Categories
વાચન સમૃદ્ધિ

ધૂળનું વાવેતર

‘ફિલાડેલ્ફિયા બુલેટિન’ સામયિક એની કેટલીક વિશેષતાઓ માટે પ્રસિદ્ધ હતું. એની એક વિશેષતા હતી સત્યોને આકર્ષક રીતે પ્રસ્તુત કરવાની. એના સંપાદક ફ્રેડ ફૂલર શેડ છટાદાર શૈલીમાં એવી રીતે વિચારોનું આલેખન કરતા કે વાચકને તે અત્યંત હૃદયસ્પર્શી બની જતું. સાંપ્રત સંવેદનાઓ અને સમસ્યાઓનું તેઓ પ્રભાવક રીતે આલેખન કરતા. સંપાદક ફ્રેડ ફૂલર શેડ આ કલામાં માહિર હતા. એક વાર આ સંપાદકને કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન માટે નિમંત્રણ આપવામાં આવ્યું. ફ્રેડ ફૂલર શેડે કૉલેજના યુવાન વિદ્યાર્થીઓને પૂછ્યું, ‘તમારામાંથી કોઈએ એમના જીવનમાં કોઈ લાકડું કાપ્યું છે ખરું ?’ આ વિસ્તારમાં એ સમયે ઘણા યુવાનો ખેતીકામ કરતા હતા. સંપાદકનો આ સવાલ સાંભળતાં ઘણાએ આંગળી ઊંચી કરી. એ પછી એમણે બીજો પ્રશ્ન પૂછ્યો, ‘તમારામાંથી કોઈએ ખેતરમાં બીજની જગ્યાએ ધૂળની વાવણી કરી છે ખરી ?’ યુવાન વિદ્યાર્થીઓ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, ‘આવું તે થતું હશે ? ધૂળ કંઈ વાવી શકાય ખરી ?’ ફ્રેડ ફૂલર શેડે કહ્યું, ‘દોસ્તો, તમારી વાત સાવ સાચી છે. ખેતરમાં ધૂળ વાવી શકાય નહીં, કારણ કે એ પહેલેથી જ ત્યાં મોજૂદ હોય છે, ખરું ને !’ વિદ્યાર્થીઓએ આ વાતનો સ્વીકાર કર્યો. ફ્રેડ ફૂલર શેડે કહ્યું, ‘ભૂતકાળની બાબતોને વારંવાર ઉખેળીને વર્તમાનને જીવવાનો પ્રયાસ કરવો નહીં. અતીતમાં દફનાવેલી બાબતોને તમે સતત બહાર લાવવાનો પ્રયાસ કરશો, તો તે તમારા ખેતરમાં ધૂળ વાવવા જેવું ગણાશે. એનો કશો જ અર્થ નથી.’

Categories
વાચન સમૃદ્ધિ

આગળ છલાંગ લગાવીને સિદ્ધિ મળતી નથી

ધ્યેયસિદ્ધિ માટે આગળ નજર રાખીને ચાલવાનું સહુ કોઈ કહે છે, પરંતુ હકીકતમાં ધ્યેયસિદ્ધિ માટે પાછલા પગે ચાલવાની આવડત હોવી જોઈએ. ધ્યેય નક્કી કરીને માત્ર આગળ ચાલનારને સિદ્ધિ મળતી નથી, પરંતુ એક વાર ધ્યેય નક્કી કરીને જે પાછલા પગે ચાલીને વિચાર કરે છે કે કઈ કઈ ક્ષમતા અને યોગ્યતા પ્રાપ્ત કરું તો આ સિદ્ધિ મળે, તેવી વ્યક્તિ સફળ થાય છે. આવી વ્યક્તિ પોતાની ધ્યેયપ્રાપ્તિનો નકશો તૈયાર કરે છે એટલે કે એને એકસોના આંકડે પહોંચવું હોય તો પહેલાં પાછળ જઈને એકના આંકડાથી શરૂઆત કરવાની હોય છે. આનો અર્થ એ કે ધ્યેયપ્રાપ્તિ માટે યોગ્ય આયોજન કરવું પડે છે. એની પાસે કેટલી શક્તિ અને સાધનસામગ્રી છે અને કેટલી શક્તિ અને સાધનસામગ્રીની એને જરૂર પડશે. કયા કયા સમયે કેટલું કાર્ય સિદ્ધ થવું જરૂરી છે કે જેથી એ એના અંતિમ મુકામે સમયસર પહોંચી શકે. રસ્તામાં આવનારી પ્રત્યેક મુશ્કેલીઓ વિશે એ આગોતરો વિચાર કરી રાખશે અને પછી એણે એકેએક પગલે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવાનો છે અને એને માટે એને કેવી સજ્જતા કેળવવાની છે એનો વિચાર કરીને સમગ્ર કાર્યનું આયોજન કરશે, કારણ કે એ જાણે છે કે રાતોરાત સિદ્ધિ સાંપડતી નથી. એનો પંથ ઘણો લાંબો હોય છે. એમાં એક પછી એક પગલાં ભરીને આગળ વધવાનું હોય છે. કોઈ છલાંગ લગાવીને સિદ્ધિ મેળવી શકાતી નથી. અને એ રીતે પોતાની આજની, આવતી કાલની અને ધ્યેયપ્રાપ્તિ થાય ત્યાં સુધીની જરૂરિયાતોનો વિચાર કરી લેતા હોય છે. માત્ર વિચાર કરવાથી, શુભેચ્છા વ્યક્ત કરવાથી કે સદભાવનાથી સિદ્ધિ સર્જાતી નથી. એને માટે લાંબા ગાળાનું આયોજન, વ્યવસ્થિત પ્રયત્ન અને શક્તિનો વાસ્તવિક અંદાજ જરૂરી છે.

Categories
વાચન સમૃદ્ધિ

કૃતિ એ જ સર્વસ્વ

બ્રિટનના વિખ્યાત શિલ્પકાર સ્ટોરીની વિશેષતા એ હતી કે તે એવી મૂર્તિઓનું નિર્માણ કરતો કે જાણે એ વ્યક્તિ સાક્ષાત્ જીવંત લાગતી. એનાં શિલ્પોને સહુ ‘બોલતાં શિલ્પો’ કહેતા, કારણ કે વ્યક્તિના ચહેરાને પથ્થરમાં કંડારીને એને જીવંત કરવાની એની પાસે બેનમૂન કલા હતી. શિલ્પી સ્ટોરીએ બ્રિટનના રમણીય ઉદ્યાનમાં મૂકવા માટે જ્યૉર્જ પિવોડીની મૂર્તિનું સર્જન કર્યું. આની પાછળ અથાગ પરિશ્રમ કર્યો. એના ચહેરાની રેખા પથ્થરમાં પ્રગટે એ માટે રાત-દિવસ મહેનત કરી. ઉદ્યાનમાં એ શિલ્પનું અનાવરણ કરવાનું નક્કી થયું અને સહુએ એક અવાજે કહ્યું કે આ અદભુત શિલ્પની અનાવરણ વિધિ આવા અનુપમ શિલ્પીના હસ્તે થવી જોઈએ, જેણે આવી કલા કંડારી, એને આ બહુમાન મળવું જોઈએ. દેશમાં આવા કલાકાર વિરલા છે. આવી કલાપ્રતિભા પણ ક્યાં જડે છે. સ્ટોરીનું સન્માન એ દેશની કલાનું સન્માન છે. રમણીય ઉદ્યાનમાં મોકાની જગ્યાએ જ્યોર્જ પિવોડીની મૂર્તિની અનાવરણ વિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. અનાવરણ કરતાં પૂર્વે સહુએ પ્રવચનો કર્યાં.  જનમેદનીના હર્ષનાદ વચ્ચે જ્યૉર્જ પિવોડીની મૂર્તિનું અનાવરણ થયું અને શિરસ્તા મુજબ સ્ટોરીને પ્રવચન આપવાનું કહેવામાં આવ્યું. સ્ટોરીની કલાસાધનાની રોમાંચક કથા સાંભળવાની સર્વત્ર જિજ્ઞાસા હતી. સહુ કાન માંડીને બેઠા હતા. ત્યારે શિલ્પકાર સ્ટોરીએ એ મૂર્તિ તરફ આંગળી ચીંધીને કહ્યું, ‘બસ, આ જ છે મારું ઉદઘાટન-પ્રવચન.’ આટલું કહીને એ સ્વસ્થાને બેસી ગયો. હર્ષધ્વનિ કરતા લોકો સમજ્યા કે કલાકારની સમગ્ર કૃતિ એ જ એનું આખું પ્રવચન હોય છે.