એક જ ડાળી પર ગુલાબ અને


કંટક હોય છે ===================

માનવી જીવનમાં ગુલાબ શોધે છે. સુખ પામવાની એને અતિ તીવ્ર ઝંખના છે. સુખપ્રાપ્તિ માટે તલસાટ છે. સુખપ્રાપ્તિ થતાં ગાઢ આનંદ અનુભવે છે. સુખનું વિરોધી છે દુ:ખ. કોઈ હાનિ પહોંચાડે, અપમાનિત કરે કે કટુવચન કહે તો એના દિલમાં કાંટા ભોંકાય છે. આમ એ સુખ અને દુ:ખને, ગુલાબ અને કાંટાને અલગ અલગ જુએ છે. ગુલાબની ઝંખના રાખે છે, કાંટાનો અજંપો અનુભવે છે, પરંતુ સમય જતાં એને સમજાય છે કે જીવનની એક જ ડાળી પર ગુલાબ છે અને એની સાથે જ કાંટા છે. પહેલાં જે સાવ ભિન્ન અને વિપરીત લાગતું હતું, એ હવે એક લાગે છે. એક જ ડાળી પર સુખ અને દુ:ખ વસતાં જોવા મળે છે અને વિચાર કરે છે કે આ ડાળી ઊગી એની સાથોસાથ જ આ કાંટાય ઊગ્યા છે ! અને ગુલાબ પણ ઊગ્યું છે ! જીવનની તરાહ પણ એવી છે કે કાંટા ઊગે છે અને સાથે ગુલાબ પણ ઊગે છે. જીવનમાં દુ:ખ આવે છે અને એની પાછળ સુખ આવતું હોય છે. રાત્રીના અંધકારની પાછળ દિવસનું પ્રભાત આવતું હોય છે. ઘણી વાર તો સુખનો પડછાયો દુઃખ હોય છે. સુખ અને દુ:ખને અલગ જોવાની જરૂર નથી, એને બદલવાની જરૂર નથી. એને એકસાથે જોવાની જરૂર છે. પ્રત્યેક સુખ અને દુ:ખ સંયુક્ત છે, જાણે એક સિક્કાની બે બાજુ. આ દ્વંદ્વગ્રસ્ત જગતમાં નિર્ભેળ સુખ કે સર્વથા દુ:ખ હોતાં નથી, પરંતુ તમારી આજ્ઞાનું પાલન કરે અને જે તમારા પ્રભાવ હેઠળ હોય તે સુખ છે અને જે આજ્ઞાનું ઉલ્લંઘન કરે અને સર્વથા અનાદર કરે તે દુ:ખ. જે વૃક્ષ મુશળધાર વરસાદને અને બળબળતા તાપને ધૈર્યથી સ્વીકારે છે, એ જ રીતે માનવીએ જીવનમાં સદૈવ સુખદુ:ખનું સ્વાગત કરવું જોઈએ. વિચિત્રતા તો એ છે કે માણસ એના સુખનું સ્મરણ દુ:ખની વેળાએ કરે છે અને દુઃખનું સ્મરણ એના સુખના સમયમાં થાય છે.

કુમારપાળ દેસાઈ

હાથવગા દીવડા


કૅનેડાના પ્રસિદ્ધ ચિકિત્સક અને શિક્ષણશાસ્ત્રી સર વિલિયમ ઑસ્લર (૧૮૪૯થી ૧૯૧૯) મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે એમના માથા પર ચિંતાનો મોટો બોજ એ હતો કે તેઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ વ્યવસાયમાં ક્યાં ઠરીઠામ થશે ? કઈ રીતે એમની આજીવિકા ચાલશે ? એમનું ભવિષ્ય શું ?

આ સમયે એમણે એમના કબાટમાંથી થોમસ કાર્લાઇલનું એક પુસ્તક કાઢીને આ સૂત્ર વાંચ્યું, ‘આપણું મુખ્ય કામ દૂરસુદૂરના ઝાંખા પ્રકાશને જોવાનું નથી, પરંતુ આપણું કામ તો હાથવગા દીવડાને કામમાં લેવાનું છે.’ આ વાક્ય વાંચતાં જ સર વિલિયમ ઑસ્લરના ચિત્ત પરનો સઘળો ભાર ઊતરી ગયો. એમણે વિચાર્યું કે બહુ દૂર-દૂરના ભવિષ્યની ચિંતા કરીને દુ:ખી થવા કરતાં અત્યારની પરિસ્થિતિનો મુકાબલો કરીને આનંદ માણવો જોઈએ, આથી એમણે એક નવો શબ્દ શોધ્યો, ‘ડે-ટાઇટ કમ્પાર્ટમેન્ટ.’  આ શબ્દનો અર્થ એટલો કે દિવસના ટાઇટ કમ્પાર્ટમેન્ટમાં જીવો. રોજના દિવસને જાણો અને જીવો. એમાં ભૂતકાળનો કોઈ બોજ કે ભવિષ્યકાળની કોઈ ચિંતા દાખલ થવા દેશો નહીં, બલ્કે ભૂતકાળને ભૂલી જાઓ અને ભવિષ્યકાળની ધારણા કરવાનું છોડી દો અને આજના દિવસને રળિયામણો ગણીને જીવવાનું રાખો. આ વિચારને પરિણામે વિલિયમ ઑસ્લર કૅનેડાના વિશ્વવિખ્યાત ચિકિત્સક બન્યા. ૧૮૭૩ સુધીમાં લોહીમાંના નહીં ઓળખાયેલા ગઠનકોશો(પ્લેટલેટ્સ)ને એમણે શોધી કાઢ્યા. ફિલાડેલ્ફિયા ક્લિનિકલ મેડિસિનના અધ્યક્ષ બન્યા. કેટલાંય ઉચ્ચ પદ પામ્યા અને મેડિકલ શિક્ષણમાં પણ એમણે ક્લિનિકલ એક્ઝામિનેશનના ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું. એમના ગ્રંથો વિશાળ જ્ઞાનના ઉત્તમ નમૂનારૂપ બની રહ્યા, આમ છતાં તેઓ સ્વીકાર કરતા કે હું બીજી સામાન્ય વ્યક્તિઓ જેવો જ છું, માત્ર મારી જીવવાની પદ્ધતિમાં ‘ડે-ટાઇટ કમ્પાર્ટમેન્ટ’ને હું અનુસરું છું.

કુમારપાળ દેસાઈ

સમસ્યા સૂતેલાં સાહસ અને


ધૈર્યને જગાડે છે ——————–

જીવનમાં આવતી સમસ્યાના સિક્કાની એક બાજુ વેદના છે, તો બીજી બાજુ પડકાર છે. સિક્કાની માત્ર વેદનાની બાજુએ જ જોતો માનવી એ સમસ્યાના દુ:ખથી ઘેરાઈ જાય છે, પણ જો સિક્કાની બીજી બાજુ સમા પડકારનો વિચાર કરશે તો એને અહેસાસ થશે કે આ સમસ્યા એને માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે. સમસ્યા અંગે ઊંડાણથી વિચારતાં ખ્યાલ આવશે કે આ સમસ્યા એ અવરોધ નથી, પરંતુ અવસર છે. સમસ્યાનો સામનો કરતી વખતે માનવીનું વ્યક્તિત્વ ખીલી ઊઠે છે. એને ખુદને ખબર ન હોય એવા કેટલાય શક્તિસ્રોતનો એ અનુભવ કરે છે. એનામાં મુશ્કેલીઓ સામે ધૈર્ય રાખવાની એવી શક્તિ પ્રગટ થાય કે તે અંગે એ સ્વયં આશ્ચર્ય અનુભવે છે. માનવીના ગુણનું પ્રાગટ્ય આવી કસોટીના સમયમાં થતું હોય છે અને એ અગ્નિપરીક્ષામાં તપાઈ તપાઈને એના વ્યક્તિત્વનું સુવર્ણ બહાર આવતું હોય છે, આથી જ પ્રત્યેક સંકટ વ્યક્તિમાં એક નવી વ્યક્તિ સર્જે છે, નવી શક્તિ જગાડે છે, નવા વિચારો આપે છે અને એને પરિણામે આ સમસ્યાઓ જ વ્યક્તિના વ્યક્તિત્વનું રૂપાંતર કરતી હોય છે. સમસ્યાને કારણે ભયભીત થઈને પલાંઠી વાળીને બેસી રહેલો માનવી જ્યારે એનો સામનો કરે છે ત્યારે એનામાં ભયના સીમાડા ઓળંગવાની શક્તિ ઊભી થાય છે. એનાં સુષુપ્ત સાહસ અને ધૈર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે અને ક્યારેક તો એ સ્વયં એના ભીતરની આ તાકાત જોઈને આશ્ચર્ય અનુભવે છે ! જે સમસ્યા માર્ગમાં અવરોધરૂપ પથ્થર લાગતી હતી, તે વિકાસનું પગથિયું બની જાય છે, કારણ કે વ્યક્તિ એ સમસ્યાનાં મૂળ સુધી જાય છે. સ્વસ્થ ચિત્તે એનાં કારણો તપાસે છે અને એનું નિવારણ કરવાના પ્રયત્નોમાં એના ભીતરમાં રહેલું દૈવત પ્રગટ થાય છે.

કુમારપાળ દેસાઈ