Categories
વાચન સમૃદ્ધિ

‘હું’ને હંમેશાં મૃત્યુ ડરામણું લાગે છે

અહંકાર અને અવસાન વચ્ચે ગાઢ દોસ્તી છે. બંનેનો સંબંધ ‘હું’ સાથે છે અને બંને વ્યક્તિના જીવન પર એટલાં જ પ્રભાવક હોય છે. આ ‘હું’ને કારણે અહંકારી માનવી પોતાના માન અને તાનમાં જીવે છે અને આ ‘હું’ને કારણે મૃત્યુગામી માનવી સતત ‘હું’ના મૃત્યુના ભયમાં જીવે છે. ‘આ મેં કર્યું, અથવા તો ‘જો હું ન હોત તો આ થાત નહીં’ એમ કહેનારી અહંકારી વ્યક્તિનો ‘હું’ સતત મોટો થાય છે, પછી એ ‘હું’ જ એની પાસે પોષણ માગે છે અને એટલે જ એના પ્રત્યે કામમાં કે એની દરેક વાતમાં એનો ‘હું’ જ મૂરખ બનીને આગળ રહે છે. આવી જ રીતે ‘હું મૃત્યુ પામીશ’ એમ વ્યક્તિ માનતી હોય છે. હકીકતમાં એની જીવનયાત્રા તો સતત ચાલતી હોય છે, છતાં એને એના ‘હું’ના મૃત્યુનો ભય છે. એ અવસાનને જ જીવનનો અંત માની બેઠી છે અને તેથી જ એના ‘હું’ને મારી નાખનારું મૃત્યુ એને ડરામણું અને ભયાવહ લાગે છે. ‘હું’ જાય તો જીવનમાંથી અહંકાર જાય છે. ‘હું’ ઓગળી જાય તો મૃત્યુનો ભય ચાલ્યો જાય અને એવું થાય તો વ્યક્તિ પોતાના જીવનની ધારાને સમજી શકે છે. અહંકાર જીવનમાં દીવાલો બાંધે અને પછી એ દીવાલોમાં જ અહંકારી કેદ બની જાય છે. આસપાસની ચારે દીવાલોમાં પોતાનું એકચક્રી સામ્રાજ્ય ઊભું કરીને અહંકારનું પોષણ કરે છે. એનો અહંકાર વસતો હોય છે એના હૃદયમાં; પરંતુ પ્રગટ થતો હોય છે એની વાણી, ચેષ્ટા, વર્તન અને વિચારમાં. આવા અહંકારી પાસે માત્ર પોતાની આંખો હોય છે. બીજાની નજરે જોવાની દૃષ્ટિ એને મળી હોતી નથી.

Categories
વાચન સમૃદ્ધિ

મનની કેદ

ઍડૉલ્ફ હિટલર(૧૮૮૭-૧૯૪૫)ને એવો અહંકાર હતો કે ફક્ત જર્મનો જ જગતમાં શુદ્ધ લોહીવાળા, શક્તિશાળી અને શ્રેષ્ઠ આર્યો હોવાથી એ દુનિયા પર રાજ્ય કરવાની યોગ્યતા ધરાવે છે. એને ન કોઈ ગુલામ બનાવી શકે કે ન કોઈ હરાવી શકે. પોતાની જાતિની શ્રેષ્ઠતાના આવા ખ્યાલથી એણે યહૂદીઓની મોટે પાયે સામૂહિક હત્યા કરી. આ હત્યાને માટે એણે ‘કોન્સન્ટ્રેશન કૅમ્પ’ ઊભા કર્યા અને જર્મનીના આ કોન્સન્ટ્રેશન કૅમ્પમાં અને યુરોપના અન્ય દેશોમાં સાઠ લાખ જેટલા યહૂદીઓને હિટલરના હુકમથી મારી નાખવામાં આવ્યા. એની ‘ગૅસ ચેમ્બર્સ’માં એણે માણસોને ગૂંગળાવીને મારી નાખ્યા. યુરોપના લગભગ સાઠ ટકા યહૂદીઓની આવી એણે ક્રૂર કતલ કરાવી અને એ કહેતો કે ‘કોઈ પણ જાતની દયા વગર પાશવી બળથી દુશ્મનોનો નાશ કરો.’ આવા હિટલરના કોન્સન્ટ્રેશન કૅમ્પમાંથી થોડાક ભાગ્યશાળી લોકો એક યા બીજા પેંતરા અજમાવીને ઊગરી ગયા. આવી રીતે કોન્સન્ટ્રેશન કૅમ્પમાંથી બચેલા અને નાઝી અફસરોને મહાત કરનારા બે મિત્રો વર્ષો પછી મળ્યા ત્યારે પહેલા મિત્રએ પૂછ્યું, ‘આ નાઝીઓએ ભારે કત્લેઆમ ચલાવી. કોઈ શાસકે આટલી મોટી સંખ્યામાં માનવ-હત્યાઓ કરી નથી. આપણે વર્ષો સુધી મોતના ભય હેઠળ જેલમાં પુરાઈ રહ્યા, પણ હવે વર્ષો બાદ તેં એ નાઝીઓને માફી આપી છે ખરી ?’ બીજી વ્યક્તિએ કહ્યું, ‘હા, મેં એમને માફી આપી દીધી છે.’ ત્યારે પહેલા મિત્રએ આક્રોશથી કહ્યું, ‘ના, હજી હું એ ભયાવહ દિવસો સહેજે ભૂલ્યો નથી. એ યાતના અને પારાવાર વેદનાઓ એટલી જ તાજી છે. નાઝીઓ પ્રત્યેનો મારો ધિક્કાર સહેજે ઓછો થયો નથી. એ દિવસો મારાથી કેમેય ભુલાતા નથી.’ બીજા મિત્રએ કહ્યું, ‘તો તું હજીય નાઝીઓની કેદમાં જ છે !’

Categories
વાચન સમૃદ્ધિ

સાંત્વના અને આશ્વાસન સત્યથી વેગળું છે

જેને આધાર રૂપે સ્વીકારીને વ્યક્તિ પોતાનું સમગ્ર જીવન જેના પર ટેકવી દે છે એ સત્ય છે કે માત્ર સાંત્વના છે, એની એણે ખોજ કરવી જોઈએ. વ્યક્તિ સત્ય પામવા રાજી હોતો નથી, કારણ કે એ સત્ય આકરું હોય છે અને એની પ્રાપ્તિ માટે ઘણી તાવણીમાં તપવું પડે છે. સત્ય એ કોઈ જાતની બાંધછોડ કે શિક્ષક કહેશે તોપણ હું ચોરી નહીં કરું. એમાં સત્યનો સ્વીકાર છે, જ્યારે સાંત્વના શોધનારો માણસ એમ કહેશે કે જ્યારે શિક્ષક જ ચોરી કરવાનું કહે છે, તો પછી ચોરી કરવામાં વાંધો શો ? ચોરી કરી શકાય. આમ સાંત્વના એ કોઈ એક એવું આશ્વાસન શોધી કાઢશે અને પછી વ્યક્તિ એને સર્વમાન્ય ગણીને એનું જીવન ગાળતો રહેશે. આવી સાંત્વનાઓની જનની જૂઠાણું છે. એક ખોટી કે જુઠ્ઠી વાતને સ્વીકારીને વ્યક્તિ એમાંથી આશ્વાસન મેળવતો હોય છે. એ પોતાની નિષ્ફળતાને સમજવાને બદલે પોતાનાં કર્મોને દોષ આપતો હોય છે. ક્યારેક તો પૂર્વજન્મમાં કરેલાં કાર્યોને કારણે આવું થયું હશે એમ કહીને મનને મનાવતો હોય છે. ક્યારેક એ ઋણાનુબંધનો આશરો લેતો હોય છે અને જેની સાથે એને દુર્ભાવ હોય, એને અંગે એમ માનતો હોય છે કે એની સાથે એનો ઋણાનુબંધ નથી ! ક્યારેક આવી સાંત્વના મેળવવા માટે એ તંત્ર, મંત્ર કે જ્યોતિષનો આશરો લેતો હોય છે અને જ્યોતિષી એને એમ કહે કે એના જીવન પર કોઈ ગ્રહની કુદૃષ્ટિ છે એટલે એ જીવનમાં આવતી બધી જ મુશ્કેલીઓને માટે ગ્રહની કુદૃષ્ટિનું આશ્વાસન મેળવી લે છે. આમ અસત્ય વસ્તુઓને પણ પરમ સત્ય તરીકે સ્વીકારવા લાગે છે અને એનું પરિણામ એ આવે છે કે એનું આખુંય જીવન એ સાંત્વના અને આશ્વાસનનાં સ્થાનો શોધવામાં જાય છે. સત્યના સૂર્યનું એક કિરણ પણ એને લાધતું નથી.