Categories
વાચન સમૃદ્ધિ

બીમારીનો આભાર

ઑક્સફર્ડ યુનિવર્સિટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા એકવીસ વર્ષના સ્ટિફન હૉકિંગ(જ. 8 જાન્યુઆરી, 1942)ના શરીરમાં એકાએક અણધાર્યા ફેરફારો થવા લાગ્યા. સ્કેટિંગ કરતાં બરફ પર પડી જતાં ડૉક્ટરો એમને હૉસ્પિટલમાં લાવ્યા અને લાંબી તપાસને અંતે ખ્યાલ આવ્યો કે એકવીસ વર્ષનો આ યુવક મોટરન્યૂરોન ડિસીઝ (MND) અથવા ઍમિયો ટ્રૉફિક લૅટર સ્ક્લેરોસિસ (ALS) નામના જીવલેણ રોગના હુમલાનો ભોગ બન્યો છે. લગભગ બધાં જ અંગો લકવાગ્રસ્ત બની ગયાં. આ એવી બીમારી હતી કે એમાં મગજ એના શરીર પરનું નિયંત્રણ ગુમાવી દે છે. ડૉક્ટરોએ પણ ભવિષ્ય ભાખ્યું કે સ્ટિફન હૉકિંગની બે વર્ષથી વધુ આવરદા નથી. એ પછી ન્યુમોનિયા થયો અને શ્વાસોચ્છવાસની ભારે તકલીફ થઈ. ગળાની શસ્ત્રક્રિયા કરતાં સ્વરપેટીને નુકસાન થતાં વાચા ચાલી ગઈ. પહેલાં તો હૉકિંગને એમ થયું કે હવે બ્રહ્માંડ વિજ્ઞાનમાં મેળવેલી પીએચ.ડી.ની પદવીનો શો મતલબ ? સ્ટિફન હૉકિંગનાં સઘળાં સ્વપ્નાં આથમી ગયાં હતાં, પરંતુ એનું મગજ બરાબર સ્વસ્થ હતું અને તેથી એણે થિયૉરેટિકલ ફિઝિક્સમાં સંશોધન કરવાનું ચાલુ રાખ્યું. એમાં એણે અદ્ભુત સિદ્ધિ મેળવી. ખગોળવિદ્યામાં આગવી નામના હાંસલ કરી. એનું પુસ્તક ‘બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઇમ’એ 237 સપ્તાહ સુધી ‘સન્ડે ટાઇમ્સ’ની બેસ્ટ-સેલર યાદીમાં સ્થાન પામીને વિક્રમ સર્જ્યો. એવું જ એમનું બીજું એટલું જ લોકપ્રિય પુસ્તક ‘ધ યુનિવર્સ ઇન એ નર શેલ’ છે. માથે મૃત્યુનો ડર ઝઝૂમતો હતો છતાં છેલ્લાં 39 વર્ષથી એ સતત સંશોધનકાર્ય કરે છે. એની પ્રથમ પત્ની જેન વાઇલ્ડે એને સમજાવ્યું હતું કે ભવિષ્ય જેવું કશું છે જ નહીં. વર્તમાનમાં જ જીવો. સ્ટિફન હૉકિંગ કહે છે કે આજે ક્યારેક મારા જીવનના ભૂતકાળને જોઉં છું, તો થાય છે કે હું કેટલું બધું શાનદાર જીવન જીવ્યો અને મારાં શોધ-સંશોધનોને માટે હું મારી બીમારીનો સૌથી વધુ આભારી છું. એને કારણે બધું છોડીને મારા ધ્યેયને વળગી રહ્યો. સ્ટિફન હૉકિંગે બ્લૅકહોલ, વિશ્વની ઉત્પત્તિના સિદ્ધાંત ‘બિગબૅંગ’ અને બ્રહ્માંડનાં વિવિધ પાસાંઓ વિશે સંશોધન કર્યું. આજે તેઓ બ્રહ્માંડના અંતિમ રહસ્યની શોધ કરી રહ્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

પંદર કલાકનો પદાર્થપાઠ

અમેરિકન નૌકાદળની ‘બાયા એસ.એસ.318’ નામની સબમરીનમાં 1945ના માર્ચમાં રોબર્ટ મૂર એના બીજા સાથી 88 સૈનિકો સાથે 376 ફૂટ નીચે પાણીમાં  પસાર થતો હતો. એ સમયે ટેલિસ્કોપથી જોતાં જાણ થઈ કે જાપાનનાં ત્રણ યુદ્ધજહાજો એમના તરફ ધસી રહ્યાં છે. અમેરિકન સબમરીને ત્રણ ટોરપીડો છોડીને એના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યાંત્રિક ખામીને કારણે અમેરિકન ટોરપીડો નિષ્ફળ ગયા. એવામાં આકાશમાં ઊડતા જાપાની વિમાનનો સંકેત પ્રાપ્ત કરીને જાપાનના નૌકાદળના રક્ષક જહાજે સબમરીનની જગાને શોધી કાઢી. એ સમયે સબમરીનનો સહેજે અવાજ ન સંભળાય તે માટે પંખા, કૂલિંગ સિસ્ટમ તેમજ ઇલેક્ટ્રિક ગિયર બંધ કરી દીધાં. બધા હાલ્યાચાલ્યા વિના બેસી રહ્યા અને સબમરીનને ચારે તરફથી બંધ કરી દીધી. ત્રણેક મિનિટ બાદ જાપાની જહાજમાંથી બૉમ્બ ફેંકાયા એટલે તત્કાળ સબમરીન 276 ફૂટ નીચે લઈ જવામાં આવી. જાપાનના હુમલાખોર જહાજે પંદર કલાક સુધી બૉમ્બ ઝીંક્યે રાખ્યા. જો આમાંથી એક પણ બૉમ્બ 17 ફૂટ નજીક પડ્યો હોત, તો સબમરીનમાં કાણું પડી જાત. આ પંદર કલાકમાં સામે મોત દેખાતાં રોબર્ટ મૂરના મનમાં ગત જીવનના અનેક અનુભવો પસાર થઈ ગયા. ઓછો પગાર, બૉસનો વિચિત્ર સ્વભાવ, પત્ની સાથેના કલહ-કંકાસ એ બધી વાતો યાદ આવી અને થયું કે હું કેવી નાની નાની બાબતો માટે ચિંતા સેવતો અને ઝઘડતો હતો. એ સમયે મૃત્યુની સન્મુખ ઊભેલા રોબર્ટ મૂરને અફસોસ થયો કે જીવન તો કેવું અતિ મૂલ્યવાન છે. આવી નાની નાની ચિંતાઓનું એમાં સ્થાન ન હોવું જોઈએ. એને અફસોસ થયો કે કેવી કેવી ચિંતાઓ અને ભાવો સેવીને મેં મારા જીવનને વ્યર્થ અને વામણું બનાવી દીધું. કેટલીય અર્થહીન બાબતો માટે બીજી વ્યક્તિ સાથે, સમાજ સાથે અથડામણમાં ઊતર્યો. રોબર્ટ મૂરે પોતાની જાતને વચન આપ્યું કે જો હું જીવતો બહાર નીકળીશ તો હું ક્યારેય ચિંતા નહીં કરું. સદ્ભાગ્યે રોબર્ટ મૂરની એ સબમરીન જાપાનના યુદ્ધજહાજોના હુમલામાંથી હેમખેમ બચી ગઈ, પણ કટોકટીના પંદર કલાકે રોબર્ટ મૂરને જીવન જીવવાની ચાવી આપી દીધી.

Categories
વાચન સમૃદ્ધિ

ઊછળતો ઉત્સાહ

નાયગ્રાનો ધોધ સાહસિકોને માટે સદા પડકારરૂપ બની ગયો છે. કોઈ દોરડા પર ચાલીને એ ધોધ પસાર કરે, તો કોઈ બેરલમાં રહીને એ પસાર કરે. આવા નાયગ્રાના ધોધ પર ઝુમ્બ્રાટી નામના એક સાહસવીરે દોરડા પર ચાલવાનું નક્કી કર્યું. એણે આ ભયંકર ધોધ પર બાંધેલા દોરડા પર ચાલીને પોતાની સફર પૂરી કરી. ઝુમ્બ્રાટી પર ચોતરફથી અભિનંદનોની વર્ષા વરસવા લાગી. આવી સિદ્ધિ બદૃલ સહુ કોઈ એને વધાવવા લાગ્યા. ત્યારે એના એક ચાહકે આવીને કહ્યું, ‘ઝુમ્બ્રાટી, તમે કમાલ કરી. પણ હવે કંઈક એવી સિદ્ધિ મેળવો કે ભવિષ્યમાં પણ કોઈ એવી સિદ્ધિ મેળવી શકે નહીં. એક એવું કામ કરો કે જગત આખું તમને સદાય યાદ રાખે અને તમારી સિદ્ધિને કોઈ આંબી શકે નહીં.’ ઝુમ્બ્રાટીએ પૂછ્યું, ‘કહો, તમે કયો નવો વિચાર લઈને આવ્યા છો?’ ‘હું તમારા માટે ‘વ્હીલબેરો’ (બે ટેકણ અને પૈડાંવાળી બગીચાકામની હાથગાડી) લઈને આવ્યો છું. હવે તમે નાયગ્રા ધોધ પર દોરડા પર આ વાહન મૂકીને પસાર કરો. એવું કામ થશે કે આજની જ નહીં, પણ આવતીકાલની દુનિયા પણ દંગ રહી જશે.’ પોતાના ચાહકના ઉત્સાહને જોઈને ઝુમ્બ્રાટીએ વળતો પ્રશ્ન કર્યો, ‘તમને એવો વિશ્વાસ છે કે હું વ્હીલબેરો સાથે નાયગ્રા પાર કરીને સામે છેડે પહોંચી શકીશ ?’ આવેશથી ચાહકે કહ્યું, ‘અરે ચોક્કસ, મને પૂરેપૂરી ખાતરી છે. તમે જરૂર આ કામ કરી શક્શો.’ ઝુમ્બ્રાટીએ ધીમા અવાજે કહ્યું, ‘તમને ચોક્કસ ખાતરી છે તો હવે તમે પણ મારી સાથે ‘વ્હીલબેરો’માં બેસી જાવ. આપણે બંને સાથે આ સાહસ કરીશું.’ ઉત્સાહથી ઊછળતો ચાહક ઠંડોગાર બની ગયો.