Categories
વાચન સમૃદ્ધિ

મીઠાનો ગાંગડો મને પાછો

આપ ================

ગૌતમ ગોત્રના અરુણિ ઋષિના પુત્ર અને ધૌમ્ય ઋષિના શિષ્ય ઉદ્દાલક ઋષિ સમક્ષ એમના જ્યેષ્ઠ પુત્ર શ્વેતકેતુએ અતિ ગહન અને મહત્ત્વપૂર્ણ જિજ્ઞાસા પ્રગટ કરી. અત્યાર સુધી શ્વેતકેતુએ આત્મા સંબંધી ઘણા વિચારો અને ચર્ચાઓ સાંભળ્યાં હતાં. એ પોતાનું શરીર પ્રત્યક્ષ જોઈ શકતો હતો, કિંતુ એનો આત્મા અગોચર હતો. એના મનમાં વારંવાર શંકા જાગતી કે આ બધા આત્મનિષ્ઠ પુરુષો આત્માની ચર્ચા-વિચારણા કરે છે, પણ તે હવામાં બાચકાં ભરવા જેવી તો નહીં હોય ને ! શ્વેતકેતુએ પોતાના આત્મા વિશેનો સંશય પ્રગટ કર્યો. એના પિતા અને મહાન ઋષિ ઉદ્દાલકે એને મીઠાનો એક નાનો ગાંગડો લઈ આવવાનું કહ્યું. એ ગાંગડો ઋષિએ પાણીથી ભરેલા પાત્રમાં નાખવા કહ્યું. બીજા દિવસે ઋષિ ઉદ્દાલકે પોતાના પુત્ર શ્વેતકેતુને કહ્યું કે પેલું પાણી ભરેલું પાત્ર લાવ અને મેં આપેલો મીઠાનો ગાંગડો પાછો આપ. શ્વેતકેતુએ કહ્યું, ‘મીઠાનો એ ગાંગડો પાણીમાં નાખી દીધો છે. મીઠાનું કોઈ અલાયદું અસ્તિત્વ રહ્યું નથી. હવે તમને કેવી રીતે પાછો આપું ?’ વેદ-વેદાંગના પારંગત ઉદ્દાલક ઋષિએ કહ્યું, ‘કશો વાંધો નહીં. આ પાત્રમાં જે પાણી છે તેના ઉપરના ભાગમાંથી પાણી લઈને એક ઘૂંટડો પી જા. પછી એના સ્વાદ વિશે મને કહેજે.’ શ્વેતકેતુ ઉપરનું પાણી પી ગયો અને કહ્યું કે આ તો મીઠાનું અત્યંત ખારું પાણી છે. આથી પિતાએ કહ્યું, ‘શ્વેતકેતુ, આ પાત્રમાંથી ઉપરનું પાણી કાઢી નાખ અને વચ્ચેનું પાણી પી જા. શ્વેતકેતુએ પિતાની આજ્ઞા માથે ચઢાવી અને મધ્યભાગનું પાણી પીધું, તો એ પણ ખૂબ ખારું હતું. ઉદ્દાલક ઋષિએ ફરી કહ્યું, ‘ખેર, આ પાત્રમાં રહેલા પાણીના ઉપરના ભાગમાં ખારાશ છે, વચ્ચે ખારાશ છે. હવે એકદમ નીચે રહેલું પાણી પીઓ.’ શ્વેતકેતુએ પાત્રની સાવ નીચે રહેલા પાણીને લઈને પીવાનો પ્રયત્ન કર્યો અને બોલી ઊઠ્યો, ‘અરે, આ તો ખૂબ ખારું છે. આ સાંભળી ઋષિ ઉદ્દાલકે કહ્યું, ‘પ્રિય પુત્ર, આ બધું જ મીઠાના ગાંગડા જેવું છે. હવે તને તારી વાત સમજાશે. પાણીમાં મીઠું ઓગળી ગયું છે. મીઠું નજરે ચઢતું નથી, કિંતુ ઉપર, વચ્ચે કે નીચે – સર્વત્ર એની ખારાશ અનુભવવા મળે છે. બસ, આવી જ વાત છે આત્માની. એ શરીરમાં સતત રમણ કરતો હોય છે, છતાં આપણે તેમને જોઈ શકતા નથી.’ એ દિવસે શ્વેતકેતુને શરીર અને આત્માના ભેદની ઓળખ મળી.

માનવી જીવનભર પ્રયાસ કરે, તોપણ દેહ-આત્માના ભેદને પામી શકતો નથી. માનવજીવનનો પરમ હેતુ જ એના ભેદને પારખવાનો-પામવાનો છે !

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કમલા બેનીવાલ

જ. ૧૨ જાન્યુઆરી, ૧૯૨૭ અ. ૧૫ મે, ૨૦૨૪

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ સભ્ય અને ગુજરાત રાજ્યનાં પૂર્વગવર્નર કમલા બેનીવાલનો જન્મ બ્રિટિશ ભારતની રાજપૂતાના એજન્સીના ગોરીર ખાતે એક જાટ પરિવારમાં થયો હતો. માત્ર ૧૫ વર્ષની વયે તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયાં હતાં અને ‘ભારત છોડો’ ચળવળમાં સામેલ થયાં હતાં. કમલા બેનીવાલ ૨૭ વર્ષની વયે ૧૯૫૪માં વિધાનસભાની ચૂંટણી જીત્યાં અને રાજસ્થાન રાજ્ય સરકારમાં મંત્રી બન્યાં હતાં. ૧૯૫૪થી જ તેમણે રાજસ્થાનમાં એક પછી એક કૉંગ્રેસ સરકારોમાં મંત્રીપદે રહી ગૃહ, તબીબી અને આરોગ્ય, શિક્ષણ અને કૃષિ સહિતના વિવિધ મહત્ત્વના વિભાગો સંભાળ્યા હતા. તેઓ અશોક ગેહલોત સરકારમાં મહેસૂલમંત્રીપદે રહ્યાં હતાં. ૧૯૮૦થી ૧૯૯૦ દરમિયાન કૅબિનેટ પ્રધાન તરીકે તેમણે કૃષિ, પશુપાલન, સિંચાઈ, શ્રમ અને રોજગાર, શિક્ષણ, કલા અને સંસ્કૃતિ, પર્યટન અને સંકલિત ગ્રામીણ વિકાસ જેવા વિવિધ વિભાગોનું નેતૃત્વ કર્યું હતું. એક મંત્રી તરીકે લગભગ ૫૦ વરસ સુધી રાજસ્થાન સરકારમાં સેવાઓ આપી. તેમની લાંબી કારકિર્દી દરમિયાન તેઓ પ્રદેશ કૉંગ્રેસ પક્ષની કામગીરી સાથે પણ સંકળાયેલાં હતાં. કમલા બેનીવાલને ઑક્ટોબર, ૨૦૦૯માં ત્રિપુરાના રાજ્યપાલપદે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. તેઓ પૂર્વોત્તર ભારતમાં પ્રથમ મહિલારાજ્યપાલ હતાં. એક મહિના બાદ ૨૭ નવેમ્બર, ૨૦૦૯ના રોજ તેમને ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમણે ચાર વરસથી વધુ સમય માટે સેવા આપી હતી. ૬ જુલાઈ, ૨૦૧૪ના રોજ તેમની મિઝોરમના રાજ્યપાલ પદ પર બદલી કરવામાં આવી હતી. ૯૭ વર્ષની વયે જયપુરની એક ખાનગી હૉસ્પિટલમાં ટૂંકી બીમારી બાદ કમલા બેનીવાલનું અવસાન થયું હતું.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

શ્રીલંકા

ભારતની દક્ષિણે આવેલો એક પડોશી દેશ.

શ્રીલંકા ભારતની દક્ષિણે હિન્દી મહાસાગરની એક જ છાજલી પર આશરે ૩૫ કિમી. દૂર આવેલો નાનો ટાપુરૂપ દેશ છે. તે લગભગ ૫ ૫૫´થી ૯ ૫૦´ ઉ. અ. તથા ૭૯ ૪૨´થી ૮૧ ૫૨´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેની ચારે બાજુ સમુદ્ર છે. તેની પશ્ચિમમાં અરબી સમુદ્ર, પૂર્વમાં બંગાળનો ઉપસાગર, ઉત્તરમાં મનારનો અખાત તથા દક્ષિણમાં હિન્દી મહાસાગર આવેલા છે. તેનો આકાર મોતી અથવા નાળિયેર જેવો છે. તેનાથી થોડેક દૂર દક્ષિણમાં હિન્દી મહાસાગરમાં થઈને વિષુવવૃત્તની રેખા પસાર થાય છે. તેનું ક્ષેત્રફળ આશરે ૬૫,૬૧૦ ચોકિમી. જેટલું છે. તે ઉત્તર-દક્ષિણ વધુમાં વધુ ૪૩૫ કિમી. જેટલી લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ આશરે ૨૪૦ કિમી. જેટલી પહોળાઈ ધરાવે છે. તે ૧૫૦૦ કિમી. લાંબો સમુદ્રતટ ધરાવે છે. તેની વસ્તી આશરે ૨,૦૮,૧૦,૮૧૬ (૨૦૧૭) જેટલી છે.

કોલંબો

શ્રીલંકા અને ભારત વચ્ચે સાંકડી અને છીછરી પાલ્કની સામુદ્રધુની આવેલી છે, જેમાં બંને દેશોને જુદા પાડતી સીમા આવેલી છે. ધનુષ્કોડી (ભારત) અને તલાઈમનાર (શ્રીલંકા) વચ્ચે હારબંધ ખડકાળ નાના નાના દ્વીપો અને રેતાળ પરવાળાના ખરાબાની એક શૃંખલા આવેલી છે જે ‘આદમના પુલ’ કે ‘રામના સેતુ’ તરીકે ઓળખાય છે. રામાયણ મહાગ્રંથમાં શ્રીરામ, લક્ષ્મણ તથા હનુમાનજીએ તેમની સેના સાથે આ પુલ પર થઈને લંકાના રાજા રાવણ પર આક્રમણ કર્યું હોવાનો ઉલ્લેખ છે. શ્રીલંકાની કુદરતી વનસ્પતિમાં અનેક પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. ગિરિપ્રદેશના ઊંચા ભેજવાળા ભાગોમાં સદાહરિત જંગલો આવેલાં છે. કેટલીક જગ્યાએ પરરોહી (orchid) વનસ્પતિની જાતો પણ વૃક્ષો પર થતી જોવા મળે છે. નદીકિનારા પાસે વાંસનાં ઝુંડ અને તાડની વિવિધ જાતો થાય છે. દેશના પશ્ચિમ કિનારે ફણસનાં વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. શ્રીલંકામાં જોવા મળતાં પ્રાણીઓમાં સ્લોથ બૅર (રીંછ), હાથી, ચેવરોટાઇન, હરણ, વાંદરાં અને સ્લેન્ડર લૉરિસ મુખ્ય છે. સાબરાગામુવા પ્રદેશનાં જંગલોમાં વિશિષ્ટ પ્રકારના હાથી થાય છે. સિલોન સાબર અને સાપની કેટલીક જાતો પૈકીની પોલોન્ગા એ અહીંની વિશિષ્ટ જાત છે. અહીં ચામાચીડિયાની ૨૮ જાતો જોવા મળે છે. તે સિવાય અહીં કોયલ, મોર, કાગડા, ઘુવડ, બાજ, ગરુડ, સેવન સિસ્ટર્સ, હમિંગ બર્ડ વગેરે પક્ષીઓ મહત્ત્વનાં છે. નદીઓ તથા સમુદ્રમાં સંખ્યાબંધ મગર જોવા મળે છે. વળી બતક, બગલાં, સારસ, જળકૂકડી, હંસ વગેરે સામાન્ય છે. પાટનગર કોલંબો શ્રીલંકાનું સૌથી મોટું નગર તથા બંદર છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અમલા પરીખ