મન શયન કરે, તો નિદ્રા આવે !


આધુનિક માનવી એની અતિ વ્યસ્તતાને કારણે એ ભૂલી ગયો છે કે એના જીવનમાં નિદ્રાનું પણ કોઈ સ્થાન છે. અતિ પ્રવૃત્તિશીલ માનવી પલંગ પર સૂએ છે ખરો, પરંતુ એ દરમિયાન એના મનમાં દિવસભરની પ્રવૃત્તિઓનું અનુસંધાન સતત ચાલુ હોય છે. એનું માથું ઓશીકા પર ટેકવ્યું હોય છે, પરંતુ એ મસ્તિષ્કમાં આવેલું મન તો બજારની વધઘટમાં ડૂબેલું હોય છે. એના શરીરને આરામ નથી, કારણ કે હજી દુકાનનો હિસાબ અધૂરો છે. એના હૃદયમાં લોહીના પરિભ્રમણની સાથોસાથ કેટલીય અધૂરી યોજનાઓનું પરિભ્રમણ ચાલતું હોય છે.

એના મનની ચંચળતા જેવી દિવસે હતી, એવી જ પલંગ પર સૂતી વખતે હોય છે અને એની સક્રિયતામાં લેશમાત્ર પરિવર્તન  થતું નથી. માત્ર પરિસ્થિતિમાં પરિવર્તન હોય છે, પહેલાં એ પોતાની ઑફિસમાં હતો અને અત્યારે પોતાના ઘરના પલંગ પર છે. બાકી બધું એમનું એમ છે અને તેથી જ આ માનવીને ઊંઘ મેળવવા માટે દવાનો આશરો લેવો પડે છે.

વૃક્ષ નિરાંતે આરામ કરે છે, પશુપક્ષીને ક્યારેય અનિદ્રાનો રોગ લાગુ પડ્યો નથી. ગરીબ માનવીને અનિદ્રા કનડી શકતી નથી, પરંતુ અતિ પ્રવૃત્તિશીલ એવા ધનિક માનવીને નિદ્રા માટે તરફડિયાં મારવાં પડે છે. હકીકતમાં એનું મન તરફડિયાં મારતું હોય છે અને તેથી જ નિદ્રા એનાથી કેટલાય ગાઉ દૂર ચાલી ગઈ હોય છે.

માનવી શયન કરે એટલે નિદ્રા ન આવે. એનું મન શયન કરે, ત્યારે નિદ્રા આવે. જાગતું-દોડતું મન સૂતેલા માણસને જાગતો-દોડતો રાખે છે. થાકેલા શરીરનો, શોકગ્રસ્ત મનનો અને વ્યસ્ત જીવનનો કોઈ વિસામો હોય તો તે નિદ્રા છે.

કુમારપાળ દેસાઈ

મેળ બેસાડવાની બેચેની


સંત એકનાથનું આખું કુટુંબ વિઠ્ઠલભક્ત (કૃષ્ણભક્ત) હતું. એમના પિતા સૂર્યનારાયણ અને માતા રુક્મિણીબાઈ ભક્તિમાં ઓતપ્રોત રહેતાં હતાં. બાળપણમાં જ એકનાથે માતાપિતાની છત્રછાયા ગુમાવી. દાદા ચક્રપાણિએ એમનો ઉછેર કર્યો.

સાત વર્ષની ઉંમરે એકનાથના યજ્ઞોપવીત સંસ્કાર થયા. એકનાથ દાદા પાસે સંસ્કૃત, મરાઠી, ફારસી વગેરે ભાષાઓ શીખ્યા. હિસાબ-કિતાબ અને વ્યાવહારિક પત્રલેખનનું શિક્ષણ પણ મેળવ્યું.

અગિયાર વર્ષની ઉંમરે એકનાથ દેવગિરિમાં રહેતા જનાર્દન સ્વામી પાસે અભ્યાસ માટે આવ્યા. અહીં એમણે રામાયણ, મહાભારત, પુરાણો, ઉપનિષદ જેવા ગ્રંથોનો સાંગોપાંગ અભ્યાસ કર્યો.

એક વાર એકનાથ હિસાબ તપાસતા હતા. હિસાબમાં કંઈક ગૂંચ હતી. સરવાળામાં કશીક ભૂલ હતી.

મેળ મળે નહીં ત્યાં સુધી ઊંઘ આવે ક્યાંથી ? એકનાથ વારંવાર આખો હિસાબ તપાસવા લાગ્યા. ફરી ફરી સરવાળા કરવા લાગ્યા. આખરે રાતના ત્રણ વાગે ભૂલ પકડાઈ.

ભૂલ પકડાતાં જ એકનાથે જોરથી તાળીઓ પાડી અને ‘મળી ગયો’, ‘મળી ગયો’ એમ મોટેથી બૂમ પાડી.

એકનાથનો અવાજ સાંભળી ગુરુ જનાર્દન સ્વામી બહાર આવ્યા. એમણે એકનાથની ખુશાલી જોઈને કહ્યું, ‘શું મળી ગયું ?’

એકનાથે કહ્યું ‘સરવાળાની ભૂલ પકડવા માટે હું ખૂબ મહેનત કરતો હતો. ખૂબ મથ્યો. આખરે ભૂલ પકડાઈ.’

ગુરુએ કહ્યું, ‘એટલે શું ?’

એકનાથ બોલ્યા, ‘જો આ સરવાળો ન મળ્યો હોત તો હું ઊંઘી શક્યો ન હોત. રકમ સાવ નાની હતી, પણ મેળ મળે નહીં ત્યાં સુધી ચેન પડે નહીં.’

ગુરુએ કહ્યું, ‘એકનાથ, સાવ નાની રકમનો મેળ મેળવવા માટે આટલા બેચેન થવાની જરૂર નથી. આત્માનો પરમાત્મા સાથે મેળ મેળવવાની બેચેની હોવી જોઈએ.’

ગુરુનાં આ વાક્યોએ એકનાથનું આંતરપરિવર્તન કર્યું. એણે સંન્યાસ લીધો. ગુરુની સાથે તીર્થધામોની યાત્રાએ ચાલી નીકળ્યા. પ્રવાસ દરમિયાન સાધુસંતો સાથે અર્થ નહીં, પરમાર્થ વિશે ચર્ચાવિચારણા કરવા લાગ્યા.

એમણે આચરણમાં અદ્વૈત વેદાંતને પૂરેપૂરો પચાવ્યો. આત્માનો પરમાત્મા સાથે મેળ મેળવનાર સંત એકનાથે સમાજને ભક્તિની સાચી સમજ આપી. યવનોના શાસનકાળ દરમિયાન કચડાયેલા હિંદુ સમાજને એમણે કુનેહથી જાગ્રત કર્યો.

એક માર્મિક વાક્ય વ્યક્તિના સમગ્ર જીવનને ક્ષણવારમાં પરિવર્તિત કરી દે છે. રોહિણેય કે અંગુલિમાલના હૃદય પર ક્રૂરતાએ ઘેરો ઘાલ્યો હતો, પણ એક વાક્ય જ એમના હૃદયમાં ક્રૂરતાને બદલે કરુણા જગાવે છે. જીવનની આ ક્ષણો મહામૂલી છે. એ ક્ષણને પોતાના જીવનમાં જાળવે, તે જીવનને ધન્ય બનાવી જાય છે. ક્ષણભંગુર જીવનને આવી ધન્ય ક્ષણો જ શાશ્વતતા અર્પે છે !

કુમારપાળ દેસાઈ

આત્મીયતાનો સ્પર્શ


સ્વામી રામતીર્થ અમેરિકાના પ્રવાસે ગયા હતા. એ જમાનામાં વિમાની મુસાફરીની સગવડ નહીં હોવાથી સ્વામીજી આગબોટ મારફતે અમેરિકા ગયા. આગબોટ જેમ જેમ અમેરિકાની નજીક આવતી ગઈ તેમ તેમ લોકો ઊતરવા માટે તૈયારી કરવા લાગ્યા. કોઈ સામાન ગોઠવે, કોઈ સામાન લઈ બારણાં આગળ જાય, તો કોઈ દોડાદોડ કરીને બધો સામાન ગોઠવે. સ્વામી રામતીર્થ તો સાવ શાંતિથી બેસી રહ્યા. નિર્લેપ ભાવે સહુની દોડાદોડ જોતા હતા. એમાંય આગબોટ જ્યારે બંદર પર આવી, ત્યારે તો લોકોની અધીરાઈનો પાર ન રહ્યો. સહુ એમનાં સગાં-વહાલાંને મળવા માટે અધીર હતા. કોઈ સૌથી પહેલાં ઊતરવા માગતા હતા, તો કોઈ પોતાને લેવા આવેલા સંબંધીઓને મળવા માટે આતુર હતા.

આમ ચારેબાજુ દોડાદોડ ચાલી રહી હતી, પણ આ સમયે સ્વામીજી તો તદ્દન શાંત હતા. કોઈ ઉતાવળ કે અધીરાઈ નહીં, જાણે ભારે નિરાંત હોય તેમ તેઓ બેઠા હતા. આગબોટમાં મુસાફરી કરી રહેલી એક અમેરિકન મહિલા અતિ આશ્ચર્યથી સ્વામી રામતીર્થને જોતી હતી. એક તો એમનો પહેરવેશ વિચિત્ર અને એમાંય એમનું આવું વિલક્ષણ વર્તન જોઈને તો એના આશ્ચર્યની સીમા ન રહી. અમેરિકન મહિલા પોતાની જિજ્ઞાસા રોકી શકી નહીં. એ સ્વામી રામતીર્થ પાસે દોડી આવી અને બોલી, ‘કેવા અજાયબ માનવી છો આપ ? તમને કોઈ ઉતાવળ નથી કે કોઈ અધીરાઈ નથી. આપ ક્યાંથી આવો છો ? આપનો પરિચય આપશો ?’

સ્વામી રામતીર્થે કહ્યું, ‘હું હિંદુસ્તાનથી આવું છું. સાધુનું જીવન ગાળું છું. હિંદુસ્તાનનો ફકીર છું.’

અમેરિકન મહિલાએ પૂછ્યું, ‘પણ આપ અહીં આવો છો, ત્યારે આપનું કોઈ પરિચિત તો હશે ને ? ઓળખાણ વગર અજાણ્યા મુલકમાં કોઈ આવે ખરું ?’

સ્વામીજીએ કહ્યું, ‘હા, હું ઓળખું છું.’

‘કોણ છે એ આપની પરિચિત વ્યક્તિ ? મને જરા એની ઓળખાણ આપશો ?’ અમેરિકન મહિલાએ પૂછ્યું.

સ્વામી રામતીર્થે કહ્યું, ‘બીજું કોણ ? તમે જ.’

અને સ્વામી રામતીર્થના સ્વભાવમાં એટલી આત્મીયતા ઊભરાતી હતી કે અમેરિકન મહિલાને પણ એની અસર થઈ. અમેરિકન મહિલા સાથે વર્ષો જૂનો સંબંધ હોય એવી લાગણી થઈ. અમેરિકન મહિલા સ્વામીજીને પોતાની સાથે લઈ ગઈ અને આદર-સન્માનપૂર્વક રાખ્યા.

સ્વામી રામતીર્થના હૃદયમાં વહેતો પવિત્ર ભાવ અજાણી વ્યક્તિના હૃદયમાં પણ સ્પંદનો જગાવે છે. એની સાથે જાણે વર્ષો જૂનો સંબંધ હોય, એવો નાતો રચી આપે છે. સંતના હૃદયમાં સમષ્ટિના પરિવર્તનની પ્રબળ શક્તિ રહેલી છે. હૃદયની નિર્મળ લાગણી આશ્ચર્યકારી ચમત્કાર સર્જે છે. શુદ્ધ હૃદયની શક્તિ અશક્ય લાગતી બાબતને શક્ય કરી શકે છે.

કુમારપાળ દેસાઈ