Categories
વાચન સમૃદ્ધિ

અંતરદ્વારમાં સહુને આવકારજો

સ્વામી વિવેકાનંદે દેશમાં અને વિદેશમાં આધ્યાત્મિક ચેતનાની જાગૃતિનું કાર્ય કર્યું. ભારતીય પ્રજાને એનાં ધર્મ અને સંસ્કૃતિ માટે ગૌરવ લેતી કરી. અંગ્રેજોએ ભારતને માત્ર રાજાઓ, મદારીઓ અને કોબ્રાના દેશ તરીકે ઓળખ્યો હતો એ પશ્ચિમી જગતને ભારતીય પ્રચંડ આધ્યાત્મિક શક્તિનો પરિચય આપ્યો. સ્વામી વિવેકાનંદ પાસે સમાજના તમામ સ્તરના લોકો આવતા. પોતાની શંકા અને જિજ્ઞાસા પ્રગટ કરતા અને સ્વામીજી એનું સમાધાન શોધી આપતા.

એક દિવસ સ્વામી વિવેકાનંદ પાસે એક અકળાયેલો યુવાન આવ્યો. એણે કહ્યું, ‘સ્વામીજી, હું આશ્રમોમાં ગયો, પલાંઠી લગાવીને સાધના કરવા બેઠો. દિવસોના દિવસો સુધી સાધના કરી, પણ મારા હૃદયને સહેજે શાંતિ મળી નહીં.’

કોઈ પ્રભાવક સંતની વાત સાંભળું એટલે મારી શ્રદ્ધાનાં સુમન લઈને એ સંતની પાસે દોડી જતો. એમની પાસે ચિત્તશાંતિની યાચના કરતો. તેઓનો ઉપદેશ સાંભળતો, પણ ક્યાંય મને શાંતિ ન મળી. પાર વિનાનું તીર્થાટન કર્યું, પરંતુ જીવનમાં અશાંતિ એટલી જ રહી.

સ્વામી વિવેકાનંદે પૂછ્યું, ‘આ સિવાય બીજા કોઈ પ્રયત્નો કર્યા ખરા ?’

યુવાને કહ્યું, ‘હા, મારી કોટડી બંધ કરીને હું બેસી ગયો. મારા ઘરમાં કોઈ ન પ્રવેશે. આ બધું કરવા છતાં ક્યાંય શાંતિ મળી નહીં.’

વિવેકાનંદે કહ્યું, ‘તમારી કોટડીના દરવાજા બંધ ન રાખશો. એને પૂરેપૂરા ખુલ્લા રાખજો. એમાં કોઈ અભાવગ્રસ્ત આવે તો એને આવકાર આપજો. દરવાજાની બહાર નીકળીને આસપાસ વસતા દુ:ખી, રોગી અને ભૂખ્યા લોકોની ભાળ મેળવજો અને યથાશક્તિ એમની સેવા કરજો. જે નિરક્ષર અને અજ્ઞાની હોય તેમને હેતથી ભણાવજો. આ કરશો તો તમને જરૂર શાંતિ મળશે.’ માનવીની અધ્યાત્મયાત્રા માટે પહેલી જરૂર જીવનસાધનાની છે. અન્ય વ્યક્તિઓને સહાયભૂત થવામાં જ જીવનનો મર્મ હાથ લાગશે. માનવસેવા, જીવનસાધના અને નેક દિલના આત્મસમર્પણ પર આધ્યાત્મિક ઇમારત રચાવી જોઈએ. અધ્યાત્મમાં પ્રવેશનારાએ પહેલાં માનવસેવાની સમજ મેળવવાની છે. માત્ર મોક્ષની મોટી મોટી વાતો કરવાથી કશું નહીં વળે. મોક્ષ મેળવવા માટે પહેલાં માનવકલ્યાણનો વિચાર કરવો જોઈએ. આપણે જોઈએ છીએ કે મોક્ષની વાત કરનાર જીવનથી વિમુખ હોય છે. ક્યારેક તો એને બીજાના જીવન તરફ ભારોભાર તિરસ્કાર હોય છે અથવા તો એ બીજાને ભૌતિકવાદી ઠેરવીને પોતે આધ્યાત્મિક હોવાનો આડંબરયુક્ત પ્રયાસ કરે છે. આને પરિણામે એ વ્યક્તિ સેવાના આનંદથી પણ અળગી રહે છે. સામાન્ય માનવીની ઉપેક્ષા કરીને વ્યક્તિ કદી અસાધારણ બની શકે નહીં. સામાન્ય માનવીની ચિંતા, સેવા અને કલ્યાણનો વિચાર કરનાર વ્યક્તિઓ  અસાધારણ બની શકે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ચિત્તરંજન દાસ (દેશબંધુ)

જ. ૫ નવેમ્બર, ૧૮૭૦ અ. ૧૬ જૂન, ૧૯૨૫

‘દેશબંધુ’ના નામથી જાણીતા બંગાળના વકીલ અને ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના એક ટોચના કાર્યકર્તા તેમજ સ્વરાજ પાર્ટીના સંસ્થાપક. તેમનો જન્મ તેલીરબાગ, ઢાકાના પ્રખ્યાત એવા દાસ પરિવારમાં થયો હતો. આ દાસ પરિવાર બ્રહ્મસમાજ સાથે જોડાયેલો હતો. તેમના પરિવારમાં વકીલોની સંખ્યા વધુ હોવાથી વકીલોનો પરિવાર કહેવાતો હતો. ૧૮૯૦માં બી.એ.ની પરીક્ષા પાસ કર્યા બાદ આઈ.સી.એસ. બનવા માટે ઇંગ્લૅન્ડ ગયા હતા અને ૧૮૯૨માં બૅરિસ્ટર બનીને ભારત પાછા આવ્યા. તેમણે વકીલાત શરૂ કરી. ૧૮૯૪માં વકીલાતનો પોતાનો ધીકતો વ્યવસાય છોડી દીધો હતો અને અસહકાર આંદોલનમાં સક્રિય રીતે જોડાયા. ૧૯૦૯માં અલીપોર બૉમ્બવિસ્ફોટ પ્રકરણ અંતર્ગત તેમણે અરવિંદ ઘોષ પર લાગેલા રાજદ્રોહના આરોપોનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. શ્રી અરવિંદે તેમના ઉત્તરપાડાના ભાષણમાં ચિત્તરંજન દાસનો જાહેર આભાર માનતાં જણાવ્યું હતું કે અલીપોર પ્રકરણમાં ચિત્તરંજન દાસને તેમને બચાવવા માટે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તેઓ ૧૯૧૯થી ૧૯૨૨ના અસહકાર આંદોલન દરમિયાન બંગાળના અગ્રણી નેતા રહ્યા. અનુશીલન સમિતિની પ્રવૃત્તિઓ સાથે પણ સક્રિયપણે જોડાયેલા હતા. તેમણે બ્રિટિશ કાપડ પર પ્રતિબંધ મૂકવાની સાથે વિદેશી કપડાંની હોળી કરી ખાદીનાં વસ્ત્રો પહેરવાની શરૂઆત કરી હતી. તેમણે ‘ફૉર્વર્ડ’ નામનું એક દૈનિક ચાલુ કર્યું હતું. જેને પછીથી બ્રિટિશ શાસન વિરુદ્ધની લડત માટે ‘લિબર્ટી’ એવું નામ આપવામાં આવેલું. કલકત્તા નગર નિગમની સ્થાપના થતાં તેઓ તેના પ્રથમ મેયર બન્યા હતા. સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે તેઓ અિંહસા અને વૈધાનિક પદ્ધતિમાં વિશ્વાસ ધરાવતા હતા અને હિંદુ-મુસ્લિમ એકતા, સહયોગ તેમ જ સાંપ્રદાયિક સદભાવની તરફેણ કરતા હતા. મહાત્મા ગાંધીના જૂથના ‘નો કાઉન્સિલ એન્ટ્રી’ ઠરાવને અનુમોદન ન મળતાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ગયા ખાતે મળેલા અધિવેશનમાં અધ્યક્ષપદેથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. ૧૯૨૩માં તેમણે મોતીલાલ નહેરુ તથા હુસૈન શહીદ સુહરાવર્દીના સહયોગથી સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી હતી. ભારતીય  ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માનમાં એક સ્મારકટિકિટ બહાર પાડવામાં આવી છે.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

શાંઘાઈ

ચીનનું મોટામાં મોટું શહેર તથા બંદર.

તે ૩૧ ૧૦’ ઉ. અ. અને ૧૨૧ ૩૦’ પૂ. રે. પર આવેલું છે. ચીનના જિયાન્ગસુ પ્રાંતમાં આવેલું આ શહેર હુઆંગપુ અને વુસાંગ નદીઓના સંગમસ્થળે વિસ્તરેલું છે. તે ચીનનું મહત્ત્વનું બંદર તથા ઔદ્યોગિક શહેર છે. તેની વસ્તી ૨,૪૧,૫૦,૦૦૦ (૨૦૧૩) છે.

ઈ. સ. ૯૬૦થી ૧૨૭૯ના ગાળા દરમિયાન સુંગ વંશના શાસન હેઠળ શાંઘાઈ માત્ર એક નાનું વેપારી મથક હતું. ૧૧મી સદીમાં અહીં માછીમારો રહેતા હતા. ૧૩૬૦ પછીથી તેનો વિકાસ એક શહેર તરીકે થતો ગયો. ૧૮૪૨માં થયેલા કહેવાતા ચીન-બ્રિટનના અફીણયુદ્ધને અંતે બ્રિટને આ શહેરને વિદેશી વેપાર માટે મુક્ત બનાવવાની ફરજ પાડેલી. ત્યારબાદ બ્રિટન, ફ્રાન્સ, યુ.એસ.એ., જાપાન તેમ જ અન્ય ઘણા દેશના લોકોનો વેપાર વધ્યો. ઘણા વિદેશીઓ અહીં આવીને વસ્યા. દુનિયાના બજારમાં શાંઘાઈને આગળ પડતું સ્થાન મળ્યું. ધીમે ધીમે તે પાશ્ચાત્ય શૈલીનું શહેર બનવા લાગ્યું. ૨૦મી સદીની શરૂઆતમાં સ્થાનિક નાગરિકોએ વિદેશી અસર સામે પ્રતિકાર શરૂ કર્યો. ૧૯૨૧માં શાંઘાઈમાં ચીનનો સામ્યવાદી પક્ષ સ્થપાયો. ૧૯૨૭માં ચીની રાષ્ટ્રવાદીઓએ અનેક ચીની સામ્યવાદીઓની હત્યા કરી. ૧૯૩૭માં  જાપાનીઓએ શાંઘાઈ કબજે કર્યું. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી શાંઘાઈ જાપાનના તાબા હેઠળ હતું. આંતરરાષ્ટ્રીય સમાધાન બાદ વિદેશીઓ આ શહેર છોડી ગયા અને ૧૯૪૯માં સામ્યવાદીઓએ ચીન પર વર્ચસ્વ જમાવ્યું. ત્યારપછી શાંઘાઈનો વિસ્તાર વધ્યો. નવા ઉદ્યોગો સ્થપાયા. ૧૯૬૬ની સાંસ્કૃતિક ક્રાંતિ વખતે સામ્યવાદી પક્ષના પ્રમુખ માઓ ઝેદાંગ (માઓ ત્સે તુંગ) સત્તા ઉપર આવ્યા. ૧૯૭૯માં ફરી પાછું શહેરને નાગરિક સત્તા હેઠળ સોંપાયું. શાંઘાઈ મ્યુનિસિપાલિટી ધરાવે છે, જે દ્વિપક્ષ પદ્ધતિ અનુસાર કામ કરે છે.

હાલનું શાંઘાઈ દુનિયાનું વધુમાં વધુ ગીચ વસ્તી ધરાવતું શહેર ગણાય છે. શહેરને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવેલું છે : (૧) ઉત્તર તરફનો જૂનો વિદેશી વિભાગ, (૨) દક્ષિણ તરફનો મૂળ ચીની વસાહતવાળો વિભાગ, (૩) આ બે વિભાગોની આજુબાજુ વિકસેલા પરાં-વિસ્તારો. શાંઘાઈનો મધ્ય ભાગ જૂના વિદેશી વિભાગમાં આવેલો છે. અહીં ૧૯૨૦ના દાયકામાં બાંધેલી ગગનચુંબી ઇમારતો  છે. જ્યાં પહેલાં વિદેશીઓ રહેતા હતા ત્યાં આજે ચીની કુટુંબો રહે છે. જાહેર બગીચાઓ પૂરા થાય છે ત્યાં વહાણો માટેની ગોદીઓ આવેલી છે. અહીંના નાનજિંગ માર્ગ પર દુકાનો તથા રેસ્ટોરાં આવેલાં છે.

વિદેશી વિભાગની દક્ષિણે મૂળ ચીની વસાહત આવેલી છે, જે ‘ચીની શહેર’ (‘Chinese City’) નામથી ઓળખાય છે. અહીં રહેણાક અને વેપારી ઇમારતો વચ્ચે વાંકીચૂકી સાંકડી શેરીઓ આવેલી છે. ૧૯૫૦ના દાયકા પછી ચીની સામ્યવાદી સરકારે જૂના શાંઘાઈની આજુબાજુ ૧૧ જેટલાં પરાંનું નિર્માણ કર્યું છે. તેમાં આવાસો, દુકાનો, શાળાઓ, કારખાનાં વગેરે આવેલાં છે. અહીં ઘણી યુનિવર્સિટીઓ, કૉલેજો તથા સંશોધનકેન્દ્રો આવેલાં છે. શાંઘાઈના લગભગ બધા જ નિવાસીઓ ચીની છે. શાંઘાઈ એક મહત્ત્વનું ઔદ્યોગિક નગર છે. અહીં પોલાદ, યંત્રસામગ્રી, જહાજી બાંધકામ, રસાયણો અને વૈજ્ઞાનિક સાધનો માટેના; લોટની અને વનસ્પતિતેલની મિલોના તથા ખનિજતેલ માટેની રિફાઇનરી જેવા ઉદ્યોગો વિકસ્યા છે. શાંઘાઈ બંદર ચીનની ૫૦ ટકા આયાત-નિકાસનો વેપાર સંભાળે છે. શાંઘાઈનાં જાણીતાં સ્થળોમાં ૧૮૮૨નું જેડ બૌદ્ધ મંદિર, ક્રાંતિકારી સૂન-યાત-સેન(Sun-Yat-Sen)નું નિવાસસ્થાન, ચીનના સામ્યવાદી પક્ષની સર્વપ્રથમ નૅશનલ કૉંગ્રેસની બેઠક ખાનગી રાહે મળેલી તે સ્થળ તથા લુ ઝૂન(Lu Xun)નું મકાન, સંગ્રહસ્થાન અને તેમની કબરનો સમાવેશ થાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અમલા પરીખ