Categories
વાચન સમૃદ્ધિ

જીવનમાં ખેલાડીને બદલે અમ્પાયર બનવું

જીવન એક ખેલ છે અને પ્રત્યેક વ્યક્તિ એનો ખેલાડી છે. એ વ્યક્તિ ખેલાડી રૂપે સવાર, બપોર અને સાંજ ખેલે જ જાય છે. રાત્રે પણ એ સ્વપ્નના મેદાનમાં રમતો જ હોય છે. રાત-દિવસ આ ખેલ ચાલતો રહે છે. એમાં જીત થાય તો ખેલાડી કૂદી ઊઠે છે, ઝૂમી ઊઠે છે, નાચવા લાગે છે. હાર થાય તો  લમણે હાથ મૂકી હતાશ થઈને બેસી જાય છે. ચોવીસ કલાક માનવી ખેલાડીના સ્વાંગમાં ઘૂમ્યા કરે છે. પ્રાપ્તિ માટે દોડ લગાવે છે. આ મેળવી લઉં કે તે મેળવી લઉં એમ વિચાર કરતો દોડ્યે જ જાય છે. એની સતત દોડ એવી બની જાય છે કે એ પોતે ઊભો રહી શકે છે, તે વાતને જ ભૂલી જાય છે. ભીતરની દુનિયા પર તો એની નજરેય ફરતી નથી. આવી દોડ લગાડનારો માનવી સતત બીજાને જોતો હોય છે, પોતાને નહીં. પોતાની જાતની એ ફિકર કરતો નથી. બીજાને હરાવવા માટે એ સતત કોશિશ કરે છે.  હરીફ પોતાને આંટી જાય નહીં, તે માટે એના પર સતત નજર રાખે છે. એના ડગલાથી પોતે એક-બે ડગલાં નહીં, પણ અનેક ડગલાં આગળ હોય એવા ભાવ સાથે ઊંચા શ્વાસે લાંબી ફાળ ભરતો હોય છે. પોતાના વિજયને બદલે જીવનના મેદાનમાં પ્રતિસ્પર્ધીના પરાજયને માટે દિવસે મહેનત અને રાત્રે ઉજાગરા કરતો હોય છે. આવી વ્યક્તિએ બીજાને જોતી હોય તે રીતે પોતાની જાતને જોવાનો પ્રયાસ કરવો જોઈએ. ખેલાડીના બદલે એણે અમ્પાયર થવું જોઈએ અને પોતે જ પોતાના ખેલનો નિર્ણય આપવો જોઈએ. એ ખેલાડીમાંથી દર્શક કે નિર્ણાયક થશે એટલે સ્વયં એના જીવનમાં પરિવર્તન આવશે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કર્તવ્યની બલિવેદી પર

પ્રસિદ્ધ ફ્રેન્ચ રસાયણવિદ અને સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રી લૂઈ પાશ્ચર (ઈ. સ. ૧૮૨૨-૧૮૯૫) પાસે વિજ્ઞાનની અદભુત આંતરસૂઝ અને પ્રાયોગિક નિપુણતા હતી. એમણે જે ક્ષેત્રમાં કાર્ય કર્યું, તેમાં પાયાનાં સંશોધનો કર્યાં અને સવિશેષ તો માનવજાતના કલ્યાણ માટે અને ઉદ્યોગો માટે આ સંશોધનો કર્યાં. ખાદ્ય-પદાર્થોને જંતુમુક્ત બનાવવાની (પાશ્ચરીકરણ) રીત અને રોગ સામેથી પ્રતિકારક રસી(વૅક્સિન)ની શોધ જેવી મહત્ત્વની શોધો કરી. દૂધ અને ખાદ્યસામગ્રીની સાચવણી માટેની એમણે કરેલી પાશ્ચરીકરણની રીત ઘણી પ્રચલિત બની. એમણે પ્રાણીના રોગો પર પણ સંશોધન કર્યું. એ સમયે રેશમઉદ્યોગ એ ફ્રાંસનો એક મોટો ઉદ્યોગ હતો. ૧૮૬૨માં રેશમના તાંતણા ઉત્પન્ન કરતા કીડા કોઈ રોગને કારણે મરી જવા લાગ્યા અને દેશનો મહત્ત્વનો ઉદ્યોગ ભયમાં મુકાઈ ગયો. આ સમયે પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી અને લૂઈ પાશ્ચર પર પ્રભાવ પાડનાર જ્યાં બાપ્તિસ્તે ડૂમાએ પાશ્ચરને આ રોગનો અભ્યાસ કરવાની વિનંતી કરી. આને માટે લૂઈ પાશ્ચર પૅરિસ છોડી અલાઇસ ગયા અને તેમણે રોગકારક બે જીવાણુઓ શોધી રેશમના કીડાને રોગમુક્ત કર્યા. આ સંશોધન દરમિયાન લૂઈ પાશ્ચરનાં ત્રણ સંતાનો બીમાર થતાં મૃત્યુ પામ્યાં ત્યારે એમને સાંત્વના આપવા આવેલા એક સ્વજને એમને કહ્યું, ‘શાબાશ, તમે ખરા હિંમતબાજ છો. ત્રણ ત્રણ બાળકોનાં દુ:ખદ અને આઘાતજનક અવસાન થયાં છતાં તમે હિંમત હાર્યા વગર કામ કર્યે જાઓ છો.’ લૂઈ પાશ્ચરે સહજતાથી કહ્યું, ‘હિંમતની તો મને ખબર નથી, પરંતુ આ મારી ફરજ છે અને હું એ મારી ફરજમાં સહેજે ચૂક થાય, તેમ ઇચ્છતો નથી.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

અશુભના બળને ઉવેખવા જેવું નથી

માનવી છે નાયક કે ખલનાયક ? માનવી સ્વભાવે શુભ વૃત્તિઓવાળો છે કે અશુભ વૃત્તિઓવાળો ? માનવીમાં તેજ-અંધાર સાથોસાથ વસતાં હોવાનું કહીએ છીએ. રામ અને રાવણ બંને હૈયામાં હોવાનું વર્ણવીએ છીએ. એના હૃદયમાં કુરુક્ષેત્ર પર સત્યરૂપી પાંડવો અને અસત્યરૂપી કૌરવોનું યુદ્ધ સદા ખેલાય છે તેમ મનાય છે, પરંતુ માનવીમાં મૂળભૂત રૂપે શુભ છે કે અશુભ ? માનવી તત્ત્વત: શુભનો બનેલો છે. શુભ એ એની મૂળ પ્રકૃતિ છે, પરંતુ એ મૂળ પ્રકૃતિ પર ચિત્તની લોલુપતા, કામુકતા કે સ્વાર્થાંધતાના આવરણનું આચ્છાદન થાય છે અને પરિણામે લોલુપ, કામુક અને સ્વાર્થી માનવી સર્જાય છે. ક્રમશ: એની શુભ પ્રકૃતિ પર અશુભ વિકૃતિ પોતાનો કાબૂ જમાવે છે અને તેથી આવો માનવી અન્યાયી નકારાત્મક કે સંહારક કાર્યો કરે છે. એની મૂળ પ્રકૃતિના સૂર્યની આગળ વિકૃતિનાં વાદળ જામી જાય છે. આવા માનવીને પછી એ શુભ પ્રકૃતિનો સૂર્ય દેખાતો નથી, માત્ર અશુભનાં આમતેમ વાદળોમાં જીવે છે. શુભમાં ઠંડી તાકાત છે, અશુભમાં તીવ્ર ઉછાળ છે. શુભ સમર્થ છે અને અશુભ અસમર્થ છે એવું નથી. જેમ શુભનું બળ હોય છે એ જ રીતે અશુભ પણ પ્રબળ બને છે. શુભની ભાવના મનની પવિત્રતા સાથે સંકળાયેલી છે, જ્યારે અશુભની ભાવના મોહકષાયનું આકર્ષણ ધરાવનારી છે. અશુભનું બળ તોડવા માટે શુભ સંકલ્પનો ઉપયોગ કરવો પડે છે. સત્યની કૃતિ સર્જીને વિકૃતિને હટાવવા માટે કોશિશ કરવી પડે છે. વિકૃતિનાં વાદળ હટે અને શુભ પ્રવૃત્તિનો સૂર્ય ઊગે ત્યારે માનવી તમસમાંથી જ્યોતિ તરફ, અસતમાંથી સત્ તરફ અને મૃત્યુમાંથી અમૃતત્વ તરફ પ્રયાણ કરે છે.