Categories
વાચન સમૃદ્ધિ

જીવ બળે તે સારું !

યહૂદી ધર્મગુરુ પાસે આવીને એક મોચીએ દયામણા ચહેરે અને ભીની આંખે કહ્યું, ‘આપ હંમેશાં અમને ઉપદેશ આપો છો અને કહો છો કે રોજ સવારે પ્રાર્થના કરવી જોઈએ, પણ મારે માટે અત્યંત મુશ્કેલ છે, હવે શું કરું ?’ ધર્મગુરુએ કારણ પૂછતાં મોચીએ કહ્યું, ‘રોજ સવારે પ્રાર્થના કરવાની ઇચ્છા હોય છે, પણ હું કરી શકતો નથી. આખી રાત જાગીને હું કામ કરું છું અને સવારે પણ મારું એ કામ ચાલુ જ હોય છે. સહેજે નવરો પડતો નથી અને તેથી પ્રાર્થના કરી શકતો નથી.’ ‘એટલે ? તું શું આખી રાત કામ કરે છે ?’ મોચીએ કહ્યું, ‘હા, મારા વિસ્તારમાં ગરીબો વસે છે. એ આખો દિવસ કોઈના ઘરનું કામ કરે છે અથવા તો ખેતરમાં મજૂરી કરવા જાય છે. રાત્રે ઘેર પાછા ફરે પછી મને એમનાં તૂટેલાં બૂટ-ચંપલ સાંધવા માટે આપી જાય છે. જો બીજે દિવસે સવાર પછી એ બૂટ-ચંપલ સાંધવાનું રાખું તો એ નોકરો અને મજૂરોને આખો દિવસ બૂટ-ચંપલ વિના ચલાવવું પડે, રસ્તાના કાંટા કે બળબળતો તાપ વેઠવો પડે. આથી આખી રાત હું એમનાં તૂટેલાં બૂટચંપલ સાંધું છું. એટલું બધું કામ હોય છે કે સવારે પણ બૂટ-ચંપલ સાંધવાનું ચાલુ રહે છે. સવારે નવ વાગે એ બધા મારે ઘેર આવે ત્યારે હું એમને એમનાં બૂટ-ચંપલ સાંધીને આપી દઉં છું. સવારે પ્રાર્થના કરી શકતો નથી, તેથી મારો જીવ તો બહુ બળે છે.’ ધર્મગુરુએ પૂછ્યું, ‘કેમ જીવ બળે છે ? શું થાય છે તને ?’ ‘ક્યારેક ઉતાવળે પ્રાર્થના કરું છું ત્યારે મારા જીવને આખો દિવસ ગોઠતું નથી. અને જો પ્રાર્થના કરવાનું ચૂકી જાઉં તો મારા મનને એક પળ નિરાંત મળતી નથી. સતત પ્રાર્થના યાદ આવે છે. વિચારું છું કે કેવો કમનસીબ છું હું અને આને કારણે મારો જીવ સતત બળ્યા કરે છે.’ ધર્મગુરુએ કહ્યું, ‘જો હું ભગવાન હોત તો તારી વહેલી સવારની પ્રાર્થના કરતાં તારા બળેલા જીવથી તારા પર વધારે પ્રસન્ન થાત.’

Categories
વાચન સમૃદ્ધિ

એન. વી. ગાડગીલ

જ. 10 જાન્યુઆરી, 1896 અ. 12 જાન્યુઆરી, 1966

મહારાષ્ટ્રના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની, રાજકારણી અને સમાજસુધારક. તેમનું પૂરું નામ નરહર વિષ્ણુ ગાડગીલ. તેઓ ‘કાકાસાહેબ’ના હુલામણા નામથી પણ ઓળખાતા. જન્મ મંદસૌરના મલ્હારગઢમાં. શિક્ષણનો પ્રારંભ વેદ પાઠશાળામાં કર્યા બાદ પુણેના નૂતન મરાઠી વિદ્યાલયમાંથી મૅટ્રિક પાસ થઈ ઉચ્ચશિક્ષણ માટે વડોદરા કૉલેજમાં અને ત્યારબાદ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. બે વર્ષ બાદ એલએલ.બી.ની ઉપાધિ મેળવી અને થોડા સમય માટે ટિળક મહાવિદ્યાલયમાં શિક્ષક તરીકે જોડાયા અને 1920થી રાષ્ટ્રીય કૉંગ્રેસના કાર્યમાં ઓતપ્રોત થઈ ગયા. 1921થી શરૂ થયેલી બધી રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધો અને લગભગ પાંચ વરસ ઉપરાંત જેલ પણ ભોગવી. ત્રણ દાયકા સુધી તેઓ કૉંગ્રેસ પક્ષમાં પદાધિકારી હતા. તેઓ પુણે જિલ્લા કૉંગ્રેસ સમિતિના મંત્રી, અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય, ભારતીય લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય અને 1934થી 37 દરમિયાન કેન્દ્રીય ધારાસભાના સભ્ય રહ્યા હતા. તેઓ 1937થી 1945 સુધી મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રમુખ રહ્યા અને 1945થી 1947 સુધી કૉંગ્રેસ લેજિસ્લેટિવ પાર્ટીના સેક્રેટરી રહ્યા. આ ઉપરાંત 1947થી 1950 સુધી નહેરુના મંત્રીમંડળમાં ઊર્જામંત્રી રહ્યા. 1958થી 1962 દરમિયાન પંજાબના રાજ્યપાલ રહ્યા અને નિવૃત્તિ બાદ 1964થી 1966 સુધી ‘સાવિત્રીબાઈ ફુલે પૂના વિશ્વવિદ્યાલય’ના કુલપતિ તરીકે રહ્યા. તેમણે મરાઠી સાહિત્યમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે, આથી જ 1962ના મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવેલી. તેમણે ‘હનારાવ’ તખલ્લુસથી સામયિકોમાં રાજકારણ, અર્થશાસ્ત્ર, કાયદો અને બંધારણીય વિકાસ ઉપર ઘણા લેખો લખ્યા હતા. તેમનાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકો પૈકી ‘પથિક’ (2 ભાગમાં આત્મકથા), ‘લાલ કિલ્લાચ્યા  છાયેત’, ‘કાહી મોહરા કાહી મોતી’ (ભારતીય નેતાઓનાં રેખાચિત્રો) તથા ‘માઝે સમકાલીન’ નોંધપાત્ર છે. સામાજિક સુધારણા અંગે ઉદાર વિચારસરણી ધરાવતા હોવાથી જ્ઞાતિસંસ્થાના વિરોધી હતા. અસ્પૃશ્યતાના દૂષણનો વિરોધ કરી 1929ના પુણેનું પાર્વતી મંદિર અછૂતો માટે ખુલ્લું  મૂકવાની ચળવળ પણ ચલાવેલી. આ ઉપરાંત વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવાના પણ હિમાયતી રહ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

હંગેરી

મધ્ય યુરોપમાં આવેલો નાનો દેશ. તે ૪૭° ૦૦´ ઉ. અ. અને ૨૦° ૦૦´ પૂ. રે. પર વિસ્તરેલો છે. તે લગભગ ૯૩,૦૩૨ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સ્લોવાકિયા, ઈશાને યુક્રેન, પૂર્વમાં રુમાનિયા, દક્ષિણે ક્રોએશિયા અને સર્બિયા, નૈર્ઋત્યમાં સ્લોવેનિયા તથા પશ્ચિમે ઑસ્ટ્રિયા જેવા દેશો આવેલા છે. હંગેરીનું પાટનગર બુડાપેસ્ટ છે. હંગેરીની વસ્તી ૯૬,૩૦,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે.

પ્રાકૃતિક દૃષ્ટિએ દેશના ભૂપૃષ્ઠને ચાર વિભાગોમાં વહેંચી શકાય : (૧) વિશાળ મેદાન, (૨) ટ્રાન્સડેન્યૂબિયા, (૩) નાનું મેદાન, (૪) ઉત્તરનો ઉચ્ચપ્રદેશ. ડેન્યૂબ અહીંની મુખ્ય નદી છે. ડેન્યૂબ નદી પડોશી દેશો સાથેના જળવ્યવહારમાં ખૂબ ઉપયોગી બની રહે છે. હંગેરીના પશ્ચિમ ભાગમાં મધ્ય યુરોપનું સૌથી મોટું સરોવર બાલાટોન (૫૯૬ ચોકિમી.) આવેલું છે. તેનું કદ એટલું વિશાળ છે કે તે ‘હંગેરિયન સી’ (sea) તરીકે ઓળખાય છે ! પ્રવાસીઓ માટેનું કુદરતી સૌંદર્યથી ભરપૂર એ પ્રિય સ્થળ છે. વેલેન્સી અહીં આવેલું અન્ય જાણીતું સરોવર છે. અહીં પક્ષીઓની અનેક જાતિઓ જોવા મળે છે. અહીં ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા રહે છે. અહીં સરેરાશ વરસાદ ૬૦૦ મિમી. જેટલો પડે છે.

બુડાપેસ્ટની યુનિવર્સિટી ઑવ્ ટૅક્નૉલૉજી ઍન્ડ ઇકૉનૉમિક્સ, હંગેરીનો રાષ્ટ્રીય પોશાક અને નૃત્ય

દેશમાં ખનિજસંપત્તિ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. અહીંથી લોહઅયસ્ક, બૉક્સાઇટ અને મૅંગેનીઝનાં ખનિજો, ખનિજતેલ અને કુદરતી વાયુ મળી રહે છે. હંગેરીના મુખ્ય કૃષિપાકોમાં મકાઈ, ઘઉં, જવ, સૂરજમુખીનાં ફૂલ, સફરજન, બટાકા અને શર્કરા-કંદનો સમાવેશ થાય છે. હંગેરીમાં સડકમાર્ગો તથા રેલમાર્ગની સુવિધા સારી છે. નદીઓ દ્વારા જળવ્યવહાર ચાલે છે. બુડાપેસ્ટ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. ૧૭૮૨માં સ્થપાયેલી યુનિવર્સિટી ઑવ્ ટૅક્નૉલૉજી દુનિયાની જૂનામાં જૂની યુનિવર્સિટી છે. દેશમાં લગભગ ૭૭૬ જેટલાં મ્યુઝિયમ અને કલાદીર્ઘાઓ આવેલાં છે. ‘રેડ પેપરિકા’(red paparika) ખાસ હંગેરીમાં જ ઉગાડેલાં મરચાંમાંથી બનાવવામાં આવે છે. તે હંગેરીનો રાષ્ટ્રીય તેજાનો ગણાય છે. સૉકર, સ્વિમિંગ જેવી રમતો અહીં પ્રિય છે. અહીં વારતહેવારે સંગીતના જલસાઓ યોજાય છે. પાટનગર બુડાપેસ્ટ હંગેરીનું સૌથી મોટું શહેર છે. આખું શહેર ભવ્ય ઐતિહાસિક સ્થાપત્યોથી ભરેલું છે. અહીં ગૉથિક શૈલી, બરોક શૈલી અને નિયો-રોમન તથા નિયો-ક્લાસિકલ શૈલીનાં કલાત્મક સ્થાપત્યો તથા ઇમારતો આવેલાં છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં અનોખું સ્થાપત્ય ધરાવતું ફિશરમૅન્સ બાસ્ટિયન મુખ્ય છે. આ ટાવર પરથી ડેન્યૂબ નદી, માર્ગરેટ આઇલૅન્ડ, પાર્લમેન્ટ હાઉસનું વિહંગમ દૃશ્ય નજરે પડે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હંગેરી, પૃ. 145)