ‘ઇઝી લાઇફ’ જોવી છે, એણે કબ્રસ્તાનને જોવાની જરૂર છે. આવું જીવન કબ્રસ્તાનમાં સૂતેલા માણસોમાં છે, જીવંત માણસોમાં નહીં. ‘ઇઝી’ એટલે શું ? જેમાં સવાર પડે અને સાંજ પડે અને પછી રાત પડે ને વળી દિવસ ઊગે. મોજ અને મસ્તીમાં માનનારી આ ‘ઇઝી લાઇફ’ પાસે જીવનનો કોઈ ઘાટ હોતો નથી અને ઘાટના અભાવે એની પાસે કોઈ મૂલ્ય હોતું નથી. આવી વ્યક્તિ કશી પ્રાપ્તિમાં માનતી નથી. મહેનત કરવી એને ગોઠતી નથી અને મથામણથી સદૈવ દૂર ભાગે છે. સગવડ એનું સર્વસ્વ હોય છે. અનુકૂળતા એની અવિરત શોધ હોય છે. સ્થૂળ આનંદ એ એનું શ્રેષ્ઠ મનોરંજન હોય છે. આનો અર્થ જ એ કે કશાય પડકાર વિનાની જિંદગી એટલે ‘ઇઝી લાઇફ’, પણ પાયાનો સવાલ એ છે કે જ્યાં કોઈ પડકાર કે સંઘર્ષ ન હોય, ત્યાં જીવનનું કેન્દ્ર બંધાતું નથી. જીવનનું સત્ત્વ તો સંઘર્ષ વચ્ચે જ બંધાય છે. મુશ્કેલીઓ જ એની માણસાઈની અગ્નિપરીક્ષા બને છે. ઝંઝાવાતો પાર કરીને આગળ આવનાર જ પરિવર્તન સર્જી શકે છે. હાથ-પગ જોડી બેઠા બેઠા સુખેથી જિંદગી કાઢનાર પાસે મસ્તી, શક્તિ કે માનવતા નહીં જડે. આજની આધુનિક જીવનપદ્ધતિએ ખાવું, પીવું અને મસ્તીથી જીવવું એટલે જીવન – એવી વ્યાખ્યા કરી છે, પરંતુ આ પ્રકારના જીવનમાં વિચારોની દૃઢતા હોતી નથી. ધ્યેય માટેનું સમર્પણ હોતું નથી. હકીકત એ છે કે જે જીવનમાં પ્રયત્ન કે પુરુષાર્થ નથી, વિચારો કે આદર્શો નથી, એ જીવન જીવન નથી. માત્ર ખોખલું અસ્તિત્વ છે. તફાવત એટલો કે આવી વ્યક્તિ મૃત બનીને કબ્રસ્તાનમાં સૂતી હોતી નથી, પરંતુ મૃત બનીને ચાર દીવાલો વચ્ચે વસતી હોય છે.