Categories
વાચન સમૃદ્ધિ

સન્માન પદમાં કે માનવતામાં ?

સમ્રાટ સિકંદરના સેનાપતિની નિષ્ઠા, કુશળતા અને માનવતા સર્વત્ર પ્રસિદ્ધ હતી. સમ્રાટ સિકંદર સ્વયં એની કાર્યપદ્ધતિથી પ્રસન્ન હતો, પરંતુ એક વાર સેનાપતિથી નાનકડી ક્ષતિ થતાં ગુસ્સે ભરાયેલા સમ્રાટે એને નીચી પાયરી પર ઉતારીને સૂબેદાર બનાવી દીધો, પરંતુ સેનાપતિ પર આનો કશો પ્રભાવ પડ્યો નહીં. એણે આ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો અને અગાઉ જેટલી જ નિષ્ઠા, તત્પરતા અને સમર્પણભાવથી કામગીરી બજાવતો હતો. થોડા સમય બાદ કાર્યપ્રસંગે સમ્રાટ સિકંદરને મળવાનું થયું, ત્યારે સમ્રાટ સિકંદરે આ સૂબેદારનો ઉત્સાહ જોઈને પ્રશ્ન કર્યો, ‘તમે સેનાપતિ હતા ત્યારે જેટલા આનંદ અને ઉત્સાહથી રહેતા હતા, એટલા જ આનંદ અને ઉત્સાહથી અત્યારે પણ રહેતા લાગો છો. મને તો એમ કે તમને આ રીતે નીચલી પાયરીએ મૂક્યા તેથી તમે દુઃખી અને હતોત્સાહ થઈ ગયા હશો.’ સૂબેદારે કહ્યું, ‘ના શહેનશાહ, બલ્કે હું વધુ સુખી થયો છું. પહેલાં તો સૈનિકો અને અધિકારીઓ મારાથી ભયભીત રહેતા હતા. નજીક આવતાં ડરતા હતા. હવે એ મને પ્રેમથી મળવા આવે છે અને જરૂર પડ્યે મારી સલાહ પણ લે છે. એ રીતે મને એમની નિકટ આવવાનો અને સેવા કરવાનો સુંદર મોકો મળ્યો છે’ સિકંદરે કહ્યું, ‘એ બધું તો ઠીક, પરંતુ તમને સેનાપતિના સર્વોચ્ચ પદ પરથી દૂર કરીને આવા સામાન્ય સ્થાને મૂક્યા, તેનું તમને અપમાન લાગ્યું નથી ? લોકો તમારી મજાક કરતા હશે અથવા તો મનોમન હાંસી ઉડાવતા હશે, એમ નથી માનતા ?’ સૂબેદારે સિકંદરને વળતો સવાલ કર્યો, ‘શહેનશાહ, તમે મને એ સમજાવશો કે સન્માન પદમાં છે કે માનવતામાં ? ઉચ્ચ પદ પ્રાપ્ત કરીને કોઈ અહંકારી બની જાય અને અન્ય લોકોની ઉપેક્ષા કરે કે એમના પર જુલમ ગુજારે તો તે નિંદનીય છે. ખરું સન્માન તો ઈમાનદારી, કર્તવ્યનિષ્ઠા અને પરોપકાર છે અને એવું કરવાની મને વિશેષ તક મળતી હોવાથી હું અત્યંત સુખી, સંતુષ્ટ અને આનંદિત છું.’ સૂબેદારનો ઉત્તર સાંભળીને સિકંદરે આખી રાત એના વિશે વિચાર કર્યો અને બીજે દિવસે વહેલી સવારે આ કર્તવ્યનિષ્ઠ સૂબેદારને બોલાવીને એનું છીનવેલું પદ સન્માનભેર પાછું આપ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રમુખને પક્ષી દેખાયું ત્યારે

1901થી 1909 સુધી અમેરિકાના પ્રમુખનો હોદ્દો સંભાળનાર થિયોડોર રૂઝવેલ્ટ(1858થી 1919)ની વિશેષતા એ હતી કે તેઓ વિશ્વના સમર્થ રાજનીતિજ્ઞોથી માંડીને સામાન્યમાં સામાન્ય નોકરો સુધી સહુ કોઈને સાચુકલા હૃદયનો પ્રેમ કરતા હતા. પ્રમુખ તરીકે એ ઑફિસે જવા નીકળે ત્યારે રસ્તામાં એમના નોકરોનાં નિવાસસ્થાન આવતાં હતાં. જો પોતાના નોકરોને એમની ઝૂંપડીની બહાર જોતા નહીં, તો એની ઝૂંપડીની બહાર ઊભા રહીને એને નામથી બોલાવતા. એ નોકર બહાર આવે, ત્યારે હસ્તધનૂન કરતા અથવા તો ભાવભર્યું સ્મિત આપતા. પ્રમુખ રૂઝવેલ્ટના પોતાના અંગત નોકરનું નામ હતું જેમ્સ ઇ. એમોઝ. એક વાર પ્રમુખને એમનાં પત્નીએ કહ્યું કે એમણે ક્યારેય બોબ વ્હાઇટ નામનું પક્ષી જોયું નથી. આ સમયે પ્રમુખનો નોકર જેમ્સ ઇ. એમોઝ પણ ઊભો હતો. એણે આ વાતમાં સાક્ષી પુરાવી કે આ પક્ષી વિશે સાંભળ્યું છે ઘણું, પણ ક્યારેય જોવા મળ્યું નથી. મને પણ એ પક્ષી જોવાની તીવ્ર ઇચ્છા છે એમ કહ્યું. બન્યું એવું કે થોડા દિવસ બાદ પ્રમુખ રૂઝવેલ્ટ એમોઝના ઝૂંપડાની બહારથી પસાર થતા હતા, ત્યારે એમણે એના ઘરની બહાર પક્ષી ઊભેલું જોયું. પ્રમુખે તરત જ એને ફોન કર્યો. ફોન એમોઝની પત્નીએ ઉપાડ્યો. પ્રમુખે એને કહ્યું, ‘જેમ્સ ઇ. એમોઝ જે પક્ષી જોવા માટે અતિ આતુર છે, એ તમારી બારીની બહાર જ બેઠું છે અને જો એ બહાર જોશે તો એને આ પક્ષી જોવા મળશે.’ પ્રમુખ રૂઝવેલ્ટ એમના પ્રેમાળ સ્વભાવને કારણે સામાન્યમાં સામાન્ય કર્મચારીના હૃદયમાં પણ ઘણું ઊંચું સ્થાન પામ્યા હતા. એમના નોકર જેમ્સ ઇ. એમોઝે તો સમય જતાં પ્રમુખનું ઔદાર્ય અને માનવતા દર્શાવતા ઘણા પ્રસંગોયુક્ત સ્મરણકથા લખી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ડર શેનો ?

એલિનૉર રૂઝવેલ્ટ (1884થી 1962) અમેરિકાનાં પ્રખર માનવતાવાદી અગ્રણી, કુશળ લેખિકા અને અમેરિકાના રાજકારણમાં આગવી પ્રતિભા ધરાવનાર મહિલા હતાં. માતા-પિતાનું અકાળ અવસાન થતાં એમનો ઉછેર માતામહીએ કર્યો. એ પછી ચાર વખત અમેરિકાના પ્રમુખ બનનાર ફ્રેન્કલિન રૂઝવેલ્ટ સાથે એમનાં લગ્ન થયાં અને એ જાણીતાં થયાં, તેથી એમના પર નિંદા અને ટીકાઓનો વરસાદ વરસવા લાગ્યો. એમના દુશ્મનોએ એમની પ્રસિદ્ધિને કારણે એમની વગોવણી કરવામાં કશું બાકી રાખ્યું નહીં. પ્રમુખ રૂઝવેલ્ટની સાથે ટીકાખોરો એલિનૉરની ટીકા કરવાની એકેય તક ચૂકતા નહોતા. એક દિવસ એલિનૉરે એનાં અનુભવી ફૈબાની સલાહ લીધી. એમનાં ફૈબા એ અમેરિકાનાં કુશળ રાજકારણી અને પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટનાં બહેન હતાં. એલિનૉરે એમને કહ્યું કે, ‘એમની ઇચ્છા તો ઘણાં કાર્યો કરવાની છે, જાહેરજીવનમાં સક્રિય ભાગ ભજવવાની છે, ડેમૉક્રૅટિક પક્ષના મજબૂત ટેકેદાર બનવાની છે; પરંતુ લોકોની ટીકાના ભયને કારણે કશું કરી શકતાં નથી. પોતે કશું કરશે તો લોકો શું કહેશે, એની ચિંતાથી એ સતત ગભરાતાં રહે છે.’ થિયોડોર રૂઝવેલ્ટની બહેને એલિનૉરની આંખમાં આંખ પરોવીને કહ્યું, ‘આવી ફિકર છોડી દે. જે કામ તને તારા હૃદયથી યોગ્ય લાગતું હોય તે નિર્ભય બનીને કર. બીજા લોકો શું કહેશે, તેની પરવા કરવાની લેશમાત્ર જરૂર નથી. આપણે સાચા હોઈએ, પછી ગભરાવાનું શું? જેઓ તારી ટીકા કરે છે, એમની પ્રકૃતિને તારે ઓળખી લેવી જોઈએ. તું કામ કરીશ તો પણ એ તારા માથે છાણાં થાપશે અને તું કામ નહીં કરે, તો પણ તારા પર સતત ટીકાનો વરસાદ વરસાવતા રહેશે એટલે તારે જે કામ કરવું હોય તે એક વખત દિલથી નક્કી કર અને પછી એ કામમાં ડૂબી જા.’ એલિનૉર રૂઝવેલ્ટે ફૈબાની આ સલાહ સ્વીકારી અને એનું પરિણામ એ આવ્યું કે એ અમેરિકાના જાહેરજીવનમાં ખ્યાતનામ મહિલા બન્યાં.